Paap ane Punyani Vyakhya in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | પાપ અને પુણ્યની વ્યાખ્યા

Featured Books
Categories
Share

પાપ અને પુણ્યની વ્યાખ્યા

સામાન્ય રીતે આપણે જીવનમાં દાન-ધર્મ કરીએ, તીર્થયાત્રામાં જઈએ, ધર્મસ્થાનકોએ જઈને દર્શન કરીએ, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, શુભકાર્ય કે સત્કાર્ય કરીએ તેનાથી પુણ્ય બંધાય એમ કહેવાય છે. જ્યારે ચોરી, હિંસા જેવા અમાનવીય કૃત્યો કરીએ તો પાપ બંધાય છે એમ કહેવાય છે. પણ ખરેખર પાપ-પુણ્ય ફક્ત ક્રિયાઓથી જ નહીં, ભાવથી પણ બંધાય છે.
બીજાને સુખ આપવાનો કંઈપણ ભાવ થવો, બીજા માટે જાત ઘસી નાખવી, પારકાં માટે શુભ ભાવનાઓ કરવી, એ બધાથી પુણ્ય બંધાય છે. જ્યારે એથી વિપરીત બીજાને દુઃખ આપવાના ભાવ કરવા, વિચાર-વાણી-વર્તનથી કોઈપણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ આપવું, તેનાથી પાપ બંધાય છે. કોઈ વ્યક્તિ માટે અવળા વિચારો આવે તેનાથી પાપ બંધાય છે. એથી વધારે પાપ દુઃખદાયી વાણીથી, સામાને ઘા વાગે એવા શબ્દો બોલવાથી બંધાય છે, જેમાં સામાને બહુ દુઃખ થાય છે.
પાપ-પુણ્ય કઈ રીતે બંધાય છે તેને સૂક્ષ્મતા સમજવા એક દાખલો લઈએ. ધારો કે, રસ્તામાં એક પથ્થર પડ્યો હોય, અને આપણને એવો ભાવ થાય કે, “આ પથ્થર કોઈને ન વાગે તો સારું.” તો એવા ભાવથી પુણ્ય બંધાય છે. જ્યારે એવો ભાવ થાય કે, “આટલી ભીડમાં પથરો પડ્યો છે તો એ વાગવાનો જ કોઈને, એમાં આપણે શું કરીએ?” તો એનાથી પાપ બંધાય. હજુ ક્રિયા તો થઈ જ નથી.
પુણ્ય અને પાપના આધારે મનુષ્યનો આવતો ભવ કઈ ગતિમાં થશે તે નક્કી થાય છે. અધમ કૃત્યો જેમ કે મનુષ્યને મારી નાંખે, મનુષ્યનું માંસ ખાય, એનાથી ભારે પાપકર્મ બંધાય છે; જેનું ફળ નર્કગતિ આવે છે. જ્યારે કપટ કરે, ભેળસેળ કરે, સ્વાર્થ માટે જૂઠું બોલે, ક્રોધ-માન-માયા-લોભ જેવા કષાયો કરે, એ બધાથી પણ પાપ બંધાય છે; જેનું ફળ તિર્યંચગતિ એટલે કે જનાવરની ગતિ આવે છે. બીજી બાજુ, પોતાના મનની શક્તિ, વાણીની, દેહની, અંતઃકરણની બધી શક્તિ પારકા માટે વપરાય તો તે પુણ્ય બાંધીને દેવગતિ મેળવે છે. એટલે અત્યંત પાપ બાંધે તે નર્કગતિમાં જાય. અત્યંત પુણ્ય બાંધ્યું હોય તે દેવગતિમાં જાય. પાપ વધારે અને પુણ્ય ઓછું બાંધ્યું હોય તે જાનવરમાં આવે. અને પુણ્ય વધારે અને પાપ ઓછું બાંધ્યું હોય તે મનુષ્યમાં આવે. માટે કોઈ પણ જીવને દુઃખ ના થાય તે જોવું જોઈએ. નોકર જેવા સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ આપણાથી દુઃખ ના થવું જોઈએ. કારણ કે, દરેકની અંદર આત્મા રહેલો છે.
ઘણીવાર આપણે જોતાં હોઈએ છીએ કે મનુષ્ય સારું કાર્ય કરી રહ્યો હોય તો પણ આજે દુઃખી દેખાય છે. એનું કારણ શું? જીવનમાં આજે જે કંઈ ભોગવીએ છીએ એનું કારણ આપણું પૂર્વકર્મ છે. જ્યારે આજે આપણે જે બાંધીએ છીએ તેનું ફળ આવતા ભવે ભોગવીશું. જેમ ખેતરની જમીનમાં પહેલા બાજરો વાવ્યો હોય તો આજે આપણને ઘઉં નહીં મળે, પણ બાજરો જ ઊગશે. જો આજે ઘઉંના દાણા નાખીશું તો કાલે ઘઉં ઊગશે. મનુષ્યે પૂર્વે પાપ બાંધેલું હોય તેનું ફળ આજે ભોગવે છે, તેથી દુઃખી છે. પણ આજે સારા કાર્યો કરે તો આવતા ભવનું પુણ્યનું કર્મ બાંધે છે. શાસ્ત્રોમાં આના માટે ચાર પ્રકાર કહ્યા છે.
૧) પુણ્યાનુબંધી પુણ્ય – કેટલાક લોકો પુષ્કળ પુણ્ય ભોગવતા હોય છે. આજે જીવનમાં સુખ સાહ્યબી હોય છે. સાથે સાથે તેઓ દાન ધર્મ કરીને પુણ્ય કમાતા પણ હોય છે. એટલે પુણ્ય ભોગવે છે અને પુણ્ય બાંધે પણ છે.
૨) પુણ્યાનુબંધી પાપ – કેટલાક લોકોને જીવનમાં બહાર મુશ્કેલી હોય, પણ અંદર પોતે સદ્‌ભાવના, નીતિ-પ્રમાણિકતા, સેવા-પરોપકાર કર્યા કરતા હોય, તો તે પાપ ભોગવી રહ્યા છે. પણ સાથે પુણ્ય બાંધી રહ્યા છે.
3) પાપાનુબંધી પુણ્ય – જે લોકો આજે પુણ્ય ભોગવી રહ્યા છે, પણ ભવિષ્ય માટે પાપ બાંધી રહ્યા છે. પુણ્યથી મનુષ્ય દેહ મળ્યો છે, પણ બીજાનું પડાવી લેવું, અણહક્કનું ભોગવી લેવું, છેતરપિંડી, ભેળસેળ, વિશ્વાસઘાત વગેરે આચરીને પાપ બાંધે છે. આ કાળમાં 70-80% લોકો આવું જ જીવન જીવે છે અને અધોગતિના કર્મો બાંધે છે.
૪) પાપાનુબંધી પાપ – કેટલાક લોકો ગોટાળા કરે, પછી પકડાઈ જાય અને ફરીથી એ ગોટાળા ચાલુ રાખે. એટલે એક બાજુ પાપ બાંધ્યું છે તેનું ફળ ભોગવે છે અને ફરી પાપકર્મ ચાલુ જ રાખે છે.
એટલે બહારનું આચરણ સારું છે કે ખરાબ તેની કિંમત કરતા, મનુષ્યની સમજણ શેમાં છે તેની વધુ કિંમત છે. સવળી સમજણ હશે તો મનુષ્ય પુણ્ય બાંધીને ઊર્ધ્વગતિમાં જશે, અને અવળી સમજણ હશે તો પાપ બાંધીને અધોગતિમાં જશે. જ્યારે આત્માની સમ્યક્ સમજણ મળી જાય તો પાપ-પુણ્ય બંનેથી મુક્ત થઈને મોક્ષના માર્ગે ચડી શકશે.