"અંતરિક્ષની આરપાર" - એપિસોડ - 2
સૌરાષ્ટ્ર વિસ્તારનું એક દરિયા કાંઠે વસેલું ગામ, તે ગામ લગભગ 12,000 આસપાસની વસ્તી ધરાવતું હતું. ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો વસવાટ કરતા હતા. ગામ પણ વિસ્તારની દ્રષ્ટિએ ઘણું વિશાળ હતું. તે ગામમાં એક બ્રામ્હણ રહે, તેમનું નામ હતું જનકભાઈ વ્યાસ, પોતે ખુબ જ વિદ્વાન અને આસપાસના વિસ્તારમાં તેમની ખ્યાતિ પણ સારી. એકદમ ગરીબ પરિવાર જનકભાઈ કર્મકાંડનો વ્યવસાય કરતા હતા. તે સમય આજના યુગ જેવો ન હતો ત્યારે પૈસા ખુબ જ ઓછા મળતા હતા. જનકભાઈના પરિવારમાં તેઓ પોતે પત્ની સુમિત્રાબહેન પુત્રી અંજલિ અને પુત્ર અમન આમ ચાર સભ્યોનો પરિવા. અંજલિ 10 વર્ષની અને અમન 5 વર્ષનો હતો. જનકભાઈ ગાયત્રી માતાના ઉપાસક એટલે સતત ગાયત્રી મંત્રનું સ્મરણ શરૂ જ હોય. ક્યારેય કોઈ સાથે ઊંચા અવાજમાં વાત ન કરે ખુબ જ શાંત અને ધીર ગંભીર પ્રકૃતિ. ++++++++++++++++++++++++++++++++++++++++++++++સમય પસાર થાય છે. અમન અને અંજલિ મોટા થાય છે. અંજલિ 23 વર્ષની થાય છે. અમન કોલેજમાં અભ્યાસ કરે છે. અંજલિને જોવા માટે સારા સારા ઘરમાંથી છોકરા આવે છે. પણ બધી જ જગ્યાએ કંઈકને કંઈક રીતે સંબંધ નક્કી થતો નથી. અંતે 17 કિલોમીટર દૂરએક ગામમાંથી અંજલિને જોવા માટે એક 24-25 વર્ષનો યુવક આવે છે. તેનું નામ સમીર. સમીર પ્રાઇવેટ નોકરી કરતો હોય છે તેના પપ્પા સરકારી ખાતાના અધિકારી છે. સુરેશભાઈ ભટ્ટ ( સમીરના પપ્પા ) સમીર અને તેના મમ્મી અંજલિને જોવા માટે આવે છે. બધી વાતચિત થાય છે. છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરી લે છે. પણ જનકભાઈ મનમાં મુંજાતા હતા. તેમને જાણે કે કંઈક અલગ જ આભાસ થતો હતો. જાણે કે દેખાવમાં આકાશ જેટલું ચોખ્ખું લાગે છે એટલું છે નહિ.દિવસ પૂરો થયો. સાંજે જમતી વખતે પણ તેમને આ જ વાત મૂંઝવણ કરતી હતી. તેઓ મનમાં વિચાર કરે છે મને કેમ એટલી બેચૈની છે ? કંઈ જ સમજાતું નથી. તેઓ જમી અને ગાયત્રી માતાની મૂર્તિ સામે બેસી જાય છે. મા મને કંઈ સમજાતું નથી બધાની સમસ્યા નિવારવા તું મને પ્રેરે છે તો મારી પોતાની દીકરીના સુખમાં કેમ મને એટલી વ્યાકુળતા આવી રહી છે. તું જ કંઈક રસ્તો કર. જનકભાઈ એકાંતમાં ખુબ જ રડે છે. થોડીવાર બાદ તેઓ પોતાના રૂમમાં જઈ સુઈ જાય છે. અચાનક રાત્રે તેમને એક સ્વપ્ન આવે છે જેમા એક સ્ત્રી ખુબ જ દુઃખી હોય છે, ખુબ રડતી હોય છે, શારીરિક તથા માનસિક પીડાથી ઝઝુમી રહી હોય છે. તેનો હાથ પકડનાર મદદ કરનાર કોઈ હોતું નથી. આ સ્વપ્ન આવતા સાથે જનકભાઈ પથારીમાં બેઠા થઈ જાય છે. તેઓ માતાજીને પ્રાર્થના કરતા કરતા ખુબ જ રડે છે. બીજા દિવસે સવારે પૂજા પાઠ કરી જનકભાઈ બેઠા હોય છે તેઓ પોતાના પત્નીને કહે છે કે સમીરની કુંડળી તેના પપ્પા પાસેથી મંગાવી લે. ઠીક છે. સુમિત્રાબેન બોલ્યા. સુમિત્રાબેન સમીરના ઘરે ફોન કરે છે ફોન સુરેશભાઈ ઉપાડે છે. હેલો કોણ બોલો છો ? સુરેશભાઈ બોલ્યા. ભાઈ જય શ્રી કૃષ્ણ હું સુમિત્રા બોલું છું અંજલિની મમ્મી. હા બોલો બેન તમારી સાથે એક વાત કરવી છે. સુમિત્રાબેન બોલ્યા બોલોને બેન ? સુરેશભાઈ બોલ્યા. સુમિત્રાબેન - અમારી ઈચ્છા હતી કે સંબંધ નક્કી થાય એ પહેલા સમીર અને અંજલિના મેળાપક જોઇ લઈએ તો તમે સમીરની કુંડળી મોકલી આપશો.સુરેશભાઈ - જુઓ બેન તમે આ બધામાં માનતા હશો, અમે નથી માનતા અમારે કંઈ જ જોવડાવવું નથી. સુમિત્રાબેન - ઠીક છે તો મને સમીરના જન્મની વિગત મોકલી આપો તમારા ભાઈ જોઇ આપશે. અમે બહાર બીજા કોઈ પાસે નથી જવાના. તમે માનો છો કે નથી માનતા એ મહત્વનું નથી પણ આ મેળાપક માત્ર કુંડળી કે બે વ્યક્તિ વચ્ચેના નથી. બે આત્મા, બે જીવ, બે પરિવાર વચ્ચેના મેળાપક છે. આપણા બાળકો કદાચ આપણી ઈચ્છાને માન રાખીને અત્યારે લગ્ન કરી લે અને થોડો સમય બધુજ સારું ચાલે પણ ઈશ્વર ન કરે અને બંને વચ્ચે કંઈ તકલીફ ઉભી થાય તો એ માટે જવાબદાર કોણ ? તમે, હું, એમની કુંડળી કે ઈશ્વર ? તેઓ કોને ફરિયાદ કરશે ? આ બધુ બરાબર કુંડળીના મેળાપક મળે પણ જો મનના મેળાપક ન મળે તો કદાચ બધા જ ગ્રહો બળવાન હોય તો પણ લગ્ન જીવન ચાલે નહીં. મારે આ બધુજ તમને કહેવાની જરૂર નથી તમે તો આ બધુ સારી રીતે જાણતા હશો આવું હું નહિ આ બધુજ અંજલીના પપ્પાએ કહ્યું છે. સુરેશભાઈ - કંઈ બોલતા નથી અને ફોન મૂકી દે છે. સુમિત્રા રસોડામાં કામ કરતા હોય છે જનકભાઈ ઘરે આવે છે. જનકભાઈ - શું થયું સુરેશભાઈએ વિગતો આપી છે સમીરની ? સુમિત્રાબેને નકારમાં મસ્તક હલાવ્યુ. ઠીક છે. જનકભાઈ પંચાંગ ખોલીને બેસી ગયા રાત્રે જમવા બેઠા ત્યારે જનકભાઈ બોલ્યા અંજલિને હળવો મંગળ છે અને સમીરને ભારે મંગળ છે. સાથે સાથે તેને અંગારક યોગ પણ છે જેની શાંતિ માટે વિધાન કરવું અનિવાર્ય છે. બાકી આપણી દીકરી કે જમાઈ એકબીજા સાથે સાંસારિક જીવન વ્યતીત કરી શકશે નહિ. બંનેની લગ્ન કુંડળીમાં સારા સ્થાને કોઈ ગ્રહ નથી. અને પાત્ર શત્રુ ભાવમાં છે. અર્થાત આપણી દીકરી ત્યાં કદી સુખી નહિ થાય. સુમિત્રાબેન - એ બધુ જે હોય તે સમીરના પપ્પા સરકારી નોકરી કરે છે. તેમણે પોતાના દીકરાનું ભવિષ્ય તો વિચાર્યું જ હોય ને ? તમેં પણ શું આવી વાત કરો છો ? .જનકભાઈ - હું બીજું કંઈ જાણતો નથી પણ આપણી દીકરીને તે ઘરમાં લેણું નથી. આટલું બોલતા બોલતા જનકભાઈ ખુબ જ રડવા લાગે છે. અંજલિ પાણી લઈ આવે છે. પપ્પા તમે એટલા બધા શું કામ રડો છો જો તમારી ઈચ્છા નહિ હોય તો હું ત્યાં લગ્ન નહિ કરુ બસ. અંજલિ બોલી. સુમિત્રાબેન - શું હું લગ્ન નહિ કરું તું હજુ બાળક છે તને કંઈ ખબર ન પડે તું અંદર રૂમમાં જા. અંજલિ અને અમન રૂમમાં જતા રહે છે. બંને ભાઈ બહેન પણ ખુબ જ રડે છે. અંજલિ પપ્પા કોઈ આવુ ન બોલે તેમને એટલા દુઃખી મેં ક્યારેય જોયા નથી અમન બોલે છે. અંજલિ - હા સાચી વાત છે તારી. આખી રાત બધા ખુબ જ રડે છે કલ્પાંત કરે છે. બીજા દિવસે જનકભાઈના કાકાના દીકરા જમનભાઈ આવે છે. બધી સામાન્ય વાતચિત પછી જમનભાઈ પૂછે છે કંઈ ચિંતા છે ભાઈ હોય તો કહેજો. જનકભાઈ - તમે સુરેશભાઈ ભટ્ટને તો ઓળખો જ છો.જમનભાઈ - હા હા મારા સાળા તે ગામના જમાઈ છે; ઓળખું જ ને. શું હતું બોલોને ? જનકભાઈ - અંજલિ માટે સુરેશભાઈના દીકરા સમીરની વાત આવી છે મેં મેળાપક જોયા તો બંને ગ્રહદશા અવળી છે. બંનેના 36 માંથી 18 ગુણ પણ મળતા નથી. સુમિત્રાને કેટલી સમજાવી પણ તે માનતી નથી. સુમિત્રાબેન આ સાંભળી જાય અને તેઓ રસોડામાંથી બહાર આવે છે. જુઓ દરેક વખતે કુંડળી પર ન ચાલવું જોઈએ એકપણ ગુણ ન મળતો હોવાં છતાં ઘણા લોકોનું લગ્ન જીવન સારી રીતે પસાર થાય જ છે. જમનભાઈ - તમારી વાત સાચી પણ હું જે વાત કરીશ એ સાંભળ્યા પછી તમે પણ ત્યાં લગ્ન કરવા માટે તૈયાર નહિ થશો. જનકભાઈ -:શું ? બોલોને ? જમનભાઈ - મારા એક મિત્રએ પોતાની દીકરીની કુંડળી જ્યોતિષીને બતાવીશ જ્યોતિષીએ તો કહ્યું કે છોકરા છોકરીના તમામ યોગો સારા છે. મેં મારા મિત્રને ના પાડી હતી છતાં બંનેના લગ્ન પણ થયાં શરૂઆતમાં બધુજ સારું રહ્યું પણ પછી છોકરી જે દુઃખી થઈ તેની તમે કલ્પના પણ ન કરી શકો. એના પપ્પા એટલે કે મારો મિત્ર રોજ મારી પાસે આવી અને રડતો. આ સાંભળી જનકભાઈ ખુબ જ દુઃખી થયાં. સુમિત્રાબેન - તમારા મિત્ર સાથે થયું એવુ બધા સાથે થાય એ જરૂરી છે ? અંજલિના લગ્ન સમીર સાથે જ થશે બસ. આટલું બોલી તેઓ રડતા રડતા અંદર જતા રહે છે. જનકભાઈને સમીરના સગા સંબંધીઓ વિશેની ઘણી અજુકતી વાતો સાંભળવા મળે છે. પણ સુમિત્રા બેન 'એકના બે થતા નથી' . મને કમને જનકભાઈ લગ્ન માટે સંમતિ આપી દે છે. બરાબર સગાઇના બે દિવસ પહેલા જનકભાઈને હાર્ટ એટેક આવે છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ડોકટરે કહ્યું હતું કે પેશન્ટ 8 દિવસ આરામ કરશે પછી તબિયત સારી થશે. સુમિત્રાબેન સુરેશભાઈને ફોન કરીને કહે છે કે અંજલિના પપ્પાને એટેક આવ્યો છે તે હોસ્પિટલમાં દાખલ છે ડોકટરે 8 દિવસ આરામ કરવા કહ્યું છે તો તમે સગાઇનો દિવસ પાછો ઠાલવી દો તો સારું. નહિ બેન અમે બધી જ જગ્યાએ આમંત્રણ આપી દીધું છે. સુમિત્રાબેનની વિનંતિ કરવા છતાં સગાઇનો દિવસ બદલવામાં આવતો નથી. સગાઇ અને લગ્નની વિધિ પૂર્ણ થાય છે. ..સમય પસાર થતો જાય છે. સુરેશભાઈ ઘરે યજ્ઞનું આયોજન કરવા બ્રાહ્મણને બોલાવે છે. યોગાનું યોગ જનકભાઈ દીકરીના ઘરે દીકરીને મળવા આવે છે. સુરેશભાઈ યજ્ઞની વાત બ્રાહ્મણ સાથે કરતા હોય છે. ત્યાં જ બ્રામ્હણ જનકભાઈને જોઇ જાય છે અને તેમના ચરણ સ્પર્શ કરે છે કેમ છો દાદા? બ્રામ્હણ બોલે છે. બસ મજામાં આપ કેમ છો જનકભાઈ બોલ્યા. બ્રાહ્મણ - મજામાં. યજ્ઞની વાત ચાલતી જ હોય છે તેમાં કોઈ વિધાન વિશે બ્રાહ્મણ જનકભાઈને પૂછે છે. જનકભાઈ કંઈક બોલવા જતા હતા ત્યાં જ સુરેશભાઈ બોલ્યા આ મારા ઘરનો પ્રસંગ છે હું કરી લઈશ મારે તમારી સલાહ કે તમારા માર્ગદર્શનની જરૂર નથી. ભલે ભાઈ તમને બધો ખ્યાલ જ હોય છતાં ... જનકભાઈ બોલ્યા. ના ના મારે તમારી સલાહ નથી જોતી જય શ્રી કૃષ્ણ તમારી દીકરીને મળીલો .આ સાંભળી જનકભાઈ બહાર જતા હોય છે અંજલિ આ બધુ સાંભળી દુઃખી થાય છે. તે પણ પાછળ પાછળ બહાર આવે છે. પપ્પા ઉભા રહો અંજલિ બોલે છે. તે દોડતી દોડતી જનકભાઈ પાસે આવે છે. કેમ છે બેટા? માફ કરજે હું તને મળવાનું ભૂલી ગયો. જનકભાઈ બોલ્યા. તમે શું કામ કંઈ બોલ્યા તમારે કંઈ બોલવાની જરૂર ન હતી. હવે તમે મારા ઘરની કોઈ બાબતમાં કંઈ ન બોલતા તમને મારા સમ આમ બોલતા બોલતા અંજલિ રડે છે. જનકભાઈને પણ દુઃખ થાય છે. પછી તે ચાલ્યા જાય છે. જનકભાઈ ઘરે આવીને બધી વાત કરે છે સુમિત્રાબેન પોતાની હઠ પર દુઃખ અનુભવે છે. હવે શું મેં જયારે કહ્યું ત્યારે તું કદી સમજી નહિ.... ધીમે ધીમે સમય જતો જાય છે. હાલ જનકભાઈ કે સુમિત્રાબેન હયાત નથી. અમન પોતાના જીવનમાં સુખી છે. અંજલિને બે સંતાનો છે. તેના જીવનમાં કંઈ પરિવર્તન નથી. અંજલિના આંસુ લૂછનાર કોઈ હયાત નથી. આ કોઈ કાલ્પનિક રચના નથી. પણ ખરેખર બનેલી સત્ય ઘટના છે. અંજલિની માતા સુમિત્રાબેન જો જનકભાઈની વાત માન્યા હોત તો અંજલિની આવી ખરાબ દશા ન હોત. તેને દુઃખના દરિયામાંથી બહાર કાઢનાર કોઈ જ નથી. આ પરથી આપણને એટલો ખ્યાલ આવે કે જો બંને પાત્રના સ્વભાવ પ્રકૃતિ વિચલિત હશે તો જીવન કંઈ રીતે ચાલશે ? જુઓ બે છેડા ભેગા થાય તો પ્રકાશ પણ થાય અને ઘણીવાર ભડકા પણ થાય અહીં કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે આપણે આગળ પાછળનો વિચાર કરવો જોઈએ માત્ર આપણી ઈચ્છાને માન આપી તેને પુરી કરવા માટે કોઈનું જીવન બગાડવું જોઈએ નહિ.
માર્ગદર્શન - શાસ્ત્રી શ્રી પ્રૉ. હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદી સર્વેશ્વર ગણેશ જ્યોતિષ સંશોધન સેવા કેન્દ્ર ઉના. મુ - આણંદ
આલેખન - જય પંડ્યા
નોંધ - અમારો ઉદ્દેશ કોઈની લાગણીને દુઃખ પહોંચાડવાનો નથી. આ સત્ય ઘટના છે પણ પ્રસ્તુત પાત્ર, વાતાવરણ અને સંવાદ અમારી કલ્પના છે. કોઈએ આ અથવા અમારા દ્વારા પ્રકાશિત થતી બીજી કોઈપણ ઘટના વ્યક્તિગત રીતે લેવી નહીં. તેવી નમ્ર અપીલ.