ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 20
શિર્ષક:- કુંભમેળો
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
પ્રકરણઃ…20 . "કુંભમેળો."
કોઈ પણ ધર્મનું વાસ્તવિક મૂલ્યાંકન ત્રણ રીતે કરી શકાયઃ
1. શાસ્ત્રોના સિદ્ધાંતો (માન્યતાઓ) દ્વારા
2. ધર્મસ્થાનોની વ્યવસ્થા દ્વારા
3. ઉત્સવો દ્વારા.
મોટા ભાગે શાસ્ત્રો વાંચીને ધાર્મિક માન્યતાઓ જાણી શકાતી હોય છે. વિશ્વના કોઈ પણ ધર્મનાં શાસ્ત્રો વાંચીને જ પ્રભાવિત થઈ જનાર પૂરી વાસ્તવિકતાને પામી શકતો નથી. ઘણી વાર ઉત્તમ સિદ્ધાંતોવાળા ધર્મો, હીન આચારો તથા હીન કર્મકાંડોમાં રચ્યાપચ્યા રહેતા જોઈ શકાય છે. બીજાની વાત જવા દો, ગીતા વાંચીને પ્રભાવિત થનાર કોઈ પરદેશી અહીં આવે અને આપણાં ધર્મસ્થાનો જુએ તો ગંદકી, ધક્કામુક્કી, છેતરપિંડી અને વ્યાપારી વૃત્તિવાળું વલણ આ બધું તેના માટે આઘાતજનક થઈ પડશે, કારણ કે ગીતામાં આવી કલ્પના જ નથી. ગીતાનો ધર્મ, ધર્મસ્થાનોમાં ક્યાં જોવા મળે છે? હશે કોઈ એકાદ સ્થળ, પણ સર્વત્ર તો શું છે તે કોણ નથી જાણતું !
ધર્મસ્થાનોની વ્યવસ્થાથી પ્રજાની ધાર્મિક તથા સામાજિક ચેતના માપી શકાય. આવી જ રીતે ઊજવાતા ઉત્સવો પણ ધર્મ, ધાર્મિકતા અને ધાર્મિક વ્યક્તિના સ્વરૂપને છતા કરતા હોય છે. ઉત્સવો વિના કદાચ ઉત્સાહ ના આવે એટલે યોગ્ય પ્રમાણમાં ઉત્સવો જરૂરી છે, પણ તે હેતુલક્ષી હોવા જોઈએ.આ ત્રણે(શાસ્ત્ર, ધર્મસ્થાનો અને ઉત્સવો)નું અહીં મૂલ્યાંકન કરવાનો વિચાર નથી, કારણ સૌને ખબર છે કે આપણી શી સ્થિતિ છે.
જે સદ્ગુરુની શોધ માટે હું રખડી-ભટકી રહ્યો હતો, તે કુંભમેળામાંથી મને પ્રાપ્ત થશે તેવી મારી ધારણા હતી. આ ૧૯૫૪નો કુંભમેળો હતો અને તેમાં વીસ લાખ જેટલા સાધુઓ આવવાના હતા. ત્યારે દેશમાં પંચાવન લાખ સાધુઓની સંખ્યા હતી તેવું પ્રધાનમંત્રી નેહરુ વારંવાર કહેતા તથા થોડી ચીમકી પણ આપતા. તેમની છાપ નાસ્તિક જેવી હતી અને જુનવાણીસાધુસમાજ તેમને ધર્મવિરોધી માનતો. અત્યારે સાધુઓની સંખ્યા કેટલી છે તેની ખબર નથી. જે હોય તે, પણ એટલું તો નક્કી કે વિશ્વના કોઈ પણ દેશ, કોઈ પણ પ્રજા અને કોઈ પણ ધર્મ કરતાં આપણે વધુ સાધુઓ રાખીએ છીએ. આટલું હોવા છતાં દર વર્ષે આપણો ધર્મ બે ઇંચ પણ વૃદ્ધિ નથી પામતો. હા, હ્રાસ તો જરૂર પામે છે – તે વાસ્તવિકતા છે.
કુંભમેળા પ્રત્યે મારા મનમાં બહુ મોટી આશા હતી. એક તો સદ્ગુરુની પ્રાપ્તિ થશે તે, તથા આટલા બધા સંતોનાં દર્શન થશે-તેમાં કેટલાક દિવ્યપુરુષો હશે વગેરે વગેરે. કુંભમેળામાં થયેલા મારા અનુભવો અહીં આલેખું તેના પહેલાં કુંભમેળા સંબંધી થોડી માહિતી આપું તો અનુચિત નહિ કહેવાય.
‘કુંભમેળાનું પૌરાણિક રૂપ’:-
કુંભમહાપર્વની પાછળ એક પૌરાણિક કથા છે. દેવ અને દૈત્યોએ મળીને સમુદ્રમંથન કર્યું. સમુદ્રમંથનથી અમૃતનો ઘડો નીકળ્યો. અમૃત ઉપર બન્ને પક્ષોનો અધિકાર હતો, પણ દૈત્યો આ અમૃત પીશે તો અમર થઈ જશે અને દેવોને કાયમ માટે ત્રાસ આપશે તેવા ભયથી ઇંદ્રનો પુત્ર જયંત પેલા અમૃતના ઘડાને લઈને આકાશમાર્ગે ઊડી ગયો. પોતાનું અમૃત પાછું મેળવવા દૈત્યો પાછળ પડ્યા. થાકના કારણે જયંતે ચાર સ્થળોએ આ ઘડાને મૂકેલો ત્યાં અમૃતનાં ચાર ટીપાં પડેલાં એટલે તે તે સ્થળહરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાશિક)એ દર ત્રણ વર્ષે નિશ્ચિત નક્ષત્રોના યોગો પ્રાપ્ત થતાં લાખો માણસો સ્નાન કરવા ઊમટી પડે તે સ્વાભાવિક છે.
સૂત્રગ્રંથો તથા ગીતા-ઉપનિષદોમાં આવા સ્નાનથી મોક્ષ મળવાની વાતો નથી, પણ પુરાણીઓએ પુરાણો દ્વારા પ્રકૃતિપૂજા, તેમાં પણ ખાસ કરીને જળપૂજા તરફ વધુ ભાર મૂક્યો. એટલે તીર્થોમાં સ્નાન કરવાનું, ગંધાતું પાણી હોય તો પણ સ્નાન કરવું એ પાકી શ્રદ્ધાનો વિષય બની ગયો. પ્રત્યેક કુંભમેળામાં ત્રણથી ચાર મુખ્ય સ્નાન થતાં હોય છે. આ ધાર્મિક મેળો છે. એટલે તેમાં મુખ્ય ઘટક સાધુઓનો રહે તે સ્વાભાવિક છે. ભારતમાં વીસ હજાર જેટલા નાનામોટા સંપ્રદાયો – પંથો છે અને તેમાં ઘરબારીથી માંડીને ત્યાગી વિરક્ત પ્રકારના અસંખ્ય સાધુઓ છે. આ સાધુઓમાં પણ કેટલાક શાસ્ત્રધારી તથા કેટલાક શસ્ત્રધારી સાધુઓ પણ હોય છે. ત્રિશૂળ, ભાલો, ચીપિયો, કુહાડી, લાઠી વગેરે શસ્ત્રો લઈને સમૂહપમાં વિચરણ કરનારા સાધુઓ પણ છે. આવા સમૂહને જમાત કહેવાય છે. જમાત શબ્દ ફારસીનો છે એટલે આ પ્રક્રિયા ફારસી ભાષાના પ્રભાવકાળવાળા મુસ્લિમ શાસન દરમિયાન શરૂ થઈ હોય તેવું અનુમાન કરી શકાય છે.
બચપણમાં મેં ઘણી જમાતો જોઈ છે. નાગાબાવાઓની જમાતોના નામથી ઓળખાતી આ જમાતોથી ગામડાના માણસો બહુ ડરતા. કેટલાક તો ખેતરોમાં ભાગી જાય, કેટલીક વાર ખેતરોમાંથી પણ ભાગેલા પટેલોને જમાતવાળા પકડી લાવે. ધોળી દાળ અને કાળી રોટી એ તેમનો મુખ્ય આહાર. ખાઈ-પીને મસ્ત રહેનારા, કેટલાક સારા વ્યાયામ કરનારા સુદૃઢ શરીરવાળા, દાવપેચ તથા અટાપટા જાણનારા સાધુઓ પણ હોય. તે વખતે અમને આવી કૂતુહલવશ જમાત જોવાની મજા પડતી, જોકે બાવા પકડી જશે' એવી બીક પણ દરેક છોકરાને હોય જ. જમાતમાં કોઈ કોઈ તપસ્વી, ધૂણી તાપનારવસારી પ્રકૃતિના સાધુ પણ હોય. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો તોછડી ભાષા તથા ગાલી-ગલોચનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં જોવા મળે.
મુખ્યતઃ આવો શસ્ત્રધારી વર્ગ પ્રાચીન કાળમાં પોતપોતાનાં શસ્ત્રો સહિત કુંભસ્નાન કરવા પહોંચી જતો. ગંગાજીની રેતીમાં તંબૂઓ નાખીને ટોળેટોળાં પોતપોતાના વિભાગમાં રહેતાં. આ સ્થળોને માટે આશ્રમ વગેરેને બદલે લશ્કરી શબ્દ છાવણી વપરાતો. આજે પણ ઘણા ઉતારાઓને ‘છાવણી” કહેવાય છે. આવી તે રીતે રામાદલ તથા શંભુદલ એમ ‘દલ' શબ્દનો પ્રયોગ પણ કરાતો. રામાદલ એટલે વૈરાગી નાગાબાવાઓ શંભુદલ એટલે સંન્યાસી નાગાબાવાઓ આવાં જ બીજા પણ નાનાંમોટાં દળો પોતપોતાની નિર્ધારિત જગ્યાએ તંબૂઓ વગેરેમાં ગોઠવાઈ જતાં.
મુસ્લિમો જેમ કતલની રાત માને છે તેમ કુંભસ્નાનનું પ્રભાત કતલપ્રભાત બની જતું, કારણ કે નિશ્ચિત જગ્યાએ પ્રથમ સ્નાન કરવા ભારે હોંસાતૂંસી થતી. એ હોંસાતુંસી મારામારી તથા ધિંગાણામાં ફેરવાઈ જતી. શસ્ત્રો તો પાસે હોય જ એટલે તેનો ઉપયોગ થતો. અસંખ્ય લાશો પડી જતી અને વિજયી દળ જયજયકાર કરતું ઉલ્લાસમાં આવીને સ્નાન કરતું. ખબર નહિ કેટલા સમયથી આવી પદ્ધતિ ચાલતી હશે. આવા ધિંગાણામાં શાસ્ત્રધારી વિદ્વાન સંતો ભાગ્યે જ આવતા.
આ હિંસાના કારણે અંગ્રેજોના સમયમાં કુંભમેળા ઉપર પ્રતિબંધ મુકાયો. કેટલાંક વર્ષો સુધી કુંભમેળો બંધ રહ્યો. ફરી પાછાં મેળાને ચાલુ કરાવવાનાં ચક્રો ગતિમાન થયાં. મહામના પંડિત મદનમોહન માલવીયજીએ પ્રયત્ન કરીને ૧૯૩૮માં મેળો શરૂ કરાવડાવ્યો. પણ વહીવટકુશળ અંગ્રેજોએ વહીવટની દૃષ્ટિએ કેટલીક શરતો મૂકી, તેનું પાલન કરવા સો અખાડાઓ બંધાયા. મુખ્યતઃ સ્નાન કરવાનો સમય નિર્ધારિત કરાયો. કયા કયા કુંભમેળામાં કયો કયો અખાડો પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ સ્નાન કરવા જાય તે નક્કી થયું. પછી અખાડાવાળા માટે તંબૂઓ બાંધવા માટે સ્થાન આપવાનું રેકર્ડ નક્કી થયું. આ પ્રમાણે એક સુચારુ વ્યવસ્થા સ્થાપિત કરાઈ. ચતુર અંગ્રેજોએ રામાદલ અને શંભુદલને એકબીજાથી દૂર દૂર પડાવ આપવાનું રેકર્ડ કર્યું જેથી ટકરાવ ન થાય. આ પ્રમાણેની વ્યવસ્થા થવાથી રક્તપાત અટકી ગયો તથા નિર્ભયતાથી સ્નાન કરી શકાય તથા તંબૂઓમાં રહી શકાય છે. તેવા વાતાવરણથી શસ્ત્રધારી સંતો તથા ભક્તો પણ આ પર્વમાં આવવા લાગ્યા. કુંભમેળાનું રૌદ્રસ્વરૂપ શાંતસ્વરૂપમાં બદલાવા લાગ્યું. અત્યારે આ શાંતસ્વરૂપ શૃંગાર અથવા રજોગુણી રૂપમાં બદલાયેલું જોઈ શકાય છે.
“શૂદ્રોને સંન્યાસ નહિ આપું”:-
દશનામી નાગા સંન્યાસીઓના પોતપોતાના અખાડા તથા મઢીઓ છે – પ્રાચીનકાળમાં જેમ ગોત્રો હતાં તેમ; જૈન સાધુઓમાં જેમ ગચ્છ હોય છે તેમ. ત્રણ વર્ષ સુધી માતો લઈને મહંતો દેશના જુદા જુદા ભાગોમાં ભ્રમણ કર્યા કરે તે વખતે જે નવા સાધુઓ ઉમેરાયા હોય તેને છોટિયા કહેવાય. છોટિયા એટલે જુનિયર. આવા નવા ઉમેરાયેલા સાધુઓની વિધિપૂર્વક દીક્ષા આવા કુંભમેળામાં થાય. વિરજા હવન' નામની ધાર્મિક વિધિ એકીસાથે બધા જ જુનિયરોને કરાવી દેવામાં આવતી. પ્રથમ આ વિધિ પીઠના શંકરાચાર્ય કરાવતા. પણ પછી એક પીઠાધીશ્વર એવા આવ્યા કે તેમણે કહી દીધુ કે,
‘સંન્યાસનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે. આ બાકીના શૂદ્રોને હું સંન્યાસદીક્ષાવિધિ નહિ કરાવું.”
શંકરાચાર્યના અનુયાયી સંન્યાસીઓમાં મુખ્યતઃ ત્રણ ભેદ છેઃ ૧. દંડી સ્વામીઓ, ૨. પરમહંસ સ્વામીઓ અને ૩. નાગા સાધુઓ. દંડી સ્વામીઓ માત્ર બ્રાહ્મણોમાંથી જ થાય છે. પરમહંસો ત્રણ વર્ણ અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યમાંથી થાય છે. નાગા બાવાઓ પણ ત્રણ વર્ણમાંથી થાય છે. કોઈ વાર ચતુર્થ વર્ણને પણ સ્વીકારી લેવાય છે. પણ દંડીસ્વામીઓ ૫રમહંસો તથા નાગા સંન્યાસીઓને કાં તો સંન્યાસી સમજતા જ નથી અને કદાચ સમજે તો શૂદ્રરૂપથી સમજે છે. કાશી વગેરે સ્થળોએ આ બાબતમાં ઘણી વાર ઘણા ઉપદ્રવ થયેલા છે.
જ્યારે કહી દેવાયું કે શૂદ્રોને વિરજા હવન નહિ કરાવાય ત્યારે પ્રશ્ન થયો કે હવે શું કરવું? આ સમસ્યાના સમાધાન માટે નાગા સાધુઓની દૃષ્ટિ પરમહંસોના વિદ્વાનો તરફ ગઈ. તે સમયે સૌથી વધુ પ્રભાવશાળી એક સ્વામીજીને તરત જ ‘મહામંડલેશ્વર' બનાવાયા તથા હાથી ઉપર બેસાડીને ધામધૂમથી તેમનું સ્વાગત કરી તેમના દ્વારા વિરજા હવનની વિધિ કરાવાઈ. આ એક પરિવર્તન હતું. પછી ક્રમે ક્રમે મોટા ત્રણે અખાડાઓએ પણ પોતાના મંડલેશ્વરો બનાવ્યા તથા હવે તો એક એક અખાડામાં કેટલાય મંડલેશ્વરો બનાવાયા છે. અત્યારે આ સંખ્યા ત્રીસ-ચાલીસથી પણ વધુ હશે. તેમાં કેટલાક વિદ્વાન છે તો કેટલાક નથી પણ. મંડલેશ્વર થવા માટે કોઈ નિશ્ચિત ધોરણ નથી. ખર્ચ કરી શકવાની ક્ષમતા હોવી જરૂરી છે.
આ મંડલેશ્વરોનો સ્વયં પોતાનો રેકર્ડ ન હોવાથી કુંભમેળામાં સીધી તેમને જમીન અપાતી નથી. રેકર્ડ અખાડાનો છે. એટલે જમીન અખાડાના નામે મળે. અખાડો પોતપોતાના મંડલેશ્વરોને યથાયોગ્ય જમીન ફાળવી આપે, જે આવશ્યકતા કરતાં ખૂબ જ ઓછી હોય. જો વધુ જમીન જોઈએ તો મેળાથી દૂરના ભાગમાં મળે, જેની બહુ પ્રભાવકારિતા ન હોય.
બીજું, સ્નાન કરવા જનાર સરઘસને શાહી કહેવાય છે. (શાહી શબ્દ ફારસી છે, જેનો અર્થ રાજા-મહારાજાઓના રસાલા સાથેની સવારી થાય.) આ શાહીનો રેકર્ડ પણ અખાડાને જ છે. મંડલેશ્વર કોઈ ને કોઈ અખાડાના માધ્યમથી જ શાહીમાં જઈ શકે. સ્વતંત્ર રીતે જઈ ન શકે. એટલે જેણે શાહીમાં જોડાવું હોય તથા પૂજનીયપણાનું પ્રદર્શન કરવું હોય ત્યારે અખાડાને આધીન રહેવું જરૂરી હોય છે.
પહેલાં બધા મંડલેશ્વરો હાથી ઉપર નીકળતા. હાથી અખાડાના પોતાના રહેતા. હાથીની ઊંચાઈ-નીચાઈ ઘણી વાર મંડલેશ્વરોને મૂંઝવણમાં મૂકી દેતી. એક સમય એવો આવ્યો કે સૌએ પોતપોતાની સોના-ચાંદીની અંબાડી બનાવડાવી, જેથી શાહી ભવ્ય લાગે, પણ અંબાડીનો પૂરો ઉપયોગ થાય તે પહેલાં જ સરકારે શાહીમાં હાથીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો. હવે રબ્બરનાં પૈડાંવાળા ઠેલાનો ઉપયોગ શાહીમાં કરાય છે. પેલી અંબાડીઓનો ઉપયોગ આ ઠેલાઓ ઉપર મૂકવામાં પણ થયેલો જણાયો હતો. દિનપ્રતિદિન સાધનો વધતાં જાય છે. સ્પર્ધા પણ વધતી જાય છે. એટલે શાહીને વધુ ને વધુ શૃંગારમય બનાવવા પ્રયત્ન થાય તે સ્વાભાવિક છે. મઠોની આધ્યાત્મિકતામાં મોટા ભાગે રજોગુણની પ્રધાનતા થઈ જતી હોય છે, સ્વયં ભક્તો-સેવકો પણ પોતાના ગુરુઓના ઠઠારાને ઇચ્છતા – ચાહતા હોય છે. એટલે આવું થવું સ્વાભાવિક છે.
આ શાહીનું સૌથી વધુ આકર્ષક અંગ તે તદ્દન નગ્ન નાગાબાવાઓનું સ્નાન માટે જતું સરઘસ છે, જેને જોવા તથા કૅમેરામાં ઝડપી લેવા દેશવિદેશથી હજારો-લાખો લોકો આવે છે. બબ્બે કે ચાર-ચારની લાઇનમાં તદ્દન નગ્ન નાગા બાવાઓ સ્નાન માટે ચાલતા હોય છે. ભસ્મ લગાવેલી હોવા છતાં વસ્રોવાળા ભાગની ચામડીનો જુદો રંગ જણાઈ આવે છે. આ નગ્નતા માત્ર સ્નાન માટે જવા પૂરતા સમયની જ હોય છે. માલવીયજીએ એકાદ લંગોટી પહેરવા સમજાવવા પ્રયત્ન કરેલો પણ વ્યર્થ. તેમની પાછળ મંડલેશ્વરોનો ઠઠારો, તેમની પાછળ પરમહંસ સાધુઓની લાઇન. કેટલીક જગ્યાએ અવધૂતાનીઓ (સાધ્વી સ્ત્રીઓ)ની લાઇન પણ ખરી. આ બધું દૃશ્ય એક અજબ વાતાવરણ ઊભું કરે, કોઈ ધૂળ લઈને માથે ચડાવતાં હોય તો કોઈ તિરસ્કારપૂર્વક ગાળો પણ દેતાં હોય. લગભગ એક મહિના સુધી ચાલનારા કુંભમેળામાં ત્રણ-ચાર સ્નાન આવે. પ્રત્યેક સ્નાન વખતે આ જ પ્રકારની શાહીઓ નીકળે.
ઉદાસીન તથા વૈરાગી વગેરે પરંપરામાં આ પ્રકાર નથી તેમાં લંગોટીધારી સાધુઓ તો હોય છે, પણ તદ્દન નગ્ન નથી હોતા. તેમના મંડલેશ્વરો સ્વયંભૂ હોય છે. અર્થાત્ લગભગ પ્રત્યેક કથાકાર પોતે જ પોતાને મહામંડલેશ્વર કહેવડાવી શકે છે. તેના માટે કશું આપવું કે કોઈની સ્વાધીનત સ્વીકારવી જરૂરી નથી હોતી.
કુંભમેળાના આ રજોગુણી અંશથી દૂર ઝાડીઓમાં તપસ્વી સીધાસાદા વિરક્ત સાધુ સંન્યાસીઓ પણ રહેતા હોય છે, જે માત્ર ભિક્ષાવૃત્તિ પૂરતી જ અપેક્ષા રાખતા હોય છે. પણ ત્યાં સુધી મોટા ભાગના લોકો પહોંચતા નથી. ખાસ કરીને શ્રીમંત વર્ગ, શ્રીમંતાઈભરી આધ્યાત્મિકતાનો ચાહક હોય છે એટલે આ ભવ્ય આલીશાન છાવણીઓ, કૅમ્પો વગેરેમાં જ સમાવિષ્ટ થઈ જતો હોય છે.
મહામના મદનમોહન માલવીયજીની ઇચ્છા તો હતી કે આ કુંભપર્વના નિમિત્તે દેશની જનતા એકત્રિત થાય અને અંગ્રેજોની સામે ચાલતી સ્વાધીનતાની લડાઈ માટે પ્રેરણા પ્રાપ્ત કરે. મેં પાંચેક કુંભપર્વ કર્યાં હશે. પ્રથમ કુંભ પ્રયાગમાં ૧૯૫૪માં ૬૦ લાખ યાત્રીઓ ભેગાં થયાં હતાં, તો છેલ્લા કુંભમાં પણ પ્રયાગમાં બે કરોડ માણસો ભેગાં થયાં હતાં. આ નિમિત્ત સિવાય આટલી વિશાળ મેદની વિશ્વમાં કોઈ સ્થળે ભેગી થતી હોય તેવું જણાયું નથી. પણ બીજી તરફ એ પણ એટલું જ સાચું છે કે આટલી વિશાળ પ્રજા કદી ધાર્મિક, સામાજિક કે રાષ્ટ્રીય નિશ્ચિત લક્ષ્યો માટે એકસંપ થઈને કોઈ ને કોઈ પ્રભાવશાળી પ્રેરણાદાયી કાર્ય કરી શકી હોય તેવું સાંભળ્યું નથી.
આપણે વ્યક્તિવાદી છીએ. એટલે પ્રત્યેક વ્યક્તિ ડૂબકી લગાવીને સ્નાન કરી લેવા ઉતાવળી હોય છે. પોતે સ્નાન કર્યું એટલે ધન્ય ધન્ય થઈ જાય. ભલેને બીજા કોઈને ધક્કો વાગ્યો હોય કે બીજી કોઈ અવ્યવસ્થા થઈ હોય. કુંભમેળાનો પ્રથમ કરોડોમાં ખર્ચ થતો. હવે અબજોમાં થાય છે. જીવનમાંએકાદ વાર તો આ મેળો પૂરો મહિનો કોઈ કૅમ્પમાં રહીને જોવા-સમજવા જેવો છે. ઉત્સવો દ્વારા પણ ધર્મની પરિસ્થિતિ સમજવા માગતા માણસોને ખ્યાલ આવી જશે કે હિન્દુ પ્રજા પાસે સંખ્યા છે, સરવાળો નથી, જ્ઞાન છે પણ દૃષ્ટિ નથી, પૈસા છે પણ આયોજન નથી એટલે છતી શક્તિએ તે શૂન્ય છે. તેને સંસારને મિથ્યા બનાવવામાં રસ છે. એટલે તે પોતે જ પોતાના દ્વારા મિથ્યા થઈ રહ્યો છે.
આભાર
સ્નેહલ જાની