Bhitarman - 59 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 59

Featured Books
Categories
Share

ભીતરમન - 59

મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખુશ થયો હતો. મેં એ ક્યારેય માર્ક જ કર્યું ન હતું કે મારા વેણની એના પર આટલી અસર થઈ છે. આજે એ જ્યારે બોલ્યો ત્યારે મને ખબર પડી હતી.

"હા મને બધું જ યાદ છે. મારા માના આશીર્વાદ અને માતાજીની મહેરબાનીના લીધે જ મેં ક્યારેય કોઈનું ખૂન કરવું પડે એવી પરિસ્થિતિમાં હું મુકાયો ન હતો. બાકી આપણા ધંધા એવા જ હોય કે જેમાં મિત્રો કરતા દુશ્મનો ઘણા હોય! મારી પાછળ લોકો ગમે તેટલી વાતો કરી લે અથવા ગમે તેટલા પ્લાન ઘડી લે પણ જેવા મારી સામે આવે, એવા તરત જ મારી વિરુદ્ધમાં હોય એ મારા પક્ષમાં જોડાઈ જતા હતા. કદાચ મારી પ્રત્યક્ષ નજરનો પ્રભાવ એવો હતો. હું જેની પણ આંખમાં આંખ પરોવી વાત કરતો હતો એ મારી વિરુદ્ધ જઈ જ શકતો નહીં. આ વાતનું મને ઘમંડ નથી પણ મારે ઘણી વખત એવા અનુભવ થયેલા છે. હું જે સ્થળે હોઉં એ સ્થળે મારી વિરુદ્ધનું કોઈપણ વ્યક્તિ હોય છતાં પણ એ મારી વિરુદ્ધ મારી સામે કંઈ જ બોલી શકતું ન હતું. આનાથી વિશેષ માતાજીની મહેરબાની મને શું જોઈએ?" મેં મુક્તારની વાતને જવાબ આપતા કહ્યું હતું.

"હા તારી વાત સાચી છે, એનું સૌથી મોટું ઉદાહરણ વેજો છે. એ હંમેશા તારો વિરોધી રહ્યો હતો. પણ જ્યારે તારી સામે આવતો એ ક્યારેય તારી વિરુદ્ધમાં કંઈ જ બોલી શક્યો નથી." મારી વાતને સહમતિ આપતા તેજો તરત જ બોલ્યો હતો.

વાતો કરતા કરતા અચાનક જ મારું ધ્યાન ઉપર આકાશ તરફ ગયું હતું. ચંદ્ર એટલો સરસ દેખાઈ રહ્યો હતો કે મારી નજર એના પર કેન્દ્રિત થઈ ગઈ હતી. બહુ સમય બાદ આજે મેં આકાશનું નિરીક્ષણ કર્યું હતું. હું તરત જ બોલ્યો, "તેજા યાદ છે તને જ્યારે આપણે ચબૂતરે બેસવા માટે જતા હતા ત્યારે અનેક કલાકો સુધી વાતો કરતા રાત્રિના સમયે આકાશમાં ટમટમતા તારાઓ અને ચંદ્રને જોયા કરતા હતા. ચંદ્રની દિશા પરથી અનુમાન કરતા કે કેટલા પ્રહર થયા હશે, અને એ અનુસાર ઘરે જતા હતા!"

"હા યાદ છે મને. તને તારા બાપુના લીધે ઘરે જવું જ ગમતું ન હતું. એ સમયે તું ખૂબ જ અકળાયેલો રહેતો હતો. તું કોઈ જ કામ ધંધો કરતો ન હતો. હું તો હજુ પણ ખેતરે જતો હતો પણ તું તો આખો દિવસ બસ ફર્યા કરતો હતો. વિણામાં તારા માટે ખૂબ જ ચિંતા કરતા હતા. પણ જો આજે તું કેટલો આગળ નીકળી ગયો છે.  મારા બધા જ મિત્રોમાં સૌથી વધુ તરક્કી તે કરી છે." મારા પર ગર્વ કરતાં તેજો બોલ્યો હતો.

"હા તારી વાત બિલકુલ સાચી છે મને બાપુ પર ખૂબ જ ક્રોધ રહેતો હતો. બાપુએ હંમેશા મને એનો વારસદાર જ સમજ્યો હતો, હું આજીવન એમના પ્રેમ માટે તરસ્યો જ હતો. તેમ છતાં મારી સફળતા પાછળનો બધો જ શ્રેય બાપુને જ જાય છે. કારણ કે બાપુએ મારું વેજાની સામે જે અપમાન કર્યું હતું એ મને આ જીવન ભુલાયું નથી અને ભુલાશે પણ નહીં. બાપુએ મને મારી ઔકાત દેખાડી હતી. બસ બાપુના એ વેણ મને એટલા ઝેર સમાન લાગ્યા હતા કે એ વેણ મારાથી સહન થયા નહીં, અને આથી જ મેં નક્કી કર્યું કે હું જીવનમાં એટલી નામના કમાઈશ કે મારા નામથી મારું કામ થશે જ. અને ખરેખર એવું જ થયું મારા નામથી જ મારું કામ થઈ જતું હતું. જો બાપુ મને મારી ઓકાત દેખાડી ન હોત તો કદાચ હું આજે પણ એવો જ હોત. અનાયાસે બાપુના શબ્દોએ મને મારા જીવનમાં આગળ વધતા શીખવી દીધું હતું." મેં મારા મનના બાપુ પ્રત્યેના ભાવ રજૂ કરતા કહ્યું હતું. અને બાપુ જ મારા ઘડતરનો પાયો નિમિત બન્યા એ કબૂલ્યું હતું.

મુકતાર અમારી વાત સાંભળીને બોલ્યો, "આ બધી વાત તો ઠીક છે પણ, ત્યારે તમે ચંદ્રની દિશા જોઈને સમય કહી દેતા હતા તો અત્યારે કેટલા વાગ્યા હશે બોલો તો હું તમારી વાત સાચી માનું!"

હું અને તેજો એક સાથે જ બોલ્યા, "ત્રણ વાગ્યા હોય!"

મુકતારે તરત જ ઘડિયાળમાં જોયું, ખરેખર ત્રણ જ વાગ્યા હતા. એ હસતા સ્વરે બોલ્યો હતો. "હા ખરેખર ત્રણ જ વાગ્યા છે હો."

અમે ત્રણેય એનો જવાબ સાંભળીને હસી પડ્યા હતા. વાતોમાં ઘણો સમય પસાર થઈ ગયો હતો આથી અમે હવે પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે ગયા હતા.

નવા દિવસનો સૂર્યોદય અનેક આશાઓ સાથે રાત્રિનો અંધકાર દૂર કરતા સર્વત્ર પોતાના કેસરી પ્રકાશ ફેલાવી રહ્યો હતો. રાત્રે ઠંડો પવન આવી રહ્યો હોવાથી મેં બારી ખુલી જ રાખેલી હતી. બારીમાંથી આવતો સૂર્યનો પ્રકાશ મારી આંખ પર પડતા મારી ઊંઘ ઊડી ગઈ હતી. આંખો હજુ બંધ જ હતી. મેં રોજની માફક મનોમન તુલસીને યાદ કરી હતી. તુલસીનો ચહેરો જોઈને જ હું મારા દિવસની શરૂઆત કરતો હતો. આંખ ખોલ્યા બાદ અમારા બેડની સામે જ રહેલો મારો અને તુલસીનો સુંદર ફોટો પહેલા હું જોતો હતો, ત્યારબાદ સુંદર રાધાકૃષ્ણની જે મૂર્તિ રાખેલી હતી હું એના દર્શન કરતો હતો. આ મારો નિત્યક્રમ હતો એ પછી જ હું પથારીમાંથી ઉભો થતો હતો. આજે પણ મેં એ જ કર્યું હતું. બારીનો પડદો ખુલ્લો હતો. પડદો બંધ કરતી વખતે મારું ધ્યાન બહાર રહેલ કબુતરના જોડકા પર પડ્યું હતું. એ જોડકું એકબીજાની ચાંચમાં ચાંચ પરોવીને બેઠું હતું. એ જોઈને મને તરત જ વિચાર આવ્યો, માનવીને કુદરતે કેટલું સુંદર મન આપ્યું છે એ જે વિચારે એ પ્રમાણે પોતે કરી પણ શકે છે છતાં મનુષ્ય કેટલો નેગેટિવ વિચારે જ કરે છે. હંમેશા બીજા વ્યક્તિની ઈર્ષા, અદેખાઈ કરે છે. જો એક વ્યક્તિ પોતાનાથી આગળ વધી જતો હોય તો એને કેમ હેઠો પાડવો એ જ વિચારોમાં રહે છે. હંમેશા સારું કાર્ય કરનાર વ્યક્તિની વિરોધમાં અનેક લોકો હોય છે. જો કોઈપણ વ્યક્તિ માટે એક ખરાબ ગુણની ચર્ચા કરો તો એ ચર્ચામાં અનેક લોકો જોડાઈ જશે, પણ એના સારા ગુણ ની વાત કરો તો બધા સાંભળ્યુ ને ન સાંભળ્યું કરશે ભાગ્યે જ કોઈ સત્યને સ્વીકારશે. આ કબુતરનું જોડકું જોઈને મને થયું આ પંખીઓ કેટલા નિખાલસ હોય છે, હંમેશા પ્રેમથી જ રહેતા હોય છે. મનુષ્યને પ્રેમ જોઈએ છે પણ પ્રેમ કોઈને આપવો ગમતો નથી. બધું જ લેવાની કે જુટવી લેવાની ભાવના માટે હંમેશા એ તત્પર રહે છે પણ આપવું કે જતું કરવાની ભાવના તરફ એ બિલકુલ વિચારતો નથી. આ મનુષ્યનો સ્વભાવ હંમેશા એને દુઃખી જ રાખે છે.

મારા ફોનમાં એક રીંગ રણકી હતી. મેં ફોન લીધો અને જોયું તો પૂજાનો ફોન હતો. મેં તરત ફોન ઉપાડ્યો અને હું બોલ્યો, "જય શ્રી કૃષ્ણ બેટા."

"જય શ્રી કૃષ્ણ પપ્પાજી. તમે ઉઠી ગયા ને એ જાણવા જ તમને કોલ કર્યો હતો. કારણ કે રાત્રે ખૂબ મોડે સુધી તમે અને બન્નેકાકા જાગતા હતા."

"હા બેટા હું ઉઠી ગયો છું અને થોડી જ મિનિટમાં હું નીચે હોલમાં પણ આવું છું બધા જ મહેમાનોની દેખરેખમાં કોઈ ખામી ના રહે એનું ધ્યાન રાખજે!"

"હા પપ્પા. મેં બધું જ એરેન્જ કરી લીધું છે તમે કોઈ ચિંતા ન કરો. બસ તમે તૈયાર થઈ અને શાંતિથી નીચે આવી જાવ."

"ઓકે બેટા હું હમણાં આવું જ છું."મેં પૂજાને જવાબ આપી અને ફોન મૂક્યો અને મનમાં જ વિચારી રહ્યો, સ્ત્રીઓ ખરેખર પ્રેમની જ ઝંખના રાખતી હોય છે. જો એમને યોગ્ય સન્માન મળતું રહે તો એ પરિવારને ખૂબ જ ખુશ રાખવા હંમેશા પ્રયત્નશીલ જ રહે છે. હું મારા વિચારો સાથે જ ફટાફટ તૈયાર થવા લાગ્યો હતો.

વિવેકના જીવનમાં નવી પ્રવૃત્તિથી કેવા પરિવર્તન આવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏