A maze of mysterious cellars and secret passages in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | રહસ્યમય ભોંયરાઓ અને ગુપ્તમાર્ગોની માયાજાળ

Featured Books
Categories
Share

રહસ્યમય ભોંયરાઓ અને ગુપ્તમાર્ગોની માયાજાળ

 નાના હતા ત્યારે હંમેશા એવું સાંભળતા કે વડોદરાના રાજમહેલમાં એક એવી સુરંગ છે જે અમદાવાદ કે પાવાગઢ નિકળે છે અને આવી માન્યતાઓ અને દંતકથાઓ લગભગ દરેક રાજ્યમાં જ નહી દરેક દેશમાં દરેક ઐતિહાસિક સ્થળો સાથે જોડાયેલી છે.તેનું કારણ એ હતું કે દરેક રાજ રજવાડાઓ પર હંમેશા દુશ્મનોના હુમલાનો ભય તોળાયેલો રહેતો હતો અને જ્યારે પરાજય નજીક આવતો જણાય ત્યારે દુશ્મનોથી બચવા માટે તેઓ આ પ્રકારના ગુપ્ત માર્ગો અને ભોંયરાઓ બનાવી રાખતા હતા.આ પ્રકારની પરિસ્થિતિ દરેક દેશમાં સમાન જ હોવાને કારણે આખા વિશ્વમાં આ પ્રકારના ગુપ્ત માર્ગો અને ભોંયરાઓની કથાઓ પ્રચલિત છે.

ફ્રાન્સની વોસેજ પહાડીઓ જે સમુદ્રતળથી લગભગ ૨૫૦૦ ફુટ ઉંચાઇએ છે મોન્ટ સેઇન્ટ ઓડિલમાં લાયબ્રેરી હતી જેમાં પ્રાચીન અને અલભ્ય પુસ્તકો સચવાયેલા હતા પણ ૨૦૦૮માં તેમાંથી એક પછી એક પુસ્તકો ગુમ થવાની ઘટનાઓ બનવા માંડી હતી.લોકો આશ્ચર્ય ચકિત હતા કારણકે રૂમ આખો લોક હતો અને અન્ય કોઇ માર્ગ ત્યાં પહોંચતો ન હતો આખરે ત્યાંની પોલીસને તપાસ સોંપવામાં આવી જેમાં તેમને આ લાયબ્રેરી સાથે એક ગુપ્ત માર્ગ જોડાયેલો હોવાનુ જણાયું હતુ જે અંગે કોઇને ખબર ન હતી.આ સ્થળની તપાસ કર્યા બાદ ત્યાંના એક શિક્ષક સ્ટેનિસલાસ ગોસ્સેની ધરપકડ કરાઇ હતી.તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સિટી આર્કાઇવ્સમાં તેને એક નકશો મળ્યો હતો જેમાં આ ગુપ્ત માર્ગનો ઉલ્લેખ હતો અને તેણે જાતે જ તેની ચકાસણી કરી હતી.આ માટે તેણે ભયંકર સાહસ ખેડ્યુ હતું જે માટે તેણે આ મઠની સીધી દિવાલ ચઢીને આ ગુપ્ત માર્ગની શોધ કરી હતી.કહેવાય છેકે આ પ્રાચીન મઠના સાધુઓ દ્વારા બનાવવામાં આવ્યો હશે.આ મઠની લાયબ્રેરીમાંથી શિક્ષકે લગભગ એક હજાર જેટલા પુસ્તકો ચોર્યા હતા જે તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા હતા.

૧૯૨૦ના સમયગાળામાં ન્યુયોર્ક શહેરમાં દારૂ પર પ્રતિબંધ હતો અને પીનારાઓ ત્યારે ૨૧ કલબમાં એકઠા થતા હતા અને દારૂની મોજ માણતા હતા આ કલબના માલિકે તેની પાસેજ પોતાનું રહેણાંકનું મકાન પણ ખરીદ્યુ હતુ અને તેણે પોતાના દારૂના જથ્થાને સંતાડવા માટે ત્યાં એક ગુપ્ત ભોંયરૂ બનાવ્યું હતું.આ રૂમને સંતાડવા માટે તેણે ખાસ ડિઝાઇન તૈયાર કરી હતી અને તે માટે અઢીટનનો દરવાજો બનાવ્યો હતો.તેને ખોલવા માટે અઢાર ઇંચનો વાયર બનાવ્યો હતો જે સિમેન્ટની દિવાલમાં નાંખવાનો રહેતો હતો.ત્યારબાદ જ એ ગુપ્ત ભોંયરાનો દરવાજો ખુલતો જ્યાં તેણે હજ્જારો બોટલો સંતાડી હતી.જો પકડાઇ જવાની નોબત આવે ત્યારે એવી વ્યવસ્થા કરાઇ હતી જેના કારણે બોટલો આપોઆપ ગટરમાં ફેંકાઇ જતી હતી જો કે તે બારનો માલિક ક્યારેય પકડાયો ન હતો.મજાની વાત એ છે કે આ કલબનો ઉપયોગ પ્રતિબંધના આ ગાળા દરમિયાન ત્યારની સેલિબ્રિટીઓ દ્વારા કરાતો હતો જેમાં ન્યુયોર્કના તે સમયના મેયરનો પણ સમાવેશ થતો હતો પોલીસે આ આખા ગોરખધંધાને ઝડપવા માટે અનેક વખત દરોડા પાડ્યા હતા પણ તેમને ક્યારેય સફળતા સાંપડી ન હતી.

ઇંગ્લિશ ચેનલમાં આવેલ બ્રિટીશ ટાપુ જર્સીમાં હોટ ડે લા ગેરેન ચિલ્ડ્રન્સ હોમ્સ અંગે અનેક દંતકથાઓ પ્રચલિત છે જેને ૨૦૦૮માં ખુલ્લો મુકાયો હતો અને આ ચિલ્ડ્રન્સ હોમમાં બાળકોના શોષણના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તેની તપાસ કરાતા ચાર ગુપ્ત ભોંયરાઓ મળી આવ્યા હતા પોલીસે જ્યારે આ ગુપ્ત ભોંયરાઓની તપાસ કરી ત્યારે માત્ર બ્રિટન જ નહી આખા વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો કારણકે અહી બાળકોના કંકાલો મળી આવ્યા હતા એટલું જ નહી લોહીના અવશેષો મળી આવ્યા હતા.આ તપાસમાં જણાયું હતું કે ૧૯૪૦ થી ૮૦નો ગાળો અત્યાચારોની પરાકાષ્ટાનો ગાળો હતો.જ્યારે બાળકોને અહી મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા.એડવર્ડ પેસનેલ નામના કુખ્યાત ગુનેગારે પણ આ સ્થળની મુલાકાત લીધી હોવાની અને ગુના આચર્યાની વાત કરી હતી.હાલના સમયગાળામાં કેટલાક પીડિતો આગળ આવ્યા હતા અને તેમણે પોતાની વિતકકથાઓ વર્ણવી હતી.ત્યારબાદ જર્સી ટાપુના વહીવટીતંત્રએ પણ આ પ્રકારની ગુનાખોરીને અટકાવવા માટે કાયદાકીય જોગવાઇઓની જાહેરાત કરી હતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણાં બ્રિટીશ અને ફ્રેન્ચ સૈનિકોને યુદ્ધ બંદી તરીકે જર્મનીના કોલ્ડીત્ઝ કેસલમાં રાખવામાં આવ્યા હતા.જ્યાં તેમણે આ જેલમાંથી ભાગી જવા માટે યોજના ઘડી હતી જેની આગેવાની બ્રિટીશ લેફટેનન્ટ ટોની રોલ્ટે કરી હતી જેમની સાથે પાયલોટ બીલ ગોલ્ડફિન્ચ અને જેક બેસ્ટ હતા આ ઉપરાંત કેદીઓના એક નાનકડા સમુહે પણ તેમની યોજનાને કારગર બનાવવા મદદ કરી હતી તેમણે કિલ્લામાં તેમની આસપાસથી મળી આવેલી વસ્તુઓ દ્વારા જ એક ગુપ્ત માર્ગ બનાવ્યો હતો.જો કે જર્મનો અહી આવતા હતા પણ તેમને આ નવા બંધાયેલા બાંધકામની ગંધ પણ આવી ન હતી.તેમણે ઉડન ખટોલા જેવી વસ્તુ તૈયાર કરી હતી અને કિલ્લાની છત પર તેને રાખી હતી જેને કોલ્ડીત્ઝ કોક નામ આપવામાં આવ્યું હતું જો કે તેઓ આ ઉડન ખટોલા વડે નાસી છુટે તે પહેલા જ અમેરિકાએ આ કિલ્લાને જર્મનોના કબજામાંથી છોડાવી લીધુ હતું.

ફાઉન્ટેન સિટી ઇન્ડિયા ખાતે આજથી દોઢસો વર્ષ પહેલા એક સામાન્ય દેખાવ ધરાવતું મકાન બન્યું હતું.જેનો માલિક ક્વેકર અને લેવી કોફીન હતા.આ મકાન દેખાવમાં સામાન્ય હતું પણ તે અનેક અસામાન્ય વિશેષતાઓ ધરાવતું હતું.આ મકાનના પેટાળમાં અનેક ગુપ્ત સ્થાનો હતાં તો ત્યાના શયનખંડમાં પણ અનેક ગુપ્ત ઓરડાઓ હતા.આ જગાઓમાં જ કોફીન સફળતાપુર્વક છુપાઇ શક્યો હતો.તેની સાથોસાથ બે હજાર જેટલાગુલામોને પણ તેણે સંતાડ્યા હતા જેણે ત્યારે વિદ્રોહનો સુર ફુંક્યો હતો અને સ્વતંત્રતા માટેની લડત ચલાવી હતી.અમેરિકામાં ગૃહયુદ્ધ છેડાયાના વીસેક વર્ષ પહેલા આ ગુલામો કોફીનના ગુપ્ત ભોંયરાઓમાં લગભગ એકાદ સપ્તાહ જેટલો સમય રોકાયા હતા અને અહીથી નિકળ્યા બાદ તેણે સ્વતંત્રતા માટે લડાઇ ચલાવી હતી જેમાં એક ગુલામ એલિસાને અંકલ ટોમ્સ કેબિનમાં સ્થાન મળ્યું છે.ગુલામોની આ મદદને કારણે જ લેવી પ્રેસિડેન્ટ ઓફ ધ અંડરગ્રાઉન્ડ રેલરોડ તરીકે જાણીતો થયો હતો.

ડેન બ્રાઉનની નવલકથા દા વિન્ચી કોડ જેટલી જ એન્જલ્સ એન્ડ ડેમોન્સ પણ પ્રખ્યાત થઇ હતી જેમાં તેણે વેટિકન સિટીનાં પેસેટો ડી બોર્ગોનો ઉલ્લેખ કર્યો હતો જે ૧૨૭૭ના ગાળામાં એક રહસ્ય બની રહ્યું હતું કારણકે  આ ગુપ્ત માર્ગનો ઉપયોગ ઘણાં પોપ દ્વારા અનેક કાર્યો માટે કરવામાં આવ્યો હતો.આ ગુપ્ત માર્ગ લગભગ આઠસો મીટર લાંબો છે જે જુની વેટિકન સિટીને કેસલ સેન્ટ એન્જેલો સાથે જોડે છે.પોપ નિકોલસ ત્રીજા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેનો ઉપયોગ અનેક પોપે મુશ્કેલીના સમયે ભાગી છુટવા માટે કર્યો હતો.૧૪૯૪માં જ્યારે ચાર્લ્સ તેરમાએ આક્રમણ કર્યુ ત્યારે પોપ એલેકઝાન્ડર છટ્ઠા આ જ માર્ગે ભાગી ગયા હતા  જો કે એવું પણ કહેવાય છે કે આ માર્ગનો ઉપયોગ તેઓ પોતાની પ્રેમિકાઓને મળવા માટે પણ કરતા હતા.પોપ ક્લેમેન્ટ છઠ્ઠા પણ રોમે જ્યારે ચઢાઇ કરી ત્યારે અહીથી જ ભાગી છુટ્યા હતા.જો કે આજે પેસેટો ડી બોર્ગેસ ગુપ્ત નથી કારણકે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયેલો છે.આ ગુપ્ત માર્ગ માટે કહેવાય છે કે જો તેને ૭૭ વખત ચઢ ઉતર કરવામાં આવે તો ગુમાવેલું પૌરૂષત્વ પાછુ મેળવી શકાય છે.

મેક્સિકોના મોસ્ટ વોન્ટેડ  જોકીમ અલ કેપો ગુઝમેન ડ્રગ્ઝની દાણચોરી માટે કુખ્યાત હતો જેણે અમેરિકામાં મોટાપાયે માદક દ્રવ્યો ઘુસાડવા માટે અનોખો તરીકો અપનાવ્યો હતો જેનો પર્દાફાસ ૨૦૧૦માં ત્યારે થયો જ્યારે મેક્સિકો અને અમેરિકાના તંત્રને ૨૨૦૦ ફુટ લાંબો એક ગુપ્ત માર્ગ મળી આવ્યો હતો જેમાં રેલની વ્યવસ્થા હોવા ઉપરાંત વેન્ટિલેશન અને ફ્લુરેસન્ટ લાઇટની પણ સુવિધા હતી.આ ભોંયરુ મેક્સિકોનાં જુઆનાના એક મકાનના રસોડા સાથે જોડેયેલ હતું જેનો અંત કેલિફોર્નિયાના સાન ડિએગોના ઔદ્યોગિક વિસ્તારમાં આવતો હતો.ડ્રગ કાર્ટેલ આ ભોંયરાનો ઉપયોગ મોટાપાયે ડ્રગ્ઝની દાણચોરી માટે કરતું હોવાનું કહેવાય છે.આ ગુપ્ત ભોંયરાઓમાંથી પોલીસને વીસ ટન મારીજુઆનાનો જથ્થો મળી આવ્યો હતો.આમ તો નેવુના ગાળાથી જ આ પ્રકારના માર્ગો મળી આવે છે પણ આ માર્ગ સૌથી વધારે સંકુલ અને સંપુર્ણ હતો.

ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ જે ન્યુયોર્કમાં છે તેને વિશ્વમાં વિશાળ રેલ સ્ટેશન તરીકે પ્રખ્યાતિ સાંપડેલી છે.આ ટર્મિનલમાં પણ અનેક ગુપ્ત ભોંયરાઓ અને ગુપ્ત માર્ગોનું નેટવર્ક હોવાનું ચર્ચાય છે.જેમાં ટ્રેક ૬૧ પર એક ગુપ્ત પ્રવેશદ્વાર છે જેનું એલિવેટર સીધા વિશ્વ વિખ્યાત વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલમાં લઇ જતું હોવાનું કહેવાય છે.આ માર્ગનો ઉપયોગ રાષ્ટ્રપતિ ફ્રાન્કલિન રૂઝવેલ્ટ મેનહટનમાં જવા માટે કરતા હતા.તેઓ પત્રકારોથી બચવા માટે આ ગુપ્ત માર્ગનો ઉપયોગ કરતા હતા.તેઓ ટ્રેઇનમાંથી સીધા હોટેલ પહોંચી જતા હતા.જો કે આજે તો આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે.

નવેમ્બર ૨૦૧૦માં ઇન્ડિયન નેશનલ લાઇબ્રેરીમાં એક ગુપ્ત ઓરડો હોવાની વાત જાહેર થઇ હતી જે કોલકાતામાં આવેલ છે.ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા જ્યારે આ ઐતિહાસિક મકાનની મરામતનું કાર્ય હાથ ધરાયું ત્યારે તેમને આ ગુપ્ત અને રહસ્યમય સ્થળની જાણ થઇ હતી.આ ઓરડો લગભગ ૧૦૦૦ સ્કવેર ફુટનો ઘેરાવો ધરાવે છે આ ઓરડો રહસ્યમય એટલા માટે છે કે તેની ઇંચેઇંચ જમીન ફીંદી નાંખવામાં આવી પણ તેનું પ્રવેશદ્વાર ક્યાં છે તે જાણી શકાયું ન હતું.બિલ્વર્ડર હાઉસ તરીકે જાણીતી આ ઇમારત બ્રિટીશ શાસનકાળમાં ગવર્નરોના રહેવા માટેનું સ્થળ હતી.આ સ્થળની દિવાલોની પેલે પાર શું હશે તે હજી ચર્ચાનો વિષય છે અને કહેવાય છે કે આ સ્થળે કિંમતી ખજાનો છુપાવી રખાયો હશે.

અમેરિકાના પ્રથમ સિરિયલ કિલર હર્માન વેબસ્ટરનું જન્મસ્થળ હોલ્મસ હતું.તેણે શિકાગોમાં એક વિશાળ ઇમારત બાંધી હતી જેનો તે હોટેલ અને હોસ્ટેલ તરીકે ઉપયોગ કરતો હતો.૧૮૯૩માં અહી તેણે ડ્રગ્ઝ સ્ટોરનો આરંભ કર્યો હતો.જેના કારણે તે તેના સમુદાયમાં થોડો પ્રતિષ્ઠિત થયો હતો.જો કે તેની રાક્ષસી મનોવૃત્તિ મરી પરવારી ન હતી તેણે આ જ સ્થળે એક ઇમારત બાંધી હતી જેમાં તેણે લોહી રેડવાનો આરંભ કર્યો હતો.તેની ધરપકડ બાદ આ સ્થળને મર્ડર કેસલ તરીકે ઓળખવામાં આવ્યું હતું.આ ઇમારતની તપાસ કરવામાં આવી ત્યારે અનેક ગુપ્ત માર્ગો અને ઓરડાઓ મળી આવ્યા હતા.તેના ભોયતળિયે તેણે મૃતદેહોના નિકાલની વ્યવસ્થા કરી હતી અને એ માટે તેણે એવી વ્યવસ્થા કરી હતી કે તે મૃતદેહને ઉપલા માળેથી જ નીચે મોકલી શકતો હતો.તેની લેબોરેટરી તરીકે જાણીતી જગ્યાએ અત્યાચારના અનેક સાધનો મળી આવ્યા હતા. આ જગાને હોરર ચેમ્બર્સ તરીકે ઓળખવામાં આવે છે.પચાસેક જેટલી સ્ત્રીઓને અહી તેણે ભયંકર ક્રુરતા દાખવીને રિબાવી રિબાવીને પોતાના હાથે મોતને ઘાટ ઉતારી હોવાનું માનવામાં આવે છે.