Tari Pidano Hu Anubhavi Part-20 in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 20

Featured Books
Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 20

આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. હું ઊભી થઈને એની પાસે ગઈ. એના ખભા પર હાથ મૂક્યો. એ રડી પડ્યો. આંસુ સાથે વેદના ખાલી થઈ રહી હતી. કેટલાય વખતના પડેલા ઉઝરડા હશે એ. ધીમે ધીમે રુઝાઈ રહ્યા હતા એ. આ બધું થવું જરૂરી હતું. એ ઘણું રડ્યો પણ આજે એણે એની અંદર રહેલી બધી જ ગૂંગળામણ ઠાલવી દીધી. એ ભલે એમ સમજતો હોય કે એ હારી ગયો છે પણ ખરેખર હવે એના જીતવાની શરૂઆત હતી.

મીત પોતાના આંસુ લૂછીને સ્વસ્થ થયો. આંખો લાલ થઈ ગઈ હતી.

મેં મિરાજને રડવા દીધો. અત્યાર સુધી એ પૂરેપૂરો ખાલી નહોતો થયો. અણધાર્યા ભાર નીચે દબાયેલો હતો, દટાયેલો હતો. ખાલી તો એ હવે થયો. નવી ખુશીઓ, આશાઓ અને આકાંક્ષાઓ સાથે જીવવા માટે એના દિલમાં હવે જગ્યા થઈ હતી.

‘દિલ ખોલીને જેમ હસવાનું હોય, એમ દિલ ભરાઈ આવતા રડી લેવાથી નવી ખુશીઓને પ્રવેશવાની જગ્યા મળે છે.’ મીતે પોતાની જગ્યાએથી ઊભા થતા કહ્યું.

મીત મિરાજ પાસે ગયો અને પ્રેમથી એને ભેટી પડ્યો. મીતે ત્રણ-ચારવાર એની પીઠ થપથપાવી. બંને છૂટા પડે એ પહેલા એણે મિરાજના માથા પર હાથ ફેરવ્યો અને પોતાની જગ્યા પર બેસી ગયો.

મિરાજનું રડવાનું બંધ થતા મેં એને મારી પાસે રહેલી પાણીની બોટલ ખોલીને આપી. એ મારી આંખોમાં આંખ મિલાવી નહોતો શકતો.

‘હેય, ઈટ્સ ઓ.કે. છોકરાંઓ તો ફાલતુમાં દિલ પર વધારે બોજો લઈને ફરતા હોય છે કે અમે છોકરાંઓ છીએ. અમે કેવી રીતે રડી શકીએ? અરે, રડી લે ને ભાઈ. અંદર જે છે તે જ બહાર આવવાનું છે. કંઈ જાતે થોડું રડવાનું ઊભું કરવાનું છે?’ 

મેં મીત અને મિરાજ સામે જોતા કહ્યું. 

મીત હસી પડ્યો.

મિરાજે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખો લૂછી. 

‘હાઉ ડૂ યૂ ફીલ નાઉ?’

‘ફ્રી એન્ડ લાઈટ.’

‘યસ, આઈ કેન સી ધેટ ઓન યોર ફેસ. તારા ચહેરા પર અત્યાર સુધી જે ભાર હતો એ અત્યારે બીજે જતો રહ્યો છે. ખબર છે ક્યાં?’

'ક્યાં?’

‘તારી આંખોમાં.’

‘આંખોમાં?’

‘આઈ મીન રડવાથી તારી આંખો સૂજી ગઈ છે. બટ નો વરીઝ. એ તો થોડીવારમાં પાછી પહેલા જેવી થઈ જશે.’

‘દીદી, સમ ટાઈમ્સ યૂ ક્રેક વેરી બેડ જોક્સ લાઈક મીત?’ મિરાજના મોઢા પર સ્માઈલ આવી.

‘રિયલી? તો તો મારી સેન્સ ઓફ હ્યુમર ઈમ્પ્રુવ થઈ કહેવાય.’ હું પણ હસી.

‘હા. ક્યારેક આવા ક્રેઝી સેન્સ ઓફ હ્યુમરની પણ જરૂર પડે છે.’ મીત બોલ્યો.

‘અને એવા ક્રેઝી લોકોની પણ જરૂર પડે છે, જે તમને પાગલો જેવી વાતો કરીને હસાવી શકે.’ મેં મીત સામે ઈશારો કરતા કહ્યું. અને મિરાજ હસી પડ્યો.

મિરાજની લાલ આંખોમાં એના ચહેરા પર ઝળકી રહેલા સ્મિતનું નૂર હતું. એની જીતમાં મને મારી જીતના દર્શન થઈ રહ્યા હતા. પોતે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે, એનાથી એ ખુશ હતો.

થોડીવાર સુધી અમે ત્રણે ચૂપચાપ બેસી રહ્યા. હવે એને કોઈના સહારાની જરૂર નહોતી. અમે બધા મંદિરની નિરવતામાં મનની શાંતિનો આનંદ માણી રહ્યા હતા. ખાસ કરીને મિરાજ.

એ દરમિયાન મને અનેક વિચારો ફરી વળ્યા. મિરાજના જીવનમાંથી મને પણ ઘણું શીખવા અને સમજવા મળ્યું.

કોઈ માણસ ચહેરા પર માસ્ક પહેરીને કેટલો વખત રહી શકે. પોતાની જાતને કેટલી હદ સુધી બદલવાની કોશિશ કરી શકે? જે વસ્તુ કરવામાં પોતાને ભાર લાગતો હોય, એ ભાર સાથે કેટલું ખેંચે? પોતાની જિંદગીમાં જે ખુશી સચવાઈને રહેલી હોય એ પણ જતી રહે. એ રસ્તે આગળ વધીને શું ફાયદો? પોતાની જાતને દેખાદેખીથી પ્રેરાઈને જબરજસ્તી લોકો જેવી બનાવવા જવી, એનાથી મોટું સેલ્ફ ટોર્ચર બીજું શું હોઈ શકે?

સરળ થવું અને સરળ રહેવું એટલું અઘરું નથી પણ સરખામણી કરીને નકલી પર્સનાલિટી કે ઈમ્પ્રેશન બનાવવા માટે સતત મથતા રહેવું બહુ અઘરું છે. અમુક લિમિટ સુધીનો બદલાવ સ્વીકાર્ય છે અને જરૂરી પણ છે. પણ એની લિમિટ પહેલા સમજી લેવી જોઈએ. જીવન જીવવું સહેલું છે. પણ આપણે જાતે એને કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ છીએ. આખરે પોતાની જાતને બદલવાના બધા પ્રયત્નો કર્યા પછી પણ મિરાજના હાથમાં કંઈ ના આવ્યું.

‘ક્યાં ખોવાઈ ગયા તમે બંને?’ મિરાજ થોડું જોરથી બોલ્યો.

મેં એની સામે નજર કરી. હવે એ એકદમ સ્વસ્થ લાગતો હતો.

‘હું વિચારતો હતો કે સરસને બદલે સરળ બનવામાં મજા છે.’

‘ટેલિપથી... મારા મનમાં પણ આવા જ વિચારો હતા. પણ તે એને શોર્ટ એન્ડ સ્વીટ કરીને કહી દીધા.’ મેં ઉત્સાહમાં આવીને કહ્યું.

‘તું ફ્રેન્ડ કોની છે? તો વિચારો તો મળતા આવે જ ને... મારો પ્રભાવ જ એવો છે.’ મીતે કોલર ચઢાવતા કહ્યું.

‘તું નહીં સુધરે ક્યારેય.’

મીતની એ જ જૂની હરકતોએ વાતાવરણને હળવું કર્યું. મિરાજ ઘણો રિલેક્સ દેખાતો હતો, પણ મારે હજી કંઈ કહેવાનું બાકી હતું.

‘મને હજી એક વિચાર સતાવે છે.’ મેં ગંભીરતાથી મિરાજ સામે જોઈને કહ્યું.

‘કયો વિચાર?’

‘હું એ વિચારતી હતી કે તું હવે એકદમ બરાબર થઈ ગયો હોય એવું લાગે છે. પણ ફરી તારી સાથે આવું નહીં બને, એની કોઈ ગેરેન્ટી નથી.’ આ વાતથી મીત અને મિરાજના ચહેરા પર આવેલું સ્મિત એ જ ક્ષણે ઊડી ગયું.

મિરાજને આંચકો લાગ્યો. એના ચહેરા પર અચાનક થોડું ટેન્શન ઊપસી આવ્યું.

મીત પણ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો.

‘આવું કેમ બોલો છો, દીદી? ફરીથી આવું બધું સહન કરવાની મારી કોઈ તાકાત નથી. અને હવે હું એ દિશામાં જવા પણ નથી માગતો, જેનાથી મારી આ દશા થઈ છે.’

‘હું જાણું છું કે તું પરમ, નિખિલ અને પ્રિયંકાના અનુસંધાનમાં આવું કહે છે?’

‘હું એ લોકોને ક્યારેય નહીં ભૂલી શકું. એમણે મારી સિમ્પલ એન્ડ સેફ લાઈફને કોમપ્લીકેટેડ અને અન્સેફ બનાવી. હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો?’

‘ના. એમાં એમનો કોઈ વાંક નથી. એ લોકો તો ફક્ત નિમિત્ત છે. વાંક આપણો પોતાનો છે. તું કાયમ ડર સાથે જ જીવ્યો છે. અને એ ડરનો બોજો તારા બધા રિલેશનશિપ પર પડે છે.’

‘ડર? કેવો ડર, દીદી?’

‘એકલા પડી જવાનો ડર, લોકોની પાછળ રહી જવાનો ડર, જૂનવાણી દેખાવાનો ડર અને લોકોની મશ્કરીનું કારણ બનવાનો ડર.’

મિરાજ મારી સામે જોઈ રહ્યો.

‘તો આજે આપણે આ ડરને કાયમ માટે ‘બાય બાય’ કહી દઈએ અને જિંદગીને ‘વેલકમ’ કહી દઈએ?’

મિરાજે ઊંડો શ્વાસ લીધો અને સ્માઈલ કરી. એક પણ દલીલ વગર એણે મારી વાતને સ્વીકારી.

‘તમને આવું બધું કેવી રીતે ખબર પડે છે, દીદી?’

‘કારણ કે, તું જે અત્યારે અનુભવે છે એ હું ઓલરેડી અનુભવી ચૂકી છું.’ 

મિરાજે હળવાશ અનુભવી.

‘લેટ્સ ગો.’

મેં મનોમન ભગવાનનો આભાર માન્યો, આ જગ્યાને અમારી જિંદગીનો યાદગાર દિવસ બનાવવા માટે.

‘દીદી, અમુક રિલેશનના કોઈ નામ નથી હોતા. એને આપણે વેલ વિશર કહી શકીએ.’ મિરાજે સાઈકલ પર બેસતા કહ્યું.

‘યૂ આર એબ્સોલ્યૂટલી રાઈટ.’ વાતના સમર્થનમાં મીતે સાઈકલની રિંગ વગાડી.

એની આંખોમાં મારા માટે આભારની સ્પષ્ટ લાગણીએ ઊભરાઈ રહી હતી. જે એને શબ્દોથી કહેવાની કોઈ જરૂર નહોતી.

‘હા, પણ એ સિવાય બીજું પણ કંઈક છે, જે આપણને સારા-નરસાનું ડિમાર્કેશન બતાવે છે.’ મેં વાતને બીજી દિશા આપતા કહ્યું.

‘શું?’

‘ધર્મ અને અધ્યાત્મ.’

‘કોઈ વ્યક્તિ આપણને કાયમનું સુખ આપી શકતી નથી અને ત્યાં અધ્યાત્મ આવે છે.’ સાઈકલિંગ સાથે વાતો કરતા કરતા ક્યારે ઘર આવી ગયું ખબર ન પડી.

થોડા દિવસો એમ ને એમ જતા રહ્યા. ક્યારેય ન અનુભવી હોય એવી હળવાશ સાથે. મિરાજ એની રૂટીનમાં આવવા લાગ્યો હતો. એવું મીત પાસેથી જાણવા મળ્યું. પહેલા કરતા ઘણો ફેરફાર હતો પણ હજી સો ટકા પહેલાનો મિરાજ થયો નહોતો. હજી કોઈ કચાશ હતી, જે જલદી પૂરી થઈ જશે. એવો મને વિશ્વાસ હતો. પણ હું યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી.

‘એક દિવસ મિરાજનો ફોન આવ્યો, ‘કેમ છો, દીદી?’

‘ફાઈન. તું કેમ છે?’

‘ડૂઈંગ વેલ.’

‘દીદી, તમને આજે ડિનર પર ઈન્વાઈટ કરવા ફોન કર્યો છે. મમ્મી-પપ્પાને બહુ ઈચ્છા છે તમને મળવાની.’

‘અને તને નહીં?’

‘તમારા થકી તો મને નવજીવન મળ્યું છે, દીદી. તમે સાચી સમજણરૂપે મારી સામે હાજર જ રહ્યા કરો છો. એટલે હું તો તમને રોજ મળું જ છું.’

અને અમે બંને હસી પડ્યા.

‘આવીશ. ચોક્કસ આવીશ.’

‘સારું. તો મળીએ રાત્રે સાત વાગે. દીદી, મીત તમને લેવા આવે?’

‘નો થેન્ક્સ. આઈ વિલ મેનેજ.’

‘ઓ.કે. બાય ધેન.’

બરાબર સાતના ટકોરે હું મિરાજના ઘરે પહોંચી.

‘આવ, આવ દીકરા.’ અલ્કાબેને ઉષ્માભર્યો આવકાર આપ્યો.

મને જોઈને મીતના પપ્પા ઊભા થઈ ગયા, ‘આવ બેટા.’

તેઓ આગળ કંઈ બોલી ન શક્યા. પણ એમની આંખો ઘણું બધું કહી ગઈ. જે રીતે તેઓ ઊભા રહ્યા હતા, એમાં ભારોભાર આભાર છલકતો હતો.

‘વેલકમ દીદી.’ ત્યાં તો મિરાજ અંદરથી આવ્યો. એ ખુશ દેખાતો હતો. મને જોઈને એની આંખોમાં ચમક આવી ગઈ.

‘હાય મિરાજ, લુકિંગ કૂલ.’ કહેતા હું સોફા પર બેઠી.

‘મીત નથી?’ મેં ઘરમાં નજર ફેરવતા કહ્યું.

‘બસ, આવતો જ હશે.’ મિરાજ બોલ્યો. અને ત્યાં જ બેલ વાગી. મિરાજ દરવાજો ખોલવા દોડ્યો.

‘શેતાન કા નામ લિયા ઔર શેતાન હાજીર.’ મિરાજ બોલ્યો. 

ખરેખર મારે એ વાક્ય બોલવું હતું, પણ એના પપ્પાની હાજરીએ મને બોલવામાં મર્યાદામાં રાખી.

‘હલ્લો સંયુક્તા.’ મીત શર્ટનું ઉપરનું બટન ખોલતા બોલ્યો. બેઉ હાથની બાંયો વાળતા એ પંખા નીચે ચેર પર બેઠો.

‘ચાલો, જમી લઈએ?’ અલ્કાબેને પૂછ્યું.

‘યેસ. ટુડે ફેમિલી ડિનર વિથ ફેમિલી ફ્રેન્ડ.’ અને બધા ખડખડાટ હસી પડ્યા. ઘરના બધા ફ્રેશ દેખાતા હતા, જે મારી ખુશીમાં વધારો કરતો હતો. અલકમલકની વાતો કરતા, હસતા હસાવતા અમે ડિનર પૂરું કર્યું.

મુખવાસ ખાતા ખાતા અમે સોફા પર ગોઠવાયા. અલ્કાબેન રસોડામાં થોડું આટોપવામાં રહ્યા.

‘સંયુક્તા, મીત પાસેથી તારી વાતો ઘણીવાર સાંભળી હતી. આજે તને મળીને આનંદ થયો.’ મીતના પપ્પાને વાતો તો કરવી હતી પણ બોલવાનું સૂઝતું ન હતું.

‘આઈ થિંક, સંયુક્તાને મળીને આપણને ચારેયને આનંદ થયો છે રાઈટ? અને એની ક્રેડિટ મને મળે છે.’ મીતે આઈબ્રો ઊંચી કરી ઘરના દરેક જણ સામે સ્માઈલ સાથે જોયું.

‘હા ભાઈ હા, તું લે બધી ક્રેડિટ બસ?’ અલ્કાબેન પરવારીને આવ્યા. સાડીના છેડાની હાથ લૂછતા લૂછતા તેઓ સોફા પર ધબ દઈને બેઠા.

‘અરે મમ્મી, આ એંસી કિલોનું વજન કોઈના પર મૂકતા વિચાર તો કર. બિચારાની શું હાલત થાય.’

‘ચૂપ રે બદમાશ.’ અલ્કાબેનને હસવું આવી ગયું.

‘દીદી, એક વાત પૂછું?’

મને નવાઈ લાગી. ‘એવી કઈ વાત છે મિરાજ, જેમાં તારે મને આવું પૂછવું પડે?’

‘કારણ કે વાત પર્સનલ છે, દીદી.’

હું થોડી અચકાઈ. ‘હા પૂછ.’

હવે મિરાજ થોડો અચકાયો. મને સમજાતું નહોતું કે થઈ શું રહ્યું છે. મેં એના મમ્મી-પપ્પા તરફ જોયું. એ લોકો પણ શાંત છતાં આતુર હતા. આખરે મેં મીત સામે જોયું.

‘અરે યાર, હું કહું. સંયુક્તા, બધાને તારી જર્ની સાંભળવી છે. તું કેવા કેવા ફેઝીઝમાંથી પસાર થઈ? કેવી રીતે એમાંથી બહાર નીકળી? એ બધું.’

‘દર વખતે તમે એક વિરલ વિભૂતિની વાત કરો છો. પણ એના વિશે ક્યારેય કંઈ કહ્યું નથી. મારે તો ખાસ એ સાંભળવું છે.’ મિરાજ અધવચ્ચે જ બોલી ઊઠ્યો.

મારા મોઢા પર આછી સ્માઈલ આવી. હું સોફા પર બરાબર બેઠી. બધાએ પણ પોતાપોતાની જગ્યા લીધી. મેં મારા ભૂતકાળના પાના ફેરવવાનું શરૂ કર્યું...