Rani ni Haveli - 5 in Gujarati Fiction Stories by jigeesh prajapati books and stories PDF | રાણીની હવેલી - 5

Featured Books
Categories
Share

રાણીની હવેલી - 5

નૈતિકા ઘરે એકલી હતી. રાત્રીનો સમય હતો. મયંક હજી સુધી ઘરે આવ્યો ન હતો. નૈતિકા ક્યારનીય એકલી એકલી કંટાળી હતી અને કંટાળો દૂર કરવા મેગેઝીન વાંચી રહી હતી. નૈતિકાએ મયંક ને બે ત્રણ વાર ફોન કર્યા હતા પણ મયંકે એક પણ ફોનના જવાબ આપ્યા ન હતા. થોડી ગુસ્સે થઈ અને મનમાં બે ત્રણ ગાળો બોલી નૈતિકા ફરી મેગેઝીન વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. જ્યારે નૈતિકાને ખબર પડી હતી કે ના પાડ્યા છતાં પણ મયંકે હોરર ફોટોગ્રાફીવાળો પ્રોજેક્ટ લીધો છે ત્યારે તેણી ખૂબ ગુસ્સે થઈ હતી. નૈતિકાતો એટલી ગુસ્સે થઈ હતી કે તેણીએ મયંકને ઘર છોડીને જતી રહેવાની ધમકી આપી હતી પરંતુ મયંકે તેને પોતાની કસમ આપી મનાવી હતી કે તેનો આ હોરર પ્રકારનો છેલ્લો પ્રોજેક્ટ હતો અને ભવિષ્યમાં તે આવા કોઇ પણ પ્રકારનાં પ્રોજેક્ટ માં નૈતિકાની પરવાનગી વગર હાથ નાખશે નહી. આખરે નૈતિકાએ સરેન્ડર કરી મયંકની વાત માન્ય રાખી હતી. કેમ નહીં!! તે મયંકને સાચા દિલથી પ્રેમ કરતી હતી. ટૂંક સમયમાં જ તેઓ લગ્ન કરવાના હતા. મયંક પણ નૈતિકાને એટલો જ પ્રેમ કરતો પણ તેનો પ્રેમ નૈતિકા કરતા અલગ હતો.

“ઠક ઠક ઠક” દરવાજા પર હાથના ટકોરા પડવાનો અવાજ આવે છે.“આવી ગયો લાગે છે ભટકીને”  નૈતિકા બબળીને ગુસ્સો ઠાલવે છે.એવામાં ફરી એકવાર વધારે જોરથી ટકોરાનો અવાજ આવે છે. નૈતિકા મેગેઝીન બાજુમાં મૂકીને ઝડપથી દરવાજો ખોલવા દરવાજા તરફ દોટ મૂકે છે અને દરવાજો ખોલે છે. દરવાજે મયંકના બદલે કોઇ અજાણી સ્ત્રી ઉભી હોય છે. “સોરી મોડી રાત્રે તમને ડિસ્ટર્બ કર્યા. મયંક ઘરે છે?” આવનારી સ્ત્રીએ સીધી વાત કરી. આટલી મોડી રાત્રે કોઇ અજાણી સ્ત્રીને પોતાના દરવાજે જોતા નૈતિકાને થોડું આશ્ચર્ય થયું. “ના મયંક ઘરે નથી. તે હમણાં આવતો જ હશે. પ્લીઝ કમ ઈન”  કહી  નૈતિકાએ આવનારી અજાણી સ્ત્રીને આવકારો આપ્યો.આવનારની આંખમાં જાણે કોઇ અજાણ્યો ભય હતો. તેણીના મુખ પર ચિંતાના વાદળો છવાયેલા હતા. કોઈ મનોભાવ આપ્યા વગર તેણી શાંતિથી ઘરમાં પ્રવેશી સોફા પર બેસે છે. નૈતિકા અંદર જઈ આવનાર માટે પાણી લઈ આવે છે. મહેમાન પાણી પી ગ્લાસ ટેબલ પર રાખે છે.

“સોરી મેં તમને ઓળખ્યા નહીં. શું  આપણે પહેલા ક્યારેય મળ્યા છીએ?”  નૈતિકાએ સહજ રીતે પૂછ્યું. “ઓહ સોરી. હું મારી ઓળખાણ આપવાનું જ ભૂલી ગઈ. મારું નામ નેહા છે. આપણે બંને પહેલીવાર જ મળીએ છીએ. એક્ચ્યુલી હું અને મયંક અત્યારે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ અને તેના વિશે જ થોડી વાતચીત કરવા હું તેને મળવા આવી છું. મેં તેને ફોન કર્યા પણ તેણે ઉપાડ્યા નહીં. મને એમ કે કદાચ સૂઈ ગયો હશે પણ વાત થોડી અર્જન્ટ હતી એટલે મને એમ થયું કે ઘરે જઈને રુબરુ જ તેને મળી આવું. આઈ હોપ કે મે તમને આટલી મોડી રાત્રે ડિસ્ટર્બ કર્યા નથી.” નેહાએ સ્વસ્થતાથી જવાબ આપ્યો. નૈતિકા કંઈ જવાબ આપે તે પહેલા તો દરવાજા પર ફરી ટકોરા પડ્યા. નૈતિકાએ ફટાફટ દરવાજો ખોલ્યો. સામે મયંક ઉભો હતો. મયંક ને જોઈને નેહા ઝડપથી સોફા પરથી ઉભી થઈ જાય છે અને મયંક તરફ દોડી તેને ભેટી પડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. 

“શું થયું નેહા? તું રડે કેમ છે?” મયંકના અવાજ માં ચિંતા હતી.“શું થયું છે એ જ ખબર પડતી નથી મયંક.” નેહાએ મયંકથી અળગી થઈ અને આંસુ લૂછતાં લૂછતાં કહ્યું. “હવેલી પર જઈને ઘરે આવ્યા બાદ જાણે બધું જ બદલાઈ ગયું છે. મારા વર્તનમાં બદલાવ આવી ગયો છે અને પહેલા ન અનુભવાયેલી લાગણીઓ જાણે અનુભવાઈ રહી છે તેવું લાગે છે. મને ખૂબ જ ડર લાગી રહ્યો છે.સુવાનો પ્રય્ત્ન કરું છું તો ભયાનક ડરામણા સપનાઓ આવે છે. એકલી રહીશ તો એમ થાય છે કે હું મને પોતાને જ કોઇ નુકસાન પહોંચાડી દઈશ.એટલે જ દોડીને તમારા બન્ને પાસે આવી ગઈ.”  નેહાએ જેમતેમ હોઠ પર આવેલા શબ્દોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. નૈતિકાતો આ બધું જાણે કોઈ પિક્ચર ના દ્રશ્ય જેવું જ લાગ્યુ. 

“ હું તને ના નહોતી પાડતી કે આ પ્રોજેક્ટ કરવાની કોઈ જરૂર નથી. લે જોઈ લે હવે તેનું પરિણામ!”  નૈતિકા મયંક પર તાડૂકી.

લગભગ ઘણા સમય સુધી આ બાબતે ચર્ચા ચાલી અને મયંકને ઘણી ટીકા ટિપ્પણીઓ બંને તરફથી સાંભળવી પડે છે. મહા મહેનતે મયંક બધુ બરાબર કરી દેશે ટીવી ગેરંટી આપે છે. અને પરિસ્થિતિ જો વધારે વણસસે તો તે પ્રોજેક્ટ પણ બંધ કરી કરી દેશે તેવી બાંહેધરી આપે છે. આખરે નેહા શાંત પડે છે અને પાછી ઘરે જવા તૈયાર થાય છે.મયંક અને નૈતિકા બંને બહાર સુધી તેને વળાવવા જાય છે. નેહા જતા જતા નૈતિકાની આંખમાં નજર નાખે છે. નૈતિકા જાણે સંમોહિત થઈ જાય છે. નેહાની નજર કંઈક વિચિત્ર ગેબી રોશની થી જાણે ચમકી રહી હતી અને ચહેરા પર લુચ્ચા શિયાળ જેવું હાસ્ય હતું. મયંકને આ વાતનો જરા પણ અહેસાસ ન હતો કે હવેલીથી શરૂ થયેલી એ માયાજાળ આવે છે તેના ઘર સુધી પહોંચી ગઈ હતી.