તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આપતા બોલ્યો,"અરે હશે કંઈક, કંઈ વાંધો નહીં તું કંઈ જ ન જાણતો હોય તો. તું કહે તો ચાલને આપણે હવેલીમાં ચક્કર મારતા આવીએ. આપણે સામેથી જ ત્યાં જઈને જે રહેતું હોય એને આપણી ઓળખાણ કરાવીએ! શું તને નથી લાગતું કે આપણે ખુદ સામેથી જ જવું જોઈએ. આમ તો આપણે પણ પાડોશી તો થશુ જ ને! અને જો તારા માટે કંઈક સરપ્રાઈઝ હશે જ તો એ પણ સામે આવી જાય ને!" તેજાએ એના મનના વિચાર રજૂ કરતા મને કહ્યું હતું.
"હા વાત તો તારી સાચી છે પણ અહીં શહેરમાં એમ કોઈ અજાણ્યા પાસે પહોંચતુ જ નથી હવે આમંત્રણ વગર કોઈ એકબીજાના ઘરે પણ જતું નથી."
"હા તારી વાત તો સાચી જ છે અને યોગ્ય પણ છે. પણ મને એમ થાય છે કે ચાલ આપણે ત્યાં જતા આવીએ. એવું કંઈ લાગે તો ચૂપચાપ બહાર નીકળી જશુ."
"ના ના મને એમ જવું ઠીક લાગતું નથી. વળી ક્યાંક કોઈક અપમાન કરે તો?"
"તું યાર ખૂબ જાજુ વિચારે છે." આમ કહી તેજો મારો હાથ ખેંચીને મને એ હવેલી તરફ લઈ જવા લાગ્યો હતો. અને હું પણ એની સાથે કોઈ જ આનાકાની કર્યા વગર જવા લાગ્યો હતો.
હું અને તેજો એ હવેલી ની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા હતા. જેવો અમારો એ હવેલીના ગેટ પાસે પગ પડ્યો, અને ગેટ સેન્સરના લીધે જાતે જ ખુલી ગયો હતો. અમે ગેટની અંદર પ્રવેશ કર્યો ત્યારે ચાલવાના ભાગમાં સુંદર જાજમ પાથરેલી હતી અને તેના પર મોગરા અને ગુલાબના સુંદર ફુલ પાથરેલા હતા. ઝાઝમની બંને બાજુ હવેલીના મુખ્ય દ્વાર સુધી ઈલેક્ટ્રીક ફટાકડાના ફુવારા મુકેલા હતા. એમાં પણ સેન્સર મૂકેલું હતું જેમ જેમ અમારા કદમ આગળ વધતા જાય એમ એમ એ ફુવારા પ્રજવલિત થતા હતા. હું તેજાની સામે એકદમ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. આખી હવેલીમાં અમારા બંને સિવાય બીજું કોઈ નજર આવી રહ્યું નહોતું. મને કુતુહલ તો થઈ જ રહ્યું હતું પણ સાથે સાથ ભય પણ હતો કે, જીવનમાં ક્યારેય કોઈએ અપમાન કર્યું નથી આજે મારી સામે કોઈ અયોગ્ય વર્તન ન થાય! હું મારા ભીતરમનને વાગોળતો હવેલીના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયો હતો. હવેલીનો મુખ્ય દ્વાર પણ સેન્સર દ્વારા જ ખુલ્લી ગયો હતો. જેવો એ દ્વાર ખુલ્યો કે ત્યાં ઉપર બાંધેલ કાપડ પરથી અનેક પુષ્પોની વર્ષા અમારા બંને ઉપર થઈ હતી. મેં ખૂબ જ અચરજ સાથે આ રોમાંચક ક્ષણને માણી હતી. હવેલીમાં પ્રવેશતા જ અમુક અંતર પછી મારો એક સુંદર ફોટો રાખેલો હતો. એમાં પણ નીચે મને જન્મદિવસની શુભેચ્છા પાઠવેલી હતી. હું એ જોઈને ખૂબ જ અચરજ પામી ગયો હતો. મેં તરત જ મારી ઘડિયાળમાં નજર કરી, ઘડિયાળ સાડા સાત વાગ્યાનો ટાઈમ દેખાડી રહી હતી. મને અપૂર્વના તરત જ શબ્દ યાદ આવ્યા હતા. આ બધું શું થઈ રહ્યું હતું એ મને કંઈ જ હજુ સમજાય રહ્યું ન હતું. આ હવેલી કોની છે કોણ આના માલિક છે હું કંઈ જ જાણતો ન હતો છતાં પણ મને જન્મદિવસની શુભેચ્છા પણ અહીં પાઠવેલી જોઈ, મને ખુબ કુતુહલ થઈ રહ્યું હતું.
હું મારી સામે આવેલ આ સરપ્રાઈઝને જોઈ આગળ ચાલતો જ અટકી ગયો હતો. તેજો મને ધરારથી આગળ હાથ પકડીને લઈ જઈ રહ્યો હતો. હવેલીનો આગળનો ફોટા દ્વારા જે સ્ટેજ ઊભું કરેલું હતું એની બાજુના ભાગમાંથી અમે આગળ જતા આખો જ હોલ અમારે નજર સામે હવે દેખાઈ રહ્યો હતો.
ઓ હો હો... મારો આખો જ પરિવાર અહીં હતો. આદિત્ય એના પરિવાર સાથે પહોંચી ચૂક્યો હતો. દીપ્તિ તેના પતિ અને પુત્રી સાથે પણ હાજર હતી. રવિ, પૂજા અને અપૂર્વ પણ એ લોકોની સાથે જોડાયેલ હતા. અને આ બધાની સાથે તેજાનો પરિવાર પણ ઉપસ્થિત હતો.
અમે બંને જેવા એ લોકોને નજર સમક્ષ આવ્યા કે બધા જ એક સાથે મને "હેપી બર્થ ડે ટુ યુ.." એક સૂરમાં ગાઈને મને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા લાગ્યા હતા. હું તો આ બધું જ જોઈને કાંઈ સમજી રહ્યો ન હતો કે આ બધું શું થઈ રહ્યું છે અચાનક આવી રીતે બધા એક સાથે કેવી રીતે ભેગા થયા? તેજાનો પરિવાર અહીંયા કેવી રીતે ઉપસ્થિત થયો? એક જ સેકન્ડમાં તો અસંખ્ય પ્રશ્નો મારા મનમાં ઘુમવા લાગ્યા હતા. હું અત્યંત આશ્ચર્ય સાથે ખુશ પણ ખૂબ જ હતો.
હું બધાને આભાર કહી શકું એવી સ્થિતિમાં ન હતો. મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. મેં ફક્ત હસતા ચહેરે હાથ ઉંચો કરી બધાનો આભાર માન્યો હતો.
શુભમ, સ્મૃતિ અને અપૂર્વ ત્રણેય મારી પાસે દોડતા આવ્યા અને મને વળગી પડ્યા હતા. મેં એમને ત્રણેયને એક સાથે ઘુટણીયાભર બેસીને મારા આલિંગનમા લઈ લીધા હતા. આખો દિવસ જે મારું મન બેચેન રહ્યું હતું, એ એકાએક એકદમ શાંત થઈ ગયું હતું. ક્ષણીક એકદમ હું એમ જ બેસી રહ્યો હતો.
હવેલીમા ઉપસ્થિત બધા લોકો મારી મનોસ્થિતિ જાણી ચૂક્યા હતા. મારા મનના બધા પ્રશ્નોના જવાબ આપવાના હેતુથી પૂજાએ પ્રેમથી પુછ્યું,"પપ્પાજી કેવું લાગ્યું અમારું આ સરપ્રાઈઝ? તમને ગમ્યોને અમારા બધાનો આ પ્લાન?"
"હા બેટા. ખૂબ જ ગમ્યો. મારા જીવનનો સૌથી સરસ આ જન્મદિવસ રહ્યો છે. આ હવેલી જ્યારથી બની રહી હતી ત્યારથી વિચારી રહ્યો હતો કે, આ હવેલી સાથે મારું કંઈક ખેંચાણ છે. હવે તું મને એ જણાવ કે તું તેજાને કેવી રીતે મળી અને આ હવેલી કોની છે જે રહસ્ય મારા મનમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે એ બધા જ પ્રશ્નનો તું મને જવાબ આપ." મેં મારા મનમાં ચાલતા વિચારોને શાંત કરવાના હેતુથી પૂજાને પૂછ્યું હતું.
"પપ્પાજી આ વાત તમે તમારા મિત્રના મુખથી સાંભળો તો તમને વધુ સંતોષકારક જવાબ મળશે."
"અરે તું અત્યારે આ બધી જ વાત રહેવા દે, અને સૌથી પહેલા તું જન્મદિવસની કેક કટિંગ કર. આ બધા જ બાળકો એ કેક ખાવા માટે ક્યારના રાહ જોઈ રહ્યા છે."
મેં હસતા ચહેરે એની વાત સ્વીકારી અને તરત જ કહ્યું,"ક્યાં છે કેક આપણે પહેલા એ કટીંગ કરીએ વાતો તો થયા જ કરશે. અને હા બેટા તુ કેકને ટેબલ પર ગોઠવ ત્યાં સુધીમાં હું આપણા પરિવારને અને તેજાના પરિવારને મળી લઉ."
"હા પપ્પાજી. તમે એમને અને આપણા પરીવારને પણ અવશ્ય મળી લો. દિપ્તી પણ તમને મળવા માટે ખુબજ ઉતાવળી થઈ રહી હતી. એ ફ્લાઈટમા બપોરે જ આવી ગઈ હતી. અમારા બધાના પ્રોગ્રામને સાથ આપવા એ ઇન્ડિયા આવી ગયા બાદ પણ તમને મળી નથી." પુજાએ મારી લાગણી જાણતા કહ્યું હતું.
હું એક પછી એક દરેક સદસ્યને મળ્યો હતો. મારી દીકરી દીપ્તિ મને ભેટીને રડી પડી હતી. એ તરત બોલી, "પપ્પા સાચું કહેજો, તમે મારા ફોનની ખૂબ જ રાહ જોતા હતા ને?
"હા બેટા સૌથી પહેલા તારો જ ફોન આવતો હોય અને આજે તારી સાથે વાત જ નહોતી થઈ તો ક્યાંય ચેન પડતું નહતું."
તેજા સાથે વિવેકના પરિવારની મુલાકાત કેવી રીતે થઈ હશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏