મારો પ્રવાસ એક દિવસ અગાઉ જ શરૂ થઈ જાય. પ્રવાસમાં ક્યાં કપડાં પે'રવા, શું નાસ્તો લેવો, કેમ ફોટા પાડવા એમ ઘણીય યોજના. સવારે સાતના ટકોરે બસ આંબલા જવા રવાના થઈ. રોજે મારી સાથે રહેતી મારી સખીઓ ( આશુ અને સાવિ) આજે પ્રવાસમાં ન આવી શકી એની એકલતા મને કોરી ખાતી હતી. થોડું રડાઈ પણ ગયું. પછી અચાનક જ અંદરથી અવાજ આવ્યો "અરે..! તું રડે છે શું કામ? આવતી કાલે તારે બધું કહેવાનું છે બેયને, શું મોજ મસ્તી કરી, શું શીખ્યા, કેવો પ્રવાસ રહ્યો, ચાલ રોવાનું બંધ કરીને એકદમ મસ્ત થય જા"આ અવાજે મને જાણે અચાનક મારા સપનામાંથી જગાડી દીધી હોય એવું લાગ્યું. એટલી વારમાં તો ૯ વાગતા ગ્રામદક્ષિણામૂર્તિનાં આંગણામાં ભવનનાં પારેવાં ઘુમરડી લેવા માંડ્યા.
અમારાં પરિચયની કેડીએ લઈ જવા માટે પથદર્શક નીતિનભાઈએ એક ટ્રિક અજમાવી. જેમાં અમને સૌને બે વિભાગમાં વિભાજિત કરી દીધાં. હંમેશા સાથે રહેતાં મિત્રો જુદાં પડ્યાં. અમુક તો વળી કિસ્મતના ભરોસે રામ જાણે નીતિનભાઈની હાજરી હોવા છતાં એક ટીમમાં જ શામેલ થયા. અને બે ટુકડીઓ જુદા જુદા રસ્તે ડુંગરો, પથ્થરો, ઝાડવાઓ, ઝરણાઓ, કાંટા, એવું બધું પાર કરીને એકબીજાંનાં સથવારે ચાલ્યા. અને પેલા વડલાની વડવાઇએ બાંધેલા હીંચકાને તો કેમ ભૂલી શકાય? જે હીંચકા એકદમ તે જ ક્ષણે બાળપણની યાદો તાજી કરી આપતા હોય. જેમાં અમારાં પથદર્શક અને સાહેબ પણ નાના ભૂલકાની જેમ વડવાઈએ ટિંગાઈને હીંચકા ખાતા હોય. વાહ એ દ્રશ્ય અદ્ભુત.
મારા બેગને જોઈને થતાં ઘણા સંવાદો." આના બેગમાં એટલો બધો નાસ્તો....? બિચારી થાકી જાશે." ડુંગરોનો એ ચડાઈ જે કમજોર હ્રદયવાળાને તો મૂંઝવી નાખે એવો. એ છતાં અમે એકમેકનો હાથ ઝાલી એક પડાવ પાર પાડી લીધો. અને જે રોજ ફિલ્ટરનું ઠંડુ પાણી પીતાં હતાં એમણે બધાએ કૂવાનું પાણી પીને તરસ છીપાવી. રસ્તા પર ચાલતા પેલાં પીળા પતંગિયાં જે ચોતરફ પોતાની હાજરી દર્શાવી રહ્યાં હતાં. વહેતં પાણીમાં તરતી પેલી માછલીઓ પણ અમારી સાથે આવવા માંગતી હોય એમ અમારી તરફ આવતી હતી. એક વિસામો લઈ ફરી પથદર્શકની વાત મુજબ સિંહ જોવાની આતુરતાથી અમે થોડી ઝડપ વધારી. ઝડપમાં અમારી ટુકડી ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ. એક ટુકડી જેમાં એવરેસ્ટ સુધી પહોંચી ગયેલા જે ભોમિયા સાથે હતા. બીજી ટુકડી જે થોડી ઓછી થાકેલી જે વચ્ચે અને છેલ્લે થોડા કાળા તડકાના લીધે થાકેલા, અને થોડાક મદદ કરવાના આશયે રોકાયાં.
કાંટાળી ડાળખીઓ તો અમારી બનાવેલી હેરસ્ટાઈલને ફરી નવીન રીતે ગૂંથવા મથે છે અને તેના સૂક્ષ્મ અંશો અમારાં કેશમાં મુકતી હતી. તો વળી જમીન પરનું પેલું સોનેરી ઘાસ તો એવું હતું કે શું કહેવું. એની માટે એક વાત યાદ આવે " દૂરથી ડુંગર રળિયામણાં" સોનેરી રંગ તો અમને એની તરફ ખેંચી લે છે પણ.... પણ એમાં પગ મુકતાની સાથે એમાં રહેલ અદ્રશ્ય કાંટા જેવી રચના અમારાં પગમાં પેરેલાં શૂઝની અંદર તીક્ષ્ણ વાગતા હતાં. તો પણ એને ય પાર કરીને અમે અંતે અમારા ભોમિયા સાથે એક ઝરણાંની ગોદમાં ગયાં. જ્યાં ચાલીને લાગેલો થાક એકદમ ધોવાઈ જાય છે. નર્મદાનું એક ઝરણું અહીં આવીને અમને ઠંડક આપતું હોય એવો અનુભવ. ત્યાં જ મોઢું ફેરવીને બેઠેલા બે ગણપતિ, જે કંઈ બોલ્યા વગર જાણે ઘણું કહેવાની કોશિશ કરતા હોય એવું લાગ્યું.
પછી આવે છે એ સમય જ્યાં બધા ફરી ભેગા મળીને પોતાના વિખુટા પડેલા મિત્રોને મળે છે. તો વળી પનીર જેવું દેખાતું એ ઢોકળીનું શાક અને એ દેશી ખાણું ખાઈને ફરી અમે દક્ષિણામૂર્તિનાં આંગણામાં ગોઠવાયા. ત્યાંનું ફળિયું, દીવાલો, ઝાડવા, અમારી સાથે વાતો કરે. માઝા, પેપ્સી, સ્પ્રાઈટ જેવી સોડાની બોટલોમાંથી બનાવેલા પેલાં જુમરો, માટીના ગરબામાં બનાવેલા ચકલીના માળા, દીવાલો પરના ભાતચિત્રો, એની ઓસરીમાં પડેલ પીટારો, ત્યાંની કેળવણી,આ બધું જ આ સ્થળને વિશ્વ વિરાસતમાં નામ આપવામાં કારણભૂત.
ઓસરીમાં પડેલ તે પીટારો જેમ કેટલોય ખજાનો સાચવીને બેઠો હશે એ રીતે પ્રવાસની વાતોનો ખજાનો બધા વિદ્યાર્થી મિત્રો ખોલતા હતાં.
બે વિભાગ પડેલા હતાં તે બંને વચ્ચે ટક્કર ચાલતી હતી. એક કરતાં બીજાએ વધુ જોયું અને માણ્યું હોય એમ લાગતું હતું. પણ એક વાતની નવાઈ કે જે લોકો કોઈ ફૂલ, છોડ, પાણી કે પોતાના પગમાં પેરેલ શુઝનાં ફોટા પાડીને સ્નેપ કે સ્ટેટ્સમાં મુકવાનું ચુકતા નથી તે લોકોએ જોયેલા ચાર સિંહનાં ફોટા કેમ નઈ પાડ્યા હોય?? ચાલો એ તો વિચારવા જેવી વાત છે. અને અંતે તો મોજીલી શાળાના બાળકોનો એક તાલ , લય વાળો ગરબો જોઈને મનમાંથી એક જ અવાજ આવે " વાહ શું વાત છે!?" અને પ્રવાસ કે કોઈ કાર્યક્રમ જો ગુજરાતીઓનો હોય અને એ ગરબા રમ્યા વગર પૂરો થાય એ શક્ય જ નથી. પ્રવાસનો થાક ભૂલીને બધા ગરબા રમ્યા. અને પછી બસમાં બેસી ફરી ઘરે જવા માટે બસ ઉપડી ભવન.
આ આખા દિવસ દરમિયાન એક વાત તો નક્કી થઈ કે જાણતા હોઈએ, ઓળખતા હોઈએ તેની સાથે પ્રવાસનો અને લોકોનો સાચો પરિચય ના મળી શકે. નવા અને ન ઓળખતા હોઈએ એનો પરિચય મેળવવો એ જ આ પ્રવાસનો મુખ્ય આશય હતો.
- અસ્મિતા પરમાર