જર્મન કંપનીની દ્વારા લોન્ચ કરાયેલી એપ્લિકેશન યુઝર્સની પ્રાઈવસીની સુરક્ષિત કરશે
ડિજિટલ કોન્ડોમ યુઝર્સની અંગત ક્ષણો રાખશે ગુપ્ત
ભારત સહિત વિશ્વના ૩૦ દેશોમાં જર્મન કોન્ડોમ કંપની એપ્લીકેશન કેમડોમ ઉપલબ્ધ છે
આધુનિક ટેક્નોલોજીના જમાનામાં પ્રતિદિન કંઈને કંઈ નવું સંશોધન કરવામાં આવતું હોય છે. જેમાં અનેક સંશોધન તો એવા હોય છે જે ખરેખર અચરજ પમાડે તેવા હોય છે. આવું જ એક નવાઈનું સંશોધન તાજેતરમાં પ્રકાશમાં આવ્યું છે. જેનું નામ છે કેમડોમ એટલે કે ડિજિટલ કોન્ડોમ !
જેવું નામ છે તેવું જ કામ આ એપ્લિકેશન કરે છે. આ એપ્લિકેશન યુઝર્સના ડેટા અને પ્રાઈવસીને એટલે કે અંગત ક્ષણોને જાહેર થતાં બચાવે છે.
આજના આધુનિક યુગમાં યુઝર્સ ડિજિટલ બની ગયા છે. જેમાં યુઝર્સના ફોન અને તેમના કોમ્પ્યુટર ડિવાઇઝમાં યુઝર્સની અનેક એવી માહિતી હોય છે જેની સુરક્ષા ખુબ જ જરૂરી બને છે. જેમાં ફોટો, વીડિયો અને અન્ય અંગત માહિતીનો સમાવેશ થાય છે. ત્યારે જર્મનીની એક કંપની દ્વારા કેમડોમ નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે યુઝર્સને તેમના ડેટા અને પ્રાઈવસીને સુરક્ષીત રાખવામાં મદદ કરે છે.
જર્મનીની કોન્ડોમ કંપની દ્વારા કેમડોમ એપ લોન્ચ કરવામાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેનો મઝાક ઉડાવતા હતા તેમજ ગંભીર કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા. કોઈકે આ એપનું સ્વાગત કર્યું છે તો કોઈકે અંગત પળોમાં પણ ઘૂસી ગયેલી ટેક્નોલોજીની મજાક ઉડાવી છે. ઘણાએ આવા ડિજિટલ કોન્ડોમની જરૂરિયાત અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ૩૦ દેશોમાં શરૂ કરાયેલ આ એપ ભારતમાં પણ ઉપલબ્ધ છે.
તાજેતરમાં જ પાપુઆ ન્યુગીનીમાં એક અધિકારીના ૪૦૦ યુવતીઓ સાથેના સેક્સ વીડિયો લીક થઇ ગયા છે. જેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે.
વિશ્વના અનેક ઉદ્યોગપતિઓ, નેતાઓને તેમની સેક્સ ટેપથી બ્લેકમેઇલ કરવામાં આવ્યાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જર્મનીની કોન્ડોમ કંપની દ્વારા સુરક્ષિત સંભોગ સાથે હવે, ડિજિટલી સુરક્ષિત સંભોગ માટેની કેમેરા માટેના કોન્ડોમની શોધ કરવામાં આવી છે. જેને એક ડિજિટલ એપ્લિકેશનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો આવો જાણીએ કેમડોમ શું છે અને તે કંઇ રીતે કામ કરે છે.
જૈસા નામ વૈસા કામ
જર્મનીની કોન્ડોમ બ્રાન્ડ બિલી બોયએ જાહેરખબર એજન્સી ઇનોસિયન બર્લિન સાથે મળીને કેમડોમ નામની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. જે એપ્લીકેશન એક પ્રકારે ડિજિટલ કોન્ડોમ તરીકે કામ કરે છે. જે મોબાઇલ ડિવાઇઝને અવરોધિત કરીને સેક્સ દરમિયાન બિન-સહમતિપૂર્ણ સામગ્રીના રેકોર્ડિંગથી રક્ષણ આપે છે. જે રીતે કોન્ડોમના ઉપયોગથી અસુરક્ષિત સંભોગથી બચી શકાય છે, એ જ રીતે કેમડોમના ઉપયોગથી અંગત પળોના દુરુપયોગથી બચી શકાય છે. કેમડોમનો અર્થ કેમેરા કોન્ડોમ થાય છે. જેને ડિજિટલ કોન્ડોમ પણ કહેવામાં આવે છે.
કેમડોમ કઇ રીતે કામ કરે છે?
યુઝર્સની સેક્સ સમયની અંગત પળોને ખાનગી રાખવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલી એપ્લિકેશનનો ઉપયોગ કઇ રીતે કરવો તે જાણવું પણ જરૂરી છે. યુઝર્સે તેમના પાર્ટનર સાથે શારીરિક નિકટતા કેળવતા પહેલાં પોતાના અને પાર્ટનરના મોબાઇલ ફોનમાં બ્લુટૂથ ફિચર ઓન કરવાનું હોય છે. પછી બંને મોબાઇલને બાજુબાજુમાં મૂકીને કેમડોમ એપ ખોલીને એને સ્વાઇપ કરીને એક્ટિવ કરવાની હોય છે. આમ કરતાં જ બંને મોબાઇલના કેમેરા બ્લોક થઈ જશે. જ્યાં સુધી કેમડોમ એપ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી બંને મોબાઇલના કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
જો, કેમેરો ચાલુ કર્યો તો એલાર્મ વાગશે
યુઝર્સ અને તેના પાર્ટનરના મોબાઇલ ફોનમાં કેમડોમ એપ્લિકેશન ઓન કર્યા બાદ જાે બે પૈકી કોઈ એક પણ વ્યક્તિ છુપી રીતે પોતાના મોબાઇલનો કેમેરા ઓન કરવાનો પ્રયાસ કરશે તો મોબાઇલમાં એલાર્મ વાગશે. જેને લીધે સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે કે એનો સાથી એની જાણ બહાર અનિચ્છનીય રીતે વીડિયો, ઓડિયો કે ફોટો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. સુરક્ષાનું આ ફિચર અદભુત છે.
એક કરતાં વધારે મોબાઇલમાં એપ કામ કરશે
કેમડોમ એપ એટલી પાવરફૂલ છે કે, ફક્ત બે નહીં, તમે ચાહો એટલા મોબાઇલમાં એકીસાથે આ એપ્લિકેશન કામ કરે છે. હા, શરત એ કે બધા મોબાઇલના બ્લુટૂથ ઓન હોવા જાેઈએ અને એકબીજાની પાસે મૂકેલા હોવા જાેઈએ. રૂમમાં અગાઉથી છુપાવીને રાખેલા મોબાઇલ પર કેમડોમ એપ કામ નહીં કરે.
વ્યક્તિના અંગત વીડિયો લીક થાય તો શું તકલીફ પડે છે?
અંગત પળોનું રેકોર્ડિંગ કરીને એકે બીજાને બ્લેકમેઇલ કરવામાં આવે છે. આ પ્રકારના સમાચારો છાશવારે જાેવા-સાંભળવા કે વાંચવા મળતા હોય છે. આવા કિસ્સામાં પછી ભોગ બનેલ વ્યક્તિનું શોષણ લાંબા ગાળા સુધી થતું હોય છે. બદનામીના ડરે વ્યક્તિ કોઇને કશું જ કહી શકતી નથી. વિરોધ કરનાર કે ફરી તાબે ન થનાર વ્યક્તિની અંગત પળોનો વિડીયો લીક કરી દેવાય અને એ વાયરલ થઈ જાય, એવું પણ બનતું હોય છે. પીડિત નોકરી ગુમાવી દે, ભાવનાત્મક તકલીફમાં મૂકાઈ જાય, એને હતાશા ઘેરી વળે અને વાત ઘણીવાર આત્મહત્યા સુધી પહોંચી જતી હોય છે. આવું બને ત્યારે ફક્ત પીડિત જ નહીં એનો પરિવાર પણ દુખી-બદનામ થતો હોય છે. આ એક એવું દૂષણ છે જે બને એ પહેલાં જ નાથવાની તાતી જરૂરિયાત હતી, અને એ જરૂરિયાત કેમડોમ એપ પૂરી કરે છે. ડિજિટલ વિશ્વમાં તમારા સંવેદનશીલ સમયને સુરક્ષિત રાખવા માટે આ એક સસ્તો અને સારો વિકલ્પ છે.