ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે વાર્તાલાપ કરે છે. સવારમાં ઊઠીને આંખો ચોળીને... આળસ મરડતા વડલા એ કહ્યું કે આજે વાતાવરણ કેવું ખુશનુમા લાગે છે. જાણે પાનખરની ઋતુમાં રસ્તો ભટકીને વસંત આવી ગઈ હોય, એમ મારી ડાળીએ ડાળીએ નવ ચેતના જાગે છે. કાપીને બુઠ્ઠા કરેલા વૃક્ષમાં કૂંપળ ફૂટી હોય એવું જીવંત જીવન અનુભવાય છે. ત્યારે હરખાતા લીમડાએ હરખનું આંસુ લૂછીને કહ્યું કે... હા મિત્ર જે બાળકોની ઉછળકૂદના આપણે સાક્ષી બન્યા છીએ... જેને આપણા હાથોએ હીંચકા ખવડાવ્યા છે... ધોમધખતા તાપમાં આપણો પાલવ ઓઢાડીને માતાની જેમ રમવા માટે છાયડો આપ્યો છે... જેણે આપણને વળગીને આપણો ખોળો ખુંદયો છે... અને જે યુવાનીનો સમય આવતા માળો છોડીને ઉડી ગયા છે... એ હવે તેના બાળકો સાથે શહેરની ભીડ ભરેલી આગથી રાહત મેળવવા આપણો છાયડો શોધતા આ માયાળુ ગામડામાં આવી પહોંચ્યા છે.
દાદા નો હાથ પકડીને ગામનું પાદર જોવા નીકળેલું શહેરનું બાળક કેટલું જિજ્ઞાસા પૂર્વક એ શાંત ધૂળિયા રસ્તા.. સુમસાન પાદર... ઘટાદાર વૃક્ષો ની સામે જોવે છે. એ વૃક્ષોની નીચે બનેલા ઓટા પર બેસીને દાદાજી તેના દીકરાનું બાળપણ વાગોળે છે. વડવાઈ ના હીચકા ની મજા થી અજાણ બાળક તેના પપ્પાની ધીંગા મસ્તીના કિસ્સાઓ સાંભળે છે. જમાના ના ખાધેલ..સમય ના માર ને સહન કરીને અડીખમ ઊભેલા વૃક્ષો પણ દાદાજીના શબ્દો સાંભળતા ભૂતકાળમાં સરી પડે છે. એક જમાનો હતો જ્યારે ગામનું પાદર નાના બાળકોની ચિચિયારીઓથી ગુંજતું હતું. સરકારી શાળામાંથી છૂટેલા બાળકોનું પહેલું ઠેકાણું વડલાની વડવાઈ થી બનાવેલા હીચકા જ હતું. કેટલાક સાહસવીરોને તો સૌથી ઉપરની ડાળીએ જઈને બેસવું હોય. હળવા ફૂલ મિજાજના હળવા ફૂલ બાળકો વડલાને તદ્દન બોજ વિહોણા લાગતા. સમય જતા એ હળવાશને શહેરની હવા લાગી ગઈ અને ગામના પાદરને એકલતા નો બોજ આપી ચિચીયારી કરતા પંખીઓ માળો છોડીને ઉડી ગયા. વર્ષે એકાદ વાર એ બાળપણ ફરીથી દોડતું આવી વળગી પડે અને હજુ તો માંડ એના સ્પર્શને અનુભવાય ત્યાં ફરીથી પાંખો ફફડાવી ઉડી જાય.
વેકેશન પડતાં ની સાથે ઉડીને એ ગામડે પહોંચી જવાનું મન થાય... જ્યાં બાળપણની યાદગાર ક્ષણો જીવી હોય. શહેરના ઘોંઘાટથી દૂર પક્ષીઓનો મધુર કલબલાટ સાંભળવા.. વાહનોના થોથા અને લગાતાર વાગતા હોર્ન ને તરછોડીને બળદગાડામાં જોતરેલા બળદના ગળામાં રણકતી ઘંટડીઓ સાંભળવા... સ્વિમિંગ પૂલના ક્લોરિન યુક્ત પાણીથી હાથ ખંખેરીને કુદરતી નદી તળાવના અમૃત યુક્ત પાણીમાં તરબોળ થવા... મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપની સ્ક્રીન થી નજર બચાવીને ખેતરની સીમના કુદરતી નયનરમ્ય દ્રશ્ય નિહાળવા... ફ્લેટના બંધ દરવાજામાં મૂંઝાઈ રહેલી એકલતાને નાથી ને.. એક ડેલામાં.. એક વીઘાના ફળિયામાં રહેતા અડધો ડઝન પરિવારની એક ચૂલે બનેલી દાવતની લિજ્જત માણવા... ધુમાડાની કાળી ચાદર ઓઢી બીમાર પડેલા આકાશથી ભાગી છૂટીને સ્વચ્છ પ્રદૂષણ રહિત તરો તાજા ફેક્ટરી આઉટલેટ હવા ને ઊંડા શ્વાસમાં ભરવા.. કામના બોજ તળે દબાયેલી અધૂરી ઈચ્છાઓ અને જવાબદારીઓના બંધનમાં તરફડતા સપનાઓ ને ઉડવા માટે બાળપણની યાદોનું ખુલ્લું આકાશ આપવા.. મન કેટલું બેચેન હોય છે.
જમાના સાથે કદમ મિલાવવા અને સમયની માંગને પહોંચી વળવા.. વતન છોડીને માનવી શહેર તરફ દોટ ભરે છે. શહેરમાં બધું મેળવ્યા પછી પણ જે શાંતિની ઝંખના રહે છે એ તો અહીંયા જ મળશે એ જાણવા છતાં મને કમને ગામ છોડવું પડે છે. અને એટલે જ કદાચ વર્ષે એકાદ વખત એ શાંતિની સુકવણી કરવા.. જે આખું વર્ષ શહેરના ઝટકા ખમવાની તાકાત પૂરી પાડે છે.. માણસ ગામડા તરફ આકર્ષાય છે. હજુ તો માંડ માંડ ગામડે જઈને રાહતનો શ્વાસ ભર્યો હોય ત્યાં ફરીથી શહેરમાં ચાલતા નોકરી ધંધાનો મિસકોલ આવી જાય. અને ના છૂટકે ગામના પાદર ઊભેલા વૃક્ષો, ખેતર કે શાંત પડેલા સરોવરને અલવિદા કહેવાનો સમય આવી જાય. જતાં જતાં ગમતા ગામનું દ્રશ્ય નજરમાં ભરી ભારે હૃદયે 'ફરી મળીશું આવતા વેકેશનમાં' એવું મનોમન બોલાઈ જાય છે. ગામનું પાદર, પાણીનો હવાડો, અને વયોવૃદ્ધ વડલો ફરીથી જાણે સંતાન વિહોણા થયા ની અનુભૂતિ કરતા, નિસ્તબ્ધ જતા બાળકોને જોયા કરે છે.