સનત્કુમાર બોલ્યા, “હવે હું સાધકોના અભીષ્ટ મનોરથને સિદ્ધ કરનારી દેવપૂજાનું વર્ણન કરું છું. પોતાની ડાબી બાજુએ ત્રિકોણ અથવા ચતુષ્કોણની રચના કરીને તેની પૂજા કરવી અને અસ્ત્રમંત્ર દ્વારા તેના પર જળ છાંટવું. તે પછીથી હૃદયથી આધારશક્તિની ભાવના કરીને તેમાં અગ્નિમંડળનું પૂજન કરવું. પછી અસ્ત્રબીજથી પાત્ર ધોઈને આધારસ્થાનમાં ચમસ મૂકીને તેમાં સૂર્યમંડળની ભાવના કરવી.
વિલોમ માતૃકામૂળનું ઉચ્ચારણ કરતા રહી તે પાત્રને જળથી ભરવું. પછી તેમાં ચંદ્રમંડળની પૂજા કરીને પૂર્વવત તેમાં તીર્થોનું આવાહન કરવું. તે પછી ધેનુમુદ્રાથી અમૃતીકરણ કરીને કવચથી આચ્છાદિત કરવું. પછી અસ્ત્રથી તેનું સંક્ષાલન કરીને તેના પર આઠવાર પ્રણવનો જપ કરવો. ત્યારબાદ સાધકે તેમાંથી થોડુક જળ લઈને પોતાની ઉપર અને સમગ્ર પૂજનસામગ્રી ઉપટ જુદું જુદું છાંટવું. પોતાના વામભાગમાં આગળની બાજુએ એક ત્રિકોણમંડળ કરવું. તે ત્રિકોણને ષટકોણથી આવૃત્ત કરીને તેની ચારેબાજુએ ગોળ રેખા દોરવી. પછી તે સર્વને ચતુષ્કોણ રેખાથી આવૃત્ત કરી અર્ઘ્ય જળથી અભિષેક કરવો.
ત્યારબાદ સાધકે શંખમુદ્રાથી સ્તંભન કરવું. આગ્નેય આદિ ચાર ખૂણાઓમાં હૃદય, શિર, શિખા અને કવચ (ભુજાઓનું મૂળ) – આ ચાર અંગોની પૂજા કરીને મધ્યભાગમાં નેત્રની તથા પુષ્પ અક્ષત આદિથી પૂજા કરવી. પછી ત્રિકોણ મંડળના મધ્યમાં રહેલ આધારશક્તિનું મૂલખંડ-ત્રયથી પૂજન કરવું. આ પ્રમાણે વિધિવત પૂજન કરીને અસ્ત્ર (ફટ્)ના ઉચ્ચારણપૂર્વક ધોયેલી ઘોડી મૂકીને ‘मं वह्निमंडलाय दशकलात्मने _____ देवतार्घ्यपात्रासनाय नम:’ મંત્રથી પૂજા કરવી. ‘ આધારપૂજન માટે આ ચોવીસ અક્ષરોનો મંત્ર છે. તે પછી શંખને તેના મંત્રથી ધોઈને તે સ્થાપિત કર્યા પછી તેની પૂજા કરવી. શંખને સ્થાપન કરવાનો મંત્ર છે. ‘ૐ કલીં મહાજલચરાય હું ફટ્ સ્વાહા પાંચજન્યાય નમ:’.
ત્યારબાદ ‘ૐ અર્કમંડલાય દ્વાદશકલાત્મને _____ દેવાર્ઘ્યપાત્રાય નમ:’ આ ત્રેવીસ અક્ષરવાળા મંત્રથી શંખની પૂજા કરવી જોઈએ. (ઇષ્ટદેવનું નામ ઉમેરવાથી અક્ષરસંખ્યા પૂરી થાય છે.) તે મંત્રથી પૂજન કર્યા પછી તેમાં સૂર્યની બાર કલાઓનું ક્રમશ: પૂજન કરવી. ત્યારપછી વિલોમક્રમથી મૂલ માતૃકા વર્ણોનું ઉચ્ચારણ કરતા રહીને શુદ્ધ જળથી શંખને ભરી દેવો અને ‘ૐ સોમમંડલાય ષોડશકલાત્મને દેવાર્ઘ્યામૃતાય નમ:’ મંત્રથી તે જળમાં ચંદ્રમાની સોળ કળાઓની પૂજા કરવી.
તે પછી ‘गंगे च यमुने चैव’ ઇત્યાદિ મંત્રથી સર્વ તીર્થોનું તેમાં આવાહન કરીને ધેનુમુદ્રા (ડાબા હાથની આંગળીઓની વચ્ચે જમણા હાથની આંગળીઓ સંયુક્ત કરીને જમણા હાથની તર્જનીને ડાબા હાથની મધ્યમા વચ્ચે લગાડવી. જમણા હાથની મધ્યમામાં ડાબા હાથની તર્જની મેળવવી. પછી ડાબા હાથની અનામિકા સાથે જમણા હાથની કનિષ્ઠ અંગુલી સાથે અને જમણા હાથની અનામિકા સાથે ડાબા હાથની કનિષ્ઠ અંગુલી સાથે જોડવી. પછી આ બધાનું મોઢું નીચેની બાજુ રાખવું. આ જ ધેનુમુદ્રા છે.) દ્વારા તેનું અમૃતીકરણ (આમાં ‘વં’ આ અમૃતબીજનું ઉચ્ચારણ કરીને ધેનુમુદ્રા દેખાડવી) કરવું અને મત્સ્યમુદ્રા (ડાબા હાથના પૃષ્ઠભાગ પર જમણા હાથની હથેળી મૂકવી. બંને અંગૂઠાઓ ફેલાયેલા રાખવા.) દ્વારા તેને આચ્છાદિત કરવું. પછી કવચ (હું બીજ) દ્વારા અવગુંઠન (ડાબી મુઠ્ઠી એવી રીતે વાળવી કે જેથી તર્જની આંગળી બહાર નીકળેલી રહે. આ પ્રકારની મુઠ્ઠીને શંખની ઉપર ફેરવવી અવગુંઠની મુદ્રા છે.) કરીને પછી અસ્ત્ર (ફટ્) દ્વારા તેની રક્ષા કરવી.
તે પછી ઇષ્ટદેવનું ચિંતન કરીને મુદ્રાનું પ્રદર્શન કરવું. શંખમુદ્રા (ડાબા અંગૂઠાને જમણી મુઠ્ઠીથી પકડવો. મુઠ્ઠીને ચત્તી કરવી અને અંગૂઠો ફેલાવવો. ડાબા હાથની ચારે આંગળીઓ જોડેલી રાખવી ને લંબાવીને જમણા અંગૂઠા સાથે જોડી દેવી. આ શંખમુદ્રા ઐશ્વર્ય આપનારી છે.), મુસલમુદ્રા (બંને હાથની મુઠ્ઠી વાળીને ડાબી ઉપર જમણી મુઠ્ઠી મૂકવી. મુસલમુદ્રા સર્વ વિઘ્નોનો નાશ કરનારી છે.), ચક્ર મુદ્રા (બંને હાથ સામસામા રાખી તેમને સારી પેઠે ફેલાવીને વાળી દેવા અને બંને કનિષ્ઠ અંગુલીઓ અને અંગૂઠો પરસ્પર જોડી દેવા.) પરમીકરણ મુદ્રા (બંને હાથોની આંગળીઓ પરસ્પર જોડી દઈ હાથો જુદા રાખવા.), મહામુદ્રા (અંગૂઠો એકબીજા સાથે ગૂંથીને બંને હાથની આંગળીઓ ફેલાવવી.) અને યોનિમુદ્રા (બંને હાથ ચત્તા રાખી જમણા હાથની અનામિકાથી ડાબા હાથની તર્જની અને ડાબા હાથની અનામિકાથી જમણા હાથની તર્જની પકડી લેવી. બંને મધ્યમાઓ તથા કનિષ્ઠ અંગુલીઓ પરસ્પર જોડેલી રાખીને બંને અંગૂઠાઓ તર્જનીના મૂળ સાથે મેળવેલા રાખવા -આ જ યોનિમુદ્રા છે.) સાધકે આ પ્રમાણે મુદ્રાઓ બનાવવી.
ગારુડી મુદ્રાઓ અને ગાલિની મુદ્રાઓ આ બે મુદ્રાઓ મુખ્ય કહેવામાં આવી છે. ગારુડી મુદ્રામાં બંને હાથ સામા રાખી બંને કનિષ્ઠ અંગુલીઓ પરસ્પર ગૂંથી દઈ, અધોમુખ કરી તેમની સાથે તર્જનીઓ જોડી દેવી પછી મધ્યમા તથા અનામિકાને પાંખની જેમ હલાવવી. આ ગરુડ મુદ્રા વિઘ્નોનું નિવારણ કરનારી છે. ગાલિની મુદ્રામાં બંને હાથોની કનિષ્ઠ અંગુલીઓ અને અંગૂઠા પરસ્પર જોડાયેલા રહે અને તર્જની, મધ્યમા તથા અનામિકા આંગળીઓ તદ્દન સીધી રહીને પરસ્પર જોડાયેલી રહે.
ગંધ-પુષ્પ આદિથી તે સમયે દેવોનું પૂજન અને સ્મરણ કરવું. આઠ વાર મૂલમંત્ર તથા આઠ વાર પ્રણવનો જપ કરવો. શંખથી દક્ષિણ દિશાએ પ્રોક્ષણીપાત્ર રાખવું. શંખમાનું થોડુંક જળ પ્રોક્ષણીપાત્રમાં રેડીને તેનાથી પોતાની ઉપર ત્રણ વાર અભિષેક કરવો. તે સમયે ક્રમશ: ‘ૐ આત્મતત્વાત્મને નમ:’, ‘ૐ વિદ્યાતત્વાત્મને નમ:’, ‘ૐ શિવતત્વાત્મને નમ:’ મંત્રોનું ઉચ્ચારણ કરવું. આ મંત્રો દ્વારા પોતાની સાથે જ તે મંડળનું પણ વિધિવત પ્રોક્ષણ કરવું અને તેમાં પુષ્પ તથા અક્ષત પણ નાખવા, અથવા મૂળ ગાયત્રીથી પૂજાદ્રવ્યોનું પ્રોક્ષણ કરવું. પછી કોઈ આધાર પર પાદ્ય, અર્ઘ્ય, આચમનીય તથા મધુપર્ક માટે અનેક પાત્ર વિધિપૂર્વક મૂકવાં.
સામો, દૂર્વા, કમળ, વિષ્ણુક્રાંતા નામક ઔષધી અને જલ-એમના મિશ્રણથી ભગવાન માટે પાદ્ય બને છે. ફૂલ, અક્ષત, જવ, કુશાગ્ર, તલ, સરસવ, ગંધ તથા દૂર્વાદલ-એમના વડે ભગવાનને અર્ઘ્ય આપવાનો વિધિ છે. આચમન માટે શુદ્ધ જળમાં જાયફળ, કંકોલ અને લવંગ મેળવીને રાખવું જોઈએ. મધ, ઘી અને દહીંના મિશ્રણથી મધુપર્ક બને છે. ભગવાન શંકર અને સૂર્યદેવના પૂજનમાં શંખમય પાત્ર સારું માનવામાં આવ્યું નથી.
` શ્વેત, કૃષ્ણ, અરુણ, પીતમ શ્યામ, રક્ત, શુક્લ, અસિત, લાલ વસ્ત્ર ધારણ કરનારી અને હાથમાં અભયની મુદ્રાથી યુક્ત પીઠશક્તિઓનું ધ્યાન કરવું જોઈએ. સુવર્ણ આદિના પત્ર પર લખેલા યંત્રમાં, શાલગ્રામ શિલામાં, મણિમાં અથ વિધિપૂર્વક સ્થાપિત કરેલી પ્રતિમામાં ઇષ્ટદેવની પૂજા કરવી જોઈએ. ઘરમાં પ્રતિદિન પૂજા માટે તે જ પ્રતિમા કલ્યાણ કરનારી હોય છે કે જે સુવર્ણ વગેરે ધાતુઓની બનેલી હોય ને ઓછામાં ઓછી અંગૂઠા જેવડી તથા વધારેમાં વધારે એક વેંતની હોય. વાંકી, બળેલી, ખંડિત, જેનું મસ્તક અથ આંખ ફૂટેલ હોય તેવી પ્રતિમાની પૂજા ન કરવી જોઈએ.
સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત બાણ આદિ-લિંગનું પૂજન કરવું અથ મૂળમંત્રના ઉચ્ચારણપૂર્વક મૂર્તિનું નિર્માણ કરીને ઇષ્ટદેવના શાસ્ત્રોક્ત સ્વરૂપનું ધ્યાન કરવું. પછી તેમાં દેવતાનું પરિવાર સહિત આવાહન કરીને પૂજન કરવું. શાલગ્રામ શિલામાં તથા પહેલાં સ્થાપિત કરેલી દેવપ્રતિમામાં આવાહન અને વિસર્જન કરવામાં આવતાં નથી.
ત્યાર પછી પુષ્પાંજલિ લઈને ઇષ્ટદેવનું ધ્યાન કરી આ મંત્રનું ઉચ્ચારણ કરવું.
आत्मसंस्थमजं शुद्धं त्वामहं परमेश्वर।
अरण्यामिव हव्यांशं मूर्तावावाह्याम्यहम्।।
तवेयं हि महामूर्तिस्तस्यां त्वां सर्वगं प्रभो।
भक्तस्नेह्समाकृष्टं दीपवत्स्थपयाम्यहम।।
सर्वान्तर्यामिणे देव सर्वबीजमयं शुभम्।
स्वात्म्स्थाय परं शुद्धमासनं कल्पयाम्यहम्।।
अनन्या तव देवेश मूर्तिशक्तिरियं प्रभो।
सान्निध्यं कुरु तस्यां त्वं भक्तानुग्रहकारक्।।
अज्ञानादुत मत्तत्वाद् वैकल्यात्साधनस्य च।
यद्यपूर्णं भवेत्कल्पं तथाप्यभिमुखो भव।।
दृशा पीयुषवर्षिन्या पूरयन् यज्ञविष्टरे।
मूर्तौ वा यज्ञसंपूर्त्यै स्थितो भव महेश्वर।
अभक्त वाङ्मन्श्चक्षु:श्रोत्र दूरायितधुत।
स्वतेज:पञ्जरेणाशु वेष्टितो भव सर्वत:।।
यस्य दर्शनमिच्छन्ति देवा: स्वाभीष्टसिद्धय।
तस्मै ते परमेशाय स्वागतं स्वागतं च मे।।
कृतार्थोऽनुगृहीतोऽस्मि सफ़लम् जीवितं मम।
आगतो देवदेवेश: सुस्वागतमिदं पुन:।।
પરમેશ્વર, આપ પોતાની અંદર સ્થિત, અજન્મા તેમ જ શુદ્ધ બુદ્ધસ્વરૂપ છો. જેવી રીતે અરણીમાં અગ્નિ ગુપ્તપણે રહેલ છે, તેવી જ રીતે આ મૂર્તિમાં આપ ગૂઢરૂપથી વ્યાપ્ત છો, હું આપનું આવાહન કરું છું. પ્રભો, આ આપની મહામૂર્તી છે, ભક્તના સ્નેહવશ સ્વયં ખેંચાઈને આવ્યા છો એવા આપ સર્વવ્યાપી પરમાત્માને આની અંદર દીપની જેમ સ્થાપિત કરું છું. હે દેવ, મારા અંત:કરણમાં સ્થિત આપ સર્વાન્તર્યામી પ્રભુ માટે હું સર્વબીજમય, શુભ તેમ જ શુદ્ધ આસન આપું છું. દેવેશ, આ આપની અનન્ય મૂર્તિ-શક્તિ છે. ભક્તો પર અનુગ્રહ કરનારા પ્રભો, આપ આમાં નિવાસ કરો. અજ્ઞાનથી, પ્રમાદથી અથવા સાધનના અભાવને લીધે જો મારું આ અનુષ્ઠાન અપૂર્ણ રહી જાય તોપણ આપ અવશ્ય પ્રત્યક્ષ થશો. હે મહેશ્વર, આપ આપની અમૃત વરસાવનારી દૃષ્ટિ દ્વારા સર્વ ત્રુટિઓને પૂરી કરી યજ્ઞની પૂર્ણતા માટે આ યજ્ઞાસન પર અથવા મૂર્તિમાં સ્થિર થાઓ. આપનો પ્રકાશ અથવા તેજ અભક્તજનોનાં મન, વચન, નેત્ર અને કાનોથી ઘણે દૂર છે. ભગવન, આપ બધી બાજુએ પોતાના તેજ:પુંજથી શીઘ્ર આવૃત્ત થઇ જાઓ. દેવતાઓ પોતાના અભીષ્ટ મનોરથની સિદ્ધિ માટે સદા જેમનાં દર્શન ઈચ્છે છે તે જ આપ પરમેશ્વર માટે મારા તરફથી આપનું વારંવાર સ્વાગત છે. દેવદેવેશ્વર હે પ્રભો, આપ આવી ગયા. હું કૃતાર્થ થઇ ગયો. મારા પર કૃપા થઇ. આજ મારું જીવન સફળ થઇ ગયું. હું ફરીથી આ શુભ આગમન માટે પ્રભુનું સ્વાગત કરું છું.”
ક્રમશ: