tutankhamen in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | તૂતેનખામેનનું મમી લોકો સાથે બદલો લેતું રહ્યું........

Featured Books
Categories
Share

તૂતેનખામેનનું મમી લોકો સાથે બદલો લેતું રહ્યું........

કેરાલાના પદ્મનાભસ્વામીના મંદિરના ખજાનામાં રહેલાં સુવર્ણ અને ઝવેરાતનું આકલન કરવા ગુપ્ત ચેમ્બર્સ ખોલાવવાની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર ટી.પી. સુંદરરાજનનું મૃત્યુ થઈ ગયું. કેટલાક લોકો આ ઘટનાને દૈવી ખોફનું પરિણામ માને છે. આવી જ એક હજારો સાલ પુરાણી ઘટના જાણવા જેવી છે.
તૂતેનખામેન મિસર (ઈજિપ્ત) નો રાજા હતો. એ વખતે મિસરના રાજાઓ ફેરો તરીકે જાણીતા હતા. મિસરના મહાન ફેરો ખિઓપ્સના શાસનના ૧૨૦૦ વર્ષ બાદ તૂતેનખામેન ફેરો બન્યો હતો. પરંતુ તે ૧૮ વર્ષની નાની વયે જ મૃત્યુ પામ્યો હતો. તે કોઈ મહત્ત્વપૂર્ણ ફેરો ના હોવાથી જમીનની નીચેની એક મકબરામાં તેને દાટી દેવામાં આવ્યો હતો.આ ઘટનાનાં હજારો વર્ષ બાદ એટલે કે ઈ.સ. ૧૯૨૨માં અમેરિકન પુરાતત્ત્વવિદ્‌ હોવર્ડ કાર્ટર અને તેમના સાથી લોર્ડ કાર્નારવન ઈજિપ્તમાં હજારો વર્ષો પહેલાં દટાયેલા ફેરોઝના મકબરા શોધી રહ્યા હતા. તા. ૨૨, નવેમ્બર,૧૯૨૨ના રોજ એક પિરામિડ પાસે અનાયાસે તેમને ચૂનાના પથ્થરોના ઢોળાવવાળો એક પુરાણો ઢાંચો નજરમાં આવ્યો. તેની આગળનો એક દરવાજો જોતાં જ કાર્ટરે કાર્નારવનને કહ્યું : ‘‘દોસ્ત, છેલ્લાં ૩૦ વર્ષથી મને આ દરવાજાની ખોજ હતી. મને વિશ્વાસ છે કે આજથી ૩૩૦૦ વર્ષ પહેલાં આ મકબરાને સીલ કરવામાં આવ્યો હશે.’’
વાત એમ હતી કે આ મકબરો તૂતેનખામેનનો હતો અને તેને શોધવા માટે અમેરિકન સંશોધક કાર્ટરે છેલ્લાં ૧૦ વર્ષમાં તેની તમામ દોલત ખોદકામમાં લૂંટાવી દીધી હતી. આ તેનો છેલ્લો પ્રયાસ હતો અને આ વખતે તે નિષ્ફળ જશે તો કોઈની યે પાસે મદદ નહીં માંગે તેવું તેણે નક્કી કરી લીધું હતું. કાર્ટરે કહ્યું : ‘દોસ્ત, હવે પરવા નથી. આ મકબરાની ભીતર જે ખજાનો છે તે મને દુનિયાનો સહુથી અમીર આદમી બનાવી દેશે, અને પુરાતત્ત્વના ઇતિહાસમાં આ ઘટના એક મહાન ખોજ સાબિત થશે.’’કાર્ટરે સાવધાનીપૂર્વક છીણીથી દરવાજો ખોતરવા માંડયો. ધીમે ધીમે દરવાજાનું ચૂનાનું પ્લાસ્ટર ઊખડી ગયું. હવે એક છિદ્ર પડયું. તેણે ટોર્ચનો પ્રકાશ અંદર ફેંક્યો અને અંદરનો અદ્ભુત નજારો જોઈ તે સ્તબ્ધ બની ગયો. તેણે જોયું તો અંદર ૧૬ બાય ૧૨ ફૂટનો ગુલાબી રંગનો ઓરડો હતો. અંદર ત્રણ પલંગ હતા. દરેકની ઉપર જાનવરોના માથાની આકૃતિઓ પડી હતી. કાર્ટરે છિદ્ર મોટું કર્યું. ટોર્ચના પ્રકાશમાં તેણે જોયું તો માનવીના કદની બે પ્રતિમાઓ પર પડી. કાળા રંગના બે સંત્રીઓ એક બીજા સામે જોતાં જાણે કે પહેરો ભરી રહ્યા હતાં. તે પૂતળાં સુવર્ણનાં બનેલાં હતા. તેમના મોં જ કાળા હતા. તેમના માથાના મુગટ પર કાળા પવિત્ર નાગની આકૃતિ હતી. કાર્ટર અને તેનો દોસ્ત કાર્નારવન હવે છિદ્ર મોટું કરી અંદર પ્રવેશ્યા. તેમણે જોયું તો સામે સોનાનું એક નકશીદાર સિંહાસન હતું. બાજુમાં સોનાનો ઊલટો પડેલો એક રથ હતો. રંગીન પથ્થરોથી જડેલી કલાકૃતિઓ પણ પડેલી હતી. સોનાથી મઢેલો પલંગ હતો. ઓરડામાં ચારે બાજુ ઝવેરાત અને કીમતી રત્નો પડેલાં હતાં. તે સિવાય રોજે રોજ કામની કેટલીક ચીજવસ્તુઓ પણ પડી હતી. ૩૩૦૦ વર્ષ પહેલાંનો આ ખજાનો હતો.કાર્ટરે જોયું તો એ મકબરાની ભીતર ચાર મોટા મોટા ઓરડા હતા. બધા જ ઓરડા વારાફરતી ખોલવામાં આવ્યા. તે તમામ અંદરથી એકદમ સ્વચ્છ હતા. છેલ્લા ઓરડામાંથી સોનાથી મઢેલું કોફીન ખોલવામાં આવ્યું. તે કોફિન તૂતેનખામેનનું હતું. બીજી બે કબરોમાં સુવર્ણથી મઢેલી દેવ દેવીઓની પ્રતિમાઓ હતી. તૂતેનખામેનનું મમી ૩૩૦૦ વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલું હતું. તૂતેનખામેનના માથા નીચે લોઢાનું ઓશિકું હતું. બાજુમાં નીલમ, ગ્રીન હીરા- પન્ના અને કીમતી સ્ટોન્સ પડેલા હતા. તૂતેનખામેનના હાથની તમામ આંગળીઓ પર રિંગ પહેરાવવામાં આવી હતી. અલબત્ત તૂતેનખામેન માત્ર ૧૮ વર્ષની વયે મૃત્યુ પામ્યો હોઈ તેનું મમી દૂબળું પાતળું હતું. પરંતુ તેના ચહેરા પર સોનાનું મહોરું ચઢાવેલું હતું. તે મહોરાની આકૃતિ તૂતેનખામેનના ચહેરા જેવી જ બનાવવામાં આવેલી હતી. તેની ગરદન અને છાતીના ભાગ પર લીલી અને કમળના ફૂલ હતાં. ફૂલ મૂરઝાઈ ગયેલા હતા પરંતુ પુરાણા રંગોની આભા એવીને એવી જ હતી.આ મકબરાના ખનન દરમિયાન તૂતેનખામેનના મમીની સાથે ૧૫૦ જેટલાં તાવીજ મળ્યાં હતાં જેનું રહસ્ય આજ સુધી ઉકેલાઈ શકાયું નથી. બીજી નોંધપાત્ર વાત એ હતી કે તૂતેનખામેનનું મમી થોડુંક ખરાબ થઈ ગયું હતું. મૃતદેહની ત્વચા ફાટી ગઈ હતી. કેટલાક તાવીજ હૃદયની જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. શાયદ અમરત્વ પ્રાપ્ત કરવા એ તાવીજ મંત્ર સિદ્ધ હોવાનું મિસરવાસીઓ માનતા હતા. એક તાવીજ ભ્રમરની આકારનું હતું. મિસરની નિઃસંતાન સ્ત્રી ભમરાને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી ખાઈ જતી હતી. તેમની માન્યતા હતી કે એમ કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થશે. તૂતેનખામેનના મમી પર મલમલનાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. મૃત્યુના ૩૩૦૦ વર્ષ બાદ પણ તૂતેનખામેન ગરિમામય લાગતા હતા.મિસર- ઈજિપ્તમાં લકઝર પાસે ‘વેલી ઓફ કિંગ્સ’નામના વિસ્તારમાંથી કાર્ટર અને કાર્નારવનની આ ખોજ એ જમાનામાં આખા વિશ્વ માટે એક મોટા સમાચાર હતા. અલબત્ત, તૂતેનખામેનની કબરની ખોજ કરી રહેલા હાવર્ડ કાર્ટર અને તેમના મિત્ર કાર્નારવનને કેટલાક લોકોએ ચેતવ્યા હતા અને કહ્યું હતું કે, ‘‘હજારો વર્ષોથી સૂતેલા પવિત્ર આત્માઓને ખલેલ પહોંચાડશો નહીં. તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.’’ પરંતુ હાવર્ડ કાર્ટર એક ધૂની વ્યક્તિ હતો. તેનો જન્મ ઈ.સ. ૧૮૭૩માં નારફોકના સ્વૈફહામ ખાતે થયો હતો. તે ૧૮ વર્ષની વયથી જ પૌરાણિક મિસરના ચિત્રોના અભ્યાસ માટે ઈજિપ્ત પહોંચી ગયો હતો. તેણે તેનો સાથી કાર્નારવન અંગ્રેજ હતો. તૂતેનખાનમેનની કબર શોધવા તેણે તેની જિંદગીની તમામ તાકાત લગાવી દીધી હતી. ઈજિપ્તના ફેરો રેમસેસે છઠ્ઠાના પિરામિડની છેક નીચે તેણે છેલ્લું ખોદકામ શરૃ કર્યું અને જમીનની નીચેથી એક સીડી મળી આવી. રાત સુધીમાં બીજી ૧૨ સીડીઓ મળી આવી જે છેલ્લે તેમને તૂતેનખામેનના મકબરાની ખોજ સુધી લઈ ગઈ. પરંતુ તૂતેનખામેન અથવા બીજા કોઈનોયે મકબરો ના ખોલવાની ચેતવણીની તે ધરાર અવગણના બંને જણ કરતા રહ્યા. આર્થર બીગેલ નામના એક સાથીએ કહ્યું કે, કેટલાક સમય પહેલાં એક પુરાત્ત્વશાસ્ત્રી એક મમી મૂકેલું કોફિન લઈ દરિયામાર્ગે ઈંગ્લેન્ડ જઈ રહ્યો હતો અને આખું જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. પરંતુ આ વાતની પણ કાર્ટર કે કાર્નોરવન પર કોઈ જ અસર ના થઈ. એથી ઊલટું તેવો આર્થર બીગેલની કાયરતાની મશ્કરી કરવા લાગ્યા. આર્થર બીગેલે તેમને કહ્યું : ‘‘તમે એક મૃતાત્માનું અપમાન કરી રહ્યા છો. તમે બે મહિનાથી વધુ જીવશો નહીં. મહેરબાની કરીને તૂતેનખામેનના મકબરામાં પ્રવેશશો નહીં.’’ આ બધી ચેતવણીઓ કાર્ટર અને તેના મિત્રને ઈ.સ. ૧૯૨૨ પહેલાં આપવામાં આવી હતી. પહેલાં તેમણે આ ચેતવણીઓની ધરાર અવગણના કરી હતી. અને હજારો વર્ષોથી સૂતેલા એક મૃતાત્માને ખલેલ પહોંચાડયાની ઘટના બાદ એક પછી એક રહસ્યમય બીનાઓ બનતી ગઈ. તૂતેનખામેનની કબર ખોદ્યાના પાંચમા જ મહિને કાર્નારવનને ગંભીર બીમારી થઈ. તેના શરીરમાં ભયંકર પીડા ઊભી થઈ હતી. એ વખતે તેનો પુત્ર બીજા રૃમમાં હતો. કાર્નારવન ચીસો પાડતો હતો : ‘‘આઈ એમ ડાઈંગ’’તેનો પુત્ર પિતા પાસે પહોંચ્યો તે વખતે કાર્નારવન બેભાન થઈ ગયો હતો અને તે કદી જાગૃત થયો નહીં ! કબર ખોદ્યાના પાંચ જ માસમાં તે મૃત્યુ પામ્યો તૂતેનખામેનના મમીનો આ પહેલો બદલો હતો. કાર્નારવનના મૃત્યુના સમાચાર સાંભળી તેનો મિત્ર જ્યોર્જ ગોલ ઈજિપ્ત પહોંચ્યો. તે તૂતેનખામેનના મકબરામાં પ્રવેશ્યો. બીજા જ દિવસે તેને સખત તાવ આવ્યો અને મૃત્યુ પામ્યો. રેડિયોલોજિસ્ટ આર્કિબાલે તૂતેનખામેનના મમીનો એકસ-રે લીધો હતો. તેને અચાનક મૂંઝારો થઈ ગયો અને ઈંગ્લેન્ડ પાછો ફર્યો. ઈંગ્લેન્ડ પાછા ફર્યાના બીજા જ દિવસે તે મૃત્યુ પામ્યો. કાર્નારવનનો સેક્રેટરી કે જે આ ખોજમાં સાથે હતો તે ઊંઘમાં જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યો. તૂતેનખામેનની કબર મળી આવ્યાના ખબર પછી તૂતેનખામેનની કબરની સહુથી પહેલી મુલાકાત લેનાર બ્રિટિશ ઉદ્યોગપતિ આ મુલાકાતના થોડા જ દિવસો બાદ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યો. ૧૯૩૦ સુધીમાં આ ખોજ સાથે સંકળાયેલી ૧૨ વ્યક્તિઓ પ્રથમ પાંચ માસમાં જ મૃત્યુ પામી. હા, એ કબર ખોજવાનું શ્રેય જેના માથે હતું તેવો હાવર્ડ કાર્ટર એ ખોજના ૧૬ વર્ષ સુધી જીવતો રહ્યો.આ ખોજના ૭૦ વર્ષ બાદ પણ તૂતેનખામેનનું મમી એ ખોજ સાથે સંકળાયેલા લોકો સાથે બદલો લેતું રહ્યું. એ ટીમના સલામતી ગાર્ડ તરીકે કામ કરનાર રિચાર્ડ આદમ્સને તૂતેનખામેનના મકબરાની શોધ અંગે એક ટી.વી. ન્યૂઝ ચેનલ સમક્ષ બડાસ મારતાં નિવેદન કર્યું કે, ‘‘હું એકલો જ જીવતો રહ્યો છું.’’ આ વિધાન તેને ભારે પડી ગયું. ટીવી સ્ટુડિયોની બહાર નીકળી તે એક ટેક્સીમાં બેઠો અને ટેક્સી ટ્રક સાથે અથડાઈ અને અકસ્માતનો ભોગ બન્યો. રિચાર્ડ આદમ્સે બે વાર તૂતેનખામેનના મમીની મજાક કરી હતી અને બે વાર તે અકસ્માતનો ભોગ બન્યો હતો. અલબત્ત પહેલીવાર તેની પત્ની મૃત્યુ પામી. બીજી વાર તેનો પુત્ર અકસ્માતનો ભોગ બન્યો.
ઈ.સ.૧૯૭૨માં તૂતેનખામેનના મમીની ખોજની ગોલ્ડન જ્યુબિલી ઊજવવા માટે તૂતેનખામેનનું સુવર્ણમુખોટું એક હવાઈ જ્હાજ દ્વારા બ્રિટિશ મ્યુઝિયમ માટે ઈંગ્લેન્ડ લઈ જવામાં આવી રહ્યું હતું. ત્યારે પણ તૂતેનખામેને ઘણાં સાથે બદલો લીધો. આ સુવર્ણ મુખોટું લઈ જવાના ઈનચાર્જ કેરો મ્યુઝિયમના વડા ડો. ગમાલ મહેરેજ હતા. આ એક્સપિડિશનના કરાર પર સહી કરનાર અધિકારી દસ્તખત કર્યાના ગણતરીના કલાકોમાં જ પેરિસમાં મૃત્યુ પામ્યો. ડો. ગમાલ તો જે વિમાનમાં તૂતેનખામેનનું સુવર્ણ મુખોટું લઈ જઈ રહ્યા હતા તે વિમાનમાં જ મૃત્યુ પામ્યા. ઈંગ્લેન્ડના રોયલ એરફોર્સના વિમાનમાં જે પાયલોટસ તૂતેનખામેનનું માસ્ક લઈ જઈ રહ્યા હતા. તે વિમાન ચાલક આ ઘટનાના પાંચ જ વર્ષમાં અલ્પવયે મૃત્યુ પામ્યા. આજના વૈજ્ઞાનિકો આવી વાતને સખ્ત નકારી કાઢશે પરંતુ તૂતેનખામેનના મમીએ જે બદલા લીધા છે તે એક રહસ્યમય પરંતુ સત્ય ઘટનાઓ છે.