Talash 3 - 16 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 16

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 16

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

 

"ગિરધારી આપણે હલ્દીઘાટી મ્યુઝિયમ જવાનું છે. સામે રેસ્ટોરાંમાં ચા નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળીએ." જીતુભા ગિરધારીને કહી રહ્યો હતો.

 "ઓકે બોસ, જેમ તમે કહો તેમ." ગિરધારીએ કહ્યું અને પછી થોડે દૂર દેખાતી એક નાની પણ સ્વચ્છ રેસ્ટોરાંની બહાર સુમો ઉભો રાખ્યો. 

xxx 

"માલ આવી ગયો છે? તે ચેક કર્યું પંડિત?"

"હા ગુપ્તા બધું ચેક કરી લીધું છે. બધું બરાબર છે."

"ઓકે. તો પછી આપણે નીકળીએ?"

"મારે તારી સાથે વાત કરવી છે ગુપ્તા."

"પંડિત, કુંભલગઢ પહોંચીને પછી બધા હોટેલ પર આરામ કરવા જાય ત્યારે વાત કરશું અત્યારે મુસાફરીની મોજ માણ."

"પણ જરૂરી વાત છે."

“તને નિયમ ખબર છે મેં પ્લાનિંગ ની જવાબદારી મારા માટે હોય અને એને ઈમ્પ્લીમેન્ટ કરવાની જવાબદારી તારી છે. ચાલ હવે બધા અહીં આવી રહ્યા છે. વાત પુરી કર."

xxx 

"મોમ, કેમ છે તું ઠીક તો છે ને?" 

"હા, આ મારી પૂજા દીકરીને કારણે બચી ગઈ નહીં તો .." સુમતિ ચૌહાણનું વાક્ય અધૂરું રહ્યું વિક્રમે એના મોઢા પર હાથ રાખી દીધો અને કહ્યું. "બસ મોમ વધુ કઈ ન બોલતી. હું તને કઈ નહિ થવા દઉં."

"હા પણ જો કાલે પૂજા ન હોત તો."

"થેંક્યુ પૂજા, મારી મોમની કાળજી એક ઘરની વ્યક્તિ તરીકે લેવા બદલ તારો ખુબ ખુબ આભાર."

"હું તો તને સમજાવી સમજાવીને થાકી પણ તું ક્યાં સમજે છે. આને લગ્ન કરીને મારી પુત્રવધુ બનાવી દે. એ આખી જિંદગી મારુ ધ્યાન રાખશે એ ખાતરી હું તને આપું છું." સુમતિબહેન આટલું બોલ્યા ત્યાં હાફ ચડી ગઈ.

 "આંટી, તમે વધુ ન બોલો નાહકની તમારી તબિયત બગડશે. અને મારા મોમ -ડેડ તો છે નહિ આમેય મહિનામાં 20-22 દિવસ તો હું 'ચૌહાણ હાઉસમાં" જ રહું છું. તમે ચિંતા શું કામ કરો છો. આગળ પણ આખી જિંદગી તમારી આમ જ કાળજી લેતી રહીશ બસ. એના માટે મારા લગ્ન વિક્રમ સાથે થવા જ જોઈએ એ કઈ જરૂરી થોડું છે?" પૂજા એ મ્લાન હસતા કહ્યું એની આંખોમાં જાણે આંસુ બહાર ટપકી પાડવા ધસમસી રહ્યાં હતાં.

"કેમ જરૂરી નથી. તમારા લગ્ન થઈ જાય તો હું હક થી તને મારી કાળજી રાખવાનું કહી શકું. પણ આ ગધેડો માનતો જ નથી" ફિક્કું હસતા સુમતિ બહેને કહ્યું.

"આંટી એ તમારો હક જ છે. શું તમને એવું લાગે છે કે હું વિક્રમ સાથે લગ્ન નહિ કરું તો તમારી કાળજી લેવાનું છોડી દઈશ? તમે કહેતા હો તો હું આજથી જ ચૌહાણ હાઉસમાં શિફ્ટ થઇ જાઉં."

"ના બેટા, સામાજિક દૃષ્ટિએ એ સારું ન લાગે નહીતો હું તને હમણાં જ હા કહી દેત. આવડો વીઘા જેવો બંગલો છે એમાં તારા માટે એક અલગ રૂમ કઈ ભારી ન પડે."

"મોમ,પ્લીઝ, હવે તમે લોકો આ ચર્ચા બંધ કરો. મેં અનેક વાર કહ્યું છે કે હું સોનલ સાથે જ લગ્ન કરીશ." વિક્રમે કહ્યું અને એક સન્નાટો છવાઈ ગયો. લગભગ 2 મિનિટ પછી પૂજાએ વિક્રમનો હાથ સહેજ દબાવીને બહાર તરફ ઈશારો કર્યો. વિક્રમે એની સામે જોયું અને એના ઇશારાને સમજ્યો. પછી સુમતિ બહેનને કહ્યું "હું જરા ડોક્ટરને મળીને આવું છું."  

xxx 

"બોમ્માઈ, હમણાં કઈ એક્શન ન લેજે, પણ મહિના દિવસમાં મૂર્તિને કાઢી મૂકજે."

"પણ કોઈ કઈ પૂછશે તો?"

"શું આના પહેલા તે કોઈને કાઢી નથી મુક્યા?"

"હા પણ આ મૂર્તિની ભરતી ખુદ વિક્રમ શેઠે કરી છે."

"ઓહ," કહીને ધર્મેન્દ્ર ચૌહાણ કૈક વિચારમાં પડ્યો. લગભગ એકાદ મિનિટ વિચારીને એણે કહ્યું એક કામ કરજે બોમ્માઈ, દોઢ મહિના પછી એની ટ્રાન્સફર મુંબઈની આપણી કેમિકલ ફેકટરીમાં કરી નાખજે. હું ત્યાં એક સરસ જગ્યા એના માટે ઉભી કરીશ."

xxx 

નાઝ અને અઝહરનો પીછો કરતા કરતા સુરેન્દ્રસિંહ છેવટે થાક્યા હતા, એ બન્ને તો પ્રેમી પંખીડાની માફક આખા નાથદ્વારામાં ફરી રહ્યા હતા. નાની મોટી ખરીદી અને મેકઅપના સામાનમાં એમણે ખાસ્સી વાર કરી સુરેન્દ્રસિંહને કંટાળો તો આવતો હતો પણ એણે ખાનગી જાસૂસ તરીકે સારું એવું નામ કમાયું હતું. અને જાસૂસીનો પહેલો નિયમ એ છે કે ધીરજ રાખવી. તમારો જે ટાર્ગેટ છે એને ધીરજ રાખીને ફોલો કરવો અને બને એટલી વધારે માહિતી મેળવવી લગભગ ચાર કલાક માર્કેટમાં ફર્યા પછી નાઝ અને અઝહર છેવટે પોતે જે ધર્મશાળામાં ઉતર્યા હતા ત્યાં પાછા આવ્યા. ધર્મશાળામાં પ્રવેશતા જ નાઝ પાછી પતિવ્રતા સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ, અઝહર પણ સમજીને થોડો પાછળ રહી ગયો.  સુરેન્દ્ર સિંહ પાસે હવે એ ધર્મશાળામાં પ્રવેશવા માટે કોઈ બહાનું હતું નહિ. સાંજે ધર્મશાળા બદલી કરવી પડશે, વિચારીને એ પોતાની ધર્મશાળા કે જે સમેન ગલ્લીમાં હતી ત્યાં આરામ કરવા ચાલ્યા ગયા.

પોતાના રૂમમાં પહોંચીને નાઝે જોયું તો શાહિદ પલંગ પર ઊંઘતો હતો. એક હળવું સ્મિત પોતાના ચહેરા પર લાવીને નાઝ એની પાસે ગઈ.  અને એક ચુંબન એના ગાલ પર કરતા કહ્યું. "ઉઠો પતિદેવ, કામ પૂરું થયું કે નહિ, ચાલો ફ્રેશ થાવ એટલે આપણે જમી લઈએ."

"તું ક્યારે આવી નાઝ..."

"હા હું હહ, નીના, નામ છે મારુ નીના ગુપ્તા. ગુલાબચંદ ગુપ્તાની ભત્રીજી અને તમારી પત્ની મિસ્ટર સાહિલ,"

"સોરી, ભુલમાં..?"

"તમારી આવી ભૂલ તમારી સાથે મને અને અજયને પણ ગોળી ખવડાવશે. 50-50 ગ્રામ વાળી સમજ્યા. હવે જલ્દી થી તૈયાર થાઓ.

xxx 

મ્યુઝિયમમાં આંટા મારતા ગિરધારી કંટાળ્યો હતો. એ નખશીખ ડ્રાઈવર હતો. પેશન નો એનામાં અભાવ હતો. હજી તો મ્યુઝિયમમાં જ આવેલા નાના થિયેટર માં લગભગ 40 મિનિટની ફિલ્મ હલ્દીઘાટીના યુદ્ધ વિશે જોવાની હતી. એને એની બાજુમાં ચાલતા જીતુભાને કહ્યું. હું જરા બાથરૂમ જઈ ને આવું છું. મને પાન પણ ખાવું છે. અહીં પણ ખાઈને અંદર નથી આવવા દેતા. હું દસ મિનિટમાં આવું છું."

"ભલે," કહીને જીતુભા પાછો મ્યુઝિયમમાં સજાવેલ મહારાણા પ્રતાપના સમયના આયુદ્ધો અને અન્ય વસ્તુઓ જોવામાં પરોવાઈ ગયો. ધીરે ધીરે એ બધું નિરીક્ષણ કરતો આગળ વધતો હતો એની આગળ એક ચશ્મા વાળા લગભગ 60ની વયના સજ્જન ચાલતા હતા. અને પાછળ એક આધેડ ઉંમરનો ટાલિયો હતો. 

"એક મિનિટ જીતુભા" અચાનક ચશ્મા વાળા સજ્જને કહ્યું અને જીતુભા. ચોકી ઉઠ્યો.એ ઝડપથી એમની સામે જોવા જતો હતો કે તરત જ એની પાછળ રહેલા ટાલિયા એ કહ્યું. "હ..હ..જે પેઈંટીગ જોવો છો એજ જોતા રહો અને અત્યાર સુધી જે રીતે નિરાંતે બધું નિરીક્ષણ કરતા હતા એમ જ વર્તન કરો"

xxx .

"બોલ પૂજા તારે શું કહેવું છે. જો બરાબર સમજી લે, તારે એ જ લગ્નનો જૂનો રાગ આલાપવો હોય તો મારી પાસે જરાય સમય નથી."

"વિક્રમ મને તારી બધી વાતો પસન્દ છે એક આ વાત શિવાયની."

"કઈ વાત ખુલી ને કહે,"

"સામે વાળાની વાત સાંભળ્યા વગર, એ તમને શું કહેવા માંગે છે એ મનમાં ધારણા બાંધી ને એની વાત ઇગ્નોર તું કર્યા કરે છે. એમાં ઘણીવાર આપણે જ નુકસાન થાય સમજ્યો.?"

"હા સમજી ગયો, હું મારી ભૂલ કબૂલું છું કે તારી વાત સાંભળ્યા વગર મેં તું મને શું કહેવા માગે છે એ ધારી લીધું. સોરી. અને હા થેન્ક્સ, તું જો સાથે ન હોત તો મોમને.."

"તું મને તારી પત્ની માને કે ન માને મારી સાથે લગ્ન કરે કે ન કરે. આંટીનું સ્થાન મારા દિલમાં મારી માં. જેવું જ છે, જો તું રાજી ખુશીથી એમને મારા સાસુ માં બનાવીશ તો મને ગમશે. પણ.."

"જોયું ફરી પછી તું એ વાત પર આવી ગઈ."

"મારુ માથું ફાટે છે, મારે કોફી પીવી છે, અને તારી સાથે કૈક ખાનગી વાત કરવી છે. આ તારા પડછાયા ને ક્યાંક 10 મિનિટ મોકલી આપ" પૂજા એ કહ્યું. વિક્રમે એની સામે જોયું. એની આંખોમાં રહેલ દ્રઢતાને ને સમજીને એણે શેરાને કહ્યું "અહીં ક્યાંક સારા લીલા નાળિયેર મળે તો 4-5 લઇ આવ"

"હા બોસ,” કહીને શેરા એમની પાસેથી દૂર થયો. સુમતિબહેન જે ફ્લોર પર હતા એ ફ્લોર પર એક નાનકડું સુઘડ કોફી શોપ જેવું હતું જ્યાં સ્નેક્સ અને કોફી પીરસતા હતા. વિક્રમ અને પૂજા બંને અંદર પ્રવેશ્યા. 

xxx 

"શેરા, જીતુભા મને મળી ગયો છે." હલ્દીઘાટી ના મ્યુઝિયમની બહાર આવેલ એક નાનકડી હોટેલની બહાર રહેલા એક પાનની દુકાન બહાર સિગારેટ સળગાવતા ઉભેલ ટાલિયાએ આ વાક્ય પોતાના મોબાઇલમાં કહ્યું. ત્યારે એને ખબર ન હતી કે પોતાના પાન બંધાવીને વોશરૂમમાં ગયેલ ગિરધારીને જીતુભની સિગારેટ યાદ આવતા મેં લેવા માટે પાછો આવ્યો હતો. એણે મયુઝીઝમના પ્રવેશદ્વાર પર નજર કરી તો એ ચોંકી ઉઠ્યો. જીતુભા કોઈ વૃદ્ધ સજ્જન પાસે ઉભો હતો. એ વૃદ્ધ સજ્જને ચશ્મા પહેર્યા હતા. મોં પર કંઈક અનેરી આભા હતી. એ અને જીતુભા બન્ને કઈક હવે અવાજે વાતો કરી રહ્યા હતા. એટલામાં એક બ્લેક કલરની એમ્બેસેડર એ બન્ને પાસે ઉભી રહી અને એમાંથી પોલીસના 2 જવાન બહાર આવ્યા અને કારનો પાછળનો દરવાજો ખોલ્યો. એ સજ્જન અને જીતુભા એ કારની પાછળની સીટ પર ગોઠવાયા. અને કર ચાલતી થઈ એમાંથી ઉતરેલ 2 પોલીસવાળા  પાનના ગલ્લે ઉભેલા ટાલિયા સાઈડ આવ્યા. કેક ખતરા જેવું લાગતા ગિરધારીએ સિગરેટ લેવાનું પડતું મૂક્યું અને ફરીથી વોશરૂમ તરફ ચાલવા માંડ્યું. 

xxx 

"શું કહેવું છે તારે બોલ હવે," કોફીનો એક કપ પૂજાના હાથમાં પકડાવતા વિક્રમે કહ્યું.

"તારે જેની સાથે લગ્ન કરવા હોય એની સાથે કર મને કોઈ તકલીફ નથી પણ.."

"પણ શું? મનમાં હોય એ બોલી નાખ" કૈક રુક્ષ અવાજે વિક્રમે કહ્યું.

"સોનલના સગાવ્હાલાની પાછળ તે તારા માણસોને મોકલ્યા છે એને અટકાવી દે"

"કેમ? અચાનક તને સોનલના સગાઓ પર આટલો પ્રેમ કેમ ઉભરાઈ રહ્યો છે?" વિક્રમના અવાજમાં હવે ક્રોધ ભળ્યો હતો.

"મને કોઈ પ્રેમ નથી ઉભરાઈ રહ્યો." કંઈક બઘવાયેલ અવાજે કહ્યું. 

"તો પછી તારી સામે તો બધું ડિસેક્શન થયેલું સુરેન્દ્ર સિંહને કિડનેપ કરવાનું, પૃથ્વીને બેલ્જિયમમાં ખતમ કરવાં, અને જીતુભાને નોકરીમાંથી કાઢી મુકવાનું એ બધા પોઇન્ટ ડિસ્કસ થયા ત્યારે આપણે ચારેય હાજર હતા,"

"હા પણ મને ખબર ન હતી કે એ લોકો આટલા પાણીમાં હશે, સુરેન્દ્ર સિંહને તો 24 કલાક પછી છોડી મુકવાનું નક્કી થયેલું. પણ પૃથ્વી બચી જશે, અને જીતુભા નોકરી જવા છતાં એના મામાને શોધવા એકલો રાજસ્થાનમાં પહોંચશે " આટલું બોલતા પૂજા હાંફી ગઈ.

"રિલેક્સ પુજુ" વિક્રમે નાનપણથી પૂજાને જે નામે સંબોધતો હતો એ નામે સંબોધી. પૂજાના ચહેરા પર રાહતની એક લાગણી ઉભરાય અને અદ્રશ્ય થઈ ગઈ. આજે લગભગ 6 મહિના પછી વિક્રમે એને પુજુ કહ્યું હતું. એ જ વખતે કાફેટેરિયા સ્પીકરમાં ગીત ગુંજી ઉઠ્યું. "આજ ફિર તુમપે પ્યાર આયા હૈ, બેહદ ઓર બે હિસાબ આયા હૈ.’

xxx 

"સર, એમનો ડ્રાઈવર તો હશે જ ને? ક્યાંય દેખાતો નથી" ટાલિયાને કારમાંથી ઉતરેલા 2 માના એક પોલીસે કહ્યું.

"ભાડમાં જાય ડ્રાઈવર, એ તો એણે ટેક્સી ભાડે લીધી હશે. છોડો હવે આપણું કામ પૂરું થયું. ચાલો હવે સહુ પોતપોતાની રસ્તે." કહીને ટાલિયો ત્યાં પાર્ક કરેલા એક બાઈક તરફ ગયો. અને બાઇકને સ્ટાર્ટ કરીને જીતુભાની કાર જે રસ્તે ગઈ હતી એનાથી વિરુદ્ધ રસ્તે ભગાવી મૂકી. પાન વાળાને ત્યાં સોડા પીને પેલા 2 પોલીસવાળાએ પણ ત્રીજી જ દિશામાં ચાલવા માંડ્યું. વોશરૂમની ઓથે છુપાયેલ ગિરધારી ગુંચવાયો કે હવે કઈ બાજુ જવું. એ મ્યુઝિયમના પ્રાંગણમાં આવેલ પાનની દુકાન પાસે આવ્યો અને ત્રણે દિશા તરફ વારા ફરતી જોતો રહ્યો પણ એને ખ્યાલ ન હતો કે પાનની દુકાનની સામેની સાઈડના રસ્તાપર આવે પહેલા ઝાડની પાછળથી કોઈ એને તાકી રહ્યું હતું. 

 

ક્રમશ:  

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.