તેજાએ મારી હાલત જોઈ સાંત્વનાના સૂરે કહ્યું,"હું તારી પરિસ્થિતિ સમજી શકું છું. અણધારી કોઈની પણ વિદાય ખૂબ વસમી લાગે છે. પણ કુદરતની લીલા તો કુદરત જ જાણે છે ને! તું એમ વિચાર કે તુલસીનો આત્મા કેટલો સારો હશે કે એણે ક્યારેય કોઈની સેવાની જરૂર જ ન પડી! બસ હવે દુઃખી થયા વગર તું ભગવાનને પ્રાર્થના કર કે એનો આત્મા જ્યાં પણ હોય ત્યાં શાંતિથી રહે!"
અમે બંને થોડા ગંભીર થઈ ગયા હતા. આ ગંભીરતામાંથી બહાર આવવા માટે હું બોલ્યો, "હવે આપણે આટલા સમય બાદ મળ્યા છીએ તો શું રૂમમાં અને રૂમમાં જ બેસસુ? ચાલ થોડીવાર બહાર પણ નીકળીએ!"
અમે બંને ફટાફટ તૈયાર થઈને અમારા ગાર્ડનમાં નીચે આવી ગયા હતા. સવિતાબેનને તાજા ફ્રુટના જ્યુસ માટેનું મેં કહ્યું હતું. અમે બંને હીંચકા ઉપર બેઠા થોડીવાર વાતો કરી રહ્યા હતા, સવિતાબેન તરત જ જ્યુસ બનાવીને અમને આપી ગયા હતા. અમે હીચકા પર ધીરે ધીરે ઝુલતાની સાથે મનના ભાવોને એક લયમાં સ્થિર કરી રહ્યા હતા. બાળપણની વાતો કરતા બંને મિત્રો હવે થોડા આનંદમાં પણ આવી ગયા હતા. ખરેખર બાળપણ એવું જ હોય છે ને! જ્યારે એને યાદ કરો ત્યારે બાળક બની જાવ છો. અમારે પણ એવું જ થયું હતું. અમુક બાળપણના કિસ્સાઓ તો અમને ખડખડાટ હસાવી જ ગયા હતા. દિવાળીના દિવસોમાં બોમ્બની ઉપર ખાલી ડબ્બો મૂકી બોમ્બ ફોડવાની જે મજા હતી એ અલગ હતી. અત્યારના મોંઘા આતશબાજીના ફટાકડા પણ એ આનંદ આપી શકતા નથી. આવી નાની નાની કેટલી વાતો યાદો કરીને અમે આજ બાળપણ ફરી જીવ્યું હતું. વોચમેન પણ દૂર બેઠા જોઈ રહ્યો હતો કે, માલિક આજે ઘણા દિવસ બાદ ખુબ ખુશ દેખાઈ રહ્યા છે.
મેં ઘડિયાળમાં જોયું તો છ વાગી ચુક્યા હતા. છ વાગ્યાનો સમય મને ભૂતકાળમાં ખેંચી ગયો હતો.
*************************************
હું મારા કામથી બહાર રહેતો હતો. ઘરે પાછો ક્યારે આવું એ સમય ક્યારેય નિશ્ચિત રહેતો નહીં. સવારની ચા હું અને તુલસી જોડે પીતા હતા. સાંજની ચા એ સાંજે છ વાગ્યે પીવાનું પસંદ કરતી હતી. એ સમયે તુલસી અચૂક મને ફોન કરતી અને પૂછતી, "તમે હમણાં ઘરે આવો છો તો સાથે ચા પીશું!"
"મારે વાર લાગશે તું ચા પી લે!" મારો હંમેશા આ જ જવાબ રહેતો હતો.
બાળકો બધા મોટા થઈ ગયા હતા બધા બાળકો પગભર હતા. સમય અનુસાર એમના લગ્ન પણ થઈ ગયા હતા. બધા જ બાળકો એના જીવનમાં સુખી હતા. આથી તુલસી હવે થોડી જવાબદારીમાંથી મુક્ત થઈ ગઈ હતી. નવરાશની પળોમાં મારી હાજરી માટે એ ખૂબ રાહ જોતી હતી. અને હું મારી વ્યસ્તતામાં એને સમય આપી શકતો ન હતો.
હું જ્યારે સાંજે ઘરે પરત ફરતો ત્યારે એ ખુબ સુંદર તૈયાર થઈને મારી રાહ જોતી બેઠી બેઠી ભગવાનનું સ્મરણ કરતી રહેતી હતી. તાજા ફૂલોની શોખીન હંમેશા પોતાના વાળમાં એક ગુલાબ ભરાવેલું રાખતી હતી. ઉંમર સાથે ભલે વૃદ્ધાવસ્થામાં અમારો પ્રવેશ થઈ ગયો હતો, પરંતુ પ્રેમ હજી અમારો જુવાન જ હતો. જેવી એ લગ્નના શરૂઆતના દિવસોમાં મારી રાહ જોયા કરતી એવી જ રાહ આટલી ઉંમરે પણ જોતી હતી! પ્રેમ શું? પ્રેમમા સમર્પણ શું એ હું એની પાસેથી જ શીખ્યો હતો. જીવનમાં હંમેશા દરેક વ્યક્તિને એક વાર પ્રેમ થવો જ જોઈએ. પ્રેમ જીવનને ખૂબ જ રંગીન બનાવી દે છે. મારો ભીતરમન તુલસીના પ્રેમને યાદ કરી એકદમ પ્રફુલિત થઈ ગયું હતું
************************************
"હેપી બર્થ ડે દાદુ! લવ યુ સો મચ દાદુ! અપૂર્વ એક સુંદર ગુલાબનું ફૂલ મને આપતા મીઠા સ્વરમાં બોલ્યો હતો. એનો પ્રેમ ફરી મને વાસ્તવિકતામાં ખેંચી લાવ્યો હતો.
"લવ યુ ટુ દીકરા! લે તું ક્યારે આવ્યો એ ખબર જ ન રહી! હું ક્યારની તારી રાહ જોઈ રહ્યો હતો. તારા મમ્મીનો મને ફોન આવ્યો હતો આવતીકાલે તારે સરપ્રાઈઝ ટેસ્ટ છે તારી ટેસ્ટની તૈયારી તારા મિત્રના ઘરે બરાબર કરી કે નહીં?"
"અરે દાદુ શું તમે ટેસ્ટની વાતો કરો છો તમે પહેલા આ કોણ આવ્યું છે એની મને ઓળખાણ તો કરાવો!" ટેસ્ટની તૈયારીથી છટકવા અપૂર્વએ સરસ ગતકડું કર્યું હતું. એ આવો જ હતો, એટલો મીઠો અને પોતાની ઈચ્છા મુજબ જ આપણી પાસે વર્તન કરાવનારો ગજબની કળા ભગવાને એનામાં આપી હતી! અને હું પણ એના પ્રેમમાં એની ઈચ્છા મુજબ જ રહ્યા કરતો હતો. મને એનો નિખાલસ પ્રેમ ખૂબ પસંદ હતો.
"આ મારા મિત્ર છે, તારા તેજાકાકા છે. મેં અને તેજાએ ગામડે રહેતા હતા ત્યારે એકબીજા સાથે ખૂબ સમય પસાર કર્યો છે."
"જય શ્રી કૃષ્ણ તેજાકાકા." કહીને અપૂર્વ એને પગે લાગ્યો હતો.
"જય શ્રી કૃષ્ણ બેટા!"તેજાએ એનાગાલ પર હાથ ફેરવતા કહ્યું હતું.
"દાદુ તો આપણે ગામડે ક્યારે જવું છે? તમે મને લઈ જશો ને ત્યાં? મને એ જોવાની ખૂબ ઈચ્છા થાય છે તમે જ્યારે પણ ગામડાની વાત કરો છો ત્યારે મને ગામડે જવાનું ખૂબ મન થાય છે આપણે ક્યારે જાવું છે દાદુ?" પ્રેમથી મને પૂછતા કહ્યું હતું.
"અવશ્ય જાશું. તેજાને મુકવા આપણે ગામડે જશુ, ત્યારે તું આપણું ગામડું જોઈ શકીશ!"
અપૂર્વ ખૂબ જ ખુશ થઈને નાચવા લાગ્યો હતો. એને ઘણા સમયથી ગામડું જોવાની ઈચ્છા હતી! ખરેખર, ગામડું એટલે શું? એ અપૂર્વ જાણતો જ ન હતો. આથી એને ખૂબ ઈચ્છા હતી કે એ જલ્દી ગામડું જોવે!
"અરે દાદુ તમે મને મેઈન વાત તો કીધી જ નહીં!"
"બેટા! કઈ વાત?"
"મેં તમને સવારે કવર આપ્યું એ તમે ખોલ્યું હતું?"
"અરે ના બેટા! એ તો હું ભૂલી ગયો એ તો મેં એમ જ મૂકી રાખ્યું છે."
"અરે દાદુ! તમે કેમ એવું કર્યું? મેં તમને કીધું હતું ને કે, હું જાવ પછી તમે વાંચી લેજો તો તમે કેમ ન વાંચ્યું! ચાલો જાવ ફટાફટ એ કવર પેલા વાંચો! ત્યાં સુધી હું અને તેજાકાકા સાથે બેઠા છીએ." મને હિંચકા ઉપરથી ઉભો કરી પોતે હિંચકા પર બેસી ગયો અને મને મારા રૂમ તરફ જવા કહ્યું હતું.
હું અપૂર્વની વાતને માનીને મારા રૂમ તરફ જવા લાગ્યો હતો. મનમાં એમ થતું હતું કે શું હશે એ કવરમાં કે એ આટલો મને આગ્રહ કરી રહ્યો છે. મેં મારા રૂમમાં જઈ એ કવર જોયું. કવર ઉપર લખ્યું હતું, 'દુનિયાના બેસ્ટ દાદુ" બીજી લીટીમાં "હેપી બર્થ ડે દાદુ" એવું લખ્યું હતું. મેં ખૂબ કુતુહલ વશ એ કવર ખોલ્યું હતું. કવર ખોલતા એક સુંદર નાનું ગુલાબનું સુકાઈ ગયેલું ફૂલ મેં જોયું હતું. આ ફૂલ જોઈ મને તરત જ તુલસીની ટેવ યાદ આવી, એ ચોપડીની વચ્ચે ફૂલ રાખીને સુકવણી કરતી. આ ગુલાબનુ ફૂલ પણ એમ જ રાખી સૂકવ્યું હોય એવું લાગી રહ્યું હતું. ગુલાબનું ફૂલ મે હળવેકથી બહાર કાઢ્યું! એમાં એક લેટર હતો. એ લેટર ઉપર સુંદર સ્માઈલી નું ચિત્ર અને એક સૂચના હતી, ખોલતી વખતે હસતા ચહેરે ખોલવું. એ લેટર મેં હસતા ચહેરે ખોલ્યો, એ લેટર અપૂર્વ એ જ લખ્યો હોય એવું મને લાગી રહ્યું હતું! મેં લેટર વાંચવાની શરૂઆત કરી હતી.
અપૂર્વ એ લેટરમાં શું લખ્યું હશે?નાના બાળકે એના મનના વિચારો શબ્દોમાં કેવી રીતે રજૂ કર્યા હશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏