સૌ પ્રથમ તમામ વાચકોને નવા વર્ષની મંગલમય શુભકામનાઓ, નવું વર્ષ દરેકને માટે સમૃદ્ધિ તંદુરસ્તી પ્રદાન કરે એવું નીવડે એવી શુભેચ્છાઓ.
દિવાળી કામથી નવરા પડ્યા પછી એક દિવસ મારી દીકરીએ પૂછ્યું કે "મમ્મા તું હમણાં યોગા કેમ નથી કરતી". મેં કહ્યું કે અરે નવા વર્ષથી હું રેગ્યુલર યોગા કરીશ, એક દિવસ પણ ચૂક્યા વગર. આપણી બધાની આવી માનસિકતા હોય છે. નવું વર્ષ શરૂ થાય એ પહેલા આપણે ઘણું બધું વિચારી લીધું હોય છે કે આ વર્ષ થી રેગ્યુલર જીમ કરીશ, યોગા કરીશ, નવું સ્ટાર્ટઅપ કરવું છે. જે તે વ્યક્તિ સાથેના સંબંધમાં સુધારો કરીશ. હવેથી ઝઘડો નહીં કરું, નવા વર્ષથી બુક વાંચવાનું શરૂ કરીશ, દરરોજના પાંચ પેજ તો વાંચીશ જ. સવારે વહેલું ઉઠવું છે, રાત્રે વહેલું સૂઈ જવું છે. કોઈ શોખ જેવા કે સંગીત, ગાયન, માર્શલ આર્ટ, ચિત્રકારી, કંઈક નવું શીખવા ને સમય આપીશ, આવું ઘણું બધું વિચારીએ છીએ. અમલ પણ કરીએ છીએ.
ઘણા લોકો એવા દ્રઢ મનોબળવાળા હોય છે જે નવા વર્ષે લીધેલા સંકલ્પોને વળગી રહે છે. સફળ થાય છે. ઘણા મારા જેવા ઢીલા પોચા મનોબળ વાળા હોય છે "બસ કાલથી પાક્કું" અને એ કાલ આવતી જ નથી. ઘણા લોકો એવા પણ હોય છે જે આરંભે શુરા હોય. શરુ શરૂ માં તો નક્કી કરેલા સંકલ્પને વળગી રહે છે. પરંતુ સમય જતા ટાયર માંથી હવા નીકળી જાય છે. ખાસ કરીને 'કાલથી વહેલું ઉઠવું છે' આ વાક્ય ખૂબ જ જિદ્દી છે. ત્યાં કોઈનું ચાલતું નથી. આઠ દસ દિવસ તો ઉઠાઈ જાય, પરંતુ પછી તો "હવે શિયાળો ચાલુ થયો પાંચ મિનિટ વધારે સુઈ જાવ" અને આ પાંચ મિનિટ ત્રીસ મિનિટની હોય છે જે દરેક સંકલ્પ ને સુવાડી દે છે. આમાં કોઈનો વાંક નથી સવારની ઊંઘ જ બેશરમ હોય છે.
મેં થોડા દિવસો પહેલા એક પોસ્ટ મૂકેલી કે નવા વર્ષે કેવા સંકલ્પ લઈ શકાય. જેનાથી પોતાની જાતને અપડેટ કરી શકાય. ઘણા બધા મિત્રો, સંબંધીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. ચાલો જોઈએ:
* કીર્તિ ચૌહાણ - ભાવનગર
પોતાના કામ પર વધુ ફોકસ કરવું, લોકોની વાતોને બહુ મન પર ન લેવી, બને એટલું પોઝિટિવ રહેવું. પોતાના સુખનું સરનામું શોધી લેવું કે જાતને શેનાથી આનંદ મળે છે. અને બસ એ કરતા રહેવું. બાકી તો લાઈફ છે, પ્રોબ્લેમ, તકલીફો આવ્યા કરશે. એમાંથી બહાર નીકળવાના માર્ગો શોધતા રહેવું, સામનો કરતા રહેવું. એ કંઈક નવું શીખવશે યાદ રાખવું.
* મનોજ નાવડિયા - જામનગર
જીવનનું નવું વર્ષ
પળે પળે જીવનમાં બધું જ બદલાઈ છે,
સમય સાથે આ વર્ષ પણ બદલાઈ છે,
જુનું ત્યજીને રોજ નવું સ્વીકારાય છે,
રોજ માફ કરીને જાતને વધારાઈ છે,
અહમ્ છોડીને આપણા પણું બનાવાય છે,
નવાં વર્ષને હર્ષોલ્લાસ સાથે પ્રેમથી ઉજવાય છે...
* અજય રાઠોડ - સુરત
નવાં વર્ષ ના દિવસ થી કોશિશ કરીએ કે અમારા કારણે કોઈનું દિલ ના દુખે અને જરૂરિયાત મંદ લોકો ની મદદ કરી અને સહાયરૂપ બનીએ.
* સુરેશ ચૌધરી - પાલનપુર
જરૂરિયાત પૂરતું જ બોલવું અને કોઈ ભૂલ થઈ જાય તો માફી માંગી લેવી.
* મુરલી પ્રજાપતિ - ભોરીંગડા
જે નિર્ણય લીએ એને કાલ પર નાં મૂકવો જોઇએ .
અને જે પણ વ્યક્તિ સાથે રહીએ ટાઈમ પાસ માટે નાં રહેવું.
પોતાની જાત ને હર પળ ખુશ રાખવાની કોશિશ કરીશ , સમય પર આવતી બધી જ પરિસ્થિતિ ને હસતા હસતા સ્વીકાર કરીશ , ને મારા ગમતા કામ ને દિવસ નો બનતો સમય આપીશ , બસ આ કરીશ એટલે હુ મારી જાત ને બદલિશ અને હું ખુશ રહીશ....
* કોમલ રાઠોડ (અનિકા ) - વડોદરા
1 હું સૌથી વધુ મારુ ધ્યાન રાખીશ
2. સંબંધો નિભાવીશ પણ મારા સ્વાભિમાનના ભોગે નહિ
3. 24 કલાકમાંથી થોડો સમય જાત માટે ફાળવીશ
4. મારી પસંદગીઓને નજરઅંદાજ નહિ કરું
5. એક સ્ત્રી તરીકે આ નવા વર્ષથી હું જરાક સ્વાર્થી થઈ મારા જીવનમાં પણ ડોકિયું કરીશ.
* ધવલ સુથાર - ગણેશપુરા (સિદ્ધપુર)
નવા વર્ષથી જે આપણે બીજા માટે કરવા માગતા હતા એ ચાહે વ્યક્તિ હોય કે આપ્નો પ્રેમ મનગમતું માણસ, કે મનગમતી ઈચ્છા એ વચન વાયદા અને સંકલ્પ પોતાની સાથે કરીએ....
દુનિયા ને ખુશ કરવાથી નહીં પણ પોતાની જાતને ખુશ કરવાથી દુનિયા જીવવા જેવી લાગશે,
જે નથી એ નઈ, પણ જે છે એની ઉજવણી કરવાની છે, જે ગયા એ નહીં જે હયાત છે એની કદર કરવાની
ઓનલાઇન સંબંધો કરતા વાસ્તવિક જીવનમાં જે આપની સાથે છે એને મહત્ત્વ આપવાનું પણ ગમે તે થાય આપના સુખની ચાવી હવે આપ્ના જોડે રાખવાની છે..
જે પરિવર્તન અન્યમાં જોવા માગતો હતો એજ પોતાની અંદર લાવીને ઈશ્વર પ્રેમી
બની જવું એજ સંકલ્પ નવા વર્ષનો ll
* જયદીપ પરમાર (અમી) - સુરત
વેબસિરીઝ અને ફિલ્મોનો જમાનો છે
અત્યારનો માણસ આળસુ થતો જાય છે
1 મિનિટ રીલ પણ આખી નથી જોતો
એને બસ કંઇક નવું જોઇએ છે
અને એમાં ને એમાં જ્યારે જવાબદારીઓ અને અમુક કડવા પ્રસંગો જીવનમાં બને ત્યારે એ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું એ નથી જાણતો તેથી એ હેરાન થાય છે...
જો એ વ્યક્તિ એક કલાકની ફિલ્મ જોવાની જગ્યાએ ઘરના અથવા પરિવારના કોઈ વડીલ અથવા વૃદ્ધ વ્યક્તિ સાથે બેસી અને જૂના પ્રસંગોને જાણે અને પૂછતો રહે કે દાદા તમે તમારી યુવાનીમાં જવાબદારીઓ સાથે કેમ લડતાં કે પછી જ્યારે પૈસાનો કે અંગત જીવનમાં પ્રશ્ન આવતો ત્યારે તમે શું કરતા એ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળતા તો ચોક્કસ દાદા એના પ્રશ્નનો ઉત્તર સોલ્યુશન સાથે આપશે અને જ્યારે એ પૌત્ર પર એવીજ પરિસ્થિતિ આવશે ત્યારે એ સરળતાથી નીકળી શકશે...
બસ અત્યારની જનરેશનમાં કઈક ખૂટે છે તો એ છે વડીલો સાથે બેસવાનું.
તો આવો આ નૂતનવર્ષે એક સંકલ્પ લઈએ કે દિવસની 24માંથી એક કલાક આપણે એ ગૂગલોને આપીશું જે આપણાથી દૂર થઈ જવાના છે...
* વિશાખા મોથીયા - મહુવા
- પહેલા કરતાં વધારે જાગ્રત રહેવાનું.
- વાસ્તવિકતાનો સ્વીકાર.
- આવનારા સંઘર્ષો માટે તૈયાર.
- માણસ પારખતાં વધારે શીખવાનું.
- writing માં પહેલાં કરતાં વધારે સારું લખવાનું.
- Self Love
* ઝાલા નીપાલી (અનોખી) -
કોઇ વિશેષ નહીં પણ સરળ સમજાય તેવી વ્યાખ્યા માં કહુ તો , કાર્ય કે લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ રહેવું તેનું નામ જ સંકલ્પ.
નવું વર્ષ આવી રહ્યુ છે એટલે બધા કંઈક નવા સંકલ્પ લેવા માટે વિચારી જ રહ્યા હશો, પણ ગયા વર્ષે લીધેલા સંકલ્પ હજુ પણ પુરા નથી થયા કારણ કે ઘણી આદતો ઘણી વસ્તુઓ, આપણાથી છૂટતી હજુ પણ નથી, પણ હવે આ વર્ષે એવો સંકલ્પ લેવો કે બધું જ રૂટીન મારે યોગ્ય રીતે કરવું છે પુસ્તકો વાંચવા છે, દોડવું છે ,રનીંગ કરવું છે, સારી સારી બાબત તો ના દરેક સંકલ્પ જીવનમાં લઈ લેવા જોઈએ.જો તમને પુસ્તક વાંચવાનો સંકલ્પ લીધો છે કે મારે દરરોજ પુસ્તકો વાંચવા છે તો પછી જીવનમાં ધીરે ધીરે એ બાબત વર્ણાઈ જશે અને પછી તમારું જીવન પોઝિટિવ અને રચનાત્મક બની જશે. પુસ્તકો જીવનશૈલી ને વણવા માટે ખૂબ જ ઉપયોગી છે.એક યોગ્ય દિનચર્યા બનાવો અને એક એવું સપનું જીવનમાં રાખો કે જે સૂરજ ઉગતા પહેલાં તમને ઉઠાડી આપે. જો તમને કોઈ ખરાબ વસ્તુનું સેવન કરવાની લત હોય તો એને છોડવા માટે અત્યારે જ સંકલ્પ લઈ લો.નવા વર્ષમાં આપણે એવા ઘણા સંકલ્પો લઈએ છીએ.
લીધેલા સંકલ્પોને પૂર્ણ કરવા માટે આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ.મોટેભાગે પ્રારંભિક ઉત્સાહ પછી અધવચ્ચે આ સંકલ્પો ભાંગી પડે છે.આ કારણે આપણે નિરાશ પણ થઈએ છીએ કારણ કે ઘણા કારણોસર આપણે તેને પૂર્ણ કરી શકતા નથી.પરંતુ જો આપણે આ સંકલ્પો પૂર્ણ કરીએ તો આપણને સમગ્ર વર્ષ દરમિયાન મોટા લાભ મળી શકે.
હવે ફરી ઘણાના મનમાં પ્રશ્ન થતા હશે કે સંકલ્પ શા માટે લેવા જોઈએ?
સંકલ્પ લેવાથી આગળ શું કરવું? એ ખ્યાલ આવી શકે છે, સંકલ્પ આપણા જીવનને એક નવો માર્ગ આપી શકે છે સંકલ્પ એક નવી કેડીકંડારી શકે છે જે સફળતાની દિશા તરફ લઈ જવા માટે ખૂબ જ ઉપયોગી છે. દેખાદેખીમાં સંકલ્પો નહીં લેવાના તમારા જીવનને યોગ્ય બનાવવા સંકલ્પો લેવાના. સતત પ્રયત્નશીલ રહેવું. અને જો અવિરત પ્રયાસ થયા, નિષ્ઠાપૂર્વક સતત મંડ્યા રહ્યાં તો સંકલ્પ સિદ્ધિ વિના કોઇ છૂટકો જ નથી
સંકલ્પો તમારું જીવન ધરમૂળથી બદલી નાંખશે, જીવન જીવી જાણશો.
* રીટાબેન - મુંબઈ
બીજા માટે ઘણુ જીવ્યા હવે પોતાના માટે જીવવાનું, જો એવુ કોઈ વિચારતું હોય તો એક વાત નક્કી કહી શકુ કે જો એ બીજામાં કોઈ આપણા પોતાના હોય, આપણા હ્રદયનું અભિંગ અંગ હોય તો એના માટે પહેલા વિચારીને મનને અલૌકિક આનંદ ને શાંતિ મળે છે. એ ફક્ત આપણો વિચાર કરવાથી નથી મળતો.
બધા લોકો નો ખુબ ખુબ આભાર જેમણે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા.