Two leaves in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | દો પત્તી

Featured Books
Categories
Share

દો પત્તી

દો પત્તી
- રાકેશ ઠક્કર

 ફિલ્મ ‘દો પત્તી’ માં કૃતિ સેનને અભિનેત્રી તરીકે ડબલ રોલ ભજવ્યો છે. એ સાથે એની નિર્માત્રી તરીકેની ત્રીજી ભૂમિકા પણ રહી છે. ફિલ્મ જોયા પછી કહેવું પડશે કે એક અભિનેત્રી તરીકે એનું ભવિષ્ય ઉજળું છે પણ નિર્માત્રીની કારકિર્દી બાબતે શંકા ઊભી થઈ છે. કેમકે ફિલ્મની વાર્તા પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ છે. ‘હસીન દિલરૂબા’ ના લેખિકા કનિકા ઢિલ્લનનું મૂળ વાર્તા પર ફોકસ જ નથી. અડધી ફિલ્મ તો બે બહેનો વચ્ચેની પ્રતિસ્પર્ધા અને એમના સંબંધની જટિલતામાં જ પૂરી થઈ જાય છે.
         ફિલ્મની શરૂઆતમાં ઈન્સ્પેકટર જ્યોતિ વિદ્યા (કાજોલ) ને એક ફોન કોલ આવે છે અને પતિ એની પત્ની સાથે મારપીટ કરતો હોવાની ફરિયાદ થાય છે. સાથી પોલીસ કર્મચારી આવા ઘરેલૂ હિંસાના મામલામાં પડવાની ના પાડે છે. પણ જ્યોતિ એ કેસ હાથમાં લે છે. એમાં એને બે જોડિયા બહેનોની કહાનીની ખબર પડે છે. સૌમ્યા (કૃતિ) અને શૈલી (કૃતિ) બહેનો ઓછી અને એકબીજાની દુશ્મન વધારે હોય છે. સૌમ્યા શાંત અને સહેમી હોય છે જ્યારે શૈલી બિન્દાસ હોય છે. બીમારીને કારણે સૌમ્યાને જે માન મળે છે એને શૈલી સહન કરી શકતી નથી. એને નીચી પાડવાની કોઈ તક જવા દેતી નથી. સૌમ્યાના જીવનમાં ધ્રુવ (શાહીર) આવે છે. લગ્ન પછી ધ્રુવનો અલગ જ રંગ જોવા મળે છે. તે સૌમ્યાની નજીક આવવાનો પ્રયાસ કરે છે.
        કેટલીય વાર્તાઓ ભેગી કરીને એને બનાવવામાં આવી છે એમ લાગશે. કોર્ટરૂમ ડ્રામા રોમાંચક બન્યો નથી. આ અગાઉ આલિયાની આવી જ ઘરેલૂ હિંસાની વાર્તા પરની ‘ડાર્લિંગ્સ’ વધુ સારી બની હતી. કૃતિના ડબલ રોલથી નિર્દેશક શશાંક ચતુર્વેદી ગૂંચવાડો પણ ઊભો કરી શક્યા નથી. કેટલાક ઘરેલૂ હિંસાના દ્રશ્યો રૂંવાડા ઊભા કરી દે એવા છે. ઘણી જગ્યાએ ટ્વીસ્ટ અને ટર્ન ઉત્સુકતા પેદા કરતાં હોવા છતાં વાર્તા પ્રિડિક્ટેબલ લાગે છે. ફિલ્મનો અંત કલ્પના કરી શકાય એવો છે. સચેત- પરંપરાનું ગીત-સંગીત ખાસ મદદરૂપ બનતું નથી. ‘શાયદ યે પ્યાર હૈ’ ઠીક છે. જ્યારે ‘રાંઝણ’ અગાઉની ‘શેરશાહ’ ના ‘રાંઝા’ ગીતની નકલ લાગે છે.  
         કૃતિએ બે બહેનોની અલગ ભૂમિકાને સારી રીતે ભજવી છે. બંનેનો સ્વભાવ અને અંદાજ એવો રાખ્યો છે કે એક જ અભિનેત્રી હોય એવું લાગવા દીધું નથી. બીજી તરફ કાજોલ આમ એક જ છે પણ પોલીસ અને વકીલની એમ બે ભૂમિકામાં દેખાય છે. નિર્માતાને બજેટની સમસ્યા હતી કે શું? બાકી કોઈ પોલીસ અધિકારી પાસે વકીલાતની ડિગ્રી હોય તો પણ એ કેવી રીતે કોર્ટમાં વકીલ તરીકે પણ કામ કરી શકે એ સમજવું મુશ્કેલ છે. કાજોલના ચાહકો માટે વધારે નવાઈની વાત એ છે કે ‘સિમરન’ કોઈ ફિલ્મમાં ગાળો પણ બોલી શકે છે. કાજોલની લખાયેલી ભૂમિકા નબળી હતી અને વળી એ બરાબર નિભાવી ના શકી તેથી નિરાશ કરી ગઈ છે. ખાસ કરીને દેસી પોલીસ અધિકારી તરીકે કાજોલ જામતી નથી. ટીવી સ્ટાર શાહીર શેખનું કામ સૌથી દમદાર છે. હવે પછી તેને મુખ્ય વિલન જ નહીં હીરો તરીકે પણ ફિલ્મ મળી શકે છે.
        ‘દો પત્તી’ કોઈ રીતે રોમાંચક બની ન હોવાથી કૃતિ સેનન અને શાહીર શેખના અભિનયને કારણે જ સમીક્ષકોના 5 માંથી 2થી 3 સ્ટાર જ મેળવી શકી છે. OTT ઉપર અત્યારે હિન્દી કે દક્ષિણની જ નહીં આંતરરાષ્ટ્રીય ફિલ્મો ઉપલબ્ધ છે ત્યારે ‘દો પત્તી’ નામ પૂરતી જ થ્રીલર હોવાથી એમને ટક્કર આપી શકે એવી બની નથી. ટાઇટલ પરથી એવું લાગશે કે પત્તાની રમતની જેમ રોમાંચંક હશે. પણ દો પત્તી જેવી કોઈ ગેમ હોતી નથી. એમાં બે બહેનોની વાત છે. એ ‘સીતા ઔર ગીતા’ ની જેમ બાળપણમાં અલગ થયેલી નથી. બંનેનો ઉછેર સાથે થયો છે. એમાં ઘરેલૂ હિંસાનો મુખ્ય મુદ્દો બહુ પાછળથી જોડાયો છે. છેલ્લે સમાજને સંદેશ અપાયો છે. પણ સૌથી મુશ્કેલ વાત એ છે કે બોલ્ડ દ્રશ્ય અને ગાળો હોવાથી પરિવાર સાથે જોતાં પહેલાં વિચાર કરવો પડશે.