New Year's Beginnings and Resolutions in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | નવા વર્ષની શરૂઆત અને સંકલ્પો

Featured Books
Categories
Share

નવા વર્ષની શરૂઆત અને સંકલ્પો

લેખ:- નવા વર્ષની શરૂઆત અને સંકલ્પો.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.



આ નવા લેખની શરૂઆત કરવા પહેલાં સૌને નવા વર્ષ માટે શુભકામનાઓ. દરેકને આ વર્ષ ફળદાયી નીવડે એવી પ્રાર્થના. એક લેખક/લેખિકા તરીકે સફળ થાઓ એવી શુભેચ્છા. સાથે સાથે જેઓ તમારી વિરુદ્ધમાં છે એ પણ તમારાં થઈ જાય એવી પ્રભુ પ્રાર્થના.



નવી શરૂઆત કરવા માટે નવા સંકલ્પો લેવાની જરૂર નથી. જરુર છે પોતાનામાં વિશ્વાસ રાખવાની. જ્યાં સુધી પોતાની ક્ષમતાઓ જાણતા ન થશો ત્યાં સુધી કોઈ પણ નવી શરૂઆત શક્ય બનશે નહીં. સાથે સાથે તમારે પોતાનું લક્ષ્ય પણ નક્કી કરવું પડે. જો લક્ષ્ય જ ખબર નહીં હોય તો ક્ષમતાઓ જાણવાનો કોઈ અર્થ નથી રહેતો.



નવી શરૂઆત એટલે આળસ છોડી પોતે જે બનવું છે અથવા પોતાને જે જોઈએ છે એ મેળવવા અથાક પ્રયત્ન કરવો. મહેનત કરતાં ગભરાઈ ન જવું. ક્યારેક નિષ્ફળતા મળે એનો અર્થ એ નથી થતો કે પ્રયત્નો જ છોડી દેવા અને લક્ષ્ય બદલી નાંખવું. લક્ષ્ય બદલવાથી માત્ર અને માત્ર ગુનેગારની લાગણી અનુભવાશે, એથી વિશેષ કશું નહીં.



જ્યાં સુધી પોતે કરેલ કામનું મૂલ્યાંકન બીજાનાં હાથમાં સોંપીશુ ત્યાં સુધી કામ બરાબર થયું કે નહીં એની ખબર પડશે જ નહીં. વ્યક્તિએ વ્યક્તિએ મૂલ્યાંકન અલગ થતું હોય છે. જ્યારે કામની શરૂઆત કરી હતી ત્યારે કોઈ આવ્યું હતું કામ કેવી રીતે કરવું એનું માર્ગદર્શન આપવા?



તો શા માટે આપણી સફળતાનું મૂલ્યાંકન અન્યોનાં હાથમાં સોંપી દેવું? કામની જ્યારે નવી શરૂઆત થાય છે ત્યારે એનો વિરોધ થાય જ છે, કારણ કે પરિવર્તન સ્વીકારવા કોઈ તૈયાર થતું નથી હોતું. પરંતુ બધી ટીકાઓ અવગણીને જો આપણું કાર્ય શરુ કરી દઈશું અને એમાં સફળતા મળશે તો એ જ લોકો પાસે આવીને વખાણ પણ કરશે. કામની શરૂઆત હંમેશા એકલાં હાથે જ કરવી પડે છે. સાહસ કરીએ ત્યારે કોઈ સાથ આપવા આવતું નથી. સફળતા મળ્યા બાદ તો ઘણાં બધાં લોકો ઘણી દૂરદૂરની ઓળખાણ લઈને અભિનંદન પાઠવવા આવશે.



આ નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે હું છું એનાથી પણ વધારે સારી બનવાનો પ્રયત્ન કરીશ, ઉપરાંત મારું લખાણ હજુ વધારે પ્રેરણાત્મક બને એવા પ્રયત્નો કરીશ. હાલમાં તો આવુ વિચાર્યું છે. પૂર્ણ કરી શકીશ કે નહીં એ હમણાં નહીં કહી શકું, કારણ કે મારે માટે મારું ગણિત હંમેશા પ્રથમ સ્થાને રહ્યું છે અને રહેશે. મારાં વિદ્યાર્થીઓ માટે ગણિત સરળ બનાવવાનાં પ્રયત્નો સૌથી પહેલાં, બાકી બધું પછી.



નવી શરૂઆત જ જો મારે કરવાની હોય તો સૌ પહેલાં હું મારી ગણિતમાં કુશળતા વધારવા પ્રયત્ન કરીશ. ત્યારબાદ મારા પરિવાર માટે યોગ્ય આયોજન કરીશ. આમ પણ ઘરનાં કામ પતાવ્યા વગર હું ક્યારેય મારા પોતાનાં માટે સમય ફાળવતી જ નથી. લેખિકા તરીકે સફળ બનવા માંગું છું, પણ એટલો બધો સમય હું ફાળવી શકતી નથી અને ક્યાં તો લખી શકું છું ક્યાં તો વાંચી શકું છું. છતાં પણ જેટલો સમય નવરાશનો મળે છે એમાં પ્રાથમિકતા તો હું મારા લેખોને જ આપું છું.



બીજા પાસે શક્ય એટલી ઓછી અપેક્ષા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી અન્ય માટે આશાની કિરણો બનવા તૈયાર રહેવું - એ જ નવા વર્ષનો ઉત્તમ સંકલ્પ બની શકે. બીજાની મદદ કરવા માટે સંકલ્પ લેવો બહુ મોટી વાત નથી, પણ એને પૂર્ણ કરવા તૈયારી બતાવવી એ હિંમત માંગી લેતું કામ છે. ઉપરાંત, એવા વહેમમાં ન રહેવું કે કોઈને મદદ કરવા આર્થિક પરિસ્થિતિ મજબૂત હોવી જોઈએ. ક્યારેક વ્યક્તિને પૈસાની નહીં, વ્યક્તિ અને એનાં શબ્દોની જરુર હોય છે. પૈસા તો એ હતાશ વ્યક્તિ પાસે હોઈ શકે છે, પણ હિંમત આપનાર ખભો એને જોઈતો હોય છે. માટે જો કોઈને મદદ કરવાનો સંકલ્પ દ્રઢ હશે ને તો મદદ કરવાનાં રસ્તાઓ આપોઆપ ખુલી જશે. તો પછી રાહ કોની જુઓ છો? લઈ લો સંકલ્પ આજે જ. કરતાં રહો મદદ શક્ય બને એટલી.



'કર તુ નવી શરૂઆત આજે, વધ સપનાંની દિશામાં આગળ.

મળશે સફળતા જરુર તને, જો હશે દ્રઢ સંકલ્પ તારો.

આવશે વિઘ્નો હજાર માર્ગમાં, શોધજે કોઈ ઉપાય,

જોઈ આ વિઘ્નો તુ, ડરીને છોડીશ નહીં લક્ષ્ય પોતાનું.'


આભાર.

સ્નેહલ જાની.