વારંવાર પ્રિયંકા સાથે થતા આવા બનાવોથી હું વધારે ડિસ્ટર્બ રહેવા લાગ્યો. પણ કરવું શું? ના તો હું પ્રિયંકાને છોડી શક્યો, ના તો એની સાથે થતા કકળાટમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો કાઢી શક્યો. પ્રિયંકા પાછળ હું આટલો બધો પરવશ થઈ ગયો છું એ મને સમજાયું જ નહોતું.
પ્રિયંકાએ કેટલાય દિવસો સુધી મારી સાથે સરખી રીતે વાત ન કરી. પણ એ વાત તો કરે છે ને, એ આશ્વાસન સાથે અમારો ચેટિંગનો સિલસિલો ચાલુ રહ્યો. બીજી બાજુ રિયા સાથે મારી વેવલેન્થ મેચ થવા લાગી હતી. પણ હું પ્રિયંકા સામે એનું નામ નહોતો લેતો. પ્રિયંકા સાથે વાતો કરીને મને જે ‘હાશ’ નહોતી થતી, એ રિયા સાથે વાતો કરીને થવા લાગી. છતાં પ્રિયંકા મારા માટે બીજા બધા કરતા પહેલા જ હતી. એની સાથે હું ગમે તે ટાઈમે, ગમે તે કામ છોડીને ચેટ કરવા બેસી જતો.
પ્રિયંકાને મારી ઓનેસ્ટી બહુ ગમતી હતી. પણ રિયા વિશે ઓનેસ્ટલી જાણ કરવામાં પ્રિયંકા મારાથી નારાજ થઈ ગઈ, જે મારાથી સહન ન થયું. પછી જૂઠું બોલીને જ એની સાથે રિલેશન ટકાવી રાખવાનું મને યોગ્ય લાગ્યું. કાયમ સાચું બોલવાવાળો હું, હવે ઘરમાં અને ફ્રેન્ડ્સમાં જૂઠું બોલતો થઈ ગયો.
ચેટિંગના ચક્કરમાં પરમ અને નિખિલને મળવાનું થોડું ઓછું થતું ગયું. પણ ટ્યૂશનમાં અને સ્કૂલમાં પરમ સાથે જ હોવાથી એની વાતો અને વર્તનનો પ્રભાવ મારા પર પડ્યા વગર રહેતો નહીં. જૂઠું બોલવાનું, રોફથી રહેવાનું, પોતાની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરાવવા માટે પેરેન્ટ્સ પાસે જિદ કરીને ધાર્યું કામ કઢાવવાનું ચાલુ જ રહ્યું. ઘરનું વાતાવરણ બગડવા લાગ્યું. મમ્મીની તબિયત પર પણ થોડી અસર થવા લાગી. એનું બી.પી. હાઈ રહેવા લાગ્યું. એથી એણે પણ મારી સાથે વધારે માથાકૂટ કરવાનું ઓછું કરી દીધું. પપ્પા ક્યારેક ભણવા માટે ટોકતા. મીત એના પોતાના રૂટીનમાં જ વ્યસ્ત રહેતો. ઘરમાં એ મહેમાનની જેમ આવતો અને જમીને પોતાનું કામ પતાવીને સૂઈ જતો. મારા સતત બગડતા જતા વર્તન અને વ્યવહારથી ઘરમાં બધાએ કદાચ મારાથી હાથ ધોઈ નાખ્યા હતા.
આટલું કહીને મિરાજે મીતની સામે જોયું અને ધીમેથી બોલ્યો, ‘હું તારા માટે કોઈ ફરિયાદ નથી કરવા માંગતો, માત્ર મારી હાલતનું વર્ણન કરી રહ્યો છું. હવે મને તારી સિચ્યુએશન સમજાઈ ગઈ છે.’
મિરાજ વાત કરતો હતો, ત્યારે અચાનક એક બાળકના રડવાનો અવાજ આવતા અમારું ધ્યાન ત્યાં ગયું.
‘અલેલેલે... બેટા પડી ગયો?’ મમ્મી એને કહી રહી હતી.
‘કેવું છે ને મિરાજ, ઉપર ચઢતા કેટલીવાર લાગે અને નીચે પડવાનું હોય તો? સડસડાટ લપસી પડાય. પછી એ બાળક હોય કે આપણે.’
‘હા. જીવનમાં પણ નીચે પડતા વાર નથી લાગતી. ખરાબ સંગતમાં પડ્યા કે લપસ્યા. પછી પોતાની નજરમાં જ નીચે પડી જવાય છે.’
‘બસ આ જ અનુભવ અને સમજણ તને ફરી ભૂલ કરતા અટકાવશે. હવે મિરાજ ક્યારેય ફેઈલ નહીં થાય.' મેં ખુશીથી કહ્યું.
‘ફેઈલ? એ તો હું ઓલરેડી છું. જીવનમાં પણ અને એક્ઝામમાં પણ.’ મિરાજ એક્ઝામમાં ફેઈલ થયો છે, એ હું જાણતી હતી. પણ ફેઈલ થવા પાછળ કેવા સંજોગો કામ કરી ગયા એ જાણવાનું મારે બાકી હતું.
‘આમ ને આમ દિવસો અને મહિનાઓ વીતતા ગયા. એક્ઝામ આવીને ઊભી રહી ગઈ. બધેથી નિરાશા જ મળતી હતી. એ દિવસોમાં ભણવા પરથી મન ઊઠી ગયું હતું. ધારવા છતાં પણ મારાથી ભણી શકાતું નહોતું. મારી હાલત એક હારેલા ખેલાડી જેવી હતી.’
મિરાજના ચહેરા પર અને શબ્દોમાં પણ સ્ટ્રેસ વર્તાતો હતો.
આખરે એક્ઝામનો દિવસ આવી ગયો. કોર્સ પૂરો થયો નહોતો, એટલે રાત્રે ઉજાગરા ચાલુ થઈ ગયા. પહેલા બે પેપરમાં તો વાંધો ના આવ્યો, પણ ત્રીજા પેપર વખતે તબિયત થોડી બગડી. એમ પણ પેપર સારા નહોતા જતા એટલે ટેન્શનમાં જ દિવસો વીતી રહ્યા હતા. માનસિક થાક, ઊંઘ અને ખાવાનું રૂટીન ન સચવાતા તબિયત વધારે બગડી. વીકનેસ લાગતી હતી. અચાનક શરીર તપવા લાગ્યું. તાવ આવી ગયો.
દવા લઈને બીજે દિવસે એક્ઝામ આપવા ગયો. મેથ્સનું પેપર હતું. જેમ તેમ પેપર લખ્યું. બધા ફ્રેન્ડ્સ ટોળે વળીને પેપર સોલ્વ કરવામાં પડ્યા હતા, ત્યારે હું નીચું જોઈને ચૂપચાપ સ્કૂલની બહાર નીકળી ગયો. હું અંદરથી ભાંગી પડ્યો હતો. શરીર પણ સાથ નહોતું આપતું, સૂનમૂન થઈને હું ઘરે પહોંચ્યો.
આના પછી સાયન્સનું પેપર હતું. મેથ્સના પેપરમાં ફેઈલ થઈ જઈશ તો? એક બાજુ ટેન્શન અને બીજી બાજુ અશક્તિ. મને કોઈના આશ્વાસનની જરૂર હતી. મેં મોબાઈલ હાથમાં લીધો. રિયા ઓનલાઈન હતી પણ મારી નજર પ્રિયંકાને શોધી રહી હતી.
પ્રિયંકાને મેસેજ કર્યો.
‘હાય.’
‘હાઉ આર યુ.’
‘નોટ ગુડ.’
‘વ્હોટ હેપન્ડ?’
‘તને યાદ પણ છે કે મારી એક્ઝામ ચાલે છે?’ મેં એને પૂછ્યું.
‘અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી.’
‘કેવા ગયા પેપર્સ?’
‘આજકાલ તને મારી કંઈ પડી જ નથી.’ મને મોકો મળી ગયો પ્રિયંકાનો વાંક કાઢવાનો. અત્યાર સુધી એ મારામાં વાંક શોધતી હતી, આજે મારો વારો.
ખરેખર હું એનો વાંક કાઢવા માગતો હતો કે પછી મારું દુ:ખ એની સાથે શેર કરવા માંગતો હતો? મારે કરવું શું હતું? એ મને પણ ખબર નહોતી પડતી. અચાનક જ મારાથી એને કહેવાઈ ગયું. પહેલાના પડેલા ઘા કદાચ બોલી રહ્યા હતા.
‘???’
‘તને હવે મારી કોઈ વાત યાદ જ ક્યાં રહે છે? તું તો તારી મસ્તીમાં જ મસ્ત છે.’
‘એ તો મને પણ તારા માટે એવું જ લાગે છે. જ્યારથી રિયા મળી છે, ત્યારથી તને મારા માટે ઓછો ટાઈમ મળે છે.’
‘પ્લીઝ, ડોન્ટ સે લાઈક ધેટ. તને પણ ખબર છે કે એક્ઝામની તૈયારીના ચક્કરમાં હું તારી સાથે વાત નહોતો કરી શકતો. આમાં રિયા ક્યાંથી વચ્ચે આવી. એણે તારું શું બગાડ્યું છે?’
‘યસ. યૂ આર રાઈટ. એણે મારું કંઈ નથી બગાડ્યું. મેં પોતે જ મારું બગાડ્યું છે. તારા જેવા માણસ પાછળ મારો ટાઈમ બગાડવો.’
‘તું મને કંઈ પણ કહે તો વાંધો નહીં અને મેં એકવાર કંઈ કીધું તો આટલું બધું ખોટું લાગી ગયું?’
‘હા, લાગી ગયું.’
‘પ્રિયંકા, વ્હોટ્સ રોગ વિથ યુ? તું પહેલા તો આવી નહોતી. કેમ આટલી બદલાઈ ગઈ છે?’
‘મારે પણ તને એ જ પૂછવું છે.’
‘કેન વી બી ધ સેમ ફ્રેન્ડ્સ એઝ વી વર અર્લીયર.’
‘આઈ થિંક નાઉ ઈટ્સ નોટ પોસિબલ. બેટર વી સ્ટોપ ટોકિંગ ટૂ ઈચ અધર.’
‘પ્રિયંકા, શું થયું છે તને? મારે તો તને મારી વાત શેર કરવી હતી પણ તું તો...’ હું ફરીથી એની સામે લાચાર થવા લાગ્યો.
‘જો મિરાજ, તારી લાઈફમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવ્યા જ કરે છે, એનો અર્થ એ નથી કે હું કાયમ તારા માટે હાજર હોઉ. આઈ હેવ માય ઓન પ્રોબ્લેમ્સ.’
‘હાય મિરાજ’ બીજી બાજુ રિયાનો મેસેજ આવ્યો.
‘પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ.’ મારાથી રિયાને કહેવાઈ ગયું.
‘ઓહ, ઓ.કે. સોરી.’ રિયાનો લાસ્ટ મેસેજ હતો.
‘બાય ફોરેવર. ડોન્ટ ટ્રાય ટૂ કોન્ટેક્ટ મી અગેઈન. આઈ એમ ફેડ અપ વિથ યૂ.’ આ પ્રિયંકાનો લાસ્ટ મેસેજ હતો. એ પછી એણે મને એક પણ મેસેજ નહોતો મોકલ્યો.
‘અમુક લોકો પડછાયા જેવા હોય છે. જે સારા સમયમાં સાથે જ દેખાય પણ કસોટીના દિવસોમાં એમને સાથ છોડી દેતા જરાય વાર નથી લાગતી.’ મીતે ગંભીર અવાજમાં કહ્યું.
‘ફ્રેન્ડશિપ ઓનલાઈન હોય કે ઓફલાઈન, આવા અનુભવો તો ઘણાને થયા જ હશે.’ મેં કહ્યું.
મિરાજે આગળ વધાર્યું, ‘મારા તરફથી રિપ્લાય ન મળવાથી રિયા પણ ઓફલાઈન થઈ ગઈ. એણે મને સપોર્ટ કર્યો હતો, પણ હું જ એને બરાબર રિસ્પોન્સ નહોતો આપી શક્યો. વાંક મારો જ હતો. પ્રિયંકાની હાજરીમાં રિયા મારા માટે સેકન્ડ પ્રાયોરિટીમાં જ આવી હતી.
મેં મોબાઈલ બાજુ પર મૂકી દીધો. હું સાવ તૂટી ગયો. હું પલંગ પરથી ઊભો થયો અને સાયન્સની બુક હાથમાં લીધી પણ...
‘બાય ફોરેવર. ડોન્ટ ટ્રાય ટૂ કોન્ટેક્ટ મી અગેઈન. આઈ એમ ફેડ અપ વિથ યૂ.’ પ્રિયંકાના શબ્દો એકધારા મારી અંદર છરાની જેમ ભોંકા છે.
મારું ગળું સુકાવા લાગ્યું. શરીરમાં કળતર થવા લાગી. મેં બાજુમાં પડેલી બોટલમાંથી બે ઘૂંટડા પાણી પીધું. આરામ કરવાની જરૂર લાગતા બુક બાજુ પર મૂકીને હું પલંગ પર લાંબો થયો. આરામ ના કરવાના કારણે લાલઘૂમ થયેલી આંખમાંથી પાણી નીકળવા લાગ્યા. એ પાણી તાવની ગરમીના હતા કે પછી હતાશા અને ગૂંગળામણથી હારેલા વ્યક્તિના, એ સમજવું મારા માટે અઘરું હતું! મેં આંખો લૂછી અને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. પણ તરત જ આંખો ફરી ભીંજાઈ ગઈ. આંસુની ધાર વહેવા લાગી. હું ભૂકેભૂકા થઈ ગયો.
ગળામાં ડૂમો ભરાઈ ગયો. મમ્મી રૂમમાં આવી જશે તો? એ ચિંતાએ મેં મારા પર કંટ્રોલ કરવાનો જેટલો પ્રયત્ન કર્યો એટલી જ નબળાઈ વધવા લાગી. હવે હું આંસુ રોકવા અસમર્થ હતો. ફક્ત આંખો મીંચીને પડ્યો રહ્યો.
એકાદ કલાક પછી જેવી આંખ ખૂલી કે મને અજીબ ગભરામણ થવા લાગી. તાવની ગરમી શરીરમાં અનુભવાતી હતી. મને એકલા રૂમમાં રહેવાની હિંમત નહોતી. હું રૂમની બહાર નીકળ્યો. મમ્મી ફોન પર વાત કરી રહી હતી.
‘મને મિરાજનું બહુ ટેન્શન થાય છે. તમે આજે રાત્રે એની સાથે બેસીને વાત કરજો ને?’ બહાર રૂમમાં મમ્મી વાત કરી રહી હતી. સ્પીકર ફોન પર જ વાત કરવાની મમ્મીને આદત હતી.
‘અત્યારે એની તબિયત કેવી છે?’ પપ્પાનો અવાજ હતો.
‘તાવ તો છે થોડો. એણે કંઈ ખાધું નથી.’
‘સારું હું આજે વહેલો ઘરે આવી જઈશ. તું ચિંતા ના કર.’
‘મને લાગે છે કે એ કોઈ ટેન્શનમાં છે. પહેલા તો એ આપણા પર અકળાયેલો રહેતો હતો, પણ હવે તો સૂનમૂન થઈ ગયો છે. રાત્રે પણ મોડે સુધી જાગે છે. એ મેં ઘણા ટાઈમથી નોટીસ કર્યું છે.’
‘અરે એ તો એક્ઝામ છે એટલે...’
‘ના, એક્ઝામ નહોતી તો પણ ઘણીવાર એના રૂમની લાઈટ ચાલુ હોય. હું જોઉ તો કંઈ જ કરતો ના હોય. ચૂપચાપ સીલિંગ તરફ જોઈ રહ્યો હોય.’
‘મને લાગે છે કે આપણાથી આપણી ફરજ નિભાવવામાં ક્યાંક કચાશ રહી ગઈ છે, એના કારણે એ આપણાથી નારાજ રહે છે.’ પપ્પા ઢીલા હતા. મમ્મીથી એક ડૂસકું ભરાઈ ગયું.
આ સાંભળી મારું હૃદય ભરાઈ આવ્યું. બધા મારા જ તો છે. છતાં કેમ કોઈ મને મારું નથી લાગતું?
મમ્મી-પપ્પા સાથે એટલું અંતર થઈ ગયું હતું કે હું મારું હૃદય ત્યાં ઠાલવી નહોતો શકતો. બહારથી સતત હૂંફ શોધવા મથતો હું, સાવ એકલો પડી ગયો હતો. જાણે બધું ખાલીખમ થઈ ગયું હતું. રૂમમાં પાછા જઈને હું પલંગ પર બેસી ગયો. પાણી પીવા હાથ આગળ કર્યો પણ બોટલ હાથમાંથી છટકી ગઈ.
બોટલ પડવાનો અવાજ સાંભળીને મમ્મી ચાલુ ફોન પડતો મૂકીને દોડીને મારા રૂમમાં આવી ગઈ.
‘શું થયું બેટા?’ મમ્મીએ બોટલ હાથમાં લેતા મને પૂછ્યું.
‘માત્ર રડી લેવા સિવાય હવે મારી પાસે કંઈ બચ્યું નહોતું. મમ્મીનો હાથ પકડીને હું ફૂટી ફૂટીને રડવા લાગ્યો. મમ્મીએ મને વળગાડી દીધો.’
‘મારી લાઈફ બરબાદ થઈ ગઈ છે. હું કોઈ કામનો નથી રહ્યો. હું કોઈને ગમતો નથી, કોઈને મારી જરૂર નથી, હવે મારે જીવવા જેવું કંઈ રહ્યું જ નથી. આવી રીતે હું નહીં જીવી શકું. મમ્મી, મારે મરી જવું છે... મમ્મી, મારે મરી જવું છે.’ મમ્મીને વળગીને હું જોર જોરથી રડવા લાગ્યો.
મારો ચિત્કાર મમ્મીના હૃદયને પણ ચીરી રહ્યો હતો. એની આંખમાંથી પણ આંસુની ધારા અનરાધાર વહી રહી હતી. એનો મૃદુ સ્પર્શ મૌનપણે મારા માથા અને પીઠ પર ફરી રહ્યો હતો.
રાત્રે પપ્પા પણ મારી હાલત જોઈને ચોંકી જ ગયા. હું ખરેખર મરવા પડ્યો હોઉ એવી હાલતમાં હતો. એ લોકોએ તરત ડોક્ટરને ઘરે બોલાવ્યા. દવા શરૂ કરી અને પરીક્ષા બંધ.
હું મારી જ નજરમાં ઊતરી રહ્યો હતો. કહો ને કે હું મારું અસ્તિત્વ ખોઈ બેઠો હતો. ક્યાંય બહાર નહોતો જતો. બસ, રૂમના કોઈ એક ખૂણે ભરાઈને બેસી રહેતો હતો. ધીમે ધીમે તો આંસુઓ પણ સૂકાઈ ગયા. મોઢા પર કોઈ જાતના હાવભાવ નહીં, કોઈ લાગણી કે સંવેદના નહીં, જાણે પૂતળું બની ગયો હોઉ એમ. આજુબાજુવાળા ઘણા લોકો મમ્મીને પૂછતા કે મને માનિસક બિમારી તો નથી ને? મમ્મી-પપ્પાને પણ લાગતું કે અમારો દીકરો પાગલ થઈ ગયો છે કે શું? મને પણ એવો ડાઉટ થવા લાગ્યો કે સાચે જ હું...
આ બધું ચાલતું હતું ત્યારે મીતને તમે મળ્યા.
મિરાજની વેદના અને મીતની અશ્રુધારા એકસાથે વહી રહ્યા હતા. પહેલા કોને સાંત્વના આપવી?