સનત્કુમાર બોલ્યા, “આમ ઇષ્ટદેવને ત્રણવાર અર્ઘ્ય આપીને સૂર્યમંડળમાં રહેલા તે ઇષ્ટદેવનું ધ્યાન કરવું. તે પછી પોતપોતાના કલ્પમાં બતાવ્યા પ્રમાણે ગાયત્રીનો એકસો આઠ વાર અથવા અઠ્ઠાવીસ વાર જપ કરવો અને ગાયત્રીનું ધ્યાન કરવું.
ત્યારબાદ વિધિ જાણનાર પુરુષે દેવતાઓ, ઋષીઓ તથા પોતાના પિતૃઓનું તર્પણ કરીને કલ્પમાં કહેલી રીતે પોતાના ઇષ્ટદેવનું પણ તર્પણ કરવું. તદનન્તર ચાલતી આવેલી ગુરુપરંપરાનું તર્પણ કરી અંગો, આયુધો અને આવરણો સહિત વિનતાના પુત્ર ગરુડનું તર્પણ કરવું. તે પછી નારદ, પર્વત, જિષ્ણુ, નિશઠ, ઉદ્ધવ, દારૂક, વિશ્વકસેન તથા શૈલેયનું વૈષ્ણવ પુરુષે તર્પણ કરવું.
હે વિપેન્દ્ર, આ પ્રમાણે તર્પણ કરીને, વિવસ્વાન સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી પૂજાઘરમાં આવવું અને હાથપગ ધોઈ આચમન કરવું. પછી અગ્નિહોત્રમાં સ્થિત ગાર્હપત્ય આદિ અગ્નિઓની તૃપ્તિ માટે હવન કરી યત્નપૂર્વક તેમની ઉપાસના કરીને પૂજાના સ્થાનમાં આવવું અને દ્વારપૂજાનો પ્રારંભ કરવો. દ્વારની ઉપરની શાખામાં ગણેશની. દક્ષિણ ભાગમાં મહાલક્ષ્મીની, વામભાગમાં સરસ્વતીની, દક્ષિણમાં ફરી વિઘ્નરાજ ગણેશની, વામભાગમાં ક્ષેત્રપાલની, દક્ષિણમાં ગંગાની, વામભાગમાં યમુનાની, દક્ષિણમાં ધાતાની, વામભાગમાં વિધાતાની, દક્ષિણમાં શંખનિધિની તથા વામભાગમાં પદ્મનિધિની પૂજા કરવી.
તે પછી વિદ્વાન પુરુષે તે તે કલ્પમાં કહેલા દ્વારપાલોની પૂજા કરવી. નંદ, સુનંદમ ચંડ, પ્રચંડ, પ્રચલ, બલ, ભદ્ર તથા સુભદ્ર-આ વૈષ્ણવ દ્વારપાલ છે. નંદી, ભૃંગી, રિતિ, સ્કંદ, ગણેશ, ઉમામહેશ્વર તથા મહાકાલ-આ શૈવ દ્વારપાલ છે. બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી આદિ જે આઠ માતૃકા શક્તિઓ છે, તે સ્વયં દ્વારપાલિકા છે. આ સર્વનાં નામના આદિ અક્ષરમાં અનુસ્વાર લગાડીને તે નામના પહેલાં બોલવું જોઈએ. નામના ચતુર્થી વિભક્તિના અંતવાળા રૂપ પછી નમ: લગાડવું જોઈએ. જેમ કે ‘નં નંદાય નમ:’.
દ્વારપાળોની પૂજા બાદ બુદ્ધિમાન પુરુષે પવિત્ર થઇ મન અને ઇન્દ્રિયોને સંયમ કરવા સાથે આસન પર બેસી આચમન કરવું અને યત્નપૂર્વક સ્વર્ગ, અંતરીક્ષ તથા પૃથ્વીનાં વિઘ્નોનું નિવારણ કર્યા પછી શ્રેષ્ઠ વૈષ્ણવ પુરુષે કેશવ કીર્ત્યાદિ માતૃકાન્યાસ કરવા. કીર્તિ સહિત કેશવ, કાંતિ સહિત નારાયણ, તુષ્ટિની સાથે માધવ, પુષ્ટિની સાથે ગોવિંદ, ધૃતિ સાથે વિષ્ણુ, શાંતિ સાથે મધુસૂદનમ ક્રિયા સાથે ત્રિવિક્રમ, દયા સાથે વામન, મેધા સાથે શ્રીધર, હર્ષા સાથે હૃષીકેશ, પદ્મનાભ સાથે શ્રદ્ધા, દામોદરની સાથે લજ્જા, લક્ષ્મી સહિત વાસુદેવ, સરસ્વતી સહિત સંકર્ષણમ પ્રીતિની સાથે પ્રદ્યુમ્ન, રતિની સાથે અનિરુદ્ધ, જયા સાથે ચક્રી, ચંડા સાથે શંખી, વાણી સાથે હલી, વિલાસિની સાથે મુસલી, વિજયા સાથે શૂલી, વિરજાની સાથે પાશી, વિશ્વા સાથે અંકુશી. વિનદા સાથે મુકુંદ, સુનંદા સાથે નંદજ, સ્મૃતિની સાથે નંદી, વૃદ્ધિની સાથે નાર, સમૃદ્ધિ સાથે નરકજિત, શુદ્ધિની સાથે હરિ, બુદ્ધિની સાથે કૃષ્ણ, ભક્તિ સાથે સત્ય, મુકરીની સાથે સાત્વત, ક્ષમા સાથે સૌરી, રમા સહિત સૂર, ઉમા સહિત જનાર્દન, ક્લેદિની સહિત ભૂધર, કિલન્ના સાથે વિશ્વમૂર્તિ, વસુધાની સાથે વૈકુંઠ, વાસુદાની સાથે પુરુષોત્તમ, પરાની સાથે બલી, પરાયણા સાથે બલાનુજ, સૂક્ષ્માની સાથે બાલ, સંધ્યાની સાથે વૃષહંતા, પ્રજ્ઞાની સાથે વૃષ, પ્રભાની સાથે હંસ, નિશાની સાથે વરાહ, ધારાની સાથે વિમલ તથા વિદ્યુતની સાથે નૃસિંહનો ન્યાસ કરવો.
આ કેશવાદિ માતૃકા ન્યાસના નારાયણ ઋષિ, અમૃતાદ્યા ગાયત્રી છંદ અને વિષ્ણુ દેવતા છે. ભગવાન વિષ્ણુ ચક્ર આદિ આયુધોથી સુશોભિત છે. તેમણે હાથોમાં કળશ અને દર્પણ ધારણ કરેલ છે, તે શ્રીહરિ લક્ષ્મીજીની સાથે શોભા પામી રહ્યા છે. તેમના અંગની કાંતિ વિદ્યુત સમાન પ્રકાશમાન છે અને તેઓ અનેક પ્રકારનાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે; આવા ભગવાન વિષ્ણુનું હું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન ધરીને શક્તિ (હ્રીં), શ્રી (શ્રીં) તથા કામ (કલીં) બીજથી સંપુટિત ‘અ’ આદિમાં એક એક અક્ષરનો લલાટ આદિમાં ન્યાસ કરવો. તેની સાથે આદિમાં પ્રણવ યોજીને શ્રી વિષ્ણુ અને તેમની શક્તિનાં ચતુર્થી વિભક્તિના અંતવાળા નામ બોલી અંતમાં ‘નમ:’ પદ ઉમેરીને બોલવાં. ( જેમ કે લલાટ માટે ‘ૐ હ્રીં શ્રીં કલીં અં કલીં શ્રીં હ્રીં કેશવ-કીર્તિભ્યામ નમ:’ આમ બોલીને લલાટે સ્પર્શ કરવો.)
એક અક્ષર ‘અ’ નો લલાટમાં, પછી એક અક્ષર ‘આ’ નો મુખમાં, બે અક્ષરો ‘ઇ’ અને ‘ઈ’ નો ક્રમશ: જમણા અને ડાબા નેત્રમાં અને બે અક્ષરો ‘ઉ’ , ‘ઊ’ નો ક્રમશ: જમણા અને ડાબા કણમાં ન્યાસ કરવો. બે અક્ષરો ‘ઋ’ અમે ‘ઋ’ નો જમણા અને ડાબા નસકોરામાં; બે અક્ષરો ‘લૃ’ ‘લ્ર્રુ’ નો જમણા-ડાબા કપોલમાં; બે અક્ષરો ‘એ’ ‘ઐ’ નો ઉપર-નીચેના હોઠમાં; બે અક્ષરો ‘ઓ’ ‘ઔ’ નો ઉપર-નીચેની દંતપંક્તિમાં; એક અક્ષર ‘અં’ નો જિવ્હામૂળમાં તથા એક અક્ષર ‘અ:’ નો ગ્રીવામાં ન્યાસ કરવો. જમણી ભુજામાં ક વર્ગનો અને ડાબી ભુજામાં ચ વર્ગનો ન્યાસ કરવો. ટ વર્ગ અને ત વર્ગનો બંને પગમાં તથા ‘પ’ અને ‘ફ’ નો બંને કુક્ષિઓમાં ન્યાસ કરવો. પૃષ્ઠવંશ (મેરુદંડ)માં ‘બ’ નો અને નાભિમાં ‘ભ’ નો અને હૃદયમાં ‘મ’ નો ન્યાસ કરવો. ‘ય’ આદિ સાત અક્ષરોનો શરીરની સાત ધાતુઓમાં, ‘હ’ નો પ્રાણમાં તથા ‘ળ’ નો આત્મામાં ન્યાસ કરવો. ‘ક્ષ’ નો ક્રોધમાં ન્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે ક્રમથી માતૃકાવર્ણોનો ન્યાસ કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની પૂજામાં સમર્થ થાય છે.
હવે હું ભગવાન શિવના ઉપાસક માટે માતૃકાન્યાસની વિધિ જણાવું છું તે ધ્યાનથી સાંભળો. પૂર્ણોદરી સાથે શ્રીકંઠેશનો, વિરજાનો સાથે અંતેશનો, શાલ્મલી સાથે સૂક્ષ્મેશનો, લોલાક્ષી સાથે ત્રિમૂર્તીશનો, વર્તુલાક્ષી સાથે મહેશનો, દીર્ઘઘોણા સાથે અર્ધીશનો ન્યાસ કરવો. [હસૌં અં શ્રીકંઠેશપૂર્ણોદરિભ્યામ નમ: (લલાટે), હસૌં આં અનંતેશ વિરજાભ્યામ નમ: (મુખવૃત્તે)]
દીર્ઘમુખી સાથે ભારભૂતીશનો, ગોમુખી સાથે તિથીશનો, દીર્ઘજિહ્વા સાથે સ્થાણ્વીશનો, કુંડોદરી સાથે હરેશનો, ઊર્ધ્વકેશીની સાથે ઝિન્ટીશનો, વિકૃતાસ્યાની સાથે ભૌતિકેશનો, જ્વાળામુખી સાથે સદ્યોજાતેશનો, ઉલ્કામુખી સાથે અનુગ્રહેશનો, આસ્થાની સાથે અક્રૂરનો, વિદ્યાની સાથે મહાસેનનો, મહાકાલીની સાથે ક્રોધીશનો, સરસ્વતી સાથે ચંદ્રેશનો, સિદ્ધગૌરી સાથે પંચાન્તકેશનો, ત્રૈલોક્યવિદ્યા સાથે શિવોત્તમેશનો, મંત્રશક્તિની સાથે એકરુદ્રેશનો, કમઠીની સાથે કૂર્મેશનો, ભૂતમાતાની સાથે એકનેત્રેશનો, લંબોદરીની સાથે ચતુર્વક્ત્રેશનો, દ્રાવિણીની સાથે અજેશનો, નાગરીની અઠે સર્વેશનો, ખેચરીની સાથે સોમેશનો, મર્યાદાની સાથે લાંગલીશનો, દારુકેશ સાથે રૂપિણીનો તથા વીરિણી સાથે અર્ધનારીશનો ન્યાસ કરવો જોઈએ. કાકોદરી સાથે ઉમાકાંતનો અને પૂતનાની સાથે આષાઢીશનો ન્યાસ કરવો જોઈએ. ભદ્રકાલી સાથે દંડીશનો, યોગિની સાથે અત્રીશનો, શંખિની સાથે મીનેશનો, તર્જની સાથે મેષેશનો, કાલરાત્રિની સાથે લોહિતેશનો, કુબ્જની સાથે શિખીશનો, કપર્દીની સાથે છલગન્ડેશનો, વજ્રની સાથે દ્વિરંડેશનો, જયાની સાથે મહાબલેશનો, સુમુખેશ્વરી સાથે બલીશનો, રેવતી સાથે ભુજંગેશનો, માધ્વી સાથે પિનાકીશનો, વારુણી સાથે ખડગીશનો, વાયવી સાથે વકેશનો, વિદારણા સાથે લકુલીશનો, વ્યાપિની સાથે શિવેશનો તથા મહામાયા સાથે સંવર્તકેશનો ન્યાસ કરવો.
આ શ્રીકંઠમાતૃકાઓ કહેવાય છે. જ્યાં ‘ઈશ’ પદ કહ્યું ન હોય ત્યાં સર્વત્ર તેની યોજના કરી લેવી. આ શ્રીકંઠમાતૃકાન્યાસના દક્ષિણામૂર્તિ ઋષિ અને ગાયત્રીછંદ કહેવામાં આવેલ છે. અર્ધનારીશ્વર દેવતા છે અને સકળ મનોરથોની પ્રાપ્તિ માટે આનો વિનિયોગ કહ્યો છે. એનાં હલ બીજ અને સ્વર શક્તિઓ છે. ભૃગુ (સ)માં સ્થિત આકાશ (હ) અને છ દીર્ઘોથી યુક્ત કરીને તે દ્વારા અંગન્યાસ કરવા.
ત્યારબાદ ભગવાન શંકરનું આ પ્રમાણે ધ્યાન કરવું. તેમનો વર્ણ બંધૂકપુષ્પ તેમ જ સુવર્ણ સમાન છે. તેઓ પોતાના હાથોમાં વર, અક્ષમાળા, અંકુશ અને પાશ ધારણ કરે છે. તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુકુટ સુશોભિત છે. તેમને ત્રણ નેત્ર તથા સર્વ દેવતાઓ તેમના ચરણોમાં વંદન કરે છે.
આ પ્રમાણે શિવશક્તિનું ધ્યાન કરીને અંતમાં ચતુર્થી વિભક્તિ અને નમ: પદ ઉમેરી તથા આદિમાં ગણેશનું પોતાનું બીજ લગાડી માતૃકાસ્થલમાં એક એક માતૃકા વર્ણની સાથે શક્તિ સહિત ગણેશનો ન્યાસ કરવો. હ્રીં ની સાથે વિઘ્નેશ અને શ્રીની સાથે વિઘ્નરાજનો ન્યાસ કરવો . (ગં અં વિઘ્નેશહ્રીંભ્યામ નમ: (લલાટે), ગં આં વિઘ્નરાજશ્રીભ્યામ નમ: (મુખવૃત્તે) આ પ્રકારની વાક્યયોજના કરવી).
પુષ્ટિની સાથે વિનાયક, શાંતિ સાથે શિવોત્તમ, સ્વસ્તિ સાથે વિઘ્નકૃતમ સરસ્વતી સહિત વિઘ્નહર્તા, સ્વાહા સહિત ગણનાથ, સુમેધા સહિત એકદંત, કાંતિ સહિત દ્વિદંત, કામિની સહિત ગજમુખ, મોહિની સહિત નિરંજન, નંદી સહિત કપર્દી, પાર્વતી સહિત દીર્ઘજિહ્વ, જ્વાલિની સહિત શંકુકર્ણ, નંદા સહિત વૃષધ્વજ, સુરેશી સહિત ગણનાયક, કામરૂપિણી સહિત ગજેન્દ્ર, ઉમાની સાથે શૂર્પકર્ણ, તેજોવતીની સાથે વિરોચન, સતીની સાથે લંબોદર, વિઘ્નેશીની સાથે મહાનંદ, સુરૂપિણી સાથે ચતુર્મૂર્તી, કામદા સહિત સદાશિવ, મદજિહ્વા સહિત આમોદ, ભૂતિ સહિત દુર્મુખ, ભૌતિકીની સાથે સુમુખ, સીતાની સાથે પ્રમોદ, રમાની સાથે એકપાદ, મહિષી સાથે દ્વિજીહ્વ, જમ્ભિની સાથે શૂર, વિકર્ણા સાથે વીર, ભ્રુકુટી સાથે ષણ્મુખ, લજ્જાની સાથે વરદ, દીર્ઘઘોણાની સાથે વામદેવેશ, ધનુર્ધરી સાથે વક્રતુંડ, યામિની સાથે દ્વિરંડ, રાત્રિ સાથે સેનાની, ગ્રામણી સાથે કામાન્ધ, શશિપ્રભા સહિત મત્ત, લોલનેત્રા સહિત વિમત્ત, ચંચલા સાથે મત્તવાહ, દીપ્તિ સાથે જટી, સુભગા સાથે મુંડી, દુર્ભગા સાથે ખડ્ગી, શિવા સાથે વરેણ્ય, ભગા સાથે વૃષકેતન, ભગિની સાથે ભક્તપ્રિયા, ભોગિની સાથે ગણેશ, સુભગા સાથે મેઘનાદ, કાલરાત્રી સાથે વ્યાપી તથા કાલિકા સાથે ગણેશનો પોતાનાં અંગોમાં ન્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે વિઘ્નેશ માતૃકાનું વર્ણન કર્યું છે. ગણેશ માતૃકાના ગણ ઋષિ કહેવામાં આવ્યા છે. નિચ્રુદ ગાયત્રી છંદ છે તથા શક્તિ સહિત ગણેશ્વર દેવતા છે.
છ દીર્ઘ સ્વરોથી યુક્ત ગણેશબીજ (ગાં, ગીં, ગૂં, ગૈ, ગૌ, ગ:) થી અંગન્યાસ કરી તેમનું આ પ્રમાણે ધ્યાન ધરવું. ગણેશ પોતાના ચારે હાથોમાં ક્રમશ: પાશ, અંકુશ, અભય અને વર ધારણ કરીને રહેલા છે. તેમનાં પત્રની સિદ્ધિ હાથમાં કમળ લઈને તેમની પાસે બેઠેલાં છે. તેમનું શરીર રક્ત વર્ણનું છે; તેમને ત્રણ નેત્ર છે. આવા ગણપતિનું હું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન ધરીને પોતાના બીજને પૂર્વાક્ષરના રૂપમાં મૂકી માતૃકાન્યાસ કરવો જોઈએ.
હવે હું કલા માતૃકાન્યાસ વિષે જણાવું છું તે ધ્યાન દઈને સાંભળશો. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ, ઇન્ધિકા, દીપિકા, રોચિકા, મોચિકા, પરા, સૂક્ષ્મા, અસૂક્ષ્મા, અમૃતા, જ્ઞાનામૃતા, આપ્યાયિની, વ્યાપિની, વ્યોમરૂપા, અનંતા, સૃષ્ટિ, સમૃદ્ધિકા, સ્મૃતિ, મેધા, કાંતિ, લક્ષ્મી, ધૃતિ, સ્થિરા, સ્થિતિ, સિદ્ધિ, જરા, પાલિની, ક્ષાંતિ, ઈશ્વરી, રતિ, કામિકા, વરદા, હલાદિની, પ્રીતિ, દીર્ઘા, તીક્ષણા, રૌદ્રા, નિદ્રા, તંદ્રા, ક્ષુધા, ક્રોધિની, ક્રિયાકારી, મૃત્યુ, પીતા, શ્વેતા, અરુણા, અસિતા, અનંતા-આ પ્રમાણે કલામાતૃકા કહેવામાં આવી છે. ભક્ત પુરુષોએ તે તે માતૃકાઓના ન્યાસ કરવા. આ કલામાતૃકાના પ્રજાપતિ ઋષિ છે અને આનો છંદ ગાયત્રી છે તથા દેવતા શારદા છે. હ્રસ્વ અને દીર્ઘ સ્વરની વચ્ચે પ્રણવ મૂકીને તેના જ દ્વારા ષડંગન્યાસ કરવા. (દાખલા તરીકે અં ૐ આં હૃદયાય નમ:, ઇં ૐ ઈં શિરસે સ્વાહા; ઉં ૐ ઊં શિખાયૈ વષટ; એં ૐ ઐ કવચાય હુમ; ઓં ૐ ઔ નેત્રત્રયાય વૌષટ; અં ૐ અ: અસ્ત્રાય ફટ)
વિદ્વાન પુરુષે મોતીઓનાં આભૂષણોથી વિભૂષિત પંચમુખી શારદાદેવીનું ધ્યાન કરવું. તેમને ત્રણ નેત્ર છે. તેઓ પોતાના હાથમાં પદ્મ, ચક્ર, ગુણ (ત્રિશુળ અથવા પાશ) તથા મૃગચર્મ ધારણ કરે છે.
આ પ્રમાણે ધ્યાન કરીને ૐપૂર્વક ચતુર્થ્યંત કલાયુક્ત માતૃકાનો ન્યાસ કરવો. ત્યારબાદ મૂળમંત્રના છયે અંગોમાં ન્યાસ કરવો જોઈએ. તે પછી આયુધ-આભૂષણો સહિત ઇષ્ટદેવનું ધ્યાન કરી તેમની મૂર્તિમાં છ અંગોનો ન્યાસ કર્યા પછી પૂજનનો પ્રારંભ કરવો.”
ક્રમશ: