સનત્કુમાર બોલ્યા, “કુળની પરંપરાના ક્રમથી જે પ્રાપ્ત થયો હોય, નિત્ય મંત્રજાપના અનુષ્ઠાનમાં તત્પર હોય, ગુરુની આજ્ઞાનું પાલન કરવામાં અનુરક્ત હોય તથા અભિષેકયુક્ત; શાંત, કુલીન અને જિતેન્દ્રિય હોય, મંત્ર અને તંત્રના તાત્વિક અર્થનો જ્ઞાતા અને નિગ્રહ-અનુગ્રહમાં સમર્થ હોય, કોઈની પાસેથી કશીય વસ્તુની અપેક્ષા ન રાખતો હોય; મનનશીલ, ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો, હિત વચન બોલનારો, વિદ્વાન, તત્ત્વ કાઢવામાં ચતુર ને વિનયી હોય, કોઈ પણ એક આશ્રમની મર્યાદામાં રહેર્લો, ધ્યાનપરાયણ, સંશયને દૂર કરનારો હોય તેને જ ‘આચાર્ય’ કહેવામાં આવ્યો છે.
શાંત, વિનયશીલ, શુદ્ધાત્મા, સર્વ શુભ લક્ષણોથી યુક્ત, શમ આદિ સાધનોથી સંપન્ન, શ્રદ્ધાવાન, ઠરેલ વિચાર અથવા સ્વસ્થ અંત:કરણવાળો, ખાનપાનમાં શારીરિક, શુદ્ધિથી યુક્ત, ધાર્મિક, શુદ્ધ હૃદયવાળો, સુદૃઢવ્રત તેમ જ સુસ્થિર આચારથી યુક્ત, કૃતજ્ઞ, પાપથી ડરનારો, ગુરુનું ધ્યાન, તેમની સ્તુતિ, તેમનાં જ ગુણગાન તથા ગુરુની સેવામાં જેનું મન લાગતું હોય, આવા શીલ-સ્વભાવનો પુરુષ આદર્શ શિષ્ય થઇ શકે છે; અન્યથા તે ગુરુને દુઃખ આપનારો થાય છે.”
સનત્કુમારે કહ્યું, “આગળ મેં આદર્શ ગુરુ અને શિષ્ય વિષે કહ્યું હવે હું મંત્રશોધન વિષે કહું છું તે ધ્યાન દઈને સાંભળશો. ગુરુએ શિષ્યની પરીક્ષા લઈને મંત્રનું શોધન કરવું. પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર રંગમાં બોળેલા પાંચ પાંચ સુતરના દોરાથી રેખાઓ પાડવી. આ પ્રમાણે ચાર ચાર કોઠાઓના ચાર સમુદાય બનશે. એમાંની પહેલી ચોકડીના પ્રથમ કોઠામાં એક, બીજાના પ્રથમમાં બે, ત્રીજાના પ્રથમમાં ત્રણ અને ચોથાના પ્રથમમાં ચાર લખવા. આ જ ક્રમથી આગળની સંખ્યાઓ પણ લખી લેવી. પહેલા કોઠામાં ‘અ’ લખી તેનાથી આગ્નેય કોણમાં તેનાથી પાંચમો અક્ષર લખવો. આ પ્રમાણે બધા જ કોઠાઓમાં ક્રમવાર અક્ષરો લખીને બુદ્ધિમાન પુરુષે મંત્રનું શોધન કરવું. સાધકન નામનો આદિ અક્ષર જે કોઠામાં હોય, ત્યાંથી લઈને જ્યાં મંત્રનો આદિ અક્ષર હોય તે કોઠા સુધી પ્રદક્ષિણ ક્રમથી ગણવું જોઈએ. નામનો આદિ અક્ષર જે ચોકડીમાં હોય તેમાં જ જો મંત્રનો આદિ અક્ષર હોય તો તે ‘સિદ્ધ’ કહેવાય. તેનાથી પ્રદક્ષિણ ક્રમથી ગણતાં જો બીજી ચોકડીમાં મંત્રનો આદિ અક્ષર હોય તો તે ‘સાધ્ય’ કહેવાય છે. એવી જ રીતે એવી જ રીતે ત્રીજી ચોકડી ‘સુસિદ્ધ’ અને ચોથી ચોકડી ‘અરિ’ નામથી પ્રસિદ્ધ છે. જો સાધકના નામ સંબંધી અને મંત્ર સંબંધી આદિ અક્ષર પહેલી ચોકડીના પહેલા જ કોઠામાં પડ્યા હોય તો તે મંત્ર ‘સિદ્ધ સિદ્ધ’ મનાય છે.
જો મંત્રવર્ણ પ્રથમ ચોકડીના બીજા કોઠામાં પડ્યો હોય તો તે ‘સિદ્ધ સાધ્ય’ કહેવાય છે અને જો પ્રથમના તૃતીય કોઠામાં હોય તો તે ‘સિદ્ધ-સુસિદ્ધ’ થશે, જો ચોથામાં હોય તો ‘સિદ્ધારિ’ કહેવાશે. નામના અક્ષરથી યુક્ત ચોકડીથી બીજી ચોકડીમાં જો મંત્રનો અક્ષર હોય તો પહેલાં જ્યાં નામનો અક્ષર હતો તે કોથાથી આરંભ કરીને ક્રમવાર પહેલાંની જેમ ગણના કરવી. બીજી ચોકડીના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા કોઠામાં મંત્રાક્ષર હોય તો તેની ક્રમશ: ‘સાધ્ય-સિદ્ધ’, ‘સાધ્ય-સાધ્ય’, ‘સાધ્યસુસિદ્ધ’ તથા ‘સાધ્ય અરિ’ સંજ્ઞા થશે. ત્રીજી ચોકડીમાં મંત્રનો અક્ષર હોય તો મનીષી પુરુષોએ પહેલાં કહેવામાં આવેલી રીતથી ગણના કરવી જોઈએ. ત્રીજી ચોકડીના પ્રથમ આદિ કોઠાઓ અનુસાર ક્રમશ: તે મંત્રની ‘સુસિદ્ધ-સિદ્ધ’, ‘સુસિદ્ધસાધ્ય’, ‘સુસિદ્ધ-સુસિદ્ધ’ તથા ‘સુસિદ્ધ અરિ’ સંજ્ઞા થશે. જો ચોથી ચોકડીમાં મંત્રાક્ષર હોય તો પણ વિદ્વાન પુરુષે આ જ પ્રમાણે ગણના કરવી. ચતુર્થ ચોકડીના પ્રથમ આદિ કોઠાઓ અનુસાર તે યંત્રની ‘અરિસિદ્ધ’, ‘અરિસાધ્ય’, ‘અરિસુસિદ્ધ’ તથા ‘અરિ અરિ’ આ સંજ્ઞા થશે.
સિદ્ધસિદ્ધ મંત્ર શાસ્ત્રોક્ત વિધિથી તેટલી જ સંખ્યામાં જપવાથી સિદ્ધ થઇ જશે ; પરંતુ સિદ્ધસાધ્ય મંત્ર બમણી સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થશે. સિદ્ધસુસિદ્ધ મંત્ર શાસ્ત્રોક્ત સંખ્યાથી અડધી સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થઇ જશે; પરંતુ સિદ્ધારિ મંત્ર કુટુંબીજનોનો નાશ કરે છે. સાધ્યસિદ્ધ મંત્ર બમણી સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થાય છે. સાધ્યસાધ્ય મંત્ર બહુ વિલંબથી સિદ્ધ થાય છે. સાધ્યસુસિદ્ધ પણ બમણો જપવાથી સિદ્ધ થાય છે; પરંતુ સાધ્યારિ મંત્ર બંધુ-બાંધવોનું હનન કરે છે. સુસિદ્ધસિદ્ધ અડધો જ જપવાથી સિદ્ધ થઇ જાય છે. સુસિદ્ધસાધ્ય બમણો જપવાથી સિદ્ધ થાય છે. સુસિદ્ધસુસિદ્ધ મંત્ર પ્રાપ્ત થતાં જ સિદ્ધ થઇ જાય છે અને સુસિદ્ધ અરિ આખા કુટુંબનો નાશ કરે છે. અરિસિદ્ધ પુત્રનાશક છે તથા અરિસાધ્ય કન્યાનો નાશ કરનારો હોય છે. અરિસુસિદ્ધ સ્ત્રીનો નાશ કરે છે અને અરિઅરિ મંત્રસાધકનો જ નાશ કરનારો મનાયો છે.
હે મુને, મંત્રશોધનના અનેક પ્રકારો છે; પરંતુ આ અ ક થ હ નામનું ચક્ર સર્વમાં પ્રધાન છે.
૧
અ ક
થ હ
૨
ઉ
ઙ પ
૩
આ
ખ દ
૪
ઊ
ચ ફ
૫
ઓ
ડ બ
૬
લૃ
ઝ મ
૭
ઔ
છ શ
૮
લૃ
ઞ ય
૯
ઈ
ઘ ન
૧૦
ઋ
જ ભ
૧૧
ઇ
ગ ધ
૧૨
ઋ
છ વ
૧૩
અ:
ત સ
૧૪
ઐ
ઠ લ
૧૫
અં
ણ ષ
૧૬
એ
ટ ર
આ પ્રમાણે મંત્રનું સારી પેઠે શોધન કરીને શુભ સમયે અને પવિત્ર સ્થાનમાં ગુરુએ શિષ્યને દીક્ષા આપવી. હવે હું આપને દીક્ષાના વિધાન વિષે જણાવું છું. પ્રાત:કાળે નિત્યકર્મ કાર્ય પછી ગુરુની પાદુકાઓને પ્રણામ કરવા. તત્પશ્ચાત આદરપૂર્વક વસ્ત્ર આદિ દ્વારા ભક્તિભાવથી સદગુરુની પૂજા કરી તેમની પાસેથી અભીષ્ટ મંત્રની દીક્ષા લેવા માટે તેમને પ્રાર્થના કરવી. ત્યાર પછી ગુરુએ સંતુષ્ટ ચિત્તવાળા થઇ સ્વસ્તિવાચનપૂર્વક મંડળ આદિ વિધાન કરી શિષ્યની સાથે પવિત્ર થઈને યજ્ઞના મંડપમાં પ્રવેશ કરવો. પછી સામાન્ય અર્ઘ્ય જળથી દ્વારનો અભિષેક કરી અસ્ત્ર મંત્રોથી દિવ્ય વિઘ્નોનું નિવારણ કરવું; ત્યારબાદ આકાશમાં રહેલ વિઘ્નોનું જળથી પૂજન કરી તેમને દૂર કરવાં. ભૂમિસંબંધી વિઘ્નોને ત્રણવાર તાળી વગાડી નિવારવાં ને પછી કાર્યનો આરંભ કરવો. ભિન્ન ભિન્ન રંગો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સર્વતોભદ્રમંડળની રચના કરી તેમાં વહિનમંડળ અને તેની કલાઓનું પૂજન કરવું.
તત્પશ્ચાત અસ્ત્રમંત્રનું ઉચ્ચારણ કરી ધોયેલા યથાશક્તિ નિર્માણ કરેલા કળશની ત્યાં વિધિપૂર્વક સ્થાપના કરીને સૂર્યની કળાનું યજન કરવું. વિલોમ માતૃકાના મૂળનું ઉચ્ચારણ કરતા રહી શુદ્ધ જળથી કળશને ભરવો અને તેની અંદર સોમની કળાઓનું વિધિપૂર્વક પૂજન કરવું. ધૂમ્રા, અર્ચિ, ઊષ્મા, જ્વલિની, જ્વાલિની, વિસ્ફુલિન્ગિની, સુશ્વી, સુરૂપા, કપિલા તથા હવ્યકવ્યવાહા-આ અગ્નિની દસ કળાઓ કહી છે. તપિની, તાપિની, ધૂમ્રા, મરીચિ, જ્વાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી તથા ક્ષમા-આ સૂર્યની બાર કળાઓ છે.
અમૃતા, માનદા, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા આ સોળ ચંદ્રમાની કળાનાં નામ છે.
કળશને બે વસ્ત્રોથી વીંટીને તેની અંદર સર્વૌષધિ નાખવી પછી તેમાં નવ રત્ન મૂકી પંચપલ્લવ નાખવાં. ફણસ, આંબો, વડ, પીપળો અને બકુલ-આ પાંચ વૃક્ષોનાં પાંદડાઓને ‘પંચપલ્લવ’ માનવામાં આવે છે. મોતી, માણિક્ય, વૈદૂર્ય, ગોમેદ, વજ્ર (હીરો), વિદ્રુમ (પરવાળું), પદ્મરાગ, મરકત તથા નીલમ-આ નવ રત્નો કળશમાં મૂકી તેમાં ઇષ્ટદેવતાનું આવાહન કરવું અને મંત્રવેત્તા આચાર્યે વિધિપૂર્વક દેવપૂજાનું કાર્ય કરીને વસ્ત્ર અને આભૂષણોથી વિભૂષિત શિષ્યને વેદી પર બેસાડવો અને પ્રોક્ષણીના જળથી તેના પર અભિષેક કરવો. પછી તેના શરીરમાં વિધિપૂર્વક ભૂતશુદ્ધિ આદિ કરીને ન્યાસો દ્વારા શરીરની શુદ્ધિ કરવી અને મસ્તકમાં પલ્લવ મંત્રોનો ન્યાસ કરી એકસો આઠ મૂલમંત્ર દ્વારા અભિમંત્રિત જળથી શિષ્ય પર અભિષેક કરવો. એ વખતે મનમાં મૂળમંત્રનો જપ કરતા રહેવું જોઈએ. બાકી રહેલા જળથી શિષ્યે આચમન કરી બીજું વસ્ત્ર ધારણ કરવું અને ગુરુને વિધિપૂર્વક પ્રણામ કરીને, પવિત્ર થઇ તેમની આગળ બેસવું. તે પછી ગુરુ શિષ્યના મસ્તક પર હાથ મૂકી જે મંત્રની દીક્ષા આપી હોય તેનો વિધિપૂર્વક એકસો આઠ વાર જપ કરવો.
‘સમ: અસ્તુ’ (શિષ્ય મારા સમાન થાય.) આ ભાવથી શિષ્યને અક્ષરદાન કરવું. પછી શિષ્યે ગુરુની પૂજા કરવી. ત્યારબાદ ગુરુએ શિષ્યના મસ્તક પર ચંદનયુક્ત હાથ મૂકી, એકાગ્રચિત્ત થઇને તેના કાનમાં આઠ વાર મંત્ર કહેવો. આ પ્રમાણે ઉપદેશ પ્રાપ્ત કરીને શિષ્યે ગુરુના ચરણોમાં મસ્તક નમાવવું. તે સમયે ગુરુએ તેને આશીર્વાદ આપતાં કહેવું. ‘પુત્ર ઉઠો. તમે બંધનમાંથી મુક્ત થઇ ગયા. વિધિપૂર્વક સદાચારી બાનો. તમને સદા કીર્તિ, શ્રી, કાંતિ, પુત્ર, આયુ, બળ અને આરોગ્ય પ્રાપ્ત થાઓ.’ પછી શિષ્યે ઊભા થઈને ગંધ આદિથી ગુરુની પૂજા કરવી અને તેમને દક્ષિણા આપવી.
આ પ્રમાણે ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત કરી શિષ્યે તે સમયથી ગુરુની સેવામાં લાગી જવું. વચ્ચે પોતાના ઇષ્ટદેવનું પૂજન કરવું અને તેમને પુષ્પાંજલિ આપી અગ્નિ, નિઋતિ અને બ્રહ્માનું પૂજન કરવું. જયારે મધ્યમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરતી વેળા તેમની ચારે બાજુ ક્રમશ: ગણેશ, સૂર્ય, દેવી તથા શિવની પૂજા કરવી. મધ્યમાં શંકરની પૂજા કરતી વખતે તેમની પૂર્વાદિ દિશાઓમાં ક્રમશ: સૂર્ય, ગણેશ, દેવી તથા વિષ્ણુનું પૂજન કરવું. જયારે મધ્યમાં દેવીની પૂજા કરતી વેળા તેની ચારે બાજુ શિવ, ગણેશ, સૂર્ય અને વિષ્ણુની પૂજા કરવી. મધ્યમાં ગણેશની પૂજા કરતી વખતે તેમની ચારે બાજુ ક્રમશ: શિવ, દેવી, સૂર્ય અને વિષ્ણુની પૂજા કરવી અને જયારે મધ્યમાં સૂર્યની પૂજા કરતી વેળા પૂર્વાદિ દિશાઓમાં ક્રમશ: ગણેશ, વિષ્ણુ, દેવી અને શિવની પૂજા કરવી. આ પ્રમાણે પ્રતિદિન આદરપૂર્વક પાંચ દેવોનું પૂજન કરવું જોઈએ.”
ક્રમશ: