સપનું
સાંજનાં ટીફીન માટે મમ્મી શાકમાર્કેટમાં શાક લેવા ગઈ છે. બપોરનાં અગિયાર ટિફિન મમ્મીએ આજે વહેલા તૈયાર કરી દીધા છે. બસ હું સોમાકાકાની સાયકલની ઘંટડીના અવાજની રાહ જોઈને બેઠી છું.
ત્યાં સોમાકાકાનાં સાયકલની ઘંટડી તો મને નથી સંભળાતી પણ ઘરનાં ડોરબેલનો અવાજ કાને સંભળાય છે. હું સોફા પરથી ઉભી થઈને દરવાજો ખોલ્યો તો...
આંખો પર કાળા ચશ્માં, ગ્રીન અડધી બોયની ટી શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટમાં રણબીર કપૂર જેવો લાગી રહેલો કેવિન ઉભો છે. એને જોઈને તો મારી આંખના મોતિયા જ મરી ગયાં. હું તો દરવાજામાં ઉભી રહીને એને ટગર ટગર જોઈ રહી.
"અમારે ત્યાં મહેમાન આવે ને તો એને મીઠો આવકારો આપી. ચા પાણી કરાવાય છે. તમારે એવા રીતરિવાજ અહીંયા લાગતા નથી નહિ?" દેખાવ તો સુંદર પણ બોલવામાં પણ એકદમ સ્માર્ટ. બસ એને સાંભળ્યા જ કરીએ. તેનો મીઠો કટાક્ષ હું સારી રીતે સમજી ગયી.
"આવો આવો..." કેવિન માનવી પાછળ ઘરમાં પ્રવેશે છે.
"બેસો. હું પાણી લઈને આવું." તેને નાખેલા પરફયુમથી અમારો ડ્રોઈંગરૂમ જાણે ખુશ્બુદાર ફૂલોનો બગીચો બની ગયો હતો. ને હું એ બગીચામાં ઉગેલા કેવિન નામનાં ફૂલ પર બેસવા તડપી રહેલો ભમરો.
"માસી ઘરે નથી?" કેવીને મારા હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ બે ઘૂંટડા પીને પૂછે છે.
"ના મમ્મી સાંજનાં ટીફીન માટે શાકભાજી લેવા શાકમાર્કેટ ગઈ છે."
"મમ્મી...!!"
"હા તેં મારી મમ્મી છે. હું તેમની દીકરી માનવી." મેં મારો જમણો હાથ કેવિન તરફ લંબાવતા બોલી.
મમ્મીનાં ટિફિન માટે કેટલાય છોકરા અમારા ઘરે આવતા જતા હોય છે. મેં કોઈ દિવસ કોઈ છોકરા સાથે હાથ તો શું હાય હેલ્લો પણ નથી બોલી. કેવિનને જોઈને ખબર નહિ મારો હાથ તેનાં તરફ આગળ વધી ગયો.તેને પણ હાથ આગળ વધાર્યો તેનાં હાથમાં મારો હાથ જોઈને હું તો લગ્નમંડપની ચોરીમાં પહોંચી ગઈ. મને તેનો સુંવાળો હાથ છોડવાની ઈચ્છા જ ના થઈ. બસ તેની આંખોમાં ખોવાતી ગઈ.
"માનવી... એ માનવી... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં." મમ્મીની બુમ સાંભળીને જેવી જ આંખ ખોલી તો મોઢામાંથી એક નિશાશો નીકળી ગયો.
"હાય રામા કેટલું મસ્ત સપનું હતું." મેં ઉઠીને મોબાઈલ સ્ક્રીન પર નજર કરી તો અગિયાર વાગી ગયા હતાં. હું છૂટી ગયેલા વાળ જેમતેમ બાંધીને રસોડામાં ગઈ.
મમ્મી કંઈ આદેશ આપે તે પહેલા હું શાક, દાળભાત અને રોટલી ટિફિનમાં ભરવા લાગી.
"માનવી અગિયારમાં ટિફિનમાં પેલું અથાણું અને કચુંબર સહેજ વધારે ભરજે." મમ્મીનાં ચહેરા પર આજે થાક નહિ પણ એક ઉત્સાહ અને ઉમંગ છલકાતો હતો.
"માનવી... મમ્મી તું આજે માનવી બોલી." ખબર નહિ આજે સપનામાં અને વાસ્તવિક જીવનમાં કેવિનનાં આવ્યા પછી સારુ લાગતું હતું. જે હોય તે પણ મમ્મીનાં ચહેરા પર અને મારા મનમાં ખુશીઓ ઉંછાળા મારતી હતી.
"મમ્મી સવારમાં જોયેલું સપનું ખરેખર સાચું થાય?"
"કેટલા વાગે સપનું જોયું હતું?"
"મેં સપનું નહતું જોયું પણ ઘણાં લોકો કહેતા હોય છે એટલે પૂછ્યું?" અગિયારમાં ટિફિનમાં અથાણું બે ચમચી વધારે નાખીને હું બોલી.
"એ તો મને નથી ખબર પણ બધાનાં મોઢેથી સાંભળેલું કે સવારે 4 વાગ્યાં આસપાસ આવેલું સપનું સાચું થાય."
"હે... સવારે ચાર વાગે.. મને તો હમણાં જ..." હું મનોમન મમ્મી સાંભળી ના જાય તેમ બોલી.
ત્યાં તો ઘરનો ડોરબેલ વાગ્યો. મેં અગિયારમું ટીફીન બંધ કરીને દરવાજો ખોલવા ગઈ. જેવો દરવાજો ખોલ્યો તો મારી આંખો એકદમ સ્થિર થઈ ગઈ.
એજ કાળા ચશ્માં, ખાલી ટી શર્ટ લાલ રંગની અને બ્લુ જીન્સ પહેરેલો કેવિન મારી સામે ઉભો હતો. મને તો 11.20 નું આ પણ સપનું લાગી રહ્યું હતું. મેં તો મારી આંખોને પણ થોડી ચોળી.. કે આ સપનું તો નથી ને.
"માનવી કોણ છે? " મમ્મી સાડીના છેડે હાથ લૂછતાં લૂછતાં આવી ગઈ.
"અરે કેવિન તું. આવ આવ બહાર કેમ ઉભો છે." હું સાઈડમાં ખસી ગઈ. તે આવીને સોફા પર બેઠો. મમ્મી પાણી લાવવવાનું કહે તે પહેલા તો હું પાણીનો ગ્લાસ લઈને કેવિન સામે ઉભી થઈ ગઈ. હું તો ભાન જ ભૂલી ગઈ હતી એટલે મમ્મીએ ખોખારો ખાઈને મારી સામે જોયું. હું મમ્મીનો આંખનો ઈશારો સમજી ગઈ. હું મમ્મી પાસે જઈને બેઠી.
"કેમ અત્યારે?"
"સોમાકાકાને આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું છેને તો તેઓ 10-15 દિવસ ટીફીન લેવા આવી નહિ શકે. એટલે અમારામાંથી કોઈ એક ટિફિન લેવા આવશે." હું તો મનોમન બબડવા લાગી લે 15 દિવસ બીજું કોઈ નહિ પણ તમે જ ટિફિન લેવા આવજો.
મારા કરતા ખુશ તો મમ્મી દેખાતી હતી.તેનાં ગાલ, કાનની બુટ લાલ થઈ ગયેલી. તેનાં હોઠ ભરાવદાર થઈ ગયેલા. જે જોઈ હું ખુશ હતી. કેમકે મારી મમ્મી ગમે તે કારણે ખુશ તો હતીને.
"ઠીક છે. વાંધો નહિ." મમ્મીએ મને રસોડામાં ટીફીન લેવા મોકલે તે પહેલા જ હું ટીફીન લઈને હાજર થઈ ગઈ. દસ ટીફીન અલગ હતાં ને અગિયારમું ટીફીન અલગ હતું.
"આ એક ટિફિન અલગ કેમ છે?" કેવિન ટીફીનની થેલી પકડતા બોલે છે.
" એ સ્પેશ્યલ તમારા માટે છે." મમ્મીનાં શબ્દોમાં લાગણીભાવ દેખાઈ રહ્યો હતો.
કેવિન મમ્મી અને મારી સામે જોઈને હસી પડે છે.
"કાલે બનાવેલું કાચી કેરીનું અથાણું પણ આજે મૂક્યું છે. એ પણ મારા હાથે તો પ્લીઝ ખાઈ લેજે." હું મનોમન કેવિન સામે જોઈને બોલી રહી હતી.
એ ટિફિન લઈને ગયો. ને હું દરવાજામાં ઉભી ઉભી તેને જતા જોતી રહી. મનોમન બબડી પણ ખરા 'સપનું સાચું હોય છે એને જોવા માટેનો કોઈ ટાઈમ ના હોય."
ક્રમશ :