Places to visit in Varanasi in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | વારાણસીનાં જોવાલાયક સ્થળો

Featured Books
  • Secret Affair - 5

    In the days following the interview, Inayat and Ansh found t...

  • Quail Haven,1989

    Our father comes home from work, grumbling and flatulent. He...

  • You, Me and Desert - 16

    Seeing the gathering of people from all over the world, ever...

  • Honeymoon

                                                       Honeymoon...

  • Passion - 7

    Bhatnagar Ji’s mind was spinning as he sat in the washroom....

Categories
Share

વારાણસીનાં જોવાલાયક સ્થળો

વારાણસીનાં   જોવાલાયક સ્થળો

અમે તો વારાણસી 3 રાત અને બે દિવસ રહેલ. એક દિવસે રાતે 8.30 ના ટ્રેન પહોંચે, બીજી રાત કાઢી ત્રીજી રાત પણ કાઢી વહેલી સવારે 6 ની વંદેભારતમાં દિલ્હી આવેલ.

પહેલી રાતે ઉતરી સ્ટેશન જોયું જેની ઉપર બહાર મોટું અશોકચક્ર ધ્યાન ખેંચે છે. રાતની રોશનીમાં એ અને સ્ટેશન જોવા જેવાં હતાં.

અગાઉના લેખમાં જણાવ્યું તેમ તે રાતે તો ત્યાં જાણીતી હોટેલ ‘લવ કુશ’ માં સારું એવું વેઇટિંગ હતું પરંતુ લોકલ બનારસી થાળી ખાધી. બીજે દિવસે 7 થી 9 કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન બુક કરેલ. તે પછી અંદર ભારત માતા મંદિર, પશુપતિનાથ મંદિર અને ઘાટ જોયાં. અંદર જ કાફે માં સારો નાસ્તો કર્યો.

સાંજે જવા નીકળ્યાં સારનાથ. એ શહેરનાં કેન્દ્રથી 12 થી 14 કિમી દૂર છે. આખું જૂનું બનારસ અને ઘણું  નવું શહેર ચીરીને જવાનું છે.

સારનાથ બૌદ્ધ મંદિર, પ્રાચીન વિશાળ સ્તૂપ અને શ્રીલંકન તથા થાઈ  બૌદ્ધ મંદિર છે. 

દાખલ થતાં સુંદર બગીચામાંથી પસાર થઈ મંદિર પાસે પહોંચો એટલે આખાં આરસનાં પગથિયાં અને સુંદર આકારની સીડી આવે. અંદર જોતાં જ રહીએ એવી, તરત જ મનમાં અહોભાવ અને ભક્તિ જાગે એવી બૌદ્ધ પ્રતિમા છે. બહાર બર્મા નાં મંદિરો જેવો પેગોડા છે. બાજુમાં બોધિ વૃક્ષ છે જ્યાં બુદ્ધ ભગવાને પ્રથમ પ્રવચન આપેલ. ૐ  મણીપદ્મે હું.. લખેલું ગોળ ફેરવવાના સ્તંભો વાળું ચક્ર છે. એક તરફ લોકો મીણબત્તીઓ કરી મૂકે છે.

ત્યાં પણ સુંદર મંદિર છે. એકદમ શાંત વાતાવરણ છે. 

મંદિરની જમણી તરફ સહેજ ચાલતાં બાજુમાં મોટો પ્રાચીન સ્તૂપ દૃષ્ટિગોચર થાય છે. એ પણ એટલો ઊંચો છે કે ડોક ઊંચી કરી જોઈએ તો મુશ્કેલીથી ટોચ દેખાય. એ જૂના વખતની નાની ઈંટોથી બનેલો છે. બાજુમાં મ્યુઝીયમ છે જે સાંજે 5 વાગે બંધ થઈ જાય છે. ત્યાં બૌદ્ધ ધર્મને લગતી પ્રાચીન વસ્તુઓ છે.

હા, વારાણસી આપણા ગુજરાતથી ઘણું પૂર્વમાં છે અને ગુજરાતના સ્થાનિક સમયથી એક કલાક આગળ ગણી શકો. એટલે ત્યાં બધું વહેલું ખૂલે ને વહેલું બંધ થાય. મંદિરની પાછળ મીની ઝુ અને સરસ કમળ તલાવડી છે જ્યાં પ્રથમ વખત પીળાં કમળો ની હારમાળા જોઈ. ત્યાં  સપ્ટેમ્બર 21 ના સાંજે પોણા છ વાગે સૂર્યાસ્ત થયો અને છ વાગે ભાવિકોને બહાર કાઢી મંદિરના ગેટ બંધ કર્યા .

ત્યાંથી ગયાં સંકટમોચન હનુમાન મંદિર જે નવાં શહેરનાં કેન્દ્રમાં આવેલું છે. આસપાસ સિક્સ લેન રોડ્સ છે અને વ્યવસ્થિત બજાર છે. મંદિર આખું લાલ રંગે રંગેલું છે. અહીં મોટા ઘંટ ની હાર છે. ચોગાન કોટા સ્ટોન થી બનેલું છે. આ જગ્યા  પર અનેક લોકોની આસ્થા ધરાવે છે. મૂર્તિ માટીની બનેલી છે છતાં વર્ષોથી અડીખમ છે. મૂર્તિ રામલલ્લા ની સન્મુખ જોતી બતાવાઈ છે. તેની ડોકમાં હંમેશાં તાજા ગલગોટા અને તુલસીનો હાર હોય છે.

પ્રસાદમાં શુદ્ધ ઘી માં બનેલા બેસનના  લાડુ જરૂર લેવા.

બહાર નીકળી નજીકની જ ઇટરીમાં ટોમેટો ચાટ, કચોરી સબ્જી  અને દહીં ભલ્લા જેવી લોકલ વાનગીઓનું ડિનર કર્યું.

બીજે દિવસે વહેલી સવારે બુકિંગ હતું તે કૃઝ અથવા બોટ રાઈડ ‘સુબહ એ બનારસ’ માટે સવારે 5 વાગે નીકળ્યો તો પણ રસ્તાઓ ચાલુ હતા. એ અસ્સી ઘાટ નામની જગ્યાએ છે જે કાશી વિશ્વનાથ મંદિરથી 8 કિમી દૂર છે. વહેલી સવારે સાડા પાંચે નદીની આરતી થઈ એ જોઈ અને નજીક ઉભેલ બે માળની બોટ પર બુકિંગ બતાવી ચડ્યો. તે દિવસે સોમવાર હોઈ જગ્યા હતી તો સ્થળ પર પણ 700 રૂ. માં  ટિકિટ આપતા હતા. બોટ પોણા છ વાગે શરૂ થઈ ત્યારે ભૂરું અજવાળું થઈ ચૂકેલું. વારાણસી કદાચ ગંગાના પશ્ચિમ તટે વસેલું છે એટલે પૂર્વ તરફ  સામે કાંઠે નદીમાંથી સૂર્યોદય જોઈ શકાય. એ પહેલાં ક્ષિતીજમાંથી ફૂટતા ગુલાબી રંગો, પછી કેસરી અને લાલ સુર્ય બિંબ પાણીમાંથી નીકળે, તેનું લાંબે સુધી પ્રતિબિંબ દેખાય એ અનુભવ ચોક્કસ લેવા જેવો છે. પ્રભાતનો શીતળ, મંદમંદ, તાજો પવન ચહેરા પર લેતા લોકો ઉપરના ડેક પર જ ઉભેલા.

નદીની મધ્યે શિપ લઈ જાય એટલે સામે અનેક ઘાટ દેખાય. અલગ અલગ  સ્થળના રાજાઓએ બનાવેલા ઘાટ અને પોતાનાં ભવનો. દરેકની સુંદર કોતરણી અને આંખ ખેંચતું સ્થાપત્ય. એ ખૂબ સરસ અનુભવ રહ્યો. 

હોટેલ આવી તૈયાર થઈ હવે અગાઉથી રિક્ષા બુક કરેલ તેમાં ગયાં ફરીથી અસ્સી ઘાટ અને બાજુમાં તુલસી ઘાટ, સવારે 9.30 વાગે. અત્યારે સ્વરૂપ અલગ હતું. ખાટલાઓ નાખી પંડાઓ પિતૃ શ્રાદ્ધ કરાવતા હતા. તે માટે મુંડન કરવું હોય તો  નજીક એક શેરીમાં  વાળંદો બેઠેલા.

અમે સવારે તડકામાં સૂર્ય સામે દીપ તરાવ્યો, ફૂલો પધરાવી, પિતૃઓને યાદ કરી અર્ધ્ય આપ્યું.

ત્યાંથી આગળ સહેજ ઊભા મુમુક્ષુ ભવન. લોક માન્યતા છે કે કાશીમાં મૃત્યુ થાય તો મોક્ષ મળે એટલે મૃત્યુ નજીક લાગે એવા વૃદ્ધો ત્યાં આવી રહે છે. પહેલાં તો નદીકાંઠે ગીચોગીચ નાની કોટડીઓ એમને માટે હતી હવે સરસ ત્રણ કે ચાર માળનું ભવન. અંદર બધી સગવડો, ખાવા પીવા, દવા બધી. રૂમોમાં સ્વચ્છ બેડ, જોઈએ એમને પંખા ઉપરાંત કૂલર, એસી પણ હતાં. દક્ષિણ ભારતના લોકો અહીં વધુ આવેલા લાગ્યા.

અહીંથી નીકળી ગયાં મણી મંદિર.

મણીમંદિરમાં  આખું મોટું સ્ફટિકનું શિવલિંગ છે  અને શિવલિંગની અંદર પણ મણી છે. તેનાં દર્શનનું ખાસ મહાત્મ્ય છે. મંદિરમાં બીજાં બાર જ્યોતિર્લિંગ વગેરે નાં દર્શન પણ કર્યાં.

એવું જ સુંદર,  એકદમ લાલ ચટક રંગનું, લાલ પથ્થરનું બનેલું દુર્ગામંદિર જોયું જ્યાં દુર્ગા માતા યંત્રના રૂપમાં છે. સાથે લક્ષ્મી, સરસ્વતી, કાલી  માતાની મૂર્તિઓ છે અને રોજ હવન ચાલે છે.  અહીં તાંત્રિક પૂજા પણ થાય છે એમ કહેવાયું. 

ઊભાઊભ  ત્યાં દર્શન પતાવીને  ગયાં  18 કિમી દૂર સર્વેદ મંદિર જે 2023માં જ મોદીજીએ ખુલ્લું મુકેલ. એક રાત વધુ રહીને પણ આ જગ્યાએ ચોક્કસ જવું.

એ પણ સુંદર આકારનું,  શ્વેત આરસનું  બનેલું છે. અંદર આરસમાં જ વિશાળ રંગોળી છે. કોઈ ખાસ દેવને બદલે વેદની જ સ્થાપના છે અને રચયિતા તરીકે એક તરફ મુનિ વેદવ્યાસ છે. છત પર 1100 પાંખડીઓનું કમળ જરૂર જોવું.

ત્યાંથી હવે શહેરના છેક બીજા છેડે, બીજા 21 કિમી કાપી નમો ઘાટ ગયાં. આખો નવો જ ઊભો થયેલો ઘાટ. અત્યંત સ્વચ્છ. ફરવા માટે ચોપાટીની જેમ લાંબો વોક વે, નદીમાં વચ્ચે બે ત્રણ નમસ્તે મુદ્રામાં હાથની કૃતિઓ. એક તો નીલ વર્ણની, શિવજીના જ હાથની, રુદ્રાક્ષ પહેરેલી. એ સહુથી મોટી. ત્યાં સતત કર્ણપ્રિય સંગીત વાગી રહેલું. તમે વોક વે પર ફરી શકો પણ નદીનાં પાણીમાં જવાનો રસ્તો બંધ છે. ત્યાં સાંજની આરતી થાય છે કે નહીં એ ખબર નથી.

અત્યારે તો કોઈ જગ્યાએ સાઉથ ઇન્ડીયન ખાઈ હોટેલ પર જઈ આરામ કર્યો. 

સાંજે જવા નીકળ્યાં દશાશ્વમેઘ ઘાટ સાયં આરતી જોવા. પણ મેં અગાઉના લેખમાં લખ્યું છે તેમ ત્યાં જાઓ તો પાકીટ, મોબાઈલ ગુમાવવાની તૈયારી રાખવાની. શહેરના મુખ્ય માર્ગથી તે તરફ જતાં રસ્તે બધાં મકાનો અને શોપિંગ સેન્ટર એક સરખી ડીઝાઈનનાં અને કેસરી રંગે રંગેલાં છે. મુખ્ય માર્ગ મૂકો એટલે અત્યંત સાંકડી ગલીઓમાં થઈ અકલ્પ્ય માનવ મહેરામણ ખાલી એ ઘાટ તરફ જ જતો લાગે. હૈયે હૈયું દળાય એવી ભીડમાં ઊભાઊભા જ ધકેલાતા આરતી માટે જાઓ. ત્યાં બોટમાંથી સામેથી આરતી બતાવવાનું કહી વ્યક્તિ દીઠ 100 રૂ. લીધા પણ ખીચોખીચ પાર્ક કરેલ બોટસ્માં ઊભી કે ધાર પર બેસી  ડોકું ફેરવી આરતી જોવાની હતી.

સાંજે 7 ની આરતી માટે આવી ખીચોખીચ ભીડ 5.30 વાગ્યાથી હતી!

આરતીનું વર્ણન અગાઉ કર્યું છે.

આરતી પછી પરત ફરતાં ટોળાંઓમાં ઘણા લોકોના મોબાઈલ અને પાકીટ ગયેલ.

બસ, રાત્રે કોઈ જગ્યાએ રબડી ખાઈ, બીજે સાદા રોટી સબ્જી ખાઈ  હોટેલ પર. બીજી સવારે છ ની ટ્રેન માટે પાંચ વાગે કેબ આવી ગઈ અને વારાણસી છોડ્યું.

યાત્રાસંઘો એક દિવસમાં દોડાદોડીમાં ખાલી કાશી વિશ્વનાથ મંદિર લાઈનમાં ઉભાડી બતાવે એ કરતાં આ ત્રણ રાત બે દિવસનો અનુભવ સારો રહ્યો. હજુ એકાદ દિવસ વધુ રહી શહેર એક્સપ્લોર કરવા જેવું.

નવું વારાણસી મોદીજીએ ઘણું વિકસાવ્યું છે. સામાન્ય રહીશ ક્યારેક મદદરૂપ લાગે તો ક્યારેક ભલો દેખાતો ઠગ નીકળી પડે. શહેર તરીકે જીવનમાં એક વાર જ જઈ શકાયું, સારો અનુભવ રહ્યો. બધું અગાઉથી બુક કરી જાઓ તો સારી મઝા આવે. ફોટાઓ ની લિંક નીચે આપી છે.

***

https://photos.app.goo.gl/LdDbFNMmuLBNsJKf8