નિતુ : ૪૮ (ટાઈમ્સનું પુનરાવર્તન)
નિતુએ અચાનક ટકોર કરી અને બોલી, "મે આઈ કમ ઈન?"
વિદ્યા માથું પકડીને બેઠેલી. તેણે નિતુ સામે જોયું અને ખુશ થતાં બોલી, "આવ. હું ક્યારની વિચારતી હતી કે તું હજુ આવી કેમ નથી? એક તો તું સવારથી કોઈનો કોલ પણ રિસીવ નહોતી કરતી. અત્યાર સુધીમાં પાંચ વખત ફોન કરી જોયા મેં, તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી તારી?"
"સોરી મેમ, તબિયત બરાબર નહોતી એટલે થોડું લેટ થયું."
"શું થયું તારી તબિયતને? કાલે તો બરાબર હતી!"
"ના એવું ખાસ કશું નથી થયું. મારે તમને એક સવાલ પૂછવો છે."
"હા પૂછ."
"મેડમ, શર્માના પ્રોજેક્ટ માટે જો મને જે.સી. બ્રાન્ડ ઓઈલની ફાઈલ મળી જાય તો થોડી હેલ્પ થશે. તમે નિકુંજ અને આ ફાઈલ વિશે જણાવશો?"
"કમોન નિતુ, એ તો ફ્લોપ ગયેલો પ્રોજેક્ટ છે. ઉપરથી એ પ્રોજેક્ટ કમ્પ્લીટ પણ નહોતો થયો. એમાંથી તો શું જાણવા મળવાનું? શર્મા વિશે તું કોઈ બીજી દિશામાં વિચાર કર."
તેની શંકાએ જોર પકડ્યું. નિતુએ ગઈ કાલે વિદ્યાને નિકુંજની વાત ટાળતા જોઈ ત્યારથી તેને નિકુંજ અંગે શંકા ગયેલી. પણ લંચ પછી તેની સાથે જે થયું એમાં તે વધારે કશું કરી શકી નહોતી. અનંતે જ્યારે સમસ્યાનાં મૂળ સુધી જવાની વાત કરી ત્યારે તે અનેક વિદ પાસાંઓ વિચારવા લાગી. એ જ સમયે એને યાદ આવ્યું કે વિદ્યાએ નિકુંજની વાત થતાં પહેલાં જ ટાળી દીધેલી. આજે તેની પ્રતિક્રિયા જોવા ફરી તેણે નિકુંજનો ઉલ્લેખ કર્યો. આજે પણ વિદ્યાને એની વાત ટાળતાં જોઈને નિતુએ પાક્કું કર્યું કે જરૂર કોઈ એવી વાત છે જે વિદ્યા છુપાવવા માંગે છે. પણ એ વિદ્યા પોતાના મુખેથી નહિ જણાવે તેને ખબર હતી. એટલે સમય વેડફવાને બદલે તેણે બહાર જવાનો નિર્ણય કર્યો.
તે ઉભી થઈ કે તુરંત તેને રોકતાં વિદ્યા કહેવા લાગી, "અરે નિતુ! ક્યાં ચાલી?"
"બહાર જઈ રહી છું."
"કેમ આજે મારી સાથે કોફી નહિ પીવે? બેસને." તેણે આગ્રહ કર્યો.
તે ફરી બેસી ગઈ. તેની પાસે વિદ્યાની કોઈ વાતનો ઇન્કાર કરવાનો વિકલ્પ જ નહોતો. કોફી આવી કે બંને સાથે વાતો કરતી કોફી પીવા લાગી. એક દ્રષ્ટિએ વાતો તો વિદ્યા જ કરી રહી હતી, તે તો માત્ર કોફીના કપની કિનારી પર તર્જની ફેરવતી નીચે જોઈને બેઠી હતી. " શું થયું? તારી તબિયત સારી ના હોય તો રેસ્ટ કર." તેની આ ક્રિયા જોઈને વિદ્યાએ પૂછ્યું.
"ના હવે સારું છે મને." જુઠ્ઠી મુસ્કુરાહટ આપી તેણે કહ્યું અને કોફી અધૂરી છોડી એ ઉભી થઈ. "હું મારા ડેસ્ક પર જાઉં છું." કહીને તે બહાર નીકળી ગઈ. તેણે બહાર આવી ચારેય તરફ નજર ફેરવી. એ જોવા માટે કે કોણ એવું છે જે તેની મદદ કરી શકે? નવીન સિવાયના તમામ લોકો જુના જ હતા. પણ અનુરાધાના પેટમાં વાત નહિ ટકે એટલે તેને બીજા કોઈને પકડવાની જરૂર લાગી. અચાનક તેની નજર કરુણા અને સ્વાતિ પર આવીને અટકી. તેઓ એકબાજુ બેસીને આ અઠવાડિયે પ્રકાશિત થનાર કોઈ લેખ અંગે ચર્ચા કરી રહી હતી.
"આ બંને કામની છે અને તે કોઈને જણાવશે પણ નહિ. અત્યારે એકલી બેઠી છે, મોકો સારો છે. શું બંનેને વાત કરું? કરુણા મારી નજીક રહે છે. એને સાંજે ઘરે બોલાવી લઉં? મમ્મી નથી તો સરખી રીતે વાત થઈ શકશે. પણ હું એને કહીશ શું? સ્વાતિ પણ વિશ્વાસ કરી શકાય એવી છે. બેઉને કહું કે કોઈ એકને? બંનેને એક સાથે પૂછીશ તો વાત વણસી શકે છે." અંતે તેણે નીર્ધાર કર્યો, "જવા દે, જે થશે તે જોયું જશે. આમેય વિદ્યા મેડમ હવે મને કશું કહેવાના તો નથી જ." તે તેઓ બેઠા હતા ત્યાં ગઈ.
"જો તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું અહીં બેસું?" તેણે બંનેને પૂછ્યું.
તેની સામે જોઈને સ્મિત આપતા સ્વાતિ બોલી, "બેસને, અમને શું પ્રોબ્લેમ હોવાનો!"
"થેન્ક્સ." તે બેઠી કે તે બંનેએ તેમની અટકેલી ચર્ચા શરુ કરી. તેને અટકાવતા નિતુએ કહ્યું, "અં... મારે તમને બનેંને એક વાત પુછવી હતી."
"હા બોલ."
"શું તમે મને જે.સી. ઓઈલની કોઈ વાત કરી શકશો?"
"જે.સી.?" આશ્વર્ય સાથે કરુણાએ પૂછ્યું.
તે ફરી બોલી, "હા તમે તો મારી પહેલાથી અહીં કામ કરો છો. તમને તો આ અંગે ખબર હશેને?"
કરુણાએ જવાબ આપતા કહ્યું, "એ પ્રોજેક્ટ નિકુંજના હાથમાં હતો. એનું સારું કામ ચાલતું હતું છતાં ખબર નહિ કેમ તે અચાનક બંધ થઈ ગયો?"
"તેના બંધ થવાનું કારણ શું હતું?"
સ્વાતિએ કોઈ આજુ બાજુ છે કે નહિ એ ચેક કરવા ચારેય બાજુ નજર કરી. નિતુ તે બંનેને ધ્યાનથી જોઈ રહી હતી. સ્વાતિએ કોઈ ના હોવાનું પાક્કું કરી કહ્યું, "નીતિકા તું અચાનક એની ચર્ચા કેમ કરે છે?"
"શર્માને આપણી કંપની પર એટલા માટે વિશ્વાસ નથી કે એ ડરે છે જેવું જે.સી. ઓઈલ સાથે થયું એવું એની ટાયર કંપની સાથે થશે. માટે મારે જાણવું છે કે આ જે.સી. ની મેટર શું છે. આખરે સવાલ આપણી રેપ્યુટેશનનો છે. શર્મા પ્રોજેક્ટ કેન્સલ કરશે તો આપણી કંપનીની બદનામી થશે."
તે બંનેએ એકબીજી સામે જોયું અને કરુણા બોલી, "જો, માત્ર કંપની માટે અમે તને વાત કરીયે છીએ પણ તું કોઈ બીજા સાથે ના કરતી."
"ઓકે. આઈ પ્રોમિસ કે હું કોઈ બીજાને નહિ કહું."
ફરી ચારેય બાજુ નજર કરી તે થોડી તેના તરફ સરકી અને ધીમા અવાજે કહ્યું, "વધારે તો અમને નથી ખબર. કારણ કે પ્રોજેક્ટનું મેનેજમેન્ટ નિકુંજ કરી રહ્યો હતો. તે વખતે પણ અત્યારે બધાં જે પોસ્ટ પર છે એમ જ કામ કરતાં હતા. બસ તારી જગ્યા પર નિકુંજ હતો."
તેનો સાથ પુરાવતા સ્વાતિ બોલી, "અમને જાણ છે ત્યાં સુધી નિકુંજ પોતાનું કામ સારી રીતે કરી રહ્યો હતો. પછી એક દિવસ નિકુંજ અને મેડમ વચ્ચે ઝઘડો થયો અને પ્રોજેટ્કમાં વાર લાગી."
"ઝઘડો કેમ થયો?" નિતુએ પૂછ્યું.
સ્વાતિ બોલી, "એનું કારણ તો આજ સુધી કોઈને ખબર નથી પડી. મેડમ પહેલાથી જ બધાં પર આટલો ગુસ્સો કરતા એટલે તેની સામે બોલવાની કોઈનામાં હિમ્મત નહોતી. કહેવાય છે કે નિકુંજ તેનાં ઓર્ડર ફોલો ન્હોતો કરતો અને પોતાની મરજીથી કામ કરતો. એટલે મેડમને એના પર વધારે ગુસ્સો આવતો."
કરુણાએ ફરી તેને સાથ પુરાવતા વાત આગળ ચલાવી, " સ્ટાફમાં એવી વાત ચાલતી હતી કે તારી જેમ મેડમ તેને પણ વધારે કામ આપતા. એક્સ્ટ્રા કામ કરી કરીને તે થાકી ગયેલો. જે.સી.ના પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું ત્યારે આ એક્સ્ટ્રા કામને લીધે ઝઘડો થયો અને નિકુંજે રિઝાઈન કરવાની વાત કરી. આ વાત જે.સી.ના માલિક સુધી પહોંચી ગઈ. કંપનીની ઇન્ટરનલ મેટરને લઈને તેણે મેડમ પર સવાલ કર્યા અને પ્રોજેક્ટ બંધ કરવાની ચીમકી કરી. મેડમે તેને સમજાવીને મનાવી લીધા. બટ યુ નો, નિકુંજે તેની વાત પાછી ના ખેંચી. તેઓનો ઝઘડો વધ્યો અને બીજી જગ્યાએ નિકુંજને સારી ઓફર મળતા તે જતો રહ્યો."
સ્વાતિ બોલી, "તેના ગયા પછી આજ સુધી તેને કોઈએ નથી જોયો."
"અને પ્રોજેક્ટનું શું થયું?"
"રિઝાઈન કરતી વખતે તેણે પ્રોજેક્ટની ફાઈલ મેડમને આપી દીધી. આજ સુધી એ તેની પાસે જ છે. અશોકભાઈને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પણ નિકુંજના રિઝાઈને જે.સી.નાં માલિકને ફરી વિચારવા મજબૂર કર્યા. તેઓએ અવિશ્વાસ બતાવી પ્રોજેક્ટ બંધ કરવા કહી દીધું. તે સમયે ટાઈમ્સ માર્કેટિંગ ખુબ ચર્ચામાં આવી ગયેલી. મીડિયાએ આળ ચડાવી દીધી કે મેડમ એના એમ્પલોયસને જબરદસ્તી કામ કરાવે છે. ન્યુઝમાં આવવાથી બચવા માટે જે.સી.એ ઊંચા હાથ કરી દીધા અને પ્રોજેક્ટનું પેમન્ટ અટકાવી દીધું. જેથી ટાઈમ્સ માર્કેટિંગ અને જે.સી. વચ્ચેની લેણદેણ કોઈની સામે ના આવે."
કરુણાએ કહ્યું, "જે.સી.ની એડ્વર્ટાઇઝ તૈય્યાર થઈ ગયેલી પણ તેણે પેમેન્ટ ના આપતા મેડમને લગભગ સાડા ત્રણ કરોડ જેટલું નુકસાન ભોગવવું પડેલું."
" એ વખતે નિકુંજે મેડમની તરફેણમાં કંઈ ના કહ્યું? શું એ મેડમથી એટલો બધો નારાજ થય ગયેલો?"
સ્વાતિએ કહ્યું, "એ તો હવે રામ જાણે કે શું કારણ હતું. નિકુંજ તો એની છેલ્લા એક મહિનાની સેલેરી લેવા માટે પણ નથી આવ્યો. જ્યારથી ગયો છે ત્યારથી તે કોઈને મળ્યો પણ નથી. અત્યારે ક્યાં છે એની જાણ કોઈ પાસે નથી. એવો એક એમ્પ્લોય હતો પણ તે પોતે પોતાની જાતે ચાલ્યો ગયો છે એમ કહી મેડમે તેનો રિઝાઈન લેટર બતાવી દીધો અને કેસને આગળ વધતા અટકાવેલો."
નિતુએ પૂછ્યું, "એની જાણ કોઈને નથી એટલે? તમને એવું લાગે છે કે તેની વાતથી નારાજ થઈને મેડમે તેને કંઈ કર્યું હોય."
"શીશ્શ્શ્શ..." હોઠ પર આંગળી રાખી સ્વાતિએ તેને ચૂપ થવા કહ્યું. કરુણા બોલવા લાગી, "કેવી વાત કરે છે નીતિકા!
"મેડમ પાસે પાવર છે, પૈસા છે. છેક સુધીની પહોંચ છે. તો એ શક્ય હોય શકેને. તેનો રિઝાઈન લેટર હથિયાર તરીકે વાપરી ને મેડમે આખી વાત જ બદલી નાખી હોય."
"અમને એવું નથી લાગતું. ને જો મારુ માન તો આવી વાત તું કોઈ સામે ના કરતી પ્લીઝ. તે દિવસ પછી આજ સુધી મેડમે એ એકેય વ્યક્તિને નથી છોડી જે નિકુંજ અથવા જે.સી.ના બારામાં વાત કરે છે. ભૂલથી વાત થઈ જાય એટલે સમજી લેવાનું કે મેડમનો ગુસ્સો સાતમે આસમાને હશે અને તેનો સામનો કરવો પડશે."
"ઓકે. થેન્ક યુ." કહીને તે ત્યાંથી નીકળી પોતાના ડેસ્ક પર ગઈ. નવીન પોતાનું કામ કરી રહ્યો હતો. નિતુને આવતા જોઈને તેણે સ્માઈલ આપી. નિતુએ નાનકડી સ્માઈલ આપી એટલે તે પોતાના કામમાં લાગી ગયો અને તેની બાજુમાં બેસી વિચારવા લાગી, " નિકુંજે એની લાસ્ટ સેલેરી પણ જતી કરી દીધી એ તે કઈ રીતે શક્ય છે? અનુરાધાએ એક વખત કહેલું કે તેની સેલેરી તો ખુબ ઊંચી હતી અને એક મિડલ ક્લાસમાંથી આવેલો નિકુંજ આ સેલેરીમાં રાજી ખુશીથી કામ કરવા લાગેલો ભલે એક્સ્ટ્રા વર્ક કરવું પડતું! તો પછી ઝઘડો થવાનું કારણ શું? શું તેને મેડમે મારી જેમ શિકાર બનાવ્યો હતો? પણ મેડમ... તેને મારાંમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે અને નિકુંજ તો પુરુષ હતો. આખરે વાત શું હશે?"
તેણે નવીન સામે નજર કરી. તે પોતાના કામમાં મશગૂલ હતો. તકનો લ્હાવો લેતાં તેણે ફોનમાં વિદ્યા અંગે કોઈ ન્યુઝ હતા કે નહિ એ સર્ચ કર્યું. તેને એક ન્યુઝ ચેનલે પોસ્ટ કરેલો વિડીયો દેખાયો. નવીન સાંભળે નહિ એટલા માટે તેણે હેન્ડ્સફ્રી લગાવી અને વિડિઓ જોયો. ચેનલનાં પોસ્ટ કરેલા એ વિડીઓમાં વિદ્યાનો ચેહરો સ્પષ્ટ દેખાતો હતો. તે ફોનમાં કોઈ સાથે વાત કરી રહી હતી અને પોતાની ગાડીમાં બેસતી હતી. નીચે લાઈનમાં એમ્પ્લોયી સાથે જબરદસ્તીથી કામ કરાવવાનાં વાક્યો ફ્લેશ થઈ રહ્યા હતા. જો કે એક વાતે તેને અચરજ થયું. આ વિડિઓ પર જે તારીખ હતી તે લગભગ દસ મહિના પહેલાની હતી અને તેણે આ કંપની જોઈન કર્યાને માત્ર ચાર મહિના થયેલા. "હું ચાર મહિના પહેલા આવી ત્યારે મેડમે ખુદ એના મોઢે કહેલું કે હું નિકુંજની જગ્યા પર આવી રહી છું. જો નિકુંજે દસ મહિના પહેલા રિઝાઈન કરી દીધું તો પછી છ મહિના સુધી તેની પોસ્ટ ખાલી કેમ રહી?"
વાર્તા એક જબરદસ્ત વળાંક લઈ રહી છે. શું નિતુ નિકુંજ સુધી પહોંચી શકશે? શું તે વિદ્યાનો કાળો ચેહરો લોકો સામે લાવી શકશે? કે વિદ્યા દ્વારા નિકુંજને કશુંક નુકસાન પહોંચાડવાની શંકા સાચી ઠરશે. પોતાની સમસ્યાના મૂળ સુધી પહોંચતા નિતુને વિદ્યાના કેટલાં રહસ્યો મળશે એ તો સમય જ બતાવશે. વાર્તાનાં આગળના ભાગ માટે આપ મને ફોલો કરી શકો છો. આપનો અમૂલ્ય પ્રતિભાવ અચૂક આપજો.