Nitu - 45 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 45

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 45

નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) 



નિતુ અને નવીન બંને ઓફિસે પહોંચ્યા.

અનુરાધાએ તેઓને આવતા જોઈ રસ્તામાં જ રોક્યા, "હેય નીતિકા! શું થયું? કેવી રહી મિટિંગ."

"બહુ ખાસ નહિ." ખિન્ન મને તેણે જવાબ આપ્યો.

તે બોલી, "લે, એવું તે વળી શું થયું?"

"શર્માને આપણી કંપની પર વિશ્વાસ નથી રહ્યો."

"ઓહ... એટલે તેણે પ્રોજેક્ટ અટકાવ્યો?"

"શું તું જે.સી. બ્રાન્ડ ઓઈલના પ્રોજેક્ટની ડીટેલ મને આપી શકે?"

"એ પ્રોજેક્ટ તો નિકુંજના હાથમાં હતો."

"નિકુંજ? એ... એ તો એ જ ને, જેની જગ્યા પર હું આવી છું." યાદ કરતાં નિતુ બોલી.

અનુરાધાએ હામી ભરતાં કહ્યું, "હા. એ જ નિકુંજ. એની ડીટેલ તો વિદ્યા મેડમ અથવા શાહ સિવાય કોઈ નહિ આપી શકે. વિદ્યા મેડમની તો તને જાણ છે. આઈ સજેસ્ટ કે તું શાહની કન્સલ્ટન્સી પર જા."

"રાઈટ. અમે મેડમને મળીને આવીયે." કહી બંને શર્મા સાથે જે વાત થઈ એ કરવાં માટે સીધાં વિદ્યાની કેબિનમાં ગયા.

"શું વાત થઈ?" વિદ્યાએ સીધો જ સવાલ કર્યો.

"મેડમ તેઓને આપણી પર વિશ્વાસ નથી રહ્યો." નિતુ કશું બોલે તે પહેલાં નવીન બોલ્યો.

વિદ્યાએ ફરી પૂછ્યું, "આઈ હોપ કે તમે લોકો ખાલી હાથે તો પાછા નહિ જ ફર્યા હોય."

"જી મેમ. નીતુ મેડમે બધું સંભાળી લીધું અને શર્માને મનાવી લીધા છે. પણ..." તે બોલતા અટક્યો.

વિદ્યાનું મૂડ ફરી બગડ્યું. તેણે કહ્યું, "મીસ્ટર નવીન કોટડીયા, તમને મેં સવારે જ કહ્યું કે તેનું નામ નીતિકા છે."

"સોરી મેમ." નવીનનો ઉત્સાહી અવાજ દબાયો.

તે આગળ પૂછતાં બોલી, "હવે તમે તમારા આ પણ... થી આગળ વધશો?"

"તેઓએ એક ટર્મ મૂકી છે. પહેલા આપણે તેને એક એડ આપવી પડશે. જો તે સક્સેસ જશે તો તે આગળ ચાલશે. નહિ તો બનેલી એડનું પેમેન્ટ પણ નહિ કરે."

"તમે હા કહીને આવ્યા?" થોડાં ઊંચા અવાજમાં તેણે પૂછ્યું.

"નીતિકા મેડમે ડિસાઈડ કર્યું. એટલે અમે એની ટર્મ માની."

નીતિકાનું નામ પડતાંની સાથે વિદ્યાનાં મનમાં જાગતો રોષ શમી ગયો. તે વિચારમગ્ન થઈને ખુરશી પર ટેકવી નિરાંત અનુભવવા લાગી. નવીનને તેની આ પ્રતિક્રિયા સમજાય નહિ. એમ જાણવા છતાં કે જો થોડું પણ કામ આડાઅવળું જશે તો તેને બહુ મોટી નુકસાની ઉપાડવી પડશે, તે નિરાંતે બેઠી હતી!

અચાનક નિતુ બોલી, " તેણે જે.સી.ની એડની વાત કરી હતી. મેડમ શું હું નિકુંજ અંગે જાણકારી મેળવી શકું?"

"તેની કોઈ જરૂર નથી. મને ખબર છે કે તમે સારું કામ જ કરશો." વિદ્યાએ ચપળતાથી તેની વાત ટાળી ના કહી દીધી અને પોતાની સામે આશ્વર્યથી જોઈ રહેલા નવીનને કહ્યું, " મિસ્ટર નવીન, તમને નવા કામની બહુ હોંશ છે. એમ આઈ રાઈટ?"

"જી! મેમ."

"તમે એક કામ કરો, તમારા નવા ટેબલનું સેટઅપ થઈ રહ્યું છે. તમારે અનુકૂળ હોય એ રીતે તેને સેટ કરાવો અને શર્માની નવી એડ અંગે કોઈ આઈડિયા આવે તો કાલે આપણે ડિસ્કસ કરીશું. તમે જઈ શકો છો."

તે કશું સમજ્યો કે નહિ એની એને પોતાને પણ ખબર નહોતી. જોકે તેને એટલું સમજાઈ ગયું હતું કે હવે વધારે ત્યાં બેસી શકાય તેમ નથી. તે જતો રહ્યો. નવીનને નવા કામો કરવાની અને મળેલા કામોમાં પોતાને બેસ્ટ સાબિત કરવાનો એક અલગ ઉમંગ હતો. એટલે જ આટલી જલ્દી તે નિતુનો આસિસ્ટન્ટ બની ગયેલો. એ જાણતો હતો કે અહીં પહોંચ્યા પછી તે ગમે તેવું કામ કરશે તેને સાબિત કરવામાં સમય લાગશે. એ કારણે જ તે શર્મા સાથે થયેલી બધી વાતો નિતુ બોલે તે પહેલા કરવા લાગેલો. તેને મન બેસ્ટ સાબિત થવા માટે વિદ્યાને રીજવવી જરૂરી હતી. પરંતુ એક જ  દિવસમાં તેને સમજાય ગયું કે અહીં તેના કરતાં નિતુનું માન વધારે છે. જો તેને આગળ જવું હોય તો પહેલા નિતુની પસંદમાં આવવું પડશે.

આ પાછળનું બીજું કારણ નિતુની બેધડક અદા હતી. માત્ર આગળ વધવું એ તેનું આજ સુધીનું લક્ષ્ય હતું. પરંતુ એક એવી ઓફિસમાં જ્યાં પોતાની હિમ્મત જવાબ આપી દે, એવા બોસ સામે પણ નીડર થઈને બેધડક રીતે પોતાની વાત કહી દેવી એ તેને અજુગતું લાગ્યું. અનુરાધાની ચેતવણી છતાં નિતુએ વિદ્યા સામે નિકુંજની વાત છેડી એ તેને કંઈક વિશેષ લાગ્યું. થોડા અંશે તે તેનાથી પ્રભાવિત થયો, એ તો ખરું જ.

તેના ગયા બાદ વિદ્યાએ એક હસી સાથે કહ્યું, "નિતુ મારું એક ફાર્મ છે. હું ઘણાં સમયથી ત્યાં જવા ઇચ્છતી હતી. આજે મારી પાસે વધારે કામ નથી. તો થયું કે એક ચક્કર લગાવી આવું. તું ભી ફ્રી છે. ડોન્ટ માઈન્ડ જો તું મારી સાથે આવી શકે... આપણે લંચ પણ ત્યાં જ સાથે કરી લઈશું. એ બહાને મને પણ તારી કમ્પની મળી રહેશે."

"જી... શ્યોર મેમ."

તે બંને વિદ્યાના ફાર્મ પર જવા નીકળી ગઈ. વિદ્યાએ ઓનલાઈન ઓર્ડર કરીને બંનેનું લંચ ત્યાં મંગાવી લીધું. તેની વાત અચાનક બનેલા પ્લાન જેવી હતી એ ખરું. પરંતુ નીતિકાને ખ્યાલ આવી ગયેલો કે આ અચાનક બનેલો પ્લાન નથી. તેણે સવારે સાથે કોફી લેતાં પહેલાં પોતાનું કામ શાહને આપી દીધું હતું. એ સમયે તે ત્યાં હાજર હતી એટલે તુરંત તેને સમજાય ગયું કે આ મેડમનો પ્રીપ્લાન છે.

અત્યાર સુધી હોસ્પિટલથી પરત આવેલી માનું બહાનું તો ક્યારેક કૃતિના લગ્નનું બહાનું. કોઈ આગળ પાછળની વાત કરીને નિતુ છટકી રહી હતી. ઉત્તરોત્તર સંજોગો એવા બનતા જઈ રહ્યા હતા કે તેની પાસે વિદ્યાની સાથે ન જવાનું કોઈ ઠોસ કારણ રહ્યું નહોતું. પહેલા એડવાન્સ મની, કૃતિનાં લગ્ન માટે પાર્ટી પ્લોટ અને હવે શર્માની શરત. આડકતરી રીતે તે વિદ્યાની ઓફરમાં ફસાઈ રહી હતી.

જતા પહેલા અનંતે આપેલી સલાહે તેને આગળ ચાલવા પ્રેરણા આપી હતી, એ એક સત્ય હતું. જેના આધારે તે વિદ્યાની મનોદશા જાણવાનાં પ્રયત્નો કરી રહી હતી. માટે અત્યાર સુધીમાં તેણે વારંવાર પ્રયત્ન કર્યા કે તે વિદ્યાને ગુસ્સો કરાવે. જેથી બંને વચ્ચે મતભેદ થાય અને વિદ્યા તેનાથી દૂર રહે. જો કે તે તમામ નિરર્થક નીવડ્યા.

સૂર્ય ઉપરથી પરત નીચેની બાજુ નમવા લાગેલો અને સમય કરતાં લંચ થોડું મોડું હતું. તે તેના ફાર્મના ગેટ પર પહોંચી કે વૉચમેન ડિલિવરી બૉય પાસેથી તેઓનું લંચ છોડાવી રહ્યો હતો. તેણે તેની ગાડી ત્યાં ઉભી રાખી અને બોક્સ લીધું, વૉચમેને ગેટ ખોલ્યો અને તે બંને અંદર જતી રહી.

ગાડીમાંથી નીચે ઉતરી નિતુએ વૃક્ષોથી ઘેરાયેલી એ જગ્યાની તાજી અને શીતળ હવા, આંખો બંધ કરી ઊંડો શ્વાસ લેતા પોતાની અંદર સમાવી. એક અનોખી તાજગીનો તેનામાં સંચાર થયો.

"કેમ લાગ્યું મારું ફાર્મ?" વિદ્યાએ પાછળથી આવતા પ્રેમ પૂર્વક પૂછ્યું.

તેની તંદ્રા તૂટી, "સરસ છે." તે આંખો ખોલીને બોલી.

"અંદર જઈએ?"

"હા."

તેની સામે હસતાં તે ચાલતી થઈ. પાછળ ઉભેલી નિતુ વિદ્યાનાં આ અનોખા રૂપનાં દર્શન કરી રહી હતી. આજ સુધી તેને એટલા પ્રેમથી વાત કરતાં ક્યારેય નહોતી જોઈ. એક જ વ્યક્તિ, પણ બે અલગ વ્યક્તિત્વ. તેની આ શૈલી તેને સમજમાં નહોતી આવી રહી.

શહેરથી થોડે દૂર તેનું ફાર્મહાઉસ હતું. કોઈ ગોલ્ફના મેદાન જેમ મોટી જગ્યામાં ફેલાયેલું, મોટી ઊંચી પાળી અને વચમાં છીછરો બનાવેલો ખાડો, નાનો નહિ બહુ વિશાળ જગ્યામાં. તેનું આ ફાર્મ નાનું સૂનું નહોતું. મોટી એ ઊંચી પાળી પર કતારબંધ રીતે મોટા ફોક્સટેલના વૃક્ષો. પાળીના એક કિનારા પર બનાવેલું મકાન હતું જે લગભગ દોઢ માળ કહી શકાય એવું હતું. પરંતુ બહુ વિશાળ હતું. અલગ અલગ આઠ- દસ જેટલાં રૂમ નીચેના માળ પર તે પણ વિશાળ બેંક્વિટ સાથે. ઉપરના માળમાં અડધે સુધી મકાન બનાવેલું હતું, જેમાં મીની થિયેટર અને સજાવેલો બેઠકખંડ હતો. તેની બહાર નીકળતા કોઈ રેસ્ટોરન્ટની જેમ ટેબલ અને ખુરશી સેટ કરેલાં. તેની ઉપર માત્ર સ્તંભને આધારે બનાવેલું વિદેશી નળિયાંવાળું છજું. બાકીની અડધી જગ્યામાં સ્વિમિંગ પુલ અને તેની એકબાજુ પાંચ છ જેટલી બીચ ચેયર તો બીજી બાજુ ખાલી જગ્યા જેમાં દિવાલના ટેકે કેટલાંક ઈન્ડોર વેસ ટ્રી હતા.

ફાર્મના મુખ્ય ગેટથી એક રસ્તો પસાર થતો જે પાળીનાં કિનારે થઈને સીધો મકાન સુધી જતો. તેની એક બાજુ પાળીના ફોક્સટેલ વૃક્ષો હતા અને બીજી બાજુ કાપેલા ઊંચા કોરિયન પાઈન. રસ્તાને સફેદ પથ્થરો જડીત કરેલો. તેની સાથે અમુક અંતરે કુંડામાં રોપેલા અનેક ફૂલ છોડો તેની સુગંધ પ્રસરાવી રહ્યા હતા, જે મંત્રમુગ્ધ કરનારી સોડમ હતી. ફાર્મનાં એ મકાનની પાછળ પણ શોભાના છોડ તેમજ ફુલ ઝાડીથી ગાર્ડન બનાવેલું હતું. જેમાં લાકડાની સફેદ ખુરશીઓ અને બાંકડાઓ તેમજ હિંચકાઓ રાખીને, તેનો આનંદ માણી શકાય તે રીતે બનાવેલું.

અંદર બે નોકરાણી હતી. આ સિવાય ત્યાંના સફાઈ કર્મચારી અને વોચમેન તથા બે માળી હતા. વિદ્યા અહીં આવતી ત્યારે દરેક જણ તેની સેવામાં લાગી જતાં. વિદ્યાએ હાથમાં રહેલ બોક્સને એક નોકરાણીને આપ્યું અને કહ્યું, "ઉપર પાણીની વ્યવસ્થા કર અને આ લંચ બે ડીશમાં સર્વ કરી દે."

તે દાદર ચડીને ઉપર પોતાના રૂમ તરફ ચાલવા લાગી અને નિતુ તેની સાથે. તેની આ કરતૂતથી નિતુનાં મનમાં શંકાની ખાતરી કરતો ફણગો થયો, "મેડમ ફાર્મમાં આવ્યા છે તો કશેય જવાને બદલે સીધાં એની રૂમ તરફ કેમ જઈ રહ્યા છે?" તે જ્યારે આવતી ત્યારે ઉપરના માળ પર અલગથી બનાવેલો સ્પેશ્યલ રૂમ હતો, જે માત્ર તેના માટે જ હતો.

તાજી હવા હજુ તેને વધારે શાંતિ આપે તે પહેલા વિદ્યાની આ કરતૂત તેની શાંતિમાં ભંગ કરી ગઈ.

ઉપરના માળ પર વિદ્યાએ જેમ કહ્યું એમ પાણી અને ભોજનની વ્યવસ્થા કરી દેવાય. વિદ્યા ત્યાં હાજર હોય ત્યારે તેની ઈચ્છા વિરુદ્ધ કશું થતું નહિ. વ્યવસ્થા કરીને નોકરાણીને ચાલ્યાં જવાનો ઓર્ડર પહેલેથી આપવામાં આવ્યો હતો.

સાથે લંચ લઈ રહેલાં બંનેમાં વિદ્યા બોલતી હતી અને તેની સાથે પ્રેમથી વાતો કરતી હતી. જોકે નિતુ માત્ર તેની વાતો સાંભળી રહી હતી. જવાના ઓર્ડર છતાં કોઈ વસ્તુની જરૂર હોય તો સેવા માટે એક નોકરાણી ત્યાં ઉભેલી. લંચ લગભગ પતવા આવ્યું એટલે ઊંચો હાથ કરીને તેણે ઈશારો કર્યો અને નોકરાણી જતી રહી. આ જોઈને નિતુ થથરાવા લાગી. તેને જાણે અગાઉથી જ વિદ્યાની આ યોજનાનો અંદેશો આવી ગયો.

"નિતુ!" તેણે કહ્યું પરંતુ તે કશેક ખોવાયેલી હોય એવું તેને લાગ્યું. તેણે તેના હાથ પર હાથ મુકતા ફરી તેનું નામ લીધું. તેના સ્પર્શથી તે જાગી અને હાથ પાછો ઠેલવ્યો.

સામેની ખુરશી પર બેસીને જમતી વિદ્યા તેની બાજુની ખુરશી પર બેસી ગઈ અને પ્રેમથી પૂછવા લાગી, "શું થયું? ઈઝ એવરીથીંગ ઓલ રાઈટ?"

"હા."

"તો પછી શેના વિચાર કરે છે તું?"

"કંઈ નહિ. એમજ. હ્હ..." પરાણે સ્મિત આપતાં તે બોલી.

"ઓહ ગૉડ નિતુ, મેં તને પહેલા પણ કહેલું છે. તું હવે મારી રિસ્પોન્સિબિલિટી છે. મારાથી કશુંય ચુપાવવાનો કોઈ અર્થ નથી." તેણે પોતાના બંને હાથ વડે તેનો ચહેરો પકડ્યો અને ભીની આંખે નિતુએ એક હાથે તેનો હાથ પકડ્યો.

"જે હોય તે મને ક્હે, હું છુંને!"

તેણે તેની આંખોમાં આંખો પરોવી અને તેની આંખોમાં જોતાં તે બોલી, "એવું કશું નથી મેમ."

વિદ્યાએ આશાભરી નજરે અને ધીમા અવાજે કહ્યું, "એવું કશું નથી તો પછી આજે મને ના નહિ કહેતી. બઉ રાહ જોઈ છે મેં તારી, પ્લીઝ આજે ના નહિ."

બંને અનિમેષ નજરે એકબીજી સામે જોઈ રહી.