Diary Season 3 in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી સીઝન - 3 - લાઇફ ઇઝ અ ફેસ્ટિવલ

Featured Books
Categories
Share

ડાયરી સીઝન - 3 - લાઇફ ઇઝ અ ફેસ્ટિવલ

શીર્ષક : લાઈફ ઇઝ અ ફેસ્ટીવલ   
©લેખક : કમલેશ જોષી

અમારો એક મિત્ર ભારે ઉત્સાહી. જીવનના ચાર દાયકા વટાવ્યા પછી પણ એ વીસ વર્ષના જુવાનીયાની જેમ હંમેશા તરોતાજા અને થનગનતો જોવા મળે. દરેક ફેસ્ટીવલની ઉજવણી એ એટલી બધી શાનદાર અને જાનદાર રીતે કરે કે ધીરે ધીરે તો અમને એની હાજરી પણ ફેસ્ટીવલ જેવી લાગવા માંડી. નવરાત્રી આવે તો બે-ચાર ટ્રેડીશનલ ડ્રેસ ખરીદવાથી શરુ કરી ગરબાની નવી સ્ટાઈલ શીખવા માટે મહિનો પંદર દિવસ ગરબા કલાસીસમાં પણ જઈ આવે. દિવાળીના દિવસોમાં દરરોજ નવી રંગોળી કરવા એ રાત્રીના એક-દોઢ વાગ્યા સુધી જાગે. હનુમાન જયંતિના દિવસે બુંદી, ગાંઠીયા અને બટાટાનું શાક ખાવા એ કાયમ એની જૂની સોસાયટીના હનુમાન મંદિરે અચૂક પહોંચી જાય. ગણપતિ ઉત્સવ વખતે ત્રણ કે પાંચ દિવસ તો એ ઘરે ગણપતિ દાદાને લઈ જ આવે. 

એ હંમેશા અમને કહે ‘લાઈફ ઇઝ અ ફેસ્ટીવલ’ અને દર વખતે અમે એને ખોટા ખર્ચાથી શરુ કરી વધતી ઉંમર સુધીના અનેક નેગેટીવ મુદ્દાઓ રજુ કરી થોડો ઢીલો પાડવા, ધીરો પાડવા નાકનું ટીંચકુ ચઢાવી પ્રયત્ન કરીએ. એ બિચારો અમને ગંભીરતાથી સાંભળે, સમજવા પ્રયત્ન પણ કરે, પણ જેવો કોઈ ફેસ્ટીવલ કે પ્રસંગ આવીને ઉભો રહે એટલે એ એમાં તન, મન, ધનથી ડૂબી જ જાય. વળી, સાવ એવુંયે નહોતું કે અમને એનો થનગનાટ નહોતો ગમતો, એ હોય ત્યારે અમને પણ થોડું જોશ ચઢી જતું, ઉમંગ, ઉત્સાહ અમારી અંદર પણ જાગી ઉઠતા, પણ તન અને ધનનો વિચાર આવતા જ અમે અમારા મન ને બ્રેક મારી રોકી લેતા અને એની બ્રેક ફેલ ગાડી સડસડાટ દોડી જતી.

એને ત્યાં મહેમાનો આવે એટલે એ એમને રાજાશાહી ટ્રીટમેન્ટ આપે. મોટી હોટેલમાં જમવાનો અને એકાદ ફિલ્મ જોવા ટોકીઝમાં જવાનો પ્રોગ્રામ એ અચૂક ગોઠવી જ નાખે. રવિવાર આવે એટલે એના તરફથી ગાંઠીયા, જલેબીની પાર્ટીની ઓફર અમને આવી જ ગઈ હોય. પહેલો વરસાદ આવે એટલે એ એની વાઈફ સાથે હોન્ડા પર પલળવા નીકળી પડે અને વળતા ગરમાગરમ ભજીયા અચૂક લેતો જ આવે. અમને થતું એનો ઉડાઉ નેચર એક દિવસ ચોક્કસ એને નડશે. જયારે પણ તક મળે ત્યારે અમે એને આ બાબતે લેકચર આપવાનું ચૂકતા નહિ. ‘તને આવા ખર્ચાઓ સુઝે છે કેવી રીતે?’ અમે એને પૂછતાં. ‘બર્થ ડે માં મોટી કેક મંગાવવી અને વાર તહેવારે મિત્રો તેમ જ સગા સ્નેહીઓને પાર્ટીઓ આપવી. આવા બે-પાંચ હજારના ખર્ચાઓ કરવાને બદલે એસ.આઈ.પી. કે રીકરીંગ એકાઉન્ટમાં એ રકમ રેગ્યુલરલી નાખવા માંડને તો પાંચ પંદર વર્ષે લાખો રૂપિયા ભેગા થઈ જાય...’ એ અમારી સામે ચકળવકળ આંખે તાકી રહેતો.
એક દિવસ અમારા એક સૌથી વધુ કરકસરિયા મિત્રને માયનર ઍટેક આવી ગયો. અમે સૌ હોસ્પીટલે દોડી ગયા. રીપોર્ટસ, દવાઓ અને ટ્રીટમેન્ટમાં અઠવાડિયું નીકળી ગયું. એક મહિનાનો બેડરેસ્ટ આવ્યો. ચાલીસેક હજાર જેટલો ખર્ચ આવ્યો હતો. અમે સૌએ આર્થિક મદદ માટે ઓફર કરી. એણે કહ્યું ‘દોઢ લાખની એફ.ડી. પડી છે, ડોન્ટ વરી’. હોસ્પિટલની બહાર અમે સૌ ચા પીતા ઉભા હતા ત્યારે પેલો ઉત્સવપ્રિય મિત્ર અમારી સૌની સામે વિચિત્ર નજરે તાકતો હતો. અમે એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. એ બોલ્યો ‘હોસ્પિટલનો ખોટો ખર્ચો કરે છે કરકસરિયો...’. અમે કશું બોલ્યા નહિ. ‘ચાલીસ હજાર રૂપિયા ખોટા ઉડાડી નાખ્યા...’ અમારી આંખો ફાટી ગઈ. એક બોલ્યો ‘અલ્યા.. એની લાઈફનો પ્રશ્ન છે...’ એ વાક્ય પૂરું કરે એ પહેલા જ પેલો ચિલ્લાયો ‘લાઈફનો નહિ, ડેથનો પ્રશ્ન છે.... લાઈફ માટે તો ક્યાં એણે કશું ખર્ચ કર્યું જ છે?’ આટલું બોલી સહેજ અટકી, ઉડો શ્વાસ લઈ, એ બોલ્યો ‘સોરી.. પણ તમે પૂછતાં હતા ને કે મને સેલિબ્રેશનના આઈડીયાઝ ક્યાંથી આવે છે.. અહીંથી’ એણે હોસ્પિટલ તરફ આંગળી ચીંધી. ‘સાતસો કે સત્તરસો રૂપિયાનો એક રીપોર્ટ કરાવતી વખતે આપણે કેમ એની એફ.ડી. કે એસ.આઈ.પી. નો વિચાર કરતા નથી.. હોંશે હોંશે નહિ તો ખેદ સાથે પણ એફ.ડી. તોડીનેય રૂપિયા ખર્ચીએ છીએ ને? તો આ જ રૂપિયા જયારે આપણે સ્વસ્થ હોઈએ.. તન મનથી દુરસ્ત હોઈએ ત્યારે લાઈફને ઉમંગ, ઉત્સાહ અને આનંદથી છલોછલ ભરી દેવા માટે કેમ નથી ખર્ચતા? શું ડોક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શનમાં ફેમિલી સાથે દર રવિવારે લોંગ ડ્રાઈવ પર જવાનું રાખજો નહિતર માયનર નહિ મેજર ઍટેક આવશે, દિવાળીના દિવસે બે'ક હજારના ફટાકડા નહીં ફોડો અને હજાર રૂપિયાની મીઠાઈ નહિ ખાઓ તો ટી.બી. થશે કે મિત્રો સાથે મહીને એકાદ મહેફિલ નહિ સજાવો તો કેન્સર થશે.. એવું લખીને બીવડાવે ત્યારે જ આપણે ગમે ત્યાંથી મેળ કરીને પણ લાઈફને એન્જોય કરવાનું, સેલીબ્રેટ કરવાનું શરુ કરીશું...?’ અમે સૌ ક્યાંય સુધી એક બીજા સામે તાકી રહ્યા, પછી પેલા ઉત્સવ પ્રિય મિત્રને ગળે વળગીને ભેટી પડ્યા.

મિત્રો, હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા પાકીટમાં કે બેંકમાં શું ભરીને બેઠા છીએ? દવાઓ, ઈજ્નેકશન્સ, રીપોર્ટ્સ અને ઓપરેશન્સ કે મિત્રોની મહેફિલ, ફેમિલીની ખુશીઓ અને ભીતરે ધબકી રહેલી જીવન ઉર્જાનો ધામધૂમથી ઉજવાતો મહાઉત્સવ? મિત્રો, આજે જ આપણે આપણા ફેમિલી સાથે કે અંગતો સાથે બેસી આપણું ‘ફરગેટ ટુ સેલીબ્રેટ લાઈફ’ નામના (કલ્પિત) રોગ અંગે ચેકઅપ કરાવીએ તો કેવું? જો રીપોર્ટ ચિંતાજનક આવે, અંગત વ્યક્તિ કહે ‘કે સાચી વાત છે, આપણને જન્મ દિવસે ચહેરો ગંભીર રાખવાની અને લગ્ન પ્રસંગ સાદાઈથી ઉજવવાની, મહેમાનોને ખીચડી ખવડાવવાની અને પાર્ટીઓ કે મહેફિલો કે પ્રવાસોમાંથી આપણું નામ કઢાવી નાખવાની આદત પડી ગઈ છે’, તો સમજી લેજો કે ભીતરે ‘જીવન’ મુરઝાઈ રહ્યું છે અને મૃત્યુ વધુને વધુ ખીલી રહ્યું છે. મરણથી બચવા જે ખર્ચો આપણે રડતા રડતા પણ કરવાના છીએ એ જ ખર્ચો જિંદગીને જીવવા માટે આપણે હસતા હસતા કરીએ તો કેવું? દિવાળીના ફેસ્ટિવલ્સ નજીક જ છે. ઓલ ધી બેસ્ટ.  

હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)