Sindbad ni Saat Safaro - 5 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | સિંદબાદની સાત સફરો - 5

Featured Books
Categories
Share

સિંદબાદની સાત સફરો - 5

5.

ફરીથી ચોથી સફરની વાત સાંભળવા સિંદબાદના મિત્રો અને હિંદબાદ આવી ગયા. સહુ સાથે થોડી આનંદની વાતો કરી સિંદબાદે પોતાની નવી સફરની વાત શરૂ કરી.

તેણે કહ્યું, “ફરીથી, આ વખતે તો બે વર્ષ જેવું સ્થાનિક વેપાર કરતો બેસી રહ્યો. પછી ફરીથી દરિયો ખેડી વેપાર કરવાનું સાહસ કરવાની ઈચ્છા થઈ. બીજા વેપારીઓ સાથે ફરીથી સ્થાનિક માલ જેવો કે ખજૂર, સુકો મેવો, ગાલીચા વગેરે ખરીદી દરિયાપારના દેશોમાં વેંચવા હું નીકળી પડ્યો.

આ વખતે તો ઘણો સમય દરિયો અનુકૂળ રહ્યો. ઘણી સફર સલામત રીતે પૂરી થઈ ગઈ. પરંતુ અમે સૂર્ય અને રાતે ધ્રુવના તારાની મદદથી માર્ગ નક્કી કરતા એ વાદળિયાં હવામાને અશક્ય બનાવી દીધું. હોકાયંત્ર જેવું સાધન હતું એ પણ ઊંચાં મોજાંઓ સાથે ડોલતું વારંવાર ખોટી દિશા બતાવવા લાગ્યું. આખરે થવું હતું તે થયું. અમે ફરીથી કોઈ અજાણ્યા ટાપુ પર ઘસડાઈ આવ્યા.

ત્યાં એકદમ કાળા લોકો વસતા હતા. તેમણે અમને ઘેરીને દોરડેથી બાંધી દીધા અને એક  ખુલ્લી પણ ચારે બાજુથી ઘેરાયેલી જગ્યાએ  રાખી દીધા. અમને  કોપરાંનાં તેલમાં બનાવેલી વાનગીઓ, ભાત વગેરે સારી એવી માત્રામાં ખવરાવતા. હું સમજી ગયો કે ઈદના બકરાની જેમ અમને ખવરાવી પીવરાવી તગડા બનાવી પછી ખાઈ જશે અથવા અત્યંત મહેનતનું કામ ગુલામ તરીકે કરાવશે. હું જાણી જોઈને ઓછું ખાતો. ભલે પાતળો થઈ જાઉં.

એક વખત બીજા સાથીઓને કોઈ કામે  લગાડેલા. હું તક મળતાં જેમતેમ કરી એ જગ્યાની બહાર નીકળી ગયો. 

હવે આજુબાજુ કોઈ માનવ વસ્તી ન હતી. એક જગ્યાએ મને એક ડોસો એક ખાટલે બેઠેલો દેખાયો. તે ખૂબ અશક્ત હતો. એણે મને મદદ કરવા બૂમો પાડી. મને શંકા ગઈ કે આવી એકાંત જગ્યાએ આવો નિર્બળ વૃદ્ધ પહોંચ્યો કઈ રીતે? એટલે ભોળવાયા વગર હું આગળ ચાલતો થયો. એ બિચારો મોટેથી મને બૂમો પાડી આર્તનાદ કરતો બોલાવી રહ્યો. આખરે એ રડી પડશે એમ લાગતાં હું નજીક ગયો. એ વૃદ્ધે મને તેને આગળ લઈ જવા ખભે બેસાડવા કહ્યું. મેં તેનો હાથ પકડી અથવા વચ્ચે વચ્ચે ઝોળી કરીને લઈ જવા કહ્યું પણ તેણે આગ્રહ રાખ્યો કે હું તેને ખભે બેસાડીને લઈ જાઉં.

મેં એ રીતે બેસાડતાં જ  તેણે જોરથી પોતાના બે પગ મારા ગળાં  ફરતે  ભીંસવા માંડ્યા અને મારી પાંસળીઓમાં પગથી ગોદા મારી મને દોડાવવા લાગ્યો. હવે એ કહે ત્યાં મારે એને લઈ જવાનો, એને ખાવા ફળ વગેરે તોડી આપવાનું.

ભાગવા જાઉં તો એ જ વૃદ્ધ હવે સાચે તો દોડી શકતો હતો, મને કોઈક રીતે પકડી ફરીથી મારી પર સવાર થઈ બે પગ વચ્ચે ગળું દબાવતો પોતાનું ધાર્યું કરતો.

એક વખતે તક મળતાં મેં પડી જઈ તેને પટક્યો અને મરણતોલ ઘા કરી એ ઊભો થાય તે પહેલાં ત્યાંથી ભાગ્યો.

દૂર જઈ ફરીથી હું એક ઊંચાં ઝાડ પર ચડી ગયો અને મારી પાઘડી ફરકાવવા લાગ્યો.

આમ ને આમ સાત દિવસ ફળ, પાંદડાં ખાઈ હું ચલાવતો રહ્યો.

આ વખતે પણ, આખરે આઠમે દિવસે  કોઈ વહાણ ત્યાંથી પસાર થતું હતું તેણે મને જોયો અને ચડાવી દીધો.  એમણે હું આ ટાપુ પર કેવી રીતે પહોંચ્યો તે પૂછ્યું. મેં મારી આપવીતી કહી તો તેઓને નવાઈ લાગી કે આ નરભક્ષી માણસોથી હું છૂટ્યો કઈ રીતે.

એ લોકો ગોરી ચામડીના હતા અને એક રાજ્યમાં કાલી મીર્ચ અને મરી મસાલા લેવા જતા હતા. તેઓ  મારી ભાષા અરેબિક પણ સમજતા હતા. એમને મેં મારો બધો જ માલ મેં તેમને ત્યાં જ વેંચી દીધો અને તેમનો આભાર માન્યો.

હવે અમે એક સમૃદ્ધ રાજ્યમાં ઉતર્યા. ત્યાં ઘણી નવી વસ્તુઓ ઉત્પન્ન થતી હતી તે મેં ખરીદી.

મેં જોયું કે ત્યાં લોકો ઘોડા પર એમ જ બેસતા. ન ગાદી, ન જીન, ન લગામ. મેં ત્યાંના રાજાને ઘોડા પર તકલીફ વગર બેસીને વધુ ઝડપથી જવાય એટલે  એ વસ્તુઓ વિશે કહ્યું. એ કેવી રીતે બને એ ત્યાં કોઈને ખબર નહોતી. મેં ચામડાંમાંથી લગામ બનાવતાં, લાકડાંની ગાદી જેને રકાબ કહે, ઘોડાની પીઠ મુજબ વળાંક વળી હોય  તે બનાવતાં સુથારને શીખવ્યું. ઉપર રૂ ભરેલી, તેની ઉપર ચામડું અને  પછી મખમલ જેવી, જેને કિનખાબ કહે તે મઢેલી ગાદી બનાવરાવી. રાજા એની ઉપર બેસતાં જ ખુશ થઈ ગયો. મને તેની સેના, તેની પ્રજા માટે સમૂહમાં આવી લગામ અને ગાદીઓ  બનાવવાનું સોંપ્યું.

હું ત્યાં જ વેપાર કરતો સમૃદ્ધ થઈ રહેવા લાગ્યો. રાજ દરબારમાં મારું માન  પણ વધી ગયું.

હવે મારાં લગ્ન ત્યાંની એકદમ સ્વરૂપવાન અને ગુણવાન યુવતી સાથે કરાવ્યાં. હું આનંદથી ત્યાં દિવસો કાઢતો હતો ત્યાં મેં તેમનો એક વિચિત્ર રિવાજ જોયો. ત્યાં પતિ મરે તો તેની સાથે પત્ની કે પત્ની મરે તો તેની સાથે પતિને દાટવાનો રિવાજ હતો. મેં રાજાને આ રિવાજ વિશે પૂછ્યું. એ તો તેમની પરંપરા મુજબ આદિકાળથી ચાલ્યો આવતો હતો.

ગભરાઈને મેં મારી પત્નીને ખૂબ સંભાળથી રાખવા માંડી. પ્રેમ તો હું તેને કરતો જ હતો.

ખુદાનું કરવું તે એક દિવસ તે માંદી પડી. સારાસારા હકીમોના ઉપચારો છતાં એ મોતને શરણ થઈ.

માર્યા. એમના રિવાજ મુજબ મને મારી પત્નીના મૃતદેહ સાથે બાંધ્યો. એક ખાટલા પર એમ જ બેસાડી, સાથે એક માટલું પાણી પીવા અને ચાર રોટલીઓ  મારે ખાવા માટે  રાખી.

અમને એક ઊંડા, ખીણ જેવા, પચાસેક માથોડાં ઊંડા ખાડામાં ઉતારી પથ્થરથી એ ખાડો બંધ કરી દીધો.

અંદર ઘોર અંધારું હતું. સડેલા મૃતદેહોની માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હતી.

મેં એક કપડાંથી મારું નાક ઢાંક્યું. ક્યાંકથી હવા આવતી લાગી. હું રોજ એક રોટલી ખાઈ પાણી પી ચાર દિવસ તો જીવ્યો.

વચ્ચેવચ્ચે એકાદ બે આવી ખાટલીઓ મૃતદેહ અને એનાં જીવનસાથી (હવે મૃત્યુસાથી) સાથે ઉતારવામાં આવી. મને

મારે કોઈ રસ્તો કાઢવા આગળ જીવવું જરૂરી લાગ્યું. મેં નવા ઉતારેલા ખાટલા સાથેની માટલીઓ અને રોટલી લઈ લીધાં. આમેય એ લોકો મરવાનાં જ હતાં.

એ મૃતદેહો સાથે  દફનાવેલ સોનું, ઝવેરાત અને કિંમતી વસ્તુઓ મેં  લઈ લીધી અને મારાં કપડાં સાથે બાંધી લીધી.

એ અંધારી, વિશાળ કબ્રસ્તાન જેવી ગુફામાં કેટલા દિવસો કાઢ્યા એ ખ્યાલ નથી.

એક દિવસ ઓચિંતો કોઈ ફરકાટ સંભળાયો.  કશુંક શ્વાસ લેતું હોય એવો અવાજ આવ્યો. કોઈ દોડતા પગો નો ફરકાટ પણ આ સ્મશાન શાંતિમાં સંભળાયો.  હું એ અવાજની દિશામાં દોડ્યો. મેં જોયું તો કોઈ ઘોરખોદીયાં કે ઘો જેવું પ્રાણી આવી સડેલું માંસ ખાઈ ક્યાંકથી બહાર જતું લાગ્યું. હું સુઈને લસરતો એ પ્રાણીના રસ્તે ગયો. આગળ કોઈ કિનારીમાંથી પ્રકાશ દેખાયો. એ પ્રાણી ત્યાંથી થોડું ખોદી બહાર નીકળી ગયું. મેં ત્યાં આસપાસ પડેલાં હાડકાંઓ લઈ ખોદયું અને મારે સુઈને સરકીને બહાર નીકળવા જેટલી જગ્યા કરી મહેનતપૂર્વક બહાર તો નીકળ્યો. દિવસો સુધી અંધારામાં રહેવાને કારણે મારી આંખો અંજાઈ ગઈ પણ થોડા સમયમાં સ્વસ્થ થતાં જ મેં જોયું કે આ બાજુ થોડે દૂર દરિયો છે.

આ ગુફા એક પર્વતની અંદર હતી અને એ રાજ્યના લોકોને એ પર્વતની પાછળ શું છે એ કદાચ ખબર જ નહોતી.

હું દરિયા સુધી ગયો. ત્યાં રણ જેવું હતું. કોઈ વનસ્પતિ ન હતી. છતાં ભૂખ્યો તરસ્યો બે ત્રણ દિવસ પડ્યો રહ્યો. રાતે કોઈ વહાણ જેવું દૂર દેખાતાં મેં મોટેથી બૂમો પાડી જે મોજાંઓ સાથે દરિયામાં દૂર સુધી અવાજો જાય એટલે ગઈ. કોઈક રીતે હું વહાણનું ધ્યાન ખેંચવામાં સફળ થયો.

તેના કપ્તાન ને પણ અહીં આવો ટાપુ વાળો દેશ છે એ ખબર ન હતી. મેં મારું વૃતાંત તેમને કહ્યું.

તેમની સાથે  હું સરાન દ્વીપ,  નીલદ્વીપ થઈ હિંદ માં  વેપાર કરી પરત માદરે વતન પહોંચી ગયો.

આખરે હું ફરીથી બસરા થઈ બગદાદ આવી પહોંચ્યો. સાચે જ દફન થયા પછી કબરમાંથી જીવતો નીકળીને.”

આમ કહી સિંદબાદે પોતાની ચોથી સફરની કહાણી પૂરી કરી ત્યારે સહુ સ્તબ્ધ થઈ ગયા.

સિંદબાદે બાકીની સફરો વિશે સાંભળવા સહુને આમંત્રણ આપ્યું, હિંદબાદને કોઈ મજૂરીનું કામ અને પૈસા આપી રવાના કર્યો.

ક્રમશ: