ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 17
શિર્ષક:- આભાર ઠાકુર
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
પ્રકરણઃ…17 . "આમાર ઠાકુર."
મને થયું કે હવે કલક્તા છોડી દેવું જોઈએ. કોઈને કાંઈ પણ કહ્યા વિના જ એક દિવસ વહેલી સવારે હું જીટી રોડ ઉપર ચાલી નીકળ્યો. કલકત્તા પાર કરતાં જ મને ત્રણ કલાક લાગ્યા. પછી શરૂ થયાં તેનાં પરાં હું પગપાળો જ ધૂનમાં ને ધૂનમાં ચાલતો હતો. માર્ગની બન્ને તરફ મકાનો જ મકાનો કોઈ ખાલી જગ્યા જ ન દેખાય ચાલ ચાલ કરતો જ રહ્યો. સવારથી કાંઈ જ ખાધું ન હતું અને આવી રીતે ચાલ ચાલ કરનારને ઊભા રાખીને કોણ જમવાની વાત પૂછે ! બે પૈસાના ચણા લઈને ફાકી લીધા હોય તોય લોટો પાણી પિવાય. અહીં તો તે પણ ન હતું.
અત્યંત અસલામતી અને નિરાધારતામાં વ્યક્તિ પરમાત્માની અત્યંત સમીપમાં પહોંચી જતી હોય છે. મેં જે પરમાત્માની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો, તથા આવા કડક નિયમો લીધા હતા, તે પરમાત્મા સિવાય મારી પાસે શો આધાર હતો ? જૈન સાધુઓ પૈસાને નથી અડતા. પણ તેમના માટે પ્રથમથી જ આગળ આગળ બધી વ્યવસ્થા હોય છે. એટલે લક્ષ્મીનો અસ્પર્શ તેમના માટે કષ્ટદાયી નથી થતો. મારા માટે તો તેવું કશું જ ન હતું. મને કોઈ ઓળખતું ન હતું એટલું જ નહિ, હું અદીક્ષિત હતો, નાની ઉંમરનો બિન-અનુભવી હતો અને દૂરના પ્રાંતમાં વિચરણ કરતો હતો. મારી સ્થિતિનો ખ્યાલ કરનારને સ્પષ્ટ જણાશે કે હું માત્ર પરમાત્માને આધારે વિચરી રહ્યો હતો. મારામાં જે કાંઈ થોડીક મક્કમતા હતી તે પણ તે પરમાત્માની જ આપેલી હતી.
ચાલતાં ચાલતાં એક વાગી ગયો હતો, ભૂખ અને થાક બન્ને લાગ્યા હતાં. પણ બન્ને તરફ મકાનો હોવાથી યોગ્ય સ્થળ મળતું ન હતું. જ્યાં હું બેસી શકું. અંતે મારી નજર એક જાળીવાળા સહેજ ઊંચા-ઓટલાવાળા મકાન ઉપર પડી. ઓટલાની પાસે જ મકાનમાલિકે પાણીનો નળ મૂકી રાખ્યો હતો, તે નળે ભૂખ્યાપેટે પાણી પીધું અને થાકીને લોથપોથ થઈ ગયો હોવાથી પેલા ઓટલા પર બેસી ગયો. જોકે આવા ઓટલાવાળાં મકાનો તો માર્ગમાં બીજાં પણ આવ્યાં હતાં, પણ કોઈના ઓટલે કેમ બેસાય ? તે વિચારે ક્યાંય બેસવાની હિંમત કરી શક્યો ન હતો. પણ અહીં બેસી જ જવાયું.
માત્ર બે જ મિનિટ થઈ હશે અને મકાનની જાળી ખૂલી. એક વૃદ્ધ બંગાળી સજ્જન બહાર આવ્યા. તેમને જોઈને મને સહેજ સંકોચ થયો. "હમણાં આ વ્યક્તિ મને ઊઠી જવાનું કહેશે." તેવો સંદેહ થયો. ભારતમાં બાવા લોકોની સામૂહિક પ્રતિષ્ઠા ઓટલે પણ ના બેસવા દેવાય તેવી છે. પણ મારી ધારણા ખોટી નીકળી. પેલા મહાશય ઝટ દઈને બે પગથિયાં ઉતરી મારી સામે આવ્યા તથા બાંગ્લા ભાષામાં કાંઈક બોલતા બોલતા મારા પગ પકડીને બેસી પડ્યા. મને યાદ છે ત્યાં સુધી તેમનું એક વાક્ય વારંવાર મારે કાને પડતું: “આમાર ઠાકુર.. આમાર ઠાકુર”…’તે મને આગ્રહ કરીને ઘરમાં લઈ ગયા. ઘર નાનું પણ સ્વચ્છ હતું, સુઘડતા હતી. અને ઘરમાં રહેનારાં શિક્ષિત માણસો હતાં. જમવા માટે આસન તથા બાજોઠ પાથરેલાં હતાં. મને જમવા બેસવા આગ્રહ કર્યો મારે જમવું તો હતું જ પણ મને ભય હતો કે અહીં જમવામાં કદાચ માછલીની કોઈ વાનગી પીરસી દેશે તો ? હું ઓળખી શકીશ નહિ. અને ખવાઈ ગયા પછી ખ્યાલ આવશે તો ? મારું મન પાછું પડતું હતું પણ તેમણે જ સમાધાન કર્યું. ”અમિ નિરામિષભોજી, શોંકા કોરે ના."
હું ખૂબ પ્રેમથી જમ્યો પ્રત્યેક ગ્રાસે મને પરમાત્મા દેખાતો હતો. ગીતામાં ‘યોગક્ષેમં વહામ્યહમ્’ નું વચન આપ્યું છે તે આ રીતે પૂરું કરતો હશે. આ જ મકાનના ઓટલે તેણે જ મને બેસવાની પ્રેરણા કરી હશે. તેણે જ પેલા ગૃહસ્થને ભાવવિભોરતા આપીને મારી પાસે મોકલ્યો હશે. તેણે જ તેને મને જમાડવાની પણ પ્રેરણા કરી હશે. પોતાના માટે બિછાવેલા આસન ઉપર મને બેસાડીને તેણે જ મને ભાવવિભોર થઈને જમાડ્યો હશે. હું ઘણી વાર લોકોને કહું છું કે મેં ઈશ્વરને જોયો નથી પણ તેની કૃપાને અસંખ્ય વાર અનુભવી છે. જેણે ઈશ્વરની કૃપાનો અનુભવ કરવો હોય તેણે જાણી કરીને આપત્તિઓ વહોરી લેવી. દુઃખો અને આપત્તિઓ વિના પણ તેની કૃપાનો અનુભવ તો થાય જ છે, પણ પેલો અનુભવ તો હાડોહાડ લાગી જાય તેવો હોય. જેના માટે અને જેના સહારે ફનાગીરી સ્વીકારી હોય તે ફના કરીને પણ આબાદ કરતો હોય છે. હું ફનાગીરીના માર્ગે ધપી રહ્યો હતો. આ ઉંમરે આ માર્ગે આવી રીતે કોણ ડાહ્યો માણસ આગળ વધે ?
આભાર
સ્નેહલ જાની