મધુબાલા, મીના કુમારી, વહીદા રહેમાન, વૈજયતિમાલા,શ્રીદેવી, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા, બિપાશા બસુનું નામ સાંભળીએ એટલે આપણી નજર સમક્ષ સૌંદર્યનો જાણે કે દરિયો લહેરાતો હોય તેવું લાગે. પણ આ જગતમાં કોઇ વસ્તુ પરફેક્ટ નથી દરેકમાં કોઇને કોઇ ખામી રહેલી જ હોય છે પણ આ મહિલાઓ શો બિઝનેશમાં હોવાને કારણે તેમણે પોતાની એ ખામીઓને ખુબીઓમાં પલટી નાંખી હતી અને જે ખામી હતી તે જ તેમનાં દેખાવની વિશિષ્ટતા બની રહી હતી.મીના કુમારીની ફિલ્મોને ધ્યાનથી જોઇએ તો જણાય છે કે તેણે ક્યારેય પોતાનો એક હાથ પુરેપુરો પરદા પર દર્શાવ્યો નથી કારણકે તેનાં હાથમાં એક આંગળી ઓછી હતી પણ તેણે એ હાથને એટલી સફાઇ થી છુપાવ્યો હતો કે તે તેની આગવી સ્ટાઇલ બની ગઇ હતી.વૈજયતિમાલા અને મધુબાલાને આપણે ભારતીય મહિલાઓની પ્રતિનિધી ગણાવીએ છીએ પણ તેમની સ્થુળતાને તેમણે વસ્ત્રોની સ્ટાઇલથી ખુબીમાં ફેરવી નાંખી હતી.શ્રીદેવી જ્યારે જુલીમાં પહેલી વખત નાના રોલમાં ચમકી ત્યારે કોઇએ તેની તરફ ધ્યાન પણ આપ્યું ન હતું એટલી હદે તે સામાન્ય દેખાતી હતી પણ ત્યારબાદ તેણે પોતાની જાતનું એવું મેકઓવર કર્યુ કે તેનો દેખાવ દીપી ઉઠ્યો હતો અને તેને સેક્સ બોમ્બ તરીકે ઓળખાવવામાં આવતી હતી તેની સ્ટાઇલ તત્કાલિન સમયમાં સ્ટાઇલ આઇકોન બની ગઇ હતી.માધુરી દીક્ષિત અબોધમાં ચમકી ત્યારે તેના ચહેરા પરના ખીલના કારણે લાગતું હતું કે તે ક્યારેય મુખ્ય પ્રવાહની હીરોઇન બની શકશે નહી પણ તેજાબ બાદ તેણે ઇતિહાસ સર્જ્યો હતો જે તેની પોતાની જાતને અલગ રીતે રજુ કરવાની સ્ટાઇલને કારણે જ શક્ય બન્યું હતું.પ્રિયંકા ચોપરા અને બિપાશા બશુની શ્યામલતા તેમના માટે અવરોધ બની નથી ઉલ્ટાનું એ બાબતને જ તેમણે વિશેષતા બનાવી દીધી હતી આમ કોઇ સૌંદર્યવતી નારીની પાસે કેટલાક સુંદર ફીચર્સ હશે પણ સાથોસાથ નિશ્ચિતપણે કેટલીક ખામીઓ પણ હશે જ, જેને તેણે ચબરાકીથી ઢાંકી દીધી હશે. તમારા સુંદર ફીચર્સને વધુ ઉઠાવ આપવો કે જેથી તે બહાર આવે તે કુદરતી છે. જો તમારી આંખો વિશાળ હોય તો તમે તેને વધુ વિશાળ દાખવી શકો અને ખાસ ફેશનમાં એક મેકઅપનો પ્રયોગ કરીને તેને વધુ આકર્ષક દાખવી શકો. જો તમારા ગાલના હાડકાં વધુ ઉપસેલા હોય તો તમે તેને ઉઠાવદાર બનાવી શકો વગેરે.
જોકે તમારી ખામીને કે ખરાબ ફીચર્સને ઢાંકી દેવાનું કામ સામાન્ય અને સરળ તો નથી જ. પણ બોલિવુડની જ નહી દુનિયાની સંખ્યાબંધ સૌંદર્યવતીઓ એ પોતાની ખામીઓને ઢાંકી અને ખૂબીઓને સજાવીને દંતકથારૂપ બની ગઇ છે. તેમણે તેમના વધુ પડતા વિશાળ મુખને કે તેના હાડકાંના માળખા જેવા સુકલકડી દેખાવને જ નિખાર આપી ઉઠાવદાર બનાવ્યા છે. તેમના બધા જ ખરાબ ફીચર્સનો સરવાળો કરીને, તેમને એક સાથે રજૂ કરીને તેમજ તેની સાથે તરકીબ અજમાવીને તેમની વિશિષ્ટતા બનાવી દીધી હતી. એ તેમની આગવી વિશેષતા બની ગઇ હતી.કદરૂપાપણાની હદે ગણાય તેવા અસામાન્ય અમુક ફીચર્સને મેકઅપની કલા દ્વારા જાદુઇ તરકીબ વડે ખૂબ ઉઠાવદાર, આગવા અને તેથી સ્તબ્ધ કરે તેવા રૂપમાં પલટાવી દઇ શકાય. જો એક સ્ત્રી તેના ચહેરાના અસામાન્ય એવા દેખાવને પલટાવવા ઇચ્છે તો કુદરતી રીતે જ તેના અનોખાપણાને જ વધુ આગ્રહપૂર્વક ઉઠાવ આપશે.
ઉદાહરણ તરીકે એક સમયની જાણીતી હોલીવુડની અભિનેત્રી આર્લેન ડાહીલને લઇએ. તેના ઉપલા હોઠ પર તલ હતો. કેટલાક જાણીતા પ્રોડ્યુસર્સના કરારો તેણે ગુમાવ્યા કારણ કે તેમને લાગતું હતું કે તલ તેના દેખાવને બગાડે છે. તેણે તેને સર્જરી દ્વારા કઢાવી નાખવાનો વિચાર કર્યો, પરંતુ આખરે ઘણો વિચાર કર્યા પછી તેણે તેની સાથે તરકીબ રમવાનું નક્કી કર્યું અને તેને વધુ ઉઠાવ આપ્યો. તલ તેના ચહેરાનો સૌથી વધુ આકર્ષક ભાગ બની ગયો. તેના આ નવા રૂપે આખી દુનિયાને ગાંડી કરી. તેણે એટલી તો નાટ્યાત્મક હદે પ્રસિદ્ધિ મેળવી કે તેની સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે સેંકડો એવા પત્રો તે મેળવતી હતી જેના પર સરનામાને સ્થાને બે ઓષ્ઠ અને ડાબી ઉપલી બાજુએ તલ ચિત્રિત કરી, કેર ઓફ હોલીવુડ એટલું જ હોય!
જોન ક્રોફર્ડ પણ તેના વધુ પડતા મોટા મુખને - તેની ખામીને વધુ ઉઠાવ આપીને પ્રખ્યાતિના શિખર પર પહોંચી હતી. તેને એક ખામીરૂપે લેવાને બદલે તેણે તેને વધુ પહોળું દર્શાવવાનો નિર્ણય કર્યો અને ‘ક્રોફર્ડ લિપ્સ’ આંતરરાષ્ટ્રીય ઘેલછા બની ગયા. એક વખત ખૂબ પ્રસિદ્ધ અભિનેત્રીઓને એવોર્ડ આપવા માટે આમંત્રણ આપવામાં આવતા જોને જાહેર જનતાને અનુપમ દેખાવ દ્વારા સ્તબ્ધ કરવાનો નિર્ણય કર્યો. તેના વાળ એકદમ રૂપેરી હતાં અને કાં તો તેણે તે સામાન્ય રીતે જેવા રંગતી હતી તેવા રંગવા પડે અથવા તો તે રૂપેરી વાળ સાથે તરકીબ અજમાવી પડે. તેણે તેની ખામી ગણાતા એવા ધોળા વાળને જ વધુ ધ્યાનપાત્ર બનાવવાનો નાટ્યાત્મક નિર્ણય લીધો. તેણે તેના વાળને રૂપેરી પ્લેટિનમાં ઝબોળ્યા અને તે પ્રસંગને અનુરૂપ ખાસ સ્ટાઇલમાં સજાવ્યા. તેણે તેને અનુરૂપ ગાઉન પહેર્યો અને તેના વાળને પ્લેટિનમ અને હીરાના આભૂષણોથી આકર્ષક બનાવી કોણી સુધી રૂપેરી હાથમોજા પહેર્યા. જ્યારે તે સ્ટેજ પર ચઢી તેના વાળ પ્રકાશમાં ઝળહળી ઊઠ્યા અને તારામઢિત દેખાવ રજૂ થયો. એમ કહેવાય છે કે કદરદાનોની તાળીઓના ગડગડાટે તેને જે રીતે આવકારી તેવો તાળી ગડગડાટ એ પૂર્વે કદી સંભળાયો નહોતો.
બીજો એવો જ જાણીતો કિસ્સો છે સોફિયા લોરેનનો. તેના જેવા વધુ ભરાવદાર હોઠ હોય તો સામાન્ય રીતે કોઇપણ યુવતી તેને વધુ પાતળા દાખવવા જોઇએ એમ માને. ખાસ કરીને નીચલો હોઠ કે જેથી તેને સપ્રમાણરૂપે ફોટામાં રજૂ કરાય. હકીકતમાં જ્યારે તેણે તેની પ્રથમ સ્ક્રીન ટેસ્ટ આપી ત્યારે તેનો નીચલો હોઠ સૌથી મોટા પ્રશ્નાર્થરૂપે ગણાયો, પણ તેણે તેને હિંમતથી રજૂ થવા દેવાનું નક્કી કર્યું અને તેને જ ઉઠાવદાર બનાવવા પ્રયાસ કર્યો. તેણે નીચલા હોઠના ભરાવદારપણાને ઓછો કરવા માટે આછા રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરવાને બદલે તેણે વધુ ઘેરો શેડ વાપર્યો. આજે તે તેના ભરાવદાર અધર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બની છે. કોઇ અન્ય સ્ત્રીને માટે તે હોઠ કદરૂપા જ ગણાત.
પોતાની કેટલીક વ્યક્તિગત નબળી કડીઓને લઇને તેને ભેગી કરીને એક જાદુઇ આભાસ એક સ્ત્રી કેવી રીતે સર્જી શકે છે તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ કદાજ ઓડ્રી હેપબર્ન છે. તે નારી એક એવું અનન્ય ઉદાહરણ છે જેણે ફેશન અને સૌંદર્યની દુનિયાની સામે ઊભી રહીને જેને ખામીરૂપ ગણી અવગણવામમાં આવે તે બધી જ ઊણપોને ખૂબ જ ભાર આપીને એક નવું જ આશ્ચર્યજનક પરિણામ સર્જીને સૌંદર્યનો એક નવો જ આદર્શ પ્રસ્થાપિત કર્યો. જાપાનથી અમેરિકા સુધી દુનિયાભરની સ્ત્રીઓ તેના એ અપ્રિતમ દેખાવ માટે તલસે છે અને કંઇક અંશે તેના જેવા થવા માટે અથાગ જહેમત કરે છે. કલાકારો અને ફોટોગ્રાફરો તેની મોટી રકાબી જેવી આંખો, ફીકો હાડકામય ચહેરો, લાવણ્ય અને નર્તનની નજાકત ઉતારવા મથે છે. જે એક છબીની છાપ આપે કે જે કેનવાસ પર ભાગ્યે જ સુકાય. તે નષ્ટ પામી શકે નહીં એવી ‘ફ્રેગી-લીટી’ રૂપે તેના રૂપને વર્ણવાય છે. તેના લાવણ્ય સહિત બાળ સહજ અલૌકિક દેખાવ માટે ઓડ્રીને આજેય યાદ કરાય છે.
તમારા માટે એ જ જાણવાનું ખાસ અગત્યનું છે કે તેનો દેખાવ ખરેખર એવો નહોતો. તેણે આભાસી મેકઅપની કલા વડે આ દેખાવની અસર પ્રાપ્ત કરી.
ઓડ્રી ઊંચી હતી. તેનું નાક લાંબુ અને પાતળું હતું. તેના વાળ પાતળા, ભાર અને પમ્પના પાણી જેવા સીધા હતાં. તેની કાયા સુકલકડી હતી અને તેનો ચહેરો રંગવિહીન-ફીકો હતો. હકીકતમાં તો તે કરૂણામૂર્તિ હાડકાંના માળખા જેવી જ છાપ ઉપસાવતી હતી. તેણે જે પરિવર્તન કર્યું તે એક અદ્ભૂત કથારૂપ બની ગયું. તે ખૂબ ઊંચી હતી. તેણે હિલ સૌથી ઊંચી ગ્રહણ કરી. તે ખૂબ પાતળી અને સુકલકડી હતી તો તેણે તેના પાતળાપણાને ભાર આપવા ખૂબ જ પાતળા અને ટાઇટ ડ્રેસ પસંદ કર્યા. તેનું નાક ખૂબ લાંબુ અને પાતળું હતું. તેણે આભાસી મેકઅપ દ્વારા તે વધુ લાંબુ અને પાતળુ દાખવ્યું. તેના વાળ પાંખા અને ટૂંકા હતાં. તેણે તેને વધુ ટૂંકા કર્યા. તેની આંખો મોટી ખાલી રકાબી જેવી હતી, તેણે તે વધુ મોટી દેખાય એવી બનાવી.
આજે પણ તેની સમકાલીન અભિનેત્રીઓમાં અનન્ય સુંદરી તરીકે ગણના થાય છે. તે તેની વિશેષતાઓ માટે વખણાય છે અને ફેશનની દુનિયામાં મહાન સ્ત્રીઓ તેના હોલમાર્ક-હેપ્બર્ન દેખાવ માટે ઇર્ષા કરે છે.
જાણીતી બ્રિટિશ મોડેલ ટ્વીગી કેવી રીતે નબળી કડીઓ ભારપૂર્વક રજૂ કરીને નવી ઉત્તેજનાત્મક પૂર્ણતાનું સર્જન કરી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે એક સમયે ટ્વીગી લુક રૂપે દુનિયાભરમાં જાણીતી થઇ. મોડલિંગ માટે સૌથી ઊંચી કિંમત મેળવનાર ટ્વીગી હતી. તે પાતળી હતી. તેણે વધુ પાતળા દેખાવવાનો પ્રયત્ન કર્યો. તેના પ્રયાસોને પણ સારો પ્રતિભાવ મળ્યો. આમ યુવતી તેના શરીરના અંગ-ઉપાંગના ઘાટ-ખોડખાંપણને ધ્યાનમાં લઇને થોડી સૂઝ વાપરે તો આકર્ષક દેખાઇ શકે છે.