Khajano - 89 in Gujarati Motivational Stories by Mausam books and stories PDF | ખજાનો - 89

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 89

"અરે નહીં દોસ્તીમાં નો સોરી....નો થેન્ક્યુ...!" આટલું કહેતા ઈબતિહાજ હર્ષિતને ભેટી પડ્યો. સુશ્રુત, લિઝા ,જૉની અને અબ્દુલ્લાહી તેઓના વ્યવહારથી ખુશ થઈ તાલીઓ પાડવા લાગ્યા. પછી બધા હસી પડ્યા.

આમ જ વિચાર કરતા કરતા તેઓની બોટ તાંજાનિયાના દાર એસ સલામ પહોંચી ગઈ. એક પછી એક કરીને છ એ જણા બોટમાંથી નીચે ઉતર્યા. દાર એસ સલામથી તેઓને દરિયાઈ માર્ગે માડાગાસ્કર જવાનું હતું. પરંતુ સ્ટીમરનું ભાડું ભરી શકાય તેટલા પૂરતા નાણા તેમની પાસે ન હતા. નીચે ઉતરીને આજુબાજુ નજર ફેરવતા દેખાઈ રહ્યું હતું કે અહીંનો વિસ્તાર થોડો ઘણો વિકસિત થયો હતો. અહીંનો સુંદર કુદરતી નજારો જોતા જોતા છએ કિનારા પર ગોઠવેલ એક બેન્ચ પર બેસી ગયા.

" હવે શું કરશું મામા..? અહીંથી મને કોઈ જ રસ્તો દેખાતો નથી. મને હવે ખુદ પર શંકા થાય છે કે આપણે રાજાના આદેશ મુજબ આ લોકોને તેમની મંઝિલ સુધી પહોંચાડી શકીશું કે નહીં..?" ઇબતિહાજે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગ અંગે શંકા વ્યક્ત કરતા અબ્દુલ્લાહીજીને કહ્યું.

" ઇબતિહાજ બેટા..! ખુદ પર શંકા ન કરો. ખુદ પર વિશ્વાસ કરો.. ખુદ પર વિશ્વાસ કરશો ને આગળ વધશો તો ખુદા હંમેશા તમારી સાથે રહેશે... તમારી બરકત કરશે..!" ઇબતિહાજના ખભે હાથ મૂકી અબ્દુલ્લાહીજીએ આશ્વાસન આપતા કહ્યું.

અબ્દુલ્લાહીજીની વાત સાંભળીને જૉની પોતાની જગ્યા પરથી ઉભો થયો અને થોડો આગળ વધીને આજુબાજુ નજર ફેરવવા લાગ્યો. જોનીને આ રીતે જોઈ સુશ્રુત પણ ઉભો થઈ તેની પાસે દોડ્યો.

"સુશ્રુત..! આપણે અહીં કેટલીક પૂછપરછ કરવી પડશે. અહીંથી માડાગાસ્કર કેવી રીતે જવું..? તેનાં સ્ટીમરનું ભાડું કેટલું હોય છે..? સ્ટીમર સિવાય બીજો કોઈ ઓપ્શન છે કે નહીં..? તે અંગે આપણે તપાસ કરવી પડશે અને કોઈને પૂછીશું તો જ ખ્યાલ આવશે કે આપણે કયા માર્ગે આગળ વધવું..!" જોનીની વાતથી સહમત થઈ સુશ્રુત કામમાં લાગી ગયો. તે બંનેને આ રીતે પૂછપરછ કરતા જોઈએ હર્ષિત અને ઇબતિહાજ પણ વધુ માહિતી મેળવવા માટે તપાસ કરવા લાગ્યા.

"અબ્દુલ્લાહી મામુ..! તમે તો ઘણી દુનિયા જોઇએ છે. આ વિસ્તારથી તમે પરિચિત નથી..?" ચારેય મિત્રોને આમ પૂછપરછ કરતા જોઈ લિઝાએ પોતાની પાસે બેઠેલા અબ્દુલ્લાહીજીને પૂછ્યું.

" પરિચિત તો છે અને સમૃદ્ધ એટલો છે કે મને જોઈએ તેટલા નાણાની તે સહાય કરી શકવા માટે સક્ષમ છે પરંતુ...!" આટલું બોલીને અબ્દુલ્લાહીજી અટકી ગયા.

" પરંતુ શું..? મામુ...! આપણે તે વ્યક્તિની તુરંત જ મદદ લેવી જોઈએ. હું નથી ઇચ્છતી કે મારા ડેડને બચાવવામાં થોડું પણ મોડું થાય. ઓલરેડી ઘણો સમય બરબાદ થઈ ચૂક્યો છે. હું નથી ઈચ્છતી કે તેમના જીવનું જોખમ વધી જાય..! મારે જલ્દીથી જલ્દી તેઓને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવવા છે. પ્લીઝ અબ્દુલ્લાહી મામુ..! તમે જ મારી કોઈ મદદ કરી શકો છો."

"માઈકલને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવવા માટે તો હું અને ઇબતિહાજ તારી સાથે આવ્યા છીએ. અમે દિલથી ઇચ્છીએ છીએ કે તું જલ્દીથી જલ્દી માઈકલને મળે અને આપણું લક્ષ પૂર્ણ થાય પરંતુ..!" અબ્દુલ્લાહીજી અટકી ગયા.

"પરંતુ...પરંતુ.. શું.. મામુ..? આપણે ઝડપથી તમારા મિત્ર સુધી પહોંચવું જોઈએ. જેટલી બને તેટલી ઝડપથી..! જો મદદ મળતી હોય તો લેવી જોઈએ..!" પોતાની પિતા પ્રત્યેની લાગણીઓને બેકાબુ કરતી લિઝા બોલી ઉઠી.

"મારો મિત્ર ટાંઝાનિયામાં જ છે, પરંતુ તે દાર એશ સલામથી આશરે 190 થી 200 કિલોમીટર દૂર જંગલમાં રહે છે. જંગલની પ્રવૃત્તિઓ કરે છે અને જંગલી પ્રાણીઓનો મોટો વેપારી છે. અહીંથી તે ઘણો દૂર છે એટલે દૂર પહોંચવું કઠિન છે. તું જોઈ શકે છે કે અહીંથી કોઈ પાકો માર્ગ પણ દેખાતો નથી. જઈએ તો કયા માર્ગે જઈએ..? ચાલતા જઈશું તો ઘણો સમય બરબાદ થઈ જશે..!" લિઝા અને અબ્દુલ્લાહીજી વાતો કરી રહ્યા હતા, ત્યારે ખુલ્લી જીપમાં બે યુવાનો અને એક યુવતી મસ્તી કરતા કરતા આવી રહ્યા હતા. તેઓને જોઈને જોનીએ તરત તેમને રોક્યા.

To be continue...

મૌસમ 😊