પરમના મેસેજ હતા. એણે બધાના ફોટા મોકલ્યા હતા, જે જોવામાં મને કોઈ જ રસ નહોતો. થાક, કંટાળો, હતાશા અને માથાના દુખાવાથી ત્રસ્ત મેં મોબાઈલને પોતાનાથી દૂર હડસેલ્યો. જેની હું રાહ જોઉ છું એના જ મેસેજ નથી આવતા.
એટલામાં મમ્મી રૂમમાં આવી.
‘જોવા જ આવી હતી કે તું સૂઈ ગયો કે નહીં. તને માથું દુખે છે ને તો સૂઈ જા શાંતિથી.’ આટલું કહીને ચાદર ઓઢાડીને મમ્મી જતી રહી.
ફરીથી મોબાઈલમાં મેસેજ આવવાના સ્ટાર્ટ થયા પણ મેં ના જોયા.
પોણા કલાક પછી આંખ ખૂલી ત્યારે મોબાઈલ હાથમાં લીધો. મેસેજ વાંચ્યા.
‘હાય, સોરી.’
‘આઈ એમ નોટ એબલ ટૂ ગિવ રિપ્લાય ઓફ સો મેની મેસેજીસ એટ ધીસ ટાઈમ. આઈ એમ આઉટ ઓફ સ્ટેશન એન્ડ ધેર ઈઝ નેટવર્ક પ્રોબ્લેમ.’ આખરે પ્રિયંકાનો રિપ્લાય આવ્યો તો પણ આવો!
‘ધેટ્સ ઈટ?’
હું આટલા ટાઈમથી રાહ જોઈ જોઈને થાકી ગયો, પણ એને મારી કોઈ વેલ્યૂ જ નથી. મારા મેસેજના રિપ્લાય કરવાનો એની પાસે ટાઈમ નથી. એના ક્યારેય પણ મેસેજ આવે તો હું બધું છોડીને પહેલા એને જવાબ આપું છું. આ કંઈ રીત છે? પહેલીવાર મારું મગજ પ્રિયંકા માટે તપી ગયું.
નિખિલ અને ખાસ કરીને પરમથી આજે મારી લાગણીઓને ભયંકર ઠેસ પહોંચી હતી. એમાં પણ જે પ્રિયંકા સાથે વાત કર્યા વગર મને ચેન નહોતું પડતું, એની સાથે પણ વાત થઈ શકે એમ નહોતી. મારે મારી વ્યથા કોઈ સામે ખાલી કરવી હતી. પણ કોને જઈને કહું? મમ્મી-પપ્પાને આ બધું કહેવાનો તો કોઈ સવાલ જ નહોતો. હું અંદર ને અંદર ગૂંગળાવા લાગ્યો. પાસા ફેરવી ફેરવીને માંડ માંડ રાત પસાર કરી.
બીજા દિવસે સવારથી પાછી એની એ જ ઘટમાળ. ઘરથી સ્કૂલ, સ્કૂલથી ટ્યૂશન અને ટ્યૂશનથી ઘર. કોઈ જગ્યાએ મારું મન લાગતું નહોતું. ખાસ કોઈની જોડે વાત કરવાની ઈચ્છા નહોતી થતી. અંદર ખાલીપો લાગતો હતો. ગમે તેમ કરીને ધક્કા મારીને પોતાની જાતને પરાણે સ્કૂલ અને ટ્યૂશન લઈ જતો.
આ અરસામાં મીત પણ મારી પાસે થોડીવાર બેસતો. આસપાસની વાતો કરતો, મારો મૂડ સારો કરવાના પ્રયત્નો કરતો. પણ મને એની વાતોમાં કોઈ રસ નહોતો પડતો. મને જીવન બોજ લાગવા લાગ્યું હતું. સ્કૂલમાં અને ટ્યૂશનમાં ધીમે ધીમે ભણવાનું પ્રેશર વધવા લાગ્યું. નવમાં ધોરણમાં પહેલેથી જ સ્કૂલ અને ટ્યૂશનમાં વીકલી ક્લાસ ટેસ્ટ લેવાનું શરૂ થઈ ગયું હતું. મારા સર્કલના બધા પહેલેથી જ ભણવામાં ઓતપ્રોત થવા લાગ્યા હતા. ટેન આઉટ ઓફ ટેન અને ટ્વેન્ટી આઉટ ઓફ ટ્વેન્ટી લાવવાની રેસ શરૂ થઈ ગઈ. આઠમાં ધોરણમાં સારું રિઝલ્ટ લાવ્યા પછી મારી અંદર પણ એક અલગ ઉત્સાહ જન્મ્યો હતો. મારી ઈચ્છા પણ ક્લાસમાં આગળ રહેવાની હતી. પણ એ જોશ, એ ઉત્સાહ ક્યાંક ખોવાઈ ગયો હતો. મારી શક્તિઓ તૂટી ગઈ હતી. હું કોઈ એક જગ્યાએ વધારે સમય ફોકસ નહોતો કરી શકતો. ક્લાસમાં પણ હું બેધ્યાન થઈ જતો. મન ઘણીવાર અનેક વિચારોથી થાકી જતું. ક્યારેક વિચારશૂન્ય થઈ જતું. આવી હાલતમાં ભણવાનું મને બોજારૂપ લાગવા લાગ્યું. બધી જગ્યાએ પહોંચી ન વળવાથી ખૂબ જ પ્રેશર અને સ્ટ્રેસ ફીલ થવા લાગ્યું. કલાકોના કલાકો હું મારી રૂમમાં ચૂપચાપ બેસી રહેતો.
બે-ત્રણ દિવસ ગયા. પ્રિયંકાના કોઈ મેસેજ ન આવ્યા.
‘એમ પણ એ મેસેજ જોતી જ નથી, તો એને કંઈ પણ કહીને શું ફાયદો છે? જ્યાં સુધી પ્રિયંકાના મેસેજ ના આવે, ત્યાં સુધી એને કોઈ મેસેજ નહીં કરવાનું મેં નક્કી કર્યું. આખા દિવસમાં જ્યારે પણ કંટાળો આવે ત્યારે હું લેપટોપ લઈને બેસી જતો. ફેસબુક, ટ્વીટર પર પણ ખૂબ ટાઈમ પાસ થવા લાગ્યો. ના જરૂરની અને નકામી વાતો અને વસ્તુઓ પર ફોકસ વધવા લાગ્યું. કારણ માત્ર એટલું જ હતું કે એમાં કોઈ દુઃખ આપનાર નથી. પ્રિયંકાની ગેરહાજરીમાં ફરીથી ચેટિંગનો સિલસિલો ચાલુ થયો. કોઈની સાથે ફાવે તો ચેટિંગ લાંબી ચાલે નહીં, તો વાત ત્યાં જ પૂરી થઈ જતી. લગભગ મને કોઈ સાથે મેળ નહોતો પડતો. પણ એક જણ સાથે વ્યવસ્થિત વાત થઈ. એનું નામ હતું રિયા.
‘હાય.’ એક દિવસ અચાનક પ્રિયંકાનો મેસેજ આવ્યો. ફક્ત ‘હાય’ બીજું કંઈ જ નહીં. એટલે મને એવું સમજાયું કે પહેલાની જેમ નક્કી કરેલા ટાઈમે પ્રિયંકા ચેટ માટે તૈયાર હશે જ. સાંજે ટ્યૂશનથી પાછા આવીને સીધો મેં મોબાઈલ હાથમાં લીધો.
‘મિરાજ, આ શું? ઘરમાં પગ મૂક્યો નથી ને મોબાઈલ કે લેપટોપ હાથમાં લીધા નથી.’ મમ્મીએ ફરી એની અકળામણ કાઢી.
‘એ તો ફ્રેશ થવા માટે ફ્રેન્ડ સાથે વાત કરી લઉ કે ગેમ રમી લઉ.’ કાયમ સાચું બોલનારો હું, ધીમે ધીમે સ્વબચાવ માટે ખોટું બોલવા લાગ્યો.
‘સ્કૂલ અને ટ્યૂશનમાં તો બધા મળે જ છે ને? તો પછી ઘરે આવ્યા પછી આટલી બધી શું વાતો કરવાની હોય છે?’
‘મમ્મી, તું નહીં સમજે. ક્યારેક અમારે હોમવર્કની કે કોઈ પ્રોજક્ટની વાત પણ કરવી પડે.’
મિરાજે પસ્તાવાભરી નજરે મીત સામે જોયું. જે વાતનો એને પસ્તાવો હોય એ વાત પર કંઈ બોલવાનું મીતને યોગ્ય ના લાગ્યું.
મમ્મીને લાગતું હતું કે સ્કૂલ કે ટ્યૂશનના ફ્રેન્ડ સાથે વાતો કરું છું. આમ ક્યારેય મમ્મીથી કંઈ નહીં છુપાવનાર મેં ચેટિંગવાળી વાતને મમ્મીથી છુપાવી રાખી હતી. એમ પણ મમ્મી ચેટિંગની દુનિયાને ક્યાં સ્વીકારત.’ મિરાજે મીત સામે જોતા કહ્યું.
એટલામાં મારી નજર મોબાઈલ પર પડી. પ્રિયંકા ઓનલાઈન દેખાઈ. પણ એણે કોઈ મેસેજ ના કર્યો. મમ્મી સામે જ ઊભી હતી એટલે એની સામે વાત કરવાનું શક્ય નહોતું. મમ્મી જલદી રૂમની બહાર જાય તો સારું એવું મને થવા લાગ્યું.
‘પણ તું તો રોજ આમાં જ બિઝી હોય છે. હવે તો ડિનર પણ અમારી સાથે નથી કરતો. વહેલો જમીને બસ રૂમમાં જ ભરાઈ રહે છે.’ મમ્મી આજે મારો વારો કાઢવાના મૂડમાં હતી. એ જલદી બહાર જાય એવો કોઈ અણસાર દેખાતો નહોતો.
‘અરે, એ તો આજકાલ મને સાંજે જ ભૂખ લાગી જાય છે, એટલે વહેલો જમી લઉ છું.’ એક જૂઠને સાચવવા માટે એની પાછળ વધારે જૂઠ બોલવા જ પડે એવો કુદરતી નિયમ છે.
‘તારા પપ્પા પણ પૂછતા હતા, કે આજકાલ તું ઘરમાં કેમ અતડો અતડો રહે છે? કંઈ વાતચીત પણ કરતો નથી.’
‘પપ્પા પોતે જ આખો દિવસ ઘરે નથી હોતા, તો પછી એમને શું ખબર પડે?’ મેં તરત જ તોછડાઈથી જવાબ આપ્યો.
‘પપ્પા જેટલો ટાઈમ ઘરમાં હોય એટલો ટાઈમ તો જુએ છે ને કે તું રૂમમાં જ ભરાઈ રહે છે. પહેલા તો અમારી સાથે થોડીવાર બેસતો પણ હતો અને આજકાલ...’
‘પ્લીઝ મમ્મી. હવે બસ કર. દરેક વાતમાં તને મારી જ ભૂલ દેખાય છે. મને સમજવાને બદલે બસ મારી ખોડ કાઢવામાં જ તને મજા આવે છે. હું તમારી સાથે બેસું તો તમે મારી સાથે એક ભણવાની વાતો કરો અથવા આવા ફ્રેન્ડ્સ રખાય ને આવા ન રખાય એવી શીખામણો આપો. એ સિવાય કોઈ વાતો હોય છે તમારી પાસે? એટલે મને તમારી સાથે કંટાળો આવે છે.’ મેં એકીશ્વાસે બધું કહી નાખ્યું. મારું ધ્યાન પ્રિયંકામાં હતું, એટલે મમ્મી મારો પીછો છોડે તો પ્રિયંકા સાથે કંઈક વાત થાય. એ વિચારે હું વધારે અકળાઈ રહ્યો હતો.
મમ્મીનું દિલ દુભાયું છે, એ વિચાર કરવાનો મારી પાસે ટાઈમ જ નહોતો. મારી દુનિયા મારા સ્વાર્થ પૂરતી સીમિત થઈ ગઈ હતી. મારી આંગળીઓ અને આંખો મોબાઈલ પર ફરવા લાગ્યા.
‘હાય.’ પ્રિયંકાનો મેસેજ ના આવતા મેં જ મેસેજ કર્યો.
‘હેલ્લો.’
‘શું કરે છે?’
‘કંઈ નહીં. તું મેસેજ કરે એની રાહ જોઉ છું.’
‘ઓહ. કેમ તું પહેલા મેસેજ ન કરી શકે?’
‘કરી તો શકું પણ હું તો એ જોઉ છું કે તું કેમ મને મેસેજ નથી કરતો.’ ઊલટા ચોર કોટવાલ કો ડાંટે એમ પ્રિયંકાએ મારો વાંક કાઢયો.
‘વ્હોટ?’ મને આંચકો લાગ્યો પણ અત્યારે પ્રિયંકાને નારાજ કરવાનું મને પોષાય એમ નહોતું. ‘ચલ જવા દે એ બધું. એમ કહે કે એવી કઈ જગ્યાએ ગઈ હતી જ્યાં નેટવર્ક ન મળે.’
‘વી વેન્ટ ફોર અ ટ્રીપ.’
‘વી?’
‘યેસ. હું, મારા કઝીન્ઝ અને એના ફ્રેન્ડ્સ, અમે બધા એક હિલ સ્ટેશન પર ગયા હતા. ત્યાં ઘડી ઘડી ઈલેક્ટ્રિસિટી જતી રહેતી હતી, એટલે ફોન પણ ચાર્જ નહોતો થતો અને બાકીનો ટાઈમ ફરવામાં નીકળી જતો.’
‘ઓહ. મને લાગ્યું કે તું તારા પેરેન્ટ્સ સાથે ગઈ હશે.’
‘ના ભાઈ ના, એમની જોડે થોડી મજા આવે ફરવાની.’
શું કહેવું, એ ના સૂઝ્યું એટલે મેં જવાબમાં ફક્ત સ્માઈલી મોકલ્યું.
‘વી રિયલી એનજોય્ડ અ લોટ.’
‘તું તારા ફ્રેન્ડ્સ સાથે એકલી આમ બે દિવસ ફરવા જાય? આઈ મીન તને ઘરેથી પરમિશન મળે ખરી?’
‘વેલ... ઈટ્સ નોટ ઈઝી. પણ મારાથી પાંચ-છ વર્ષ મોટા કઝીન્સ એમના ફ્રેન્ડ્સ સાથે જતા હતા, એટલે સેફ્ટી માટે એ લોકો હતા જ ને. મારી ફ્રેન્ડ રિયા પણ સાથે આવી હતી. આમ તો મારા પપ્પા હા પાડે એવા નથી, પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ જવાની પરમિશન આપી.’
‘વ્હોટ અ કો-ઈન્સિડન્ટ! મારી પણ હમણાં એક નવી ફ્રેન્ડ બની. એનું નામ પણ રિયા જ છે.’
‘ઓહ, તો મારી એબસન્સમાં તે નવી ફ્રેન્ડ પણ બનાવી લીધી?’ પ્રિયંકાએ પંચ મારતું હોય એવું સ્માઈલી મોકલ્યું.
‘કમ ઓન.’
‘સો વ્હોટ્સ ન્યૂ?’ પ્રિયંકાએ પૂછ્યું.
‘કંઈ ખાસ નહીં. બે દિવસથી બહુ કંટાળી ગયો છું.’
‘કેમ?’
‘તને પછી આરામથી કહીશ.’
‘ઓ.કે.’
‘તો તારા કઝીન્સના ફ્રેન્ડ્સ બધા બોય્સ હતા કે ગર્લ્સ પણ હતી?’ મારાથી પૂછ્યા વિના ના રહેવાયું.
‘હા. એ લોકો ત્રણ બોય્સ અને બે ગર્લ્સનું ગ્રુપ હતું અને હું અને મારી ફ્રેન્ડ.’
‘આઈ હોપ ધ બોય્સ વર ડીસન્ટ લાઈક મી.’ મેં હસતા હસતા આડકતરી લીધે ઈન્કવાયરી કરી લીધી.
‘બોય્સ આર નેવર ડીસન્ટ.’ પ્રિયંકાએ મજાકમાં જવાબ આપ્યો અને આંખ મારતી એક સ્માઈલી મોકલી.
એનો આશય શું હતો, એ તો મને ન સમજાયું પણ એની મજાક મને ભારે પડી. મને અંદર અંદર ગુસ્સો આવવા લાગ્યો કે પ્રિયંકા ગમે તેવા છોકરાંઓ સાથે બહાર કેમ ફરે છે?
પ્રિયંકાએ એના બે-ત્રણ ફોટા પણ મોકલ્યા.
‘તો તારે ના જવું જોઈએ ને એ લોકો સાથે.’ મેં વાતને સીરિઅસલી લઈ લીધી.
પ્રિયંકાને ખબર ના પડી કે મેં સીરિઅસલી કહ્યું કે મજાકમાં.
એટલામાં ફોટા ડાઉનલોડ થતા જ મેં જોયા અને તરત જ બીજો મેસેજ કર્યો.
‘સોરી ટૂ સે પ્રિયંકા, ડોન્ટ ફીલ બેડ. પણ તું આવા કપડાં પહેરીને આમ બધાની સાથે ફરે એ મને જરાય ગમ્યું નહીં.’
‘મારા કપડાંમાં શું બૂરાઈ છે? આવું તો મને મારા મમ્મી-પપ્પા પણ નથી કહેતા.’
‘પ્લીઝ ટ્રાય ટૂ અન્ડરસ્ટેન્ડ. તું માને છે એવા છોકરાંઓ સીધા નથી હોતા.’ આ મેસેજ કરતી વખતે મારી આંખો સામે નિખિલ અને શિવાંગીના ચહેરા હતા.
‘મને મારું સારું-ખરાબ ખબર પડે છે. હૂ આર યુ ટૂ ટેલ મી. યૂ હેવ નો રાઈટ.’
હું ચૂપ થઈ ગયો. અત્યાર સુધી જે પ્રિયંકા મને માન આપતી હતી, મારા વખાણ કરતી હતી અને જેને હું મારી સૌથી સારી ફ્રેન્ડ સમજતો હતો, એણે આમ અચાનક મારું આવું ઈન્સલ્ટ કરી નાખ્યું.
‘તે મારો આખો મૂડ ખરાબ ખરી નાખ્યો. હું થાકેલી હતી, તો પણ તારી સાથે વાત કરવા જ જાગતી હતી.’
પ્રિયંકા ગુસ્સામાં ધડાધડ જે મનમાં આવે એ ટાઈપ કરી રહી હતી. મારી પાસે એની વાતનો કોઈ જવાબ નહોતો. મને તો એ જ સમજાતું નહોતું, કે મારી આટલી નાની વાત માટે એ આટલી બધી ચિડાઈ કેમ રહી છે? શું એને કંઈ પણ કહેવાનો મને હક્ક નથી? હું તો એના સારા માટે જ કહું છું ને?
‘આઈ વોઝ સો એક્સાઈટેડ ટૂ શેર ઓલ ધીઝ વિથ યૂ. તને છોડીને મારા બધા જ ફ્રેન્ડ્સે મને કહ્યું કે હું બહુ સરસ લાગું છું. મારા ડ્રેસીસ બહુ સ્ટાઈલીશ છે. યૂ આર વેરી નેરો માઈન્ડેડ.’
‘યૂ આર ટેકિંગ મી રોંગ. આઈ એમ જસ્ટ થિકિંગ અબાઉટ યોર સેફ્ટી.’
‘આઈ ડોન્ટ નીડ યોર એડવાઈઝ. આઈ એમ મેચ્યોર ઈનફ ટૂ ટેક કેર ઓફ માયસેલ્ફ!’
‘તને ખરાબ લાગ્યું હોય તો સોરી.’ પહેલીવાર અમારા બંનેમાં ઝઘડો થયો. પણ મારે પ્રિયંકાને ગુમાવવી નહોતી. વાતને આગળ વધતી અટકાવવા મેં સામેથી જ એને ‘સોરી’ કહી દીધું. વાસ્તવમાં મને પ્રિયંકાના વર્તનથી ઠેશ પહોંચી હતી પણ એની મેં પ્રિયંકાને ખબર પડવા ના દીધી.
થોડા દિવસ સુધી અમારા બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી. એક દિવસ પ્રિયંકા અને રિયા બંને એક જ ટાઈમે ઓનલાઈન હતા. પ્રિયંકા સાથે વાત ચાલુ હતી ત્યાં જ રિયાનો મેસેજ આવ્યો.
‘હાય મિરાજ. હાઉ આર યૂ.’ રિયાએ સેડ સ્માઈલી સાથે મેસેજ મોકલ્યો.
‘હાય. આઈ એમ ફાઈન.’
‘ઈટ્સ બીન અ વાઈલ યૂ ડિડ નોટ ટોક ટૂ મી.’
‘હમમ. આઈ વોઝ લિટલ બિઝી.’
‘અબ મેં તીન-ચાર દિનો તક બાત નહીં કર પાઉંગી.’ રિયાએ રડતું સ્માઈલી મોકલીને કહ્યું.
‘ઓહ? ક્યું?’
‘મેરે ભાઈ કા ફોન ખરાબ હો ગયા હે તો મેરા ફોન ઉસકે પાસ હી રહેગા.’
મેં સેડ ફેસવાળું સ્માઈલી મોકલ્યું.
એક બાજુ પ્રિયંકાના મેસેજ પર મેસેજ આવી રહ્યા હતા અને બીજી બાજુ રિયાના! હું રિયાને રિપ્લાય કરું, ત્યાં સુધીમાં પ્રિયંકાને દસથી બાર મેસેજ મોકલી દીધા.
‘હેલ્લો... વેર આર યૂ?’
‘આઈ એમ હિયર ઓન્લી.’
‘વાય આર યૂ નોટ આન્સરિંગ?’
‘અરે, આઈ એમ ટોકિંગ ટૂ રિયા ઓલ્સો.’
‘રિયા? કોણ રિયા?’
‘મે તને કહ્યું હતું ને?’
‘હા, યાદ આવ્યું.’
બે મિનિટ પછી પ્રિયંકાનો મેસેજ આવ્યો.
‘તું રિયા સાથે જ વાત કરી લે. બાય.’
‘ના, એવું નથી. હું એને એ જ સમજાવતો હતો કે પછી વાત કરીએ પણ...’
‘પણ શું? એ વધારે ઈમ્પોર્ટન્ટ હોય તો એની સાથે જ વાત કર ને.’
‘અરે યાર, તું કેમ દરેક વાતમાં ચિડાઈ જાય છે?’
‘હું ક્યાં ચિડાઉ છું. હું તો તને મારાથી ફ્રી કરું છું.’
બીજી બાજુ રિયાના મેસેજ ચાલુ જ હતા.
‘હેલ્લો...’
‘ડૂ યૂ નો આજ મેરા એક્સિડન્ટ હુઆ ઔર પૈર મેં પ્લાસ્ટર લગ ગયા.’ એણે પોતાના પાટાના ફોટા પણ પાડીને મોકલી દીધા.
‘ઓ.કે.' મેં મેસેજ વાંચ્યા વિના જ ઓ.કે. લખ્યું.
‘ઓ.કે.??? મેરા ફ્રેક્ચર હો ગયા ઔર તુમ્હે કોઈ ફર્ક નહીં પડતા??’
‘સોરી. મૈને અભી મેસેજ દેખા.’ મેં રિયાને જવાબ આપ્યો.
‘જોયું, થઈ ગયો ને રિયા સાથે બિઝી... ચલ બાય.’ મને રિપ્લાય કરતા વાર લાગી, એટલે પ્રિયંકા ભડકી ગઈ.
‘યાર, તમે છોકરીઓ વાતનું વતેસર બનાવી દો છો.’
‘એને ફ્રેક્ચર થયું છે એટલે જસ્ટ એની તબિયત કેમ છે એ પૂછતો હતો.’
‘તું તો કહેતો હતો કે તારા સિવાય મારી બીજી કોઈ સારી ફ્રેન્ડ નથી. તો પછી રિયા માટે આટલી સહાનુભૂતિ કેમ દેખાડે છે?’
‘અરે બાબા, તું જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એની સાથે મારે એટલી વાતચીત થતી જ નથી. એ તો બસ તું ટ્રિપ પર ગઈ હતી, ત્યારે એની સાથે ટાઈમ પાસ ખાતર વાત કરી હતી.’
‘કોને ખબર મારી સાથે પણ ટાઈમ પાસ જ કરતો હોઈશ!’
‘પ્લીઝ પ્રિયંકા, તારે આ રીતે જ વાત કરવી હોય તો પછી મારે વાત નથી કરવી. મેં ક્યારેય તને ટાઈમ પાસ ફ્રેન્ડ નથી સમજી. મારી દરેક વાતનો તું ઊંધો જ અર્થ કાઢે છે.’
‘ચલ બાય, હમણાં મારો મૂડ નથી તારી સાથે વાત કરવાનો.’ આટલું કહીને પ્રિયંકા ઓફલાઈન થઈ ગઈ.
‘અરે યાર...’ મે ટેબલ પર હાથ પછાડ્યો.
પ્રિયંકાના મનમાં પણ જેલસી અને નેગેટિવિટી શરૂ થઈ ગઈ હતી. એને પણ એવું જ લાગવા લાગ્યું હતું, કે એનો એકલીનો જ મારા પર હક્ક રહે અને એ કહે એમ જ મારે કરવાનું. રિયાના મેસેજ ચાલુ જ હતા.
‘સોરી રિયા, આઈ કાન્ટ ટોક ટૂ યૂ રાઈટ નાઉ.’ મેં એને કહ્યું.
‘નો પ્રોબ્લેમ.’
‘ઈઝ એનિથિંગ રોંગ વિથ યૂ?’
‘નો. ઓલ વેલ.’
‘આઈ ફીલ ધેટ યૂ આર હાઈડિંગ સમ થિંગ ફ્રોમ મી.’
‘નો. નથિંગ.’
‘હાઉઝ પ્રિયંકા?’ રિયાએ અચાનક એવું પૂછી લીધું જેનો શું જવાબ આપવો?
‘ઉસસે ઝઘડા તો નહીં હુઆ ન?’ રિયાએ સ્માઈલી મોકલ્યું.
‘તુમ્હે કૈસે પતા ચલા?’
‘મૈને તો ઐસે હી પૂછ લિયા.’
મારો મૂડ તો ખરાબ જ હતો પણ રિયાને દુ:ખ ન થાય એ માટે એની સાથે જેમ તેમ થોડી ઘણી વાતચીત કરી અને પછી એને ‘બાય’ કહ્યું. પ્રિયંકા પાછી ઓનલાઈન થશે એવી આશામાં થોડીવાર બેસી રહ્યો, પણ પ્રિયંકા ઓનલાઈન ના થઈ.