નિતુ : ૪૩ (ટાઈમ્સનું પુનરાવર્તન)
નિતુ અચંબો પમાડે એવી ઘટનાને અનુભવીને કેન્ટીનમાં પહોંચી. અહીં છૂટક બે ત્રણ કર્મચારીઓ સિવાય કોઈ હતું નહિ. નિતુ જઈને એક ટેબલ પર બેઠી. થોડીવારે વિદ્યા ત્યાં આવી પહોંચી.
"હેવ યુ ઓર્ડર અનેથિન્ગ?" આવતાની સાથે વિદ્યાએ પૂછ્યું.
નિતુની તંદ્રા તૂટી અને સ્વસ્થ થતાં તે બોલી, "ના."
વિદ્યાને કેન્ટીનમાં જોઈને પોતાનું બધું કામ છોડીને ટ્રેમાં બે પાણીની બોટલ લઈને જસ્સી દોડતી આવી, "મેડમ પાણી."
"ત્રણ કોફી લઈને આવ." વિદ્યાએ તેને કહ્યું. જસ્સી તે બંનેની સામે વારાફરતી જોઈને ના સમજતા પૂછવા લાગી, "મેડમ... ત્રણ...?"
"હા ત્રણ."
"ઠીક છે." કહેતી તે ચાલી ગઈ. તેના ગયા પછી એ જ સવાલ નિતુએ પૂછ્યો, "સોરી મેડમ, પણ ત્રણ કોફી! ત્રીજી કોના માટે?"
વિદ્યાએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, "નિતુ લૂક, હું તને એક માણસ સાથે મળવવા માટે અહીં લાવી છું."
"કોણ છે તે?"
"મેં તને કહેલું કે લગ્ન પછી તું આવીશ ત્યારે તારું કામ બદલાય ગયું હશે. તારું નવું કામ શું છે? અને તારે કોની સાથે કામ કરવાનું છે? એ બધું કહેવા માટે હું તને અહીં લાવી છું."
પોતાની દરેક વાત વિદ્યા જાતે કરે એવા આશય સાથે જાણે તે ખુરશીને ટેકવીને બેસી ગઈ અને મૌન સાધ્યું. વિદ્યાએ તેની વાત પુરી કરતાં કહ્યું, "તને ખબર જ હશે નવીન વિશે?"
નિતુએ પોતાની સ્મરણ શક્તિ પર જોર લગાવ્યું અને આજ સુધી નવીનની સાંભળેલી તમામ વાત તેને તાજી થઈ. જોકે આજ સુધી તે તેને મળી નહોતી. ઓફિસમાં તેનું નામ ખુબ પ્રચલિત થઈ ચૂક્યું હતું. કારણ માત્ર એક જ હતું. જે રીતે નિતુએ આવતાની સાથે પોતાની કાબિલિયત સાબિત કરી એ જ પ્રકારે નવીન પણ ખુબ હોંશિયાર નીવડ્યો. એના કારણે તેનું પ્રમોશન વહેલી તકે થયું હતું. થોડાં જ સમયમાં તેનું બીજીવાર પ્રમોશન થયું અને તેને ઓપરેટરના આસિસ્ટન્સ તરીકે સિલેક્ટ કરાયો. નિતુનું પ્રમોશન કરી જ્યારે તેને ઓપરેટર બનાવવામાં આવી ત્યારે નવીનને તેનો આસિસ્ટન્સ બનાવી દેવાનું વિદ્યાના મનમાં પહેલેથી પ્લાનિંગ હતું.
વિદ્યાના મુખેથી નવીનનું નામ સાંભળ્યા બાદ નિતુને નવીન યાદ આવ્યો. જોકે આજ સુધી તે બંને ક્યારેય મળ્યા નહોતા, માટે વિદ્યાએ બંનેની મુલાકાત કરાવી તેને તેનું કામ સમજાવવા આ નાનકડી મિટિંગ ગોઠવી.
"હા... યાદ છે મને. નવીન કોટડીયા, થોડા સમય પહેલા જ તેનું પ્રમોશન થયું હતું." નિતુએ જવાબ આપ્યો.
વિદ્યાએ આગળ કહ્યું, "અને એ જ નવીનને મેં અહીં મળવા બોલાવ્યો છે."
વિદ્યાએ પોતાની વાત પુરી કરી કે તે પણ ત્યાં આવી પહોંચ્યો. "હેલ્લો મેમ." કહેતો તે તેઓની બાજુમાં ઉભો રહ્યો.
"નવીન, પ્લીઝ હેવ અ સીટ." વિદ્યાએ તેને બેસવાનો ઈશારો કર્યો અને બેસતાં બેસતાં નિતુ સામે જોઈ તે બોલ્યો, "હોલ્લો મેમ." તેને ઝીણી નજરે જોતી નિતુ નિઃશબ્દ રહી.
વિદ્યાએ કહ્યું, "નવીન, મીટ હર, શી ઈજ મિસ નીતિકા ભટ્ટ અને નીતિકા આ નવીન છે."
તેણે નિતુ સામે હાથ લંબાવ્યો અને તેણે તેની સાથે હાથ મિલાવ્યો, નવીન ઉત્સાહ પૂર્વક બોલ્યો, "હાય નીતિકા, ઓફિસમાં મોટા ભાગના લોકો તમને નિતુ કહે છે, એમ આઈ રાઈટ?"
નવીને નિતુ પ્રત્યે કરેલા આવા વ્યવહારને જોઈને વિદ્યાના ચહેરાનો ભાવ બદલાય ગયો. તેણે થોડી કડકાઈ સાથે કહ્યું, "તેનું નામ નીતિકા ભટ્ટ છે. કોલ હર નીતિકા મેમ. તું એનો આસિસ્ટન થવાનો છે. તેના હોદ્દાનું ધ્યાન રાખ." વિદ્યાએ એવું શુ કામ કહ્યું એ નિતુ જાણતી હતી માટે તેને કશું અજુગતું ના લાગ્યું.
નવીન આંખોમાં થોડી શરમ ભરતાં બોલ્યો, "સોરી મેમ."
જસ્સી કોફીના ત્રણ કપ લઈને આવી. નિતુએ એક કપ કોઈ જાતના વિચાર કે આગ્રહ વિના જાતે લઈ લીધો. બોસ વિદ્યા હતી પરંતુ દ્રશ્ય જોનારને એવું લાગે કે બોસ નિતુ છે. નવીનને કૌતુક થતું હતું પરંતુ કહેવા જેવું કશું હતું નહિ, એક ઓફિસની ચીફ હતી અને બીજી તેની થનાર ચીફ.
વિદ્યાએ હાથમાં કપ લેતા વાત આગળ વધારી. "નિતુ! તું જે પ્રમાણે કામ કરી રહી હતી એ જોઈને તારાથી આ કંપનીને ઘણી આશા જાગી છે. ઈનફેક્ટ જો સાચું કહું તો આ કંપનીના ક્લાયન્ટને ઘણી આશા છે. એટલા માટે તને ચીફ ઓપરેટર તરીકે નીમવામાં આવી છે. ટાઈમ્સમાં છેલ્લા ઘણા સમયથી નવીન પણ સારું પરફોર્મન્સ આપી રહ્યો છે, જેથી તેનું પ્રમોશન કરી તારો આસિસ્ટન્ટ બનાવવામાં આવ્યો છે. કાલ સુધીમાં તમારા બંનેનું પર્સનલ ટેબલ તૈય્યાર થઈ જશે. ત્યાં કોઈ પણ જાતના વધારાના ડિસ્ટર્બન્સ વગર તમે આરામથી તમારું કામ કરી શકશો."
નવીન તેને કહેવા લાગ્યો, "મેડમ તો કામ તો કાલથી શરૂ થશે, તો પછી આજે...?"
કપ પોતાના હોઠથી અલગ કરતા વિદ્યા કટાક્ષ સાથે બોલી, "મને હતું જ મિસ્ટર નવીન, કે તમે આવો ફાલતુ સવાલ જરૂર પૂછશો." એક શ્વાસ લઈને તેણે પોતાની વાત ફરી આગળ વધારી, "આપણે મિસ્ટર શર્મા સાથે એક કોન્ટ્રાકટ સાઈન કર્યો હતો, જે મુજબ તેણે આપણી કંપની સાથે અમુક પ્રિન્ટેડ એડ્સ આપવાનો અને એક લોન્ગ તથા એક શોર્ટ એમ બે ટીવી એડ્સ બનાવવાનું નક્કી કર્યું હતું. કોઈ કારણોસર તેણે એડ ફિલ્મ માટે આનાકાની કરી છે. મને ડર છે કે તેઓ વિડિઓ એડ્સ ડિટેઇન કરી શકે છે. તમારા બંનેનું પહેલું કામ એ છે કે તમે મિસ્ટર શર્મા પાસે જઈને તમામ હકીકત જાણો અને જો તે આ માટે રેડી ના હોય તો એને રેડી કરો. જાણવા મળ્યું છે કે કોઈ કારણથી તેને ટાઈમ્સ માર્કેટિંગ પરથી વિશ્વાસ ઉડી ગયો છે. જો એવું હોય તો એને વિશ્વાસમાં પુનઃ લેવાની જવાબદારી તમારી બંનેની રહેશે."
"ઓકે મેમ." નિતુએ ખાત્રી પૂર્વક જવાબ આપ્યો. નવીનને આ અંગે શંકા હતી કે એક મલ્ટીનેશન કંપનીના માલિક સાથે મુલાકાત કરીને એને સમજાવવો શક્ય થશે ખરા? પરંતુ નિતુના બે શબ્દ સામે કશું બોલવાની તેની હિંમત નહોતી. તેનો જવાબ સાંભળી વિદ્યા પોતાની કેબીન તરફ પરત ફરી. કોફીનો અંતિમ ઘૂંટ ભરીને નિતુ ઉભી થઈ કે નવીને કહ્યું, "અઅ..." તે ઉભી રહી અને તેની પીઠ પાછળથી નવીનના શબ્દો આવ્યા, "નાઇસ ટુ મીટ યુ મેમ."
તેના તરફ ફરીને તે બોલી, "ફોર્માલિટીની જરૂર નથી મિસ્ટર નવીન કોટડીયા. કાલથી આપણે સાથે જ કામ કરવાનું છે. રેડી રહેજે, હું વધારે રાહ નહિ જોઉં. અડધી કલાકમાં ગેટ પર મળીયે. મિસ્ટર શર્માની ઓફિસે જવાનું છે."
તે ચાલી ગઈ, તેના ગયા પછી નવીન પોતાના નેણ ઊંચા કરતા મનમાં બોલ્યો, "એટલો બધો એટીટ્યુડ!"
પોતાના ડેસ્ક પર પહોંચી નિતુ બધું ચેક કરવા લાગી. તેનું બધું જ કામ તેણે સબમિટ કરી દીધેલું હતું. બસ બાકી રહેલા થોડાક પેપર, તેનું કમ્પ્યુટર અને પર્સનલ નોટ્સ સિવાય કશું હતું નહિ. તેણે ચેક કરી જેટલું કામનું હતું એ બધું એકલઠુ કર્યું અને વધારાનું હતું એ બાજુમાં રાખેલી ડસ્ટબીનમાં ફેંક્યું.
"આ તું શું કરી રહી છે?" અનુરાધાએ પૂછ્યું.
પાછળથી ભાર્ગવ માથું ઊંચું કરી બોલ્યો, "તને હજુ ખબર નથી અનુરાધા? નિતુને નવું ડેસ્ક અપાયું છે. એ પણ પર્સનલ. નવા ડેસ્ક પર સેટ અપ થવાની તૈય્યારી કરી રહી છે."
"ઓહો.. શું વાત છે!"
નિતુ તેઓના હાસ્ય વિનોદનો આનંદ લેતા કશું કહ્યા વિના જ તેઓની સાથે હસી રહી હતી. એટલામાં ચેક કરી રહેલા પેપરમાંથી એક પેપર તેના હાથમાં લાગ્યું. ઘડી પાડીને ચાર વખત વળેલા પેપરને તેણે ખોલ્યું અને ઝડપથી પાછું ફોલ્ડ કરી દીધું. તેના ચેહરા પરનું સ્મિત ગંભીરતામાં ફેરવાઈ ગયું.