અમે તુલસીને લઈને હોસ્પિટલ પહોંચી ગયા હતા. દીપ્તિ ખૂબ જ નાની હોય આથી બંને બાળકોને પડોશમાં મૂકીને અમે આવ્યા હતા. તુલસી ખૂબ જ ચિંતા કરતી હતી. એની ચિંતા ને દૂર કરવા માએ એને હિંમત આપતા માતાજીને પ્રાર્થના કરવાનું કહ્યું હતું. તુલસીને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ત્યારે હું એની પાસે ઉભો હતો. મેં એની હિંમત વધારતા મારા હાથમાં એનો હાથ લઈ એને કહ્યું," સિંહની જોડે સિંહણ જ શોભે સસલી નહીં! આથી આવી ઢીલી વાતો વિચારજે નહીં. હિંમત રાખ અને માએ કહ્યું એમ માતાજીનું સ્મરણ કર."
"મારી વાત સાંભળી સહેજ હસતા ચહેરે એણે મારા હાથની પકડ મજબૂત કરી મારી વાતને સ્વીકારી હતી."
ડોક્ટર એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. તુલસીનું ઓપરેશન શરૂ થઈ ગયું હતું. બાળકની પરિસ્થિતિ સારી હતી પણ માતાને ખુબ ખુન પડી રહ્યું હોવાથી અત્યંત નાજુક હાલતમાં તુલસી હતી. ડોક્ટરે બહાર આવીને પરિસ્થિતિની જાણ કરતા કહ્યું કે, "બાળક તો સહી સલામત છે પણ માના જીવને સહેજ જોખમ દેખાઈ રહ્યું છે. એને કદાચ લોહીની બોટલ પણ ચડાવવી પડે કાગળમાં લખેલ માહિતી મુજબ લોહીની વ્યવસ્થા કરી રાખવી પડશે."
ડોક્ટર સુચના આપીને ઓપરેશન થિયેટરમાં જતા રહ્યા હતા, પણ હવે મને પણ સહેજ મનમાં ફાળ પડ્યો હતો. માનો ચહેરો પણ સહેજ ચિંતાતુર થઈ ગયો હતો. માને તુલસીના આખરી શબ્દો યાદ આવતા એ હવે ખરેખર ડરી રહી હતી. માએ મને તરત જ કહ્યું, "તુલસીને સારું તો થઈ જશે ને? એ જતા જતા પણ જો ને કેવી વાત કરી રહી હતી? મને તુલસીને ખૂબ ચિંતા થઈ રહી છે. એને કંઈ થશે તો આ ત્રણેય બાળકો મા વગર કેમ જિંદગી વિતાવશે!"
મા ખૂબ ચિંતામાં આવી ગઈ હતી માના ચહેરે પરસેવો આવી ગયો હતો. માએ મને તરત જ કહ્યું, "બેટા તું જરા પણ ચિંતા ન કરજે હું માતાજીને પ્રાર્થના કરું છું, હું માતાજીને કહીશ મારું આયુષ્ય તુલસીને આપી દો! ભલે મારો જીવ લઈ લે, પણ તુલસીને બચાવી લે! માતાજી અવશ્ય તુલસીને સલામત રાખશે. તું જરા પણ ગભરાતો નહીં મારા આશીર્વાદ હંમેશા તમારા લોકોની સાથે જ છે."
"અરે માં તું કેમ હિંમત હારે છે? તુલસીને કંઈ જ નહીં થાય. અને તારે પણ આવું કંઈ જ બોલવાનું નથી. હજુ તો હમણાં તું તુલસીને સમજાવી રહી હતી અને હવે તું આવું બધું બોલે છે? બસ.. મા હવે તારે કંઈ જ બોલવું નથી."
"બેટા મને લાગે છે કે માતાજી એ મારી પ્રાર્થના સાંભળી લીધી! દીકરા તું મને હસતા ચહેરે વિદાય આપ! મારો અંતિમ સમય મને નજરમાં આવી રહ્યો છે."
માનુ શરીર ખૂબ ખૂબ ઠંડુ પડી રહ્યું હતું. એમના ચહેરા પર ખૂબ પરસેવો પણ વળી ગયો હતો. મને અંદાજો આવી ગયો કે, માં ને ફરી હૃદયનો હુમલો થયો લાગે છે. મેં તરત જ ડોક્ટરને સાદ પાડ્યો.
હું માને હિંમત આપી રહ્યો હતો. પણ મા મનથી હારી ચૂકી હોય એવું મને લાગી રહ્યું હતું. મા એ મારો હાથ પકડી રાખ્યો હતો. એને કંઈક કહેવું હતું પણ બોલી શકાતું નહતું એ હું સમજી ચૂક્યો હતો. મેં તરત જ માને કહ્યું,"તું કાંઈ ચિંતા ન કર હમણાં ડોક્ટર આવે જ છે તને એકદમ સરસ થઈ જશે."
હું માને હિંમત આપી રહ્યો હતો એ જ સમયે મુકતા૨ પણ આવી ચૂક્યો હતો. માએ મારો હાથ એના હાથમાં મુક્યો અને જાણે ઈશારામાં મારી જવાબદારી મુક્તારને સોંપી રહી હોય એમ કહી રહી હતી. મા આશીર્વાદ આપતી હોય એમ હાથ ઊંચો કર્યો અને અચાનક જ હે મા! શબ્દના સ્વર સાથે માનો હાથ ઢીલો થઈ પડી ગયો હતો.
ડોક્ટર હાજર થઈ ગયા હતા. એમણે માની તપાસ કરવા અંદર રૂમમાં માને લઈ ગયા હતા. તેમણે તરત જ પૂછ્યું, "આ બહેનને હૃદયની તકલીફ હતી?"
મેં કહ્યું "હા, એમની દવા પણ ઘણા સમયથી ચાલુ હતી. અને નિયમિત દવા પણ લે છે."
"મને માફ કરશો! પણ.. હવે આ બેન આ દુનિયામાં રહ્યા નથી એમને હૃદયનો ભારેથી અતિ ભારે હુમલો થવાથી એમનું હૃદય બંધ પડી ગયું છે. આ બેન મૃત્યુ પામ્યા છે."
ડોક્ટરના શબ્દો સાંભળતા હું એકદમ ઢીલો પડી ગયો હતો. મા વિનાનું જીવન હું કલ્પી શકતો નહતો. મારી આંખમાંથી આંસુઓની ધાર વહેવા લાગી હતી. મૂકતારે મને આશરો આપી બહાર બાંકડે બેસાડ્યો હતો. હું કંઈ જ બોલી શકું એવી પરિસ્થિતિમાં નહોતો.
ઓપરેશન થિયેટરમાંથી એક નર્સ બહાર આવી અને એણે કહ્યું, "બેને એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને હવે સલામત છે. બહેનને જે તકલીફ હતી એ અંકુશમાં આવી ગઈ છે. એમના જીવનું જોખમ ટળી ગયું છે. ખુબ સરસ સુંદર પુત્રના તમે પિતા બન્યા છો, આપને ખુબ ખુબ વધામણા!"
મારા તરફથી કોઈ જ પ્રત્યુતર ન મળતા એ બહેન વિચારમાં પડી ગયા કે, ભાઈ કેમ આવી રીતે સુનમુન બેઠા છે! એમણે મુક્તારને પૂછ્યું," ભાઈ ની તબિયત સારી નથી? પહેલા માડી ક્યાં છે મારે એ માડીને વધામણા આપવા છે."
મુક્તારે ફક્ત ઈશારો કરીને જ એ રૂમ તરફ આંગળી કહી કહ્યું "માડી ત્યાં છે."
એ બહેન તરત જ એ રૂમમાં જઈને જોઈ આવ્યા, પરિસ્થિતિનો એને અંદાજ આવી ગયો હતો. એ પણ ખૂબ જ ગમગીન થઈ ગયા હતા. મારી પાસે આવીને એટલું જ બોલ્યા, " માડીનો ખૂબ દિવ્ય આત્મા હતો, એમનું આયુષ્ય પુત્રવધુ ને આપીને તેઓ મોક્ષ પામ્યા છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે!"
હું મનમાં જ વિચારી રહ્યો, ભગવાનની લીલા કેવી છે, એ વધામણા આપવા આવેલી નર્સ માની આત્માને માટે પ્રાર્થના સાથે શોક કરતી પરત ફરી હતી. એક તરફ ખુશીની ઘડી હતી તો બીજી તરફ મારી જિંદગીની અત્યંત અત્યંત દુઃખદાયક ઘટના! આ પરિસ્થિતિમાં હું ખુશ થાવ કે, મારા મનમાં મા માટે થતો શોક વ્યક્ત કરું! કુદરતે મને એવી પરિસ્થિતિ પર લાવીને મૂકી દીધો કે, મારા બાળકની છત્રછાયા તો સહી સલામત રહી પરંતુ મારી ઉપરથી માનો છાંયડો છીનવાય ગયો હતો. હું શાંત બેઠેલો હતો પણ મારા મનની અંદર અત્યંત લાવા ફાટી નીકળ્યો હતો. આજે ફરી મને કુદરતના ન્યાય ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. મનમાં થયું કે હું, તુલસીને માના સમાચાર કેવી રીતે આપીશ? અનેક ચિંતાઓ મારા મન પર સવાર થઈ ચૂકી હતી. પળભળમાં જ જે ખુશી મળવાની હતી એની સાથો સાથ દુઃખદ ઘટના પણ બની ગઈ હતી.
મુક્તારે મને હિંમત આપતા કહ્યું,"તું આમ ઉદાસ થઈશ તો આવનાર પરિસ્થિતિની સામે કેમ લડી શકીશ? તારે ખૂબ હિંમત રાખવાની છે! તુલસી પણ નાજુક સમયમાં છે, તારે એને પણ સાચવવાની છે. તું એના પર ધ્યાન આપ. હું મા માટેની બધી ફોર્માલિટી પૂરી કરું છું. અને ટેલિગ્રામ દ્વારા બધાને સમાચાર પણ પહોંચાડી દઉં છું. જે થવાનું હતું એ થઈ જ ચૂક્યું છે, પણ આવનાર બાળક અને નવો જીવ પામનાર તુલસીની ખાસ દેખરેખ રાખવાની છે. એમાં પણ આ વખતે એને ઓપરેશન કરેલું છે આથી ત્રણ દિવસ એને હોસ્પિટલમાં જ રહેવું પડશે! તું આમ હિંમત રાખીશ તો કેમ બધું ભેગું થશે?
વિવેક આ પરિસ્થિતિનો કેમ સામનો કરશે?તુલસીને માના મૃત્યુના સમાચાર મળતા એની કેવી પરિસ્થિતિ હશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏