Chelli Mulakat in Gujarati Love Stories by Priyanka books and stories PDF | છેલ્લી મુલાકાત

Featured Books
Categories
Share

છેલ્લી મુલાકાત

પ્રેમએ કોઈ જાણી-વિચારીને થતી ઘટના નથી,એ તો બસ થઇ જાય છે અને એક વાર થઇ ગયા પછી બસ એ વ્યક્તિ સાથે થતો જ રહે છે અને વધતો રહે છે.

આજે એ દિવસ ને 7 વર્ષ વિતી ગયા જ્યારે મેં છેલ્લી વખત તમને જોયા હતા. બધા યુગલો ની જેમ આપડે પણ સાથે જીવવા-મરવાની કસમો ખાધેલી હતી. એકબીજા થી થોડા સમય ની જુદાઈ પણ આપડને વર્ષો જેવી લાગતી હતી અને જુઓ ને આજે 7 વર્ષ થઈ ગયા તમને જોયે પણ હજુ ખબર નથી કે એ દિવસ આવશે કે નઈ જ્યારે આપડે એકબીજા નો ચહેરો જોઈ શકીશુ?       

આરુષી અત્યારે એની ઓફિસે બેઠા બેઠા અચાનકથી એના ભુતકાળમાં એક આંટો મારી આવી. એ તો શુ જાણે એ દિવસોએ ફરીથી જીવી આવી. આ દિવસ એ ઘણી વાર યાદ કરતી, એને એમ થતું કે એ જીંદગી જ હવે મરી પરવારી છે જ્યા એ ખરેખર પોતાને ગમતું જીવન જીવતી હતી. અત્યારે લગ્ન પછી પણ એને કોઈ વાતનુ દુઃખ નથી પણ હવે જેવી આશા અપેક્ષાઓ અને લાડ જે અથર્વ પાસે કરતી હતી હવે નથી કરાવતી. સાચું કહીએ તો જીવન ની આટા-પાટી વચ્ચે એવો સમય પણ નથી રહેતો કે એ મન ભરી ને જીવી શકે, એટલે જીવતી તો ફકત એના ભુતકાળ માં જઈ ને. પહેલા જ્યારે એ બધા દિવસો યાદ કરતી તો એનાથી રડી જવાતું જયારે હવે એના ચહેરા પર મુસ્કાન આવે છે કેમકે એ દિવસો ના સહારે તો અત્યારે એની પાસે જીવવા જેવું કઈક બચ્યું છે.          

આજે ઓફીસમાં બેઠા બેઠા ફરીથી એ એના ભૂતકાળમાં ખોવાયેલી છે. એક હાથ માં કોફી છે અને બીજા હાથ માં કોમ્પુટરના માઉસને પકડેલો છે. બંને હાથ સહજ રીતે પોતાનું કામ કરે છે પણ આરુષી તો અત્યારે પહોંચી ગઈ છે સેક્ટર-૨૮ ના ગાર્ડનમાં અથર્વ જોડે. એ દિવસને યાદ કરતાજ આરુષીના ચહેરા પર આંસુનું એક નાનું બુંદ ખરી પડ્યું જાણે એ બધું અત્યારેજ એની સામે બની રહ્યું હોઈ. એને બરાબર એ દિવસ યાદ હતો. બપોરનો એ સમય હતો. ચોમાસું હવે એના વિદાયની તૈયારીઓ કરતુ હતું. કયાંક ક્યાંક આછાં ભીના થયેલા રસ્તા અને ભીની માટીની ખુશ્બૂ, પક્ષીઓનો કલરવ અને સરસ મજાના ઉગેલા ફૂલો આ બધું એક મુવીના રોમેન્ટીક સીન માટે કાફી હતું પણ આ બંને પ્રેમી-પંખીડાઓને આ બધું આજે દેખાતું જ નહોતું કેમકે બંને આજે છેલ્લી વાર એકબીજાને મળી રહ્યા હતા. અથર્વ આગળ એકઝામની પ્રીપેરેશન માટે હૈદરાબાદ જવાનો હતો અને આરુષિને અહીજ રહી ને એની રાહ જોવાની હતી. ૬-મહિના, બસ આટલોજ સમય હતો જુદાઈનો પણ બંને માટે તો એ ૬-સદી બરાબર હતું એમ આરુષી અથર્વના ખભા પર પોતાનું માથું ઢાળીને દુખી હૃદયે બેઠી હતી. લગભગ 10-મિનિટ વીતવા આવી પણ બન્ને બસ આ જ સ્થિતિ માં એકબીજા નો હાથ પકડી ને બેઠા હતા. વચ્ચે વચ્ચે અથર્વ આરુષિ ના હાથ ને પ્રેમ થી ચૂમી લેતો ને ક્યારેક એની ઉડતી લટોને કાન પાછળ સરકાવીને એના ચહેરાને જોવા નીચી નજર કરી કપાળ ને ચૂમી લેતો. અથર્વ જાણતો હતો કે હુ મારી પરીક્ષા ની તૈયારી કરવામાં વ્યસ્ત થઈ જઇશ પણ આ દિવસો આરુષિ માટે અઘરા હશે.   

                ઘણો સમય આમ ને આમ વિતવ્યા પછી અથર્વએ આરુષિને પોતાનાથી દૂર કરી. થોડી વાર આરુષિ ના ચહેરાને એના બન્ને હાથમાં લઈને એના ચહેરા ને જોયા કર્યો. સુંદર નાની આંખો જે અત્યારે ઘણું બધુ કહી રહી હતી ને વરસી રહી હતી. ગુલાબી હોઠ અને થોડો બહાર આવતો એક દાંત જેના પાછળ અથર્વ ફિદા હતો. કેટલીયે વાર આરુષિ અથર્વને કહેતી કે મારે સર્જરી કરાવીને એ દાંતને સીધ્ધો કરાવવો છે પણ અથર્વ એની એક ના સંભાળતો. આજે પણ એ આરુષિના જડેલા હોઠોમાથી થોડો દેખાતો હતો. અથર્વને આરુષિને આ સ્થિતી માં ચૂમી લેવાની ઈચ્છા થઈ પણ આજુબાજુ થોડો કોલાહલ હતો એટલે એણે આરુષિને એનાથી થોડી અડગી કરી. અથર્વએ આરુષિને કહ્યું, ‘આરુ, ચલ આઈસ્ક્રીમ ખાવા જઈએ પછી સાંજ ની બસમાં વિદ્યાનગર માટે નિકળવુ પડશે નહીંતર મોડુ થઈ જશે’. આરુષિની આંસુઓ રોકેલી આંખો ફરીથી થોડી વહેવા માંડી. એને બસ એ જ વિચારો આવતા હતા કે એ અથર્વને મળી નઈ શકે અને પહેલા જેવી લાંબી વાતો પણ નઈ કરી શકે. એ આ બધુ કેમ મેનેજ કરશે? છતા પણ એ અથર્વ ને આમ દુઃખી હૃદયે જવા દેવા નહોતી માંગતી.

અથર્વ- આરુ, જો હુ જાવ ને પછી પ્લીઝ રડતી નઈ. આજે તો હુ વિદ્યાનગર જઈશ અને સામાંન પેક કરી ને જૂનાગઢ માટે નીકડીશ. અઠવાડિયા પછી મારી ટ્રેન છે હૈદરાબાદ ની અમદાવાદ થી, પણ એ રાત્રે છે એટલે  તારે આવવાનુ નથી અને હા, ભણવામા ધ્યાન આપજે, તારી પરીક્ષા નજીકમા જ છે એટલે ભણવામાં પુરતુ ધ્યાન આપીને સારા માર્કસ લાવવાના છે નહિતર તારા ઘરે ફરીથી તારા લગ્નની વાતો થવા માંડશે. મારે હજુ ભણી ને આઈઆઈટીમા એડમિશન લેવું છે અને સારી નોકરી મેળવ્યા પછી તારા પપ્પા પાસે તારો હાથ માંગવો છે એટલે કૃપા કરીને ત્યા સુધી કોઈ સમસ્યાના આવે એનુ ખાસ ધ્યાન રાખવાનુ છે.

અથર્વનો જો કે દર વખતે લગભગ આ જ ડાયલોગ રહેતો કેમકે આરુષિ એક રૂઢીચુસ્ત પરિવારમાથી આવતી હતી જ્યા એનુ ભણવાનું ત્યા સુધીજ ચાલુ રહેવાનુ હતું જ્યા સુધી આરુષી સારા માર્કસ લાવી અને વધુ અભ્યાસ માટે એના પપ્પાને અને ભાઈને મનાવી ના લે. એવુ નહોતુ કે આરુષિના પરિવારમા એની કોઈ કિંમત નહોતી કે ભણવાનું મહત્વ નહોતુ. એ એના પરિવારમા બોવ લાડકોડથી ઉછરેલી હતી છતાય એના સમાજમાં દિકરીઓંના કોલેજ પછી લગ્ન લેવાઈ જતા જ્યારે આરુષિ વધુ અભ્યાસ ગાંધીનગર હોસ્ટેલમા રહીને કરતી હતી. એના પપ્પા માટે એના કુટુંબની આબરુ વધુ મહત્વની હતી છતાય એની દિકરી પ્રત્યેનો એમનો પ્રેમ અવિરત વહેતો હતો. આ બધુ અથર્વ જાણતો અને સમજતો પણ હતો કે એના સમાજ માં બીજા સમાજના દિકરા સાથે લગ્નતો દુર પણ જો સાથે જોઈ પણ ગયા તો હાથ-પગ બાંધીને મારતા કે મારી નાખતા એક વાર પણ વિચાર નઈ કરે એટલે એ થોડો ડરતો પણ હતો કેમ કે તે મમ્મી-પપ્પાનું એકમાત્ર સંતાન હતો.

થોડી ઘણી વાતો કરીને અથર્વ આરુષિને એની હોસ્ટેલથી થોડે દૂર વળાંક સુધી મુકી આવ્યો. એ દુર સુધી આરુષિને જતી જોઈ રહ્યો અને ઘડી ઘડી એના ભીના થતા ગાલને લૂછી રહ્યો હતો. આરુષિના ગયા પછી અથર્વ બસમા વિદ્યાનગર જવા નીકળ્યો અને બસમાં બેસીને તરત આરુષિ ને વોટ્સએપ પર મેસેજ કર્યો,

મારી પ્રિય આરુ,

વ્હાલી, તારી આંખો માં જાણે હું ખોવાય જ ગયો,

મહેરબાની કરીને રડતી નઈ પ્રિયે,

તારા આ આંસુઓ ને હવે ના વહેવા દઈશ,

એ આંસુ ને લુંછવા પાસે હુ નથી,

તુ એ કેમ ભૂલે છે મારી વ્હાલી?

તારા માં જ તો હુ છુ, ને મારા માં તુ,

બસ હવે થોડા સમયની જ તો વાત છે,

પછી તો બસ તુ અને હુ જ છીએ,

સાથે જીવવાનુ છે ને સાથે જ મરવાનુ પણ.            

                 આટલુ ટાઈપ કરી ને અટક્યો અને ‘સાથે જ મરવાનુ’ એ ડીલીટ કરી નાખ્યુ કેમકે અત્યારે આરુષિને આવુ કહીને વધુ દુઃખી કરવા માંગતો નહોતો. મેસેજ કરીને જવાબની રાહ જોતો એ બારીની બહાર જોવા લાગ્યો. આ બાજુ આરુષિ રૂમ પર આવીને બાથરૂમમા જઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. આજે એની રૂમમેટ્સ ને પણ ખબર હતી કે આવુ થવાનુ છે કેમકે એ લોકો આ બંનેના પ્રેમના સાક્ષી હતા. થોડો સમય રહીને એ રૂમમાં રહેવાને બદલે સીડી પર જઈને બેઠી. આ જગ્યા ઘણી બધી યાદો ની સાક્ષી હતી. આરુષિ અને આથર્વના ઝઘડા કે બંને વચ્ચેના પ્રેમભર્યા સંવાદ બસ આ જ જગ્યા જાણતી હતી. મોબાઈલમા રહેલો અથર્વનો મેસેજ વાંચીને ફરી આંખો માં આંસુ આવી ગયા અને લખ્યું…

મારુ સર્વસ્વ,

સાથે જીવવાનુ તો છે જ આપડે, પણ જો મૃત્યુ નજીક આવે તો બસ ભગવાનને એ જ પ્રાર્થના કે મને એક દિવસ વહેલુ આવે કેમકે તમાંરા વગરનો એક દિવસ પણ હવે કલ્પી શકુ એમ નથી. બસ આ 6 મહિના છે જેમા આપડે એકબીજાને મડી નહીં શકીએ પણ આ માધ્યમથી આપડે જોડાયેલા તો રહીશુ અને ચિંતા ના કરશો હુ ખુશ છુ કેમકે મારો જીવનસાથી મારી સાથે કાયમ રહી શકવાના પ્રયત્નો કરે છે. IIT તમારુ સપનું છે એને પુરું કરવુ એ મારુ પણ એક સ્વપ્ન છે. તમાંરે હવે આપડા બંને માટે મહેનત કરવાની છે ને પરીક્ષા મા પાસ થાઈ ને આઈઆઈટી મા એડમિશન લેવાનુ છે. અથર્વ તમાંરા પર મને પુરો વિશ્વાસ છે કે તમે પ્રવેશ લઈને જ રહેશો. બાકી બધાની ચિંતા મુકીને તમે બસ તમાંરી પરીક્ષાની તૈયારી કરો.

તમાંરી જ,

આરુ      

        થોડી ઘણી મેસેજની આપ-લે કરી અને બંને એકબીજામાં ફરીથી ખોવાય જાય છે. રાતે આરુષિના પપ્પાનો આરુષી પર ફોન આવે છે. રોજ આ સમયે આરુષિની એના ઘરે ફોન પર લાંબી વાતો થતી. આખા દિવસમાં શું થયું એ બધુંજ એ એના પપ્પાને જણાવતી. ટૂંકમાં અથર્વ સિવાયનું બધુજ એના પપ્પાને ખબર હતી. આરુષીનો ઢીલો અવાજ સાંભળીને એના પપ્પાએ એનું કારણ પૂછ્યું જે આરુષીએ થાક છે એમ કહીને ટૂંકમાં વાત પતાવી ફોન મૂકી દીધો.

        આમ ને આમ એક મહિનો પણ વીતી ગયો. અથર્વ અને આરુષી મન લગાવીને પોતપોતાના ભણવા પર ધ્યાન આપી રહ્યા હતા અને સમય મળ્યે થોડી-ઘણી વાતો પણ કરી લેતા. બંનેને પોતાના પ્રેમ અને માતા-પિતા પર પૂરો વિશ્વાસ હતોકે બંને એક દિવસ સાથે હશે. સમય વીતતો ગયો, અથર્વએ આઇઆઇટીની પરીક્ષા પણ આપી દીધી અને પોતાના ઘરે પાછો પણ આવી ગયો.

        એક દિવસ બંને જણા ગાર્ડનમાં બેઠા હતા. આજે તેઓ અથર્વના આવ્યા પછી પ્રથમ વખત એકબીજાને મળી રહ્યા હતા. અથર્વએ હૈદરાબાદથી લાવેલું એક બ્રેસલેટ આરુષિના હાથમાં પહેરાવી હાથ ચૂમી લીધો. બંને જણા બેસીને પોતાના ભવિષ્યના સપનાઓ જોતા હતા. અચાનક આરુષીએ અથર્વને પૂછ્યું, “અથર્વ, જો તમારે મારા અને તમારા સપનામાંથી કોઈ એકની પસંદગી કરવાની થઇ તો તમે કોની કરો?” અચનાકથી પૂછેલા આવા પ્રશ્નથી અથર્વ થોડી વખત મુંજાઈ ગયો પણ થોડા સ્વસ્થ થઈને એને કહ્યું, ”જો આરુ, તું મારો પ્રેમ છે. તારા વગરના જીવનની હું કલ્પના પણ નથી કરી શકતો. આઇઆઇટી મારું સ્વપ્ન છે એના માટે મેં રાત-દિવસ જોયા વગર મહેનત કરી છે. પણ આઇઆઇટી મારું, તારું અને મારા મમ્મી-પપ્પાનું પણ સપનું છે જે મારે કોઈ કાળે પૂરું કરવું છે.” આરુષિને આ જવાબની ખબરજ હતી કે અથર્વ માટે એનું કેરીઅર ખુબ મહત્વનું છે અને એને મનોમન નક્કી કરી લીધું કે એ એના કેરીઅરમાં ક્યારેય રુકાવટ નઈ લાવે.

        થોડો સમય થયો હશે ત્યાંજ અથર્વના ફોનમાં રીંગ આવી. અથર્વના બદલાયેલા હાવભાવને કુતુહલતાથી આરુષી જોઈ રહી હતી અને સમજી ગઈ કે અથર્વનું અત્યારે રીઝલ્ટ આવ્યું લાગે છે. ફટાફટ ફોન મૂકી અને અથર્વ એનું રીઝલ્ટ ચેક કરવા લાગ્યો. રીઝલ્ટ જોઈ અને ખુશીથી રીતસરનો ઉછળી પડ્યો અને આરુષીને બાહોમાં લઇ અને હોઠ પર તસતસતું ચુંબન આપી દીધું. અથર્વએ એક્ઝામ ક્લીઅર કરી હતી અને પૂરી શક્યતાઓ હતી કે અથર્વને આઇઆઇટીમાં એડમીશન મળી જાય.

        આ બાજુ અથર્વએ આપેલા જવાબ અને આવનારી પરિસ્થિતિ થી આરુષી બરાબર વાકેફ હતી. આરુષિના ભણવાનું પૂરું થઇ ગયું હતું અને અમદાવાદમાં જ પી.જી. માં રહીને એક કંપનીમાં જોબ કરતી હતી. એના માટે આમ પણ ઘણા બધા માંગા આવી ગયા હતા પણ કોઈને કોઈ કારણ આપીને એ ના પાડતી જતી હતી. તેને ખબર હતી કે લાંબો સમય આ નથી ચાલવાનું પણ એ રાહ જોતી હતી કે અથર્વને આઇઆઇટીમાં એડમીશન મળે એટલે એ એના ઘરે વાત કરી લે પણ એ ધારીએ એટલું સહેલું નહોતું. બની શકે કે એના મમ્મી-પપ્પા થોડી આનાકાની પછી માની પણ જાય પરંતુ જો ના મને તો આરુષિની જોબને પણ બંધ કરાવી અને કોઈ બીજા સાથે લગ્ન પણ કરાવી શકે છે સાથે સાથે અથર્વ કે અથર્વના મમ્મી-પપ્પાને પણ સહન કરવાનું આવી શકે છે. આ બધું વિચારતા જ એના આખા શરીરે ધ્રુજારી ફરી વળી. એને નક્કી કરી લીધું કે કોઈ પણ ભોગે હજુ આ સંબંધ વિશે ઘરે કહેવું નઈ અને ૨ વર્ષ કઈપણ રીતે કાઢી લેવા જે એટલું સહેલું પણ નહોતું.

        અથર્વને હજુ તેની કોલેજ શરુ થવાને વાર હતી. એ દિવસોમાં એ થોડું એના ઘરે, અમદાવાદ આરુષિને મળવામાં  અને એના મિત્રો સાથે વિતાવતો હતો. એને તો ખબર શુદ્ધા નહોતી કે એને ગાર્ડનમાં કીધેલી વાત આરુષીના જીવનમાં આંધી લાવી મુકશે.

        એક દિવસ આરુષિના પપ્પાનો ફોન આવ્યો એ ખુબ ખુશ જણાતા હતા અને કેમ ના હોય! એમની દીકરી માટે ક્લાસ-૧ ઓફિસરનું માંગું આવ્યું હતું. વિગતવાર બધી વાત કરવામાં એના પપ્પાનું એ વાત પર ધ્યાનજ ના ગયુ કે આરુષી સામે રડતી હતી. આરુષી અત્યાર સુધી તો કોઈને કોઈ બહાનું આગળ ધરી દેતી અને આગળ વાતને અટકાવી દેતી પણ આજે ના પાડવા માટે કોઈ બહાનું નહોતું. એક-બે વાર તો એને આનાકાની કરી જોઈ પણ પપ્પાએ ચોખ્ખું કહી દીધુકે આવતા રવિવારે એને જોવા માટે દીકરાવાળા આવશે અને પછી ફોન મૂકી દીધો. હજુ ફોન મુક્યો ત્યાંજ ફરી ફોનની રીંગ વાગી અને સ્ક્રીન પર અથર્વનું નામ જોતા આસુંને અને મનને કાબુ માં લઈને ફોન ઉપાડ્યો.

અથર્વ- આરુ, મારી વ્હાલી, શું કરે છે? કાલે હું આવું છું અમદાવાદ તને મળવા અને પરમદિવસે સવારે ફ્લાઈટ છે મારી ધનબાદ માટે. તને ખબર છે આજે હું ખુબ ખુબ ખુશ છું કે આપડું સપનું હવે ધીમે ધીમે સાચું પડતું જાય છે. બસ બે જ વર્ષ પછી હું કાયમ માટે તને મારી સાથે જ રાખીશ. એક પળ માટે પણ તને હું મારાથી જુદી નઈ કરું. કાલે અખો દિવસ ફરીશું અને પછી બને તો સવારે મને મુકવા આવજે.

અથર્વ બોલે જ જતો હતો અને આરુ શું કેવું શું નઈ એ વિચારોમાં હતી. એને સમજ નહોતી પડતી કે આ પરિસ્થિતિમાં એ શું કરે. છતાં આંસુને કાબુમાં રાખી અને એને વાટ ટૂંકમાં પતાવી. એને નક્કી કરી લીધું હતું કે જે પણ થશે એમાં એ અથર્વના ભણવાને નહી બગાડે. એ અથર્વને કશું જ નહી કહે. એના વિચારપટ પર છેલ્લા થોડા મહિનામાં એની સાથે થયેલી ઘટનાઓ સામે આવતી ગઈ અને કાઈક હ્રદયમાં એને વાગતું રહ્યું. પીડાઓ થતી રહી, એ રડતી રહી. ઉપર આકાશને જોઇને ફરીયાદો કરતી રહી પણ હવે એના હાથમાં કશું નહોતું. એને નક્કી કરી લીધું કે આ વિશે અથર્વને નહી જણાવે. મગજ પરનો એનો કાબુ છૂટતો ગયો અને એનાથી એક ના લેવાનો નિર્ણય લેવાઈ ગયો.

બીજા દિવસે એ વહેલા પરવારીને તૈયાર થઇ ગઈ. એની આંખોએ અને એણે પોતે નવો ચહેરો બનાવી લીધો જાણે કાલે કશું જ બન્યું ના હોય. એ અથર્વને મળવા માટે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગઈ. બંનેએ અખો દિવસ એકબીજામાં જ વિતાવ્યો. અથર્વ ખુશ હતો કે ખબર નહિ પણ જે ફક્ત આરુષિના શ્વાસ માત્રથી એનો મૂડ પારખી જનારો આજે આરુષિની ઉદાસીને ના પારખી શક્યો.

વહેલી સવારે આરુષી અથર્વ સાથે એરપોર્ટ પહોંચી. આજે એ થોડી અસ્વસ્થ હતી. ૨ દિવસથી જાણે ઊંઘ એનાથી ક્યાય છેટી હતી. અથર્વ જાણતો હતો કે આરુષી ફક્ત એના ચહેરા સામે જ જોયા કરતી હતી. એને અથર્વનો હાથ એકદમ કસીને પકડ્યો હતો. અથર્વને લાગ્યું કે આજે એ જવાનો છે એટલે એ આટલી દુખી છે. જવાનો સમય થઇ ગયો. અથર્વએ પ્રેમથી આરુષિને પોતાની નજીક કરી અને એના કપાળને ચૂમી લીધું. કદાચ અથર્વનો પ્રેમ કે એનો સ્પર્શ પણ આરુષીએ સંઘરી રાખેલા આંસુઓ વહેવા માંડ્યા. થોડી વાર એની પીઠ પસરાવતો અથર્વ એને ભેટીને ઉભો રહ્યો. એના માટે પણ આરુષીથી અલગ થવું સહેલું નહોતું, એ કોઈ પણ કાળે ભણીને આરુષિને મેળવી લેવા માંગતો હતો. એકબીજાને આઈ લવ યુ કહીને અથર્વ એરપોર્ટની અંદર ગયો. આરુષી એને જતો જોઈ રહી અને એક બંધનની ગાંઠને છોડતી રહી. એને ખબર હતી કે હવે કદાચ એ અથર્વને નઈ જોઈ શકે. આરુષીએ છેલ્લે સુધી અંદર જતા અથર્વને મન ભરીને નિહાળી લીધો અને પોતાના રૂમ તરફ જવા નીકળી ગઈ. એને આવનારા સમયની ખબર હતી પણ વિધિના લેખ એના માટે કઈક જુદા જ લખાણા હતા જેનાથી એ તદ્દન બેખબર હતી. એને બસ અથર્વ સાથેની છેલ્લી મુલાકાત જ દેખાતી હતી જે છેલ્લી છે એ અથર્વને ખબરસુદ્ધાં નહોતી.