Sindbad ni Saat Safaro - 2 in Gujarati Adventure Stories by SUNIL ANJARIA books and stories PDF | સિંદબાદની સાત સફરો - 2

Featured Books
Categories
Share

સિંદબાદની સાત સફરો - 2

2.

પછી બીજે દિવસે મોડી સાંજે સહુ મિત્રો અને હિંદબાદ સમક્ષ સિંદબાદે પોતાની પહેલી સફરની વાત શરૂ કરી.

એણે કહ્યું કે એના પિતા પાસે સારી એવી સંપત્તિ હતી. તેમનું અકાળે અવસાન થયું અને સિંદબાદ મોજશોખ અને રખડવામાં એમાંની ઘણી ખરી સંપત્તિ ગુમાવી બેઠો.

હવે તેણે ઐયાસીને બદલે પિતાની જેમ વેપાર કરવા નિર્ધાર કર્યો. કેટલાક વેપારીઓએ તેને એના દેશ ઈરાક અને શહેર બગદાદ માં થતી અમુક વસ્તુઓ ખરીદી વહાણમાં દરિયો ખેડી દૂર દેશમાં એ વસ્તુઓ વેંચવા સૂચવ્યું. 

 બચેલી મૂડીમાંથી સિંદબાદે એ રીતે માલ ખરીદ્યો અને પહેલી ખેપમાં નીકળી પડ્યો.

 તેમનું જહાજ ઈરાન તરફ જઈ રહ્યું હતું. ઈરાનનો દરિયાકાંઠો માંડ સિત્તેર માઈલ પહોળો પણ અઢી હજાર માઈલ લાંબો છે. તેમનું જહાજ અમુક મહત્વનાં બંદરે થોભ્યું અને વેપાર કરી આગળ વધ્યું. એ દરમ્યાન દરિયાઈ મુસાફરીની ટેવ ન હોઈ સિંદબાદ બીમાર પણ પડ્યો પણ સારો થઈ ગયો.

 બહુ લાંબો વખત મુસાફરી કર્યા પછી તેમને એક લીલથી આચ્છાદિત લીસ્સો ટાપુ દેખાયો. ટાપુ હતો તો ખૂબ નાનો.

વહાણના કપ્તાને સહુને આ ટાપુ પર ફરી આવવા અને પગ છૂટો કરવા જવાની છૂટ આપી. સહુ એ ટાપુ પર ગયા અને એની ઠંડી લિસ્સી જમીનને વરસાદી કાદવ સમજી તેના પર ટહેલવા લાગ્યા. સાંજ પડી. કેટલાક યાત્રીઓએ એ ટાપુ પર જ વહાણમાંથી લાકડાં લાવી રસોઈ કરવા નક્કી કર્યું. તેઓએ એ મુજબ કરી અગ્નિ પ્રગટાવ્યો. પવનની દિશા અનુકૂળ હોઈ જ્વાળાઓ ઊંચી થવા લાગી. તેઓ રાંધવાની વસ્તુઓ અગ્નિમાં નાખવા જાય ત્યાં તો એ ટાપુ જ ત્રાંસો થઈ દરિયામાં ગરકાવ થવા લાગ્યો.

 સહુએ ભયના માર્યા ‘ભાગો..’ કહેતાં દરિયામાં ઝંપલાવી વહાણ તરફ જવા માંડ્યું. તેઓ જેને ટાપુ માનતા હતા એ વિશાળકાય વ્હેલની પીઠ હતી! લોકો ફર્યા કર્યા ત્યાં સુધી વ્હેલને ખબર ન પડી પણ જેવો અગ્નિ પોતાની પીઠ પર પ્રગટ્યો એ સાથે વ્હેલે બચવા માટે  દરિયામાં ઊંડી ડૂબકી લગાવી!

 સાથી ખલાસીઓ પૈકી કેટલાક વ્હેલ પરથી પડી સીધા ઊંડા સમુદ્રમાં ડૂબી ગયા તો કેટલાક નજીક જ રહેલ વહાણ તરફ હવાતિયાં મારતા જવા લાગ્યા પણ કોઈ પહોંચી શક્યું નહીં. એવામાં સિંદબાદના હાથમાં એક લાકડું આવી ગયું. તેની ઉપર સુઈ તે હાથપગ હલાવતો લાકડાંને સહારે તરવા લાગ્યો. સતત હાથ પગ હલાવ્યા કરવાને કારણે તે ખૂબ જ થાકી ગયો. એણે મોતની આ સ્થિતિમાં અલ્લાહને સંભાર્યા.

 થોડે જ દૂર હવે સાચો ટાપુ દેખાયો. તેની ઉપર ઊંચાં વૃક્ષો અને ખડકો પણ દેખાયાં. સિંદબાદ જેમતેમ કરી તરતો તરતો ત્યાં પહોંચી ગયો. ખૂબ તીવ્ર ઢાળ ચડી તે સપાટ જમીન પર  આવી સૂઈ ગયો.

 તેણે જાગતાં જ જોયું કે આસપાસ કેટલાક માણસો ફરે છે.  કેટલીક સરસ ઘોડીઓ પણ ત્યાં ચરતી જોઈ. તેઓ સિંદબાદની પાસે આવ્યા. તેને ખાવાનું આપ્યું અને ઓળખાણ પૂછી. સિંદબાદે  પોતાની આપવીતી કહી અને એ લોકો આવા એકાંત ટાપુ પર શું કરે છે તે પૂછ્યું.

 તેઓને એક જાણીતાં રાજ્યના રાજાએ મોકલ્યા હતા. આ ટાપુ નજીક સમુદ્રી ઘોડાઓ વસતા હતા. તેઓ કાંઠે આવી તેમની ઘોડીઓ સાથે સમાગમ કરતા જેથી એ બે જીવોનાં મિલન દ્વારા ઉત્તમ ઘોડા પેદા થાય. મુશ્કેલી એ હતી કે સમાગમ પછી સમુદ્રી ઘોડાઓ ઘોડીઓને દબાવી, પાંસળાં કચડી મારી નાખતા. એટલે એમની રતિક્રીડા પતે કે તરત જ એ લોકો હોકાટા પડકારા કરતા સમુદ્રી ઘોડાઓને ભગાવી મૂકતા.

એમાં ખુદ રાજાની ઘોડી સાથે કોઈ સમુદ્રી ઘોડાએ મિલન કર્યું. એ મારી નાખવા જાય તે પહેલાં  વ્હેલના અનુભવથી પ્રેરાઈ કોઈ કાંટાળી મજબૂત ચીજ સળગાવી તેનાથી સિંદબાદે ઘોડા પર પ્રહાર કર્યો. ઘોડો ભાગી ગયો અને ઘોડી મુક્ત થઈ. એ ખૂબ કિંમતી ઘોડી હતી.

ઈનામ અપાવવા એ લોકો સિંદબાદને  પોતાની સાથે તેમના દેશમાં તેમના રાજા પાસે લઈ ગયા.  અત્યંત હિંમત અને ચપળતાથી પોતાની ઉત્તમ ઘોડી બચાવવા બદલ રાજાએ તેને જોઈતી વસ્તુઓ ઉપરાંત ઘણું ઈનામ આપ્યું. તેને બગદાદ જતાં કોઈ વહાણમાં રવાના કરવા કહ્યું.

 એ ટુંકી મુસાફરીમાં સિંદબાદે ત્રણસો હાથ લાંબી, ખૂબ ઊંચું કૂદતી માછલીઓ, એક હાથ લાંબી અને ઘુવડ જેવાં મોં વાળી માછલી જોઈ. એક મોટી વ્હેલની ઊલટી ભેગી કરી તેમાંથી કિંમતી અંબર મેળવ્યું.

 આખરે  તેને એક વહાણ મળ્યું જે બગદાદ જતું હતું. તેના પર એ રાજાના લોકોએ તેને ચડાવી દીધો. થોડો વખત એમાં મુસાફરી કર્યા પછી એ વહાણના સામાન સાથે એને એક મોટું બાચકું દેખાયું જેના ઉપર પોતાના જ અક્ષરોમાં તેનું પોતાનું નામ સિંદબાદ લખેલું. તેણે પોતે જ સિંદબાદ છે એમ કહ્યું.

 વહાણનો કપ્તાન શાનો માને? એ કહે તું કોઈ મોટા વેપારીના માલ પર તારો દાવો કરી રહ્યો છે.

સિંદબાદે તેની પહેલી સફરમાં વ્હેલ માછલી પર આગ વાળો પ્રસંગ કહ્યો અને એમાં પોતે એકલો બચ્યો એ વાત કહી. તેણે અન્ય રાજ્યમાં પોતે ગયો એની વાત કહી. કપ્તાન અને વહાણના અધિકારીઓ સમજ્યા અને સિંદબાદ ખૂબ ધન અને નવી કમાયેલી કે ભેટ મળેલી વસ્તુઓ સાથે ફરીથી બગદાદ પહોંચ્યો. 

 “તો આ રીતે એક જ સફરમાં બે ત્રણ વખત મોતનાં મુખમાંથી બચી હું આવ્યો અને બે પાંદડે થયો. મેં સામેથી આવી પડેલ જોખમમાંથી રસ્તો કાઢ્યો, સાહસ કર્યું અને બુદ્ધિ વાપરી. એનો બદલો નસીબે ચોક્કસ મને આપ્યો એ બદલ અલ્લાહની શુક્રિયા.”

આમ કહી તેણે વાત પૂરી કરી.

મિત્રો અને હિંદબાદ, આખી સભા મૌન થઈ તેને સાંભળી રહી.

તેણે હિંદબાદને ખાવાનું અને કપડાં વગેરે આપી કાલે ફરીથી બીજી સફરની વાત સાંભળવા આવવા કહ્યું.

ક્રમશ: