નિતુ : ૩૭ (લગ્ન)
નિતુએ દરવાજા તરફ દોડ લગાવી અને દરવાજે ગાડી આવીને ઉભી રહી. એ તરફ જેનું ધ્યાન હતું એ દરેક જોવા આતુર હતા કે આ કોણ છે? જેને જોઈને નીતિકા આટલી હરખાઈને તેને લેવા માટે દરવાજા સુધી જતી રહી. થોડીવારે ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી કોઈ ઉતરે એ પહેલા જ હસતા મોઢે બે હાથ જોડીને નિતુ તેનું સ્વાગત કરવા લાગી.
તેમાંથી પહેલા બે પગ બહાર આવ્યા. સફેદ રંગની હાઈ હિલ્સ વાળી જુતી, આછા ગુલાબી રંગથી રંગેલા નખ વાળા પેલ ઈવોરી રંગના હાથે દરવાજો પકડી તે સ્ત્રી બહાર આવી. જોનારની આંખો ફાટી જાય એવું રૂપ અને એવો શણગાર. સમારોહમાં સૌથી અલગ. કેસ્ટોલેટન ગ્રીન કલરનો ઇન્ડિયન સ્ટાઈલનો સિલ્કી લૉંગ મેક્સી ડ્રેસ, જેમાં હાથેથી કરેલું આરી વર્ક અને આબેહૂબ પણે લટકાવેલા લટકણ. ઉપરથી સફેદ રંગનો હાથ કારીગરાઈનો બંગાળી સ્ટાઈલનો ફરતો વીંટાળેલો દુપટ્ટો. એ દુપટ્ટાનું અને જૂતીનું મેચિંગ કરેલું. કાનમાં ડબલ શેડની મીડીયમ સાઈઝની હૂપ ઈયરિંગ્સ. ખુલ્લા કાળા ભમ્મર કેશ જે ઉપરથી અડધે સુધી સીધા અને અડધેથી નીચે સુધી વળ ચડાવેલા વાંકડિયા, જાણે કોઈ સ્પ્રિંગની જેમ એના હલતા મસ્તક સાથે લાંબા ટૂંકા થઈને રમત રમી રહ્યા.
નીચે ઉતરતાની સાથે તેણે નિતુને સ્મિત આપી નમન કર્યું, જાણે તેના સ્વાગતને સહર્ષ સ્વીકારી લીધું હોય. અંદર આવવાનું કહીને નિતુએ તેને આગળ કરી.
તેના તરફ નજર રાખીને ઉભેલા ભાર્ગવે બાજુમાં ઉભેલા અશોકને કોણી વડે ઠોંસો માર્યો અને હલ્દી રસમ જોવામાં મશગુલ અશોકનું ધ્યાન તૂટ્યું. તેને પોતાની આંખો વડે ઈશારો કરીને જોવા કહ્યું. અશોકે જોયું તો તેની નજર ચોંટી ગઈ. બાજુમાં ઉભેલી સ્વાતિ બોલી, "શું તમે લોકો એ જ જોઈ રહ્યા છો જે હું જોઈ રહી છું?"
"મને તો વિશ્વાસ નથી આવતો!" ખુલ્લા મોં સાથે ભાર્ગવ બોલ્યો.
"હા સાચે ભાર્ગવભાઈ! તેને આવી રીતે તો મેં પહેલીવાર જોયા છે." અશોક પણ આશ્વર્ય સાથે બોલ્યો.
એટલામાં કૃતિ જ્યાં બેઠેલી ત્યાં તે આવી પહોંચ્યા અને શારદા સાથે પરિચય કરાવતા નિતુ બોલી, " આ મારા મમ્મી છે અને મમ્મી, આ અમારા હેડ છે, વિદ્યા મેડમ."
બધાની વચ્ચે ઉભેલી વિદ્યાને આ રીતે સજેલી સૌએ પહેલીવાર જોયેલી. એના દરેક સ્ટાફ મેમ્બર તેની સામે જોતા રહી ગયા. તેઓને વિદ્યાના આવા રૂપ પર વિશ્વાસ નહોતો બેસતો. આમ તો વિદ્યાએ એક ઉંમર વટાવી દીધેલી, પરંતુ તેને આ વાતથી કોઈ ફરક નહોતો પડતો. બત્રીસ - તેત્રીસ વર્ષની વિદ્યા આજે પણ ખીલેલા તાજા ફૂલ જેવી લાગતી હતી. એમાં પાછો આજનો શણગાર, એટલે જાસૂદના ફૂલમાંથી ઉપસી આવેલી પરાગની કળી.
સ્વાતિએ ધીમેથી તેઓને કહ્યું, "આજ સુધી આપણે મેડમને ખાલી સુટમાં જોયા છે. વધીને ક્યારેક કોઈ વેસ્ટર્ન ડ્રેસ. પરંતુ આજની તો વાત જ અલગ છે."
"સાચે સ્વાતિ." ભાર્ગવ અને અશોક એક સાથે બોલ્યા.
શારદા સાથે પરિચય કરી તે સ્ટેજ પર ગઈ અને કૃતિને ગાલ પર બે આંગળી જેટલી હલ્દી લગાવી સ્મિત આપતી તે પાછી નીચે ઉતરવા લાગી, કે નિતુએ તેને ત્યાં જ રોકી અને બંને બહેનોએ તેની સાથે ફોટોઝ લીધા. નિતુએ એક પછી એક એમ કરતા તેના તમામ પરિવાર સાથે તેની મુલાકાત કરાવી. સામે પડેલી ખુરસીઓમાંથી એક ખુરસી આગળ લઈને તેણે વિદ્યાને બેસવાનો આગ્રહ કર્યો. તે બેઠી કે તેણે અનુરાધા પાસે જઈને કહ્યું, "મેડમ અહીં બેઠા છે. જોજે જરા, કોઈ તાણ ના રહે."
તેણે તેને હા ભણી એટલે વિદ્યા સામે સ્મિત આપતી નિતુ પોતાની બહેન કૃતિ પાસે જતી રહી. તેની તો બધી ચિંતા દૂર થઈ ગઈ હોય એમ નિશ્ચિન્ત થઈને તે પ્રસંગમાં ભળી ગઈ. જો કે જોવા જેવી એક બાબત એ પણ હતી કે વિદ્યાની હાજરી થઈ એટલે લગ્નના માહોલમાં અચાનક પલટો આવ્યો. આજે તેના શાંત અને નિર્મળ સ્વરૂપના દર્શન થતા હતા. બધા સાથે હસીને વાતો કરતી વિદ્યા અને એના આવવાથી બદલાયેલી નિતુ. આ શું ચાલી રહ્યું છે એ સ્ટાફ મેમ્બરને સમજાતું નહોતું. આયોજન લાંબુ નહોતું. સવારે બીજા બધા રીત- રિવાજ નિભાવ્યા અને સાંજે જાન આગમનની તૈય્યારી.
કૃતિ તૈય્યાર થવા માટે તેને અપાયેલા રૂમમાં પહોંચી. તેને તૈય્યાર કરનાર બે ત્રણ લેડીઝ ત્યાં પહેલેથી હાજર થઈ ચુકી હતી. તેના આવતાની સાથે જ તેઓએ તેનું કામ શરુ કર્યું. કપડાના બોક્સમાંથી તેણે કપડાં કાઢ્યા તો કૃતિને માન્યામાં નહોતું આવતું. જે કપડાં તેણે સિલેક્ટ કરેલા એના બદલે બીજા કપડાં? તેને સમજાતું નહોતું કે આ કેવી રીતે થયું? તેણે પ્રશ્ન કર્યો, "આ બ્રાઈડ વેયર બદલાય કેવી રીતે ગયું?"
તેઓ પાસે કોઈ જવાબ નહોતો. તેમાંથી એક સ્ત્રી બોલી, "મેડમ અમને તો આ જ વસ્તુઓનો ઓર્ડર છે એમ કહીને મોકલ્યા છે."
આશ્વર્ય સાથે તેણે પોતાની બહેનને ફોન જોડી દીધો. થોડીવારે તે ઉપર આવી કે કૃતિ તેને પૂછવા લાગી, "દીદી આ કપડાં?"
"આ તારા જ છે. "
"પણ મેં તો બીજા સિલેક્ટ કરાવેલા અને આ તો..."
"તને શું લાગે છે? તું તારી બહેનથી સંતાયને સસ્તા કપડાં સિલેક્ટ કરી આવીશ અને મને ખબર નહિ પડે? તને પહેલા આ જ ગમેલા ને?"
"પણ દીદી..."
"પણ બણ કંઈ નહિ. આ તારી લાઈફમાં એકવાર આવનાર અવસર છે. તને જે ગમશે, હું એવું જ કરીશ એ ફાઈનલ હતું. આજના દિવસે તું તારું મન હલકું કરે તે કેમ ચાલે? એટલે મેં જ તારી પસંદના આ કપડાં ચેન્જ કરાવી નાખેલા. તને આ જ ગમતા હતાને, જે સાગરની શેરવાની સાથે મેચ થાય."
તે બોલતાં બોલતા તેના કપડાં તરફ આગળ ચાલી અને પાછળ ઉભેલી કૃતિ નીચું માથું કરી ભીની આંખે તેના માત્ર શબ્દો સાંભળતી રહી.
નિતુ આગળ બોલી, "બધું ચેક કરી લેજે. આપણી પાસે થોડો સમય વધ્યો છે. કંઈ જોઈતું હોય તો ચેક કરીને મને જણાવી દે. નહિતર પછી તમારા સાગર કુમાર બેન્ડવાજા લઈને આવી પહોંચશે તો કશું નહિ થાય. ઉપરથી તું કહીશ કે આ બાકી રહી ગયું... એમ કરવાનું હતું... આમ હતું... " તેણે પાછળ ફરીને જોયું તો કૃતિ એની એ જ સ્થિતિમાં ઉભેલી. તે ફરી બોલી, "અરે આમ ઉભી છે શેની? ચાલ ફટાફટ."
"દીદી!" કહીને કૃતિ તેને વળગી પડી.
"અરે! હવે રડે છે શું કામ?"
"મને નહોતી ખબર કે તમે મને આવી સરપ્રાઈઝ આપશો."
"બસ... મારે તારા ચહેરા પર આ ખુશી જોવી હતી. એટલે જ મેં તારા માટે આ સરપ્રાઈઝ રાખી. તે દિવસે હું અને હરેશ બંને જઈને તારા માટે આ પ્લાન કરી આવેલા. તને જે ગમે એ તારી સામે હશે તે વેળાની ખુશી હું તારા ચહેરા પર જોવા માંગતી હતી. એક તું છે કે ખુશ થવાને બદલે રડ્યે જાય છે."
તે ફરી તેને વળગી અને બોલી, "દીદી તમે કામ જ એવું કર્યું છે."
"થોડા આંસુ બચાવીને રાખજે, વિદાયને હજુ વાર છે." નિતુનું આવું કહેતા જ તે રડતા રડતા હસવા લાગી અને આંસુ લૂછતાં બોલી, "શું તમે પણ, વહ્યાત જોક્સ માર્યા કરો છો."
તેના ગાલ પર હાથ ફેરવતા તે બોલી, "હવે બસ કર અને તૈય્યાર થવામાં ધ્યાન આપ. મારે પણ ચેન્જ કરવાનું છે. હું જાઉં છું." તે પોતાના વ્હાલના દરિયાને સમજાવતા ચાલી ગઈ અને તે સ્ત્રીઓએ પોતાનું કામ શરુ કર્યું.
થોડી જ ક્ષણોમાં બેન્ડવાજાનો અવાજ સંભળાયો. ઢળતી સાંજના ઓસરી રહેલા સૂર્યપ્રકાશમાં આકાશી આતશબાજી જામી. નાચતા - ગાતા સાગરનો વરઘોડો આગળ વધી રહ્યો હતો. ધૂમધામથી આવી રહેલા મહેમાનો તેના દરવાજે આવીને ઉભા રહ્યા. શારદાએ વિધિવત સાગરના વધામણાં લીધા અને મહેમાનોને અંદર સ્થાન અપાયું. પંડિતજીના "કન્યા પધરાવો સાવધાન"ના નારાએ ઋષભ કૃતિના રૂમમાં ગયો.
બે ઢોલનો ગુંજારવ થયો અને વાતાવરણમાં ચોમેર શાંતિ પ્રસરી. સૌનું ધ્યાન ચૉરીમાં આવી રહેલી કૃતિ પર પડ્યું. શાંત વાતારણમાં શીત લહેર સાથે કોઈ સુગંધ ભળે અને અચાનક જેમ પલ્ટો આવે, એમ એની સુન્દરતાએ પલ્ટો આણ્યો. એકોએક પાંખડીથી ખીલેલ ગુલાબ જેવી સોહામણી. ધરાને સ્પર્શીને ચાલતો એનો લહેંગો એના પગને છુપાવી રહ્યો હતો, કે પછી અન્યની સામે તે પોતે કૃતિથી વધારે દેખાવા માંગતો હતો. એક હાથ ઋષભના હાથમાં અને એક હાથમાં જયમાળા.
સાગરની સામે ઉભી રહી તો એકબીજા માટે બનેલ યુગલ, સાગરની સફેદ શેરવાની અને સફેદ લહેંગામાં પડતી ગુલાબી ભાત. બંને એક સમાન લાગી રહ્યા હતા. એકબીજાને જયમાળા પહેરાવી બંનેએ મંડપમાં સ્થાન લીધું.