પરમના હાથમાં હુક્કો હતો. થોડી ક્ષણો પહેલા જે પરમ મારી સામે હતો, એ અચાનક જ નવા રંગમાં રંગાઈ ગયો. મારા આશ્ચર્યનો પાર ના રહ્યો.
‘પરમ...’ મારાથી મોટા અવાજે બોલાઈ ગયું.
‘ચિલ... આમાં નિકોટીન ના હોય!’ પરમે મારી સામે હાથ કરીને આરામથી કહ્યું.
મેં નિખિલ સામે જોયું. એ અને શિવાંગી આજુબાજુમાં બેઠા હતા અને મોબાઈલમાં કંઈક જોઈને હરખાતા હતા. પછી એ લોકો સેલ્ફી લેવામાં પડી ગયા. એ લોકો એમની જ દુનિયામાં બિઝી થઈ ગતા હતા અને પરમ પણ પોતાના હાથમાંથી સરકી રહ્યો હતો. મારું મન કચવાવા લાગ્યું.
‘બાય.’ બાજુના ટેબલ પર બેઠેલું ગ્રુપ પ્રિયંકા નામની પેલી છોકરીને બાય કહી રહ્યું હતું.
ઘણી બધી અસમંજસ વચ્ચે ફરીથી મને પ્રિયંકાની યાદ આવી ગઈ.
પ્રિયંકાના રિપ્લાય જાણવા માટેની મારી ધીરજ ખૂટી પડી. એક ફ્રેન્ડ તરીકેની પોતાની અપેક્ષાઓ પરમ પૂરી ના કરી શક્યો, એ કદાચ પ્રિયંકા પૂરી કરશે એમ માનીને હું પ્રિયંકા તરફ ખેંચાઈ રહ્યો હતો? કે પછી ગર્લફ્રેન્ડ હોવું એ બહુ કોમન અને લાઈફનો ઈમ્પોર્ટન્ટ પાર્ટ છે. એ વિચારે મેં મારા જીવનમાં પ્રિયંકાનું મહત્વ વધાર્યું હતું? જે હોય તે... કારણ સામે જોવાની મને પડી જ ક્યાં હતી? મારી નજર તો બંધ થઈ ગયેલા મોબાઈલ પર સ્થિર હતી. ત્યાં બેસવામાં મને રસ નહોતો. મારે ઘરે જવું હતું.
મીતે નિસાસાભર્યો ઊંડો શ્વાસ લીધો.
‘તારો મોબાઈલ બંધ થઈ ગયો ને. જો બાજુમાં જ ચાર્જિંગ પોઈન્ટ છે.’ એટલું બોલતા જ પરમે એક સુટ્ટો લીધો અને એને ખાંસી આવવા લાગી.
‘ક્રેઝી, ધુમાડો બહાર કાઢવાનો હોય!’ નિખિલે મોબાઈલમાંથી ઊંચું જોયું અને પરમને સલાહ આપી.
‘મારે હવે જવું પડશે. મને લેટ થાય છે.’ બધા પોતાની મસ્તીમાં મસ્ત છે તો મારું અહીંયા શું કામ છે?
‘ગાય્ઝ, આઈ ઓલ્સો હેવ ટૂ લીવ.’ શિવાંગીએ પણ કહ્યું.
‘ઓ.કે. ધેન લેટ્સ ગો.’ નિખિલે પરમને કહ્યું.
પરમે હુક્કા સામે જોયું.
‘ચાલ હવે, નેક્સ્ટ ટાઈમ.’ નિખિલે પરમના માથા પર ટપલી મારીને કહ્યું. બધા આગળ ચાલવા લાગ્યા. નિખિલે કેશ કાઉન્ટર પાસે જઈને બિલ પે કર્યું. હું ફટાફટ બહાર નીકળી ગયો. બહાર જઈને કેફે પર લાગેલા બોર્ડ તરફ જોયું.
‘સાલ્વેશન કેફે એન્ડ શીશાબાર.’
સાલ્વેશન એટલે મુક્તિ. પણ કઈ? જીવનમાંથી મુક્તિ કે જીવનમાં મુક્તિ??? મિરાજની વાત સાંભળીને મને સહેજ આંચકો તો લાગ્યો. પણ એણે પોતાની આપવીતી ખુલ્લી કરી દીધી પછી એના પર ગુસ્સો કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. હું મિરાજને જોઈ રહી. એ પોતાની વાતને વગર અટક્યે કહી રહ્યો હતો.
હજી માંડ ચાર-પાંચ ડગલા જ આગળ ચાલ્યો હતો કે પાછળથી બૂમ પડી.
‘મિ...રાજ.’
જાણીતો અવાજ હતો. મેં પાછું વાળીને જોયું ત્યાં વિશ્રુત ઊભો હતો.
‘હાય.’ વિશ્રુતે ઉત્સાહથી કહ્યું.
‘હાય.’ હું ભોઠો પડી ગયો. હું જે જગ્યાએથી બહાર નીકળ્યો હતો, એ વિશ્રુતને ખબર પડશે તો પોતાના માટે કેવું વિચારશે. એ વિચારે મને થોડું ટેન્શન થવા લાગ્યું.
‘તું અહીંયા શું કરે છે?’
‘હું... કંઈ નહીં એ તો બસ એમ જ...’ શું જવાબ આપવો એ મને સમજાયું નહીં.
‘હું અહીંયા ઉપર ગિફ્ટ શોપ છે ત્યાં ગયો હતો. મમ્મી-પપ્પાની મેરેજ એનિવર્સરી આવે છે, તો થયું કે કંઈક નાનકડી ગિફ્ટ લઈને આપું.’ વિશ્રુતના ચહેરા પર ખુશી તરવરતી હતી.
ત્યાં પાછળ પરમ હસતો હસતો આવ્યો. એની પાછળ જ નિખિલ અને શિવાંગી આવ્યા. નિખિલ શિવાંગીના ખભા પર હાથ મૂકીને આવતો હતો.
‘હાય.’ પરમે આવીને સીધો જ વિશ્રુતના ખભા પર જોશથી ધબ્બો માર્યો.
‘તું ઓળખે છે આને?’ મેં પૂછ્યું.
‘હા, બહુ સારી રીતે. આપણી સોસાયટીના ક્રિકેટ ટીમના કેપ્ટનને કોણ ના ઓળખે!’
‘તું મિરાજને કેવી રીતે ઓળખે છે?’ પરમે વિશ્રુતને પૂછ્યું.
‘ઓળખે છે? હું તો મિરાજને બહુ સારી રીતે જાણું છું. આ તો મારો લંગોટિયો ફ્રેન્ડ છે.’
‘ઓહ રિયલી, તમને બંનેને ક્યારેય સાથે જોયા નથી.’ પરમને નવાઈ લાગી.
‘કારણ કે, હું હજી બે દિવસ પહેલા જ અહીંયા પાછો રહેવા આવ્યો છું. વચ્ચે થોડો ટાઈમ પપ્પાની ટ્રાન્સફર થવાથી અમે પુના શિફ્ટ થઈ ગયા હતા.’
પરમ અને વિશ્રુતની ઓળખાણ છે એ જાણીને મને જરાય ખુશી ના થઈ. કારણ કે, વિશ્રુત મારો બહુ સારો ફ્રેન્ડ હતો. એ સ્ટ્રેટ ફોરવર્ડ હતો. ક્યારેય કોઈ આડાઅવળા લોકાની સંગતમાં પડેલો નહીં. એના ફ્રેન્ડ સર્કલમાં બહુ સિલેક્ટેડ લોકો હોય, જેમાં મારો પણ સમાવેશ થતો હતો.
‘ચલો, બાય એવરીવન. આઈ હેવ ટુ લીવ નાઉ.’ શિવાંગી ટોળામાં વચ્ચે આવી.
વિશ્રુતનું ધ્યાન શિવાંગી પર હતું અને મારું ધ્યાન વિશ્રુત ૫૨. એણે એક નજર શિવાંગીના કપડાં તરફ કરી અને તરત જ નજર ફેરવી લીધી. વિશ્રુતને જોઈને પોતે કંઈ ખોટું કર્યું છે, એવો ભાર વધી ગયો. વિશ્રુતની હાજરીએ ગિલ્ટી ફીલિંગ અનેકગણી વધારી દીધી.
શિવાંગીએ પરમ સાથે હાથ મિલાવ્યો અને પછી મારા તરફ હાથ વધાર્યો. એક મિનિટ માટે મને ખચકાટ થયો, પણ પછી શિવાંગી અને બીજા બધા સામે પોતાનું કેવું લાગશે એ વિચારે મેં હળવેકથી હાથ મિલાવી લીધો. શિવાંગીએ વિશ્રુત સામે ઊડતી નજર કરી અને છેલ્લે નિખિલ તરફ જોયું. નિખિલે હસીને એને બાય કહ્યું. બધા શિવાંગીને જતી જોઈ રહ્યા.
‘ચાલો જઈએ હવે?’ નિખિલ બોલ્યો.
‘હા, લેટ્સ ગો. તું આવે છે અમારી સાથે?’ પરમે મને પૂછ્યું.
હું વિશ્રુત સામે જોઈ રહ્યો.
‘હું પણ નીકળીશ.’ વિશ્રુતે મને કહ્યું.
આમ તો હું વિશ્રુતની સાથે જ ઘરે પાછો જાત, પણ એના સવાલોના જવાબ આપવાની મારી તૈયારી નહોતી. બધા છૂટા પડ્યા. હું અને પરમ નિખિલની ગાડીમાં બેઠા અને વિશ્રુત પોતાની સાઈકલ પાસે પહોંચ્યો. આખા રસ્તે હું અપસેટ અને ડિસ્ટર્બ રહ્યો. મારા મનમાં સતત માન, અપમાન, ઈમ્પ્રેશનના પડઘા પડી રહ્યા હતા. મેં કંઈ ખોટું નથી કર્યું, આ બધું તો નોર્મલ જ કહેવાય ને! વિશ્રુતને આમાં કંઈ ખરાબ લાગતું હોય તો પછી એ એની જ ભૂલ કહેવાય... એવી બુદ્ધિની દલીલો આખા રસ્તે ચાલુ જ રહી.
આ બધું સાંભળીને મીતે નીચું જોઈને કંઈક ગુમાવ્યું હોય એમ માથું ધુણાવ્યું.
એમ પણ મિરાજની મોટા ભાગની વાતો એણે ક્યારેક નીચી નજરે તો ક્યારેક બંધ આંખે જ સાંભળી હતી.
‘પોતે આરોપી, પોતે વકીલ અને પોતે જ જજ, પછી પોતાની ભૂલ ક્યાંથી જડે?’ મેં મિરાજને આના પર વિચારવાનો મોકો આપ્યો.
‘હા, મને કહેવાવાળું કોઈ હતું જ ક્યાં? અને ઘરમાં કોઈ કંઈ કહે તો પણ હું આંખ આડા કાન કરવામાં માહિર થઈ ગયો હતો.’
‘ઘરે પહોંચીને મેં પહેલા મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો. ટ્યૂશનની બેગ પલંગ પર મૂકી.’ મિરાજે પોતાની વાત ચાલુ રાખી.
‘મિરાજ, જમાવનું રેડી છે. તારે જમવું છે?’ મમ્મીએ પૂછ્યું. એના અવાજમાં ફરી પહેલા જેવો જ રણકો હતો. બધું પાછું નોર્મલ થઈ ગયું, એટલે મને થોડી હળવાશ અનુભવાઈ.
‘હં, હા, હમણાં નહીં. થોડીવાર પછી.’ મેં શાંતિથી જવાબ આપ્યો.
મારું ધ્યાન મોબાઈલમાં હતું, એટલે જ્યાં સુધી પ્રિયંકાના મેસેજ ના જોવા મળે, ત્યાં સુધી જમવામાં ચેન ક્યાં પડવાનું હતું.
‘ભૂખ નથી લાગી? ગરમ ગરમ જમી લે ને.’ મમ્મીએ ફરીથી કહ્યું.
કેટલાય દિવસો પછી ફરીથી મમ્મીના અવાજમાં આગ્રહ હતો. જે મને આમ તો નહોતો ગમતો, પણ એ વખતે ગમ્યો. ભૂખ લાગી હોવા છતાં પણ ખાવાનું મન નહોતું થતું.
‘પપ્પા આવી જાય એ પહેલા જમી લઉ તો સારું, એટલે હું પ્રિયંકા સાથે ચેટ કરી શકું. એમની સાથે જો જમવા બેસીશ તો પાછી સ્કૂલ અને ટ્યૂશનની જ વાતો કરશે અને અત્યારે એ બધું સાંભળવાનો મારો કોઈ મૂડ નથી.’ મેં મનોમન વિચાર્યું.
‘સારું. આપી દે.’ હું ડાઈનિંગ ટેબલ પર જઈને બેસી ગયો.
મમ્મીએ પાંઉભાજી અને પુલાવ પીરસેલી થાળી ટેબલ પર મૂકી. મારું ફેવરિટ જમવાનું હતું. મમ્મીએ આજે ખાસ મારો વિચાર કરીને જ બનાવ્યું હોય એવું લાગ્યું. કેવુ અજીબ છે ને આપણે ગમે તેવું વર્તન કરીએ તો પણ મા-બાપ આપણને એવો જ પ્રેમ દેખાડે. પણ જમવામાં મને રસ જ ક્યાં હતો. જેમ તેમ કૂચા મારીને, વચ્ચે વચ્ચે પાણી પીને ખાવાનું ગળા નીચે ઉતાર્યું અને એકદમ ઊભો થઈને મોબાઈલ જોવા ગયો. ચાર્જિંગ થયું જ નહોતું. જોયું તો સ્વિચ ચાલુ કરવાની જ રહી ગઈ હતી. મેં ગુસ્સામાં પગ પછાડ્યો જે ખુરશીને અથડાયો અને ખુરશી ટેબલ સાથે અથડાઈ.
‘શું થયું? આમ, ખાવાનું છોડીને ક્યાં ગયો?’
‘આ મમ્મી પણ પીછો નથી છોડતી.’ હું મનમાં બબડ્યો. મમ્મી માટે આવેલો પ્રેમ તરત જ ઊતરી ગયો.
સ્વિચ ચાલુ કરી અને પાછો આવીને જમવા બેઠો. મમ્મી મારી સામે આવીને બેઠી.
‘તું બરાબર તો છે ને? કેમ આટલો ચિંતામાં લાગે છે?’
‘ના. ના. એવું કંઈ નથી. બસ થાકી ગયો છું.’
‘કેમ, બહાર ફરવામાં મજા ના આવી?’
‘ના.’ મમ્મી પૂછશે કે ક્યાં ગયો હતો, તો શું જવાબ આપીશ એ વિચારે મારા ગળામાં ખાવાનું અટકી ગયું અને ખાંસી ચાલુ થઈ ગઈ. મમ્મી તરત જ પાણીનો ગ્લાસ ભરી આવી અને મારી પીઠ પર હાથ ફેરવવા લાગી.
મમ્મીના મમતાભર્યા સ્પર્શથી ખબર નહીં કેમ પણ મારી આંખો ભરાઈ ગઈ. મારું હૃદય ભરાઈ ગયું હતું. મગજ થાકી ગયું હતું. પરાણે મેં આંસુઓને મમ્મી સામે આંખોની સીમા પાર કરીને બહાર આવતા અટકાવ્યા. પણ માની નજરથી કંઈ છૂપું ના રહે!
‘તબિયત તો બરાબર છે ને બેટા? મમ્મીએ ગળા અને કપાળ પર હાથ મૂકીને ચેક કર્યું. મમ્મીએ માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો.
‘તને કંઈ પ્રોબ્લેમ હોય તો અમને કહેજે.’ બસ આટલું બોલીને મમ્મી રસોડામાં જતી રહી. એનું હૃદય પણ ભરાઈ આવ્યું હતું. મારામાં આવી રહેલા બદલાવને એ જોઈ-જાણી શકતી હતી, પણ એની પાછળનું કારણ સમજી ન શકવાથી મમ્મીને માનિસક ભોગવટો રહેવા લાગ્યો હતો.
સ્ટેચ્યુની જેમ બેસીને મિરાજની વાત સાંભળી રહેલા મીતની આંખના ઝળઝળિયા બહાર આવી જાય, એ પહેલા એણે આંગળીના ટેરવાથી આંસુની બુંદોને બહાર વહેતી અટકાવી દીધી. પોતાની ભાવનાઓને પાછી પોતાનામાં જ અંદર સમાવી લીધી. નજીકના ભૂતકાળની વેદના એણે ફરી પાછી નજીકથી અનુભવી. મીતને બે શબ્દો કહેવાનું મન તો બહુ થયું, પણ મિરાજને વચ્ચે અટકાવીને ડિસ્ટર્બ કરવું યોગ્ય નહોતું. મેં પણ મારી ભાવનાઓને પોતાનામાં સમેટી લીધી.
મારાથી જમવાનું પૂરું ના થયું. મન ભરાઈ ગયું હતું. મમ્મી સાથે વાત કરવી હતી. પણ શું કહું, કેવી રીતે કહું, એ સમજાતું નહોતું. હું ઊભો થઈને મારા રૂમમાં ચાલ્યો ગયો. દસ મિનિટ પછી થોડો સ્વસ્થ થઈને પાછો બહાર આવ્યો.
‘મમ્મી, માથું બહુ દુખે છે. દવા આપી દે ને. મારે આજે વહેલા સૂઈ જવું છે.’ ખરેખર કોઈ પોતાને ડિસ્ટર્બ ના કરે એ માટે પણ મે વહેલા સૂવાની વાત કરી હતી. પણ એમ ક્યાં મને એટલી જલદી ઊંઘ આવવાની હતી?
રૂમમાં પાછા જઈને મેં ફરીથી પ્રિયંકાને ધડાધડ મેસેજ કર્યા. પહેલાના મેસેજ જોયા નહોતા, ત્યાં નવા મેસેજ કરવાનો કોઈ અર્થ જ નહોતો. પણ મેં મારો આવેગ અને આવેશ બંને મેસેજમાં ઠાલવી દીધા.
‘કોણ જાણે આજનો દિવસ કેવો ઊગ્યો છે. આજે કંઈ જ સારું નથી થઈ રહ્યું. સ્કૂલમાં અને ટ્યૂશનમાં જે ઉપાધિ લાગતી હતી, એનાથી અનેકગણી ઉપાધિ સાલ્વેશન કેફે અને હુક્કાબારમાં હતી. પેલો નિખિલ તો છે જ બગડેલો, એમાં એ પરમને પણ પોતાના રવાડે ચઢાવી રહ્યો છે. શિવાંગી સાથે એને શું રિલેશન છે એ જ સમજાતું નથી. પહેલા તો કહેતો હતો કે ‘શી ઈઝ નોટ ઓફ માય ટાઈપ’ અને હવે કંઈક અલગ જ રંગઢંગ દેખાડે છે. સેલ્ફી તો એવી રીતે લેતો હતો જાણે એની ગર્લફ્રેન્ડ જ હોય!
શું ખરેખર સ્ટેટ્સ અને વટ પાડવા માટે ગર્લફ્રેન્ડની જરૂર હોય છે? આજે ક્લાસમાં સરે પણ મને ગર્લફ્રેન્ડની જ વાત કરી. શિવાંગી ખરેખર કેવી ટાઈપની છોકરી છે, એ સમજવું પણ અઘરું છે. નિખિલ જેવા છોકરા સાથે એને ફાવે છે તો શું એ પણ એવી જ હશે? શિવાંગી નિખિલને ફસાવે છે કે નિખિલ શિવાંગીને? આજે હદ તો એ થઈ ગઈ કે પરમે હુક્કા પીવાની ટ્રાય કરી!
શું હું કોઈ ખોટી કંપનીમાં ફસાઈ ગયો છું? ના... ના... કદાચ એ લોકો જમાના પ્રમાણે બરાબર છે. હું કેમ એમની સાથે ભળી શકતો નથી? હું ટ્રાય તો કરું છું એમના જેવો થઈને રહેવાની. પણ ક્યાં ભૂલ થાય છે? મારાથી કેમ નોર્મલ નથી રહેવાતું? હું કેમ એબ્નોર્મલ દેખાઉ છું?
મારા ઘરમાં પહેલેથી જ રીઝર્વ્ડ ઓર્થોડોક્સ વાતાવરણ રહ્યું છે, એટલે મને આ બધી વાતમાં શોક અને અજંપો લાગે છે. મેં નાનપણથી અત્યાર સુધી આ બધું જોયું જ નથી, એટલે મારી આવી દશા થાય છે. બાકી બીજા બધા કેવા એમની મસ્તીમાં મસ્ત રહે છે અને હું?? આમાં વાંક કોનો છે? મારા પેરેન્ટ્સે મને પહેલેથી જ ઓવર પ્રોટેક્ટ કરીને રાખ્યો છે. જમાના પ્રમાણે મને કશું કરવા જ નથી દીધું... આવા અનેક વિચારોનું ઘમસાણ મારા મનને સતત સતાવી રહ્યું હતું. એટલામાં મોબાઈલમાં દસથી બાર એક પછી એક સળંગ મેસેજ આવ્યા.
મીત અને હું મિરાજની સામે જોઈ રહ્યા. એની ગૂંગળામણને અનુભવી રહ્યા.
‘પ્રિયંકા હશે...’ એ આતુરતા સાથે મેં મોબાઈલની સ્ક્રીન ઓન કરી.