Bhitarman - 46 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 46

Featured Books
Categories
Share

ભીતરમન - 46

હું ડોરબેલ વગાડવા જાવ ત્યાં જ મા ફળિયામાં તુલસી ક્યારે દીવો કરવા બહાર આવી રહી હતી. મને જોઈને એ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી! એની આંખમાં હરખના આંસુ છલકાઈ ગયા હતા. એમણે મને ત્યાં જ રોક્યો, અને ચપટી ધૂળ લઈ મારી નજર ઉતારી મારા ઓવરણા લીધા હતા. હું ગમે તેટલો મોટો થઈ ગયો, પણ મા માટે તો હું હજુ એ જ નાનો બાળક હતો. માએ આદિત્યને બૂમ પાડી અને બોલી, "બેટા આદિત્ય જો તારા પપ્પા આવી ગયા!"

આદિત્યની સાથે તુલસી પણ ફટાફટ બહાર દોડી આવી હતી. બંનેના ચહેરા પરની ખુશી કંઈક અલગ જ હતી. જે મારા ભીતરમનને ખૂબ જ આનંદ આપી રહી હતી. હું માને ભેટી રહ્યો હતો પણ મારુ ધ્યાન તુલસી પર હતું! તુલસી આદિત્યની આંગળી પકડીને બહાર ધસી આવી હતી. અચાનક મારુ આગમન થવાથી હરખમાં એના ધબકાર વધી ગયા હોય એ હું જોઈ રહ્યો હતો. કાનમાં પહેરેલ એનું ઝુમ્મર ઝડપથી આવવાથી એ ઉભી રહી ગઈ હોવા છતાં ઝૂલી રહ્યું હતું. અંબોડામાં ભરાવેલ પિન સરકવાથી વાળ ખુલ્લા થઈ ગયા હતા. ધેરા લીલા રંગની સાડીમાં એ ખૂબ જ આકર્ષિત લાગી રહી હતી. હું અને એ એકબીજાને આંખોથી અમીરસ પીવડાવી રહ્યા હતા. આદિત્ય પણ મને આવીને ચોટી પડ્યો હતો. મેં અનેક ચુમીઓ આદિત્યને કરી હતી. નજર મારી તુલસી પર જ સ્થિર હતી, તુલસી મારો ભાવ સમજતા શરમાઈ ગઈ હતી! મેં આદિત્યને તેડીને કહ્યું, "તું કહેતો હતો ને કે, પપ્પા જલ્દી આવી જાજો, જોયું હું ઝડપથી મારું કામ પતાવીને આવી ગયો ને!"

"ના પપ્પા મેં તમારી ખૂબ રાહ જોઇ તમે એ પછી મોડા મોડા આવ્યા."

બધા આદિત્યની વાત સાંભળીને હસી પડ્યા હતા. તુલસીએ મને પાણીનો ગ્લાસ આપ્યો, "મેં પાણીનો ગ્લાસ લેતા સહેજ એના હાથ પર મારા હાથનો સ્પર્શ કર્યો, અને તુલસીના ચહેરાના ભાવ હું નીરખી રહ્યો હતો. મારા હાથનો સ્પર્શ થતા એણે તરત જ પોતાની આંખો બીડી દીધી હતી. એ સ્પર્શને જાણે પોતાની ભીતર ભરી રહી હોય એમ હું અનુભવી રહ્યો હતો. તુલસીની આ અદા મને ખૂબ રોમાંચિત કરી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેં મારી લાગણીને અંકુશમાં રાખી હતી. 

અમારો સમય ખૂબ ઝડપથી વીંતવા લાગ્યો હતો. બધું જ ખુબ સરસ રીતે ગોઠવાઈ ગયું હતુ. આદિત્યનુ સ્કૂલમાં બાલમંદિરના પહેલા વર્ષમાં એડમિશન લઈ લીધું હતું. મા પણ અહીં આવ્યા બાદ કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવા લાગી હતી! જેથી બાપુ વગરનું એકલવાયુ જીવન એમનું વ્યસ્તતામાં વિતવા લાગ્યું હતું. મા હવે ધીરે ધીરે બાપુના સદમા માંથી બહાર આવી રહી હતી! વાસ્તવિકતા એમણે સ્વીકારી લીધી હતી, અમારી ખુશીમાં એ ખુશીઓ શોધી લેતી હતી. તુલસીને ડીલેવરીનો અંતિમ સમય આવી ચૂક્યો હતો. હવે કોઈ પણ સમયે એને હોસ્પિટલે લઈ જવી પડે એવી શક્યતા હતી. આથી હું આ દિવસોમાં ગામમાં જ રહેતો હતો. દિવસમાં ત્રણ ચાર વાર ઘરે ચક્કર પણ મારી આવતો હતો. આવનાર બાળક માટે હું ખૂબ બધી રાહ જોઈ રહ્યો હતો.

હું મારું કામ પતાવી ઘરે આવ્યો ત્યારે માએ કહ્યું, "તુલસીને પીડ ઉપડી છે, તરત દવાખાને જવું જ પડશે! આથી મેં તરત જ માને ઝડપથી જરૂરી સામાન પેક કરવાનું કહ્યું અને અમે હોસ્પિટલે પહોંચી ગયા હતા. અમુક જ કલાકમાં નર્સ અમને બહાર સમાચાર આપવા આવી હતી. નર્સે કહ્યું કે, "બેને ખુબ સુંદર બાળકીને જન્મ આપ્યો છે. બાળકી એકદમ એની માતા જેવી જ રૂપવાન છે. ખૂબ ખૂબ વધામણા લક્ષ્મી સાક્ષાત તમારા ઘરે પધાર્યા છે!" મા આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. એણે પોતાના હાથમાં પહેરેલ વીંટી હરખમાં એ નર્સને આપી દીધી હતી!

"મારે ત્યાં એને જોવા અંદર આવી શકાશે" માં એને જોવા ઉતાવડી થતાં તરત જ બોલી હતી. 

નર્સ પણ ખુશ થતા બોલી, "માડી આટલી મોટી કિંમત ના હોય મને સો રૂપિયાની નગદ જ આપો. મારાથી આટલી કિમતી ભેટનો સ્વીકાર ન કરી શકાય!

"તું મનમાં કોઈ ભાર ન રાખ અને મારી આપેલી ભેટનો સ્વીકાર કર બેટા! મને ખૂબ ઈચ્છા હતી કે, મારે ત્યાં દીકરી નો જન્મ થાય, પણ મારી આ ઈચ્છા અધૂરી રહી આજ મારા એકના એક પુત્રને ત્યાં દીકરી સ્વરૂપે સાક્ષાત લક્ષ્મી પધાર્યા છે હરખ કેમ ન હોય! હું જે શબ્દ સાંભળવા તરસતી હતી આજે તારા થકી એ શબ્દ મને સાંભળવા મળ્યા છે. તું વિના સંકોચે મારી આ ભેટનો સ્વીકાર કર! ભગવાન તને દુનિયાની બધી જ ખુશીઓ આપે." મા ખુશ થતા એના મનની ઈચ્છાઓ કહેવા લાગી હતી. 

નર્સ માને એમની સાથે તુલસીના રૂમ સુધી લઈ ગઈ હતી. માએ સૌ પ્રથમ રૂમમાં પ્રવેશીને તુલસીના ખબર પૂછ્યા હતા. તુલસીએ ફક્ત હાસ્ય આપીને માને વંદન કરી આશીર્વાદ લીધા હતા. માએ તુલસીને કહ્યું કે, તે આજે મારી વર્ષોની ઈચ્છા પૂરી કરી છે. મારા ભાગ્યમાં પુત્રીનું સુખ ન હતું, પણ પૌત્રીનું સુખ પામી હું ખૂબ જ ખુશ થઈ છું. એમ કહેતા માએ ગાળામાં પહેરેલ સોનાનો ચેન તુલસીના ગળામાં પહેરાવી દીધો હતો. ત્યારબાદ માએ અમારી દીકરીને જોઈ હતી. 

મા એમને જોઈને બોલ્યા, "ખૂબ જ સુંદર છે, એકદમ તારા જેવી જ છે તુલસી! આ આપણું ઘર અવશ્ય દિપાવશે! એના ચહેરા પરનુંં તેજ જાણે સાક્ષાત લક્ષ્મીનું જ રૂપ હોય એવું લાગી રહ્યું છે. આનું નામ આપણે 'દીપ્તિ' રાખશું."

"હાં, મમ્મી તમને જે નામ ગમે તે જ નામ આપણે રાખશું!"

"ચાલ! હવે હું બહાર જાઉં છું, જેથી  આદિત્ય અને વિવેક અંદર આવે!"

માએ બહાર આવીને તરત જ કહ્યું, "ખુબ સરસ અને અત્યંત પ્રેમાળ નમણો ચહેરો છે. જાણે તુલસીનું જ બાળ રૂપ હોય! બેટા" તું પેંડા લઈને આવ આપણે આખી હોસ્પિટલમાં બધાને પેંડા ખવડાવવા છે."

"હા મા! અવશ્ય ખવડાવશું પહેલા મને અંદર એને જોવા જવા તો દે! હું અને આદિત્ય જોઈને આવીએ પછી હું તારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ."

હું અને આદિત્ય તુલસી પાસે પહોંચ્યા હતા. તુલસીની પાસે બેબીને હવે ઊંઘાડી દીધી હતી. આદિત્ય તો બેબી ને જોઈને ખૂબ હરખાઈ રહ્યો હતો. એની ખુશી નો પાર ન હતો એ એના અંગનો નિરીક્ષણ કરી રહ્યો હતો. એણે આની પહેલા આટલું નાનું જન્મેલું બાળક જોયું જ ન હતું. નાની આંખ, કાન, આંગળીયો જોઈને એને ખૂબ જ અચરજ થઈ રહ્યું હતું. એ બોલ્યો, "મમ્મી! આ તો બહુ જ નાનકડી છે! આ તો ક્યારે મોટી થશે, અને ક્યારે મારી સાથે રમશે? બેન થોડીક વધુ મોટી લવાય ને મમ્મી! સહેજ ગુસ્સાવાળું મોઢું કરીને ખોટી રીસ દેખાડતો આદિત્ય બોલ્યો હતો. આદિત્યની વાત સાંભળીને બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. બધાને હસતા જોઈ એ વધુ ગુસ્સે થઈ રહ્યો હતો. અને એનો ગુસ્સો બધાને વધુ હસાવી રહ્યો હતો. 

તુલસી પણ એની વાત સાંભળીને ખુશ થતા એને ચીડવતા બોલી, "તને બેની ના જોતી હોય તો આપણે બેની પાછી આપી દઈએ મારા માટે તો તું એક જ ઘણો છે."

"ના હો મમ્મી! મારે બેની જોઈએ જ છે એને પાછી નથી મોકલવી. પણ આ તો મોટી બેની હોય તો જલદી રમી શકાય ને એટલે કહું છું."

હું આદિત્યની વાત સાંભળીને મનોમન ખૂબ જ હસી રહ્યો હતો. મને મનમાં જ થયું કેટલું નિખાલસ બાળપણ હોય છે! જીવનનો ખરો આનંદ તો બાળપણમાં જ રહે છે. બસ, મોટા થતા સમજદારી ધીરે ધીરે બધું જ છીનવી જાય છે.

વિવેક અને તુલસીના જીવનમાં દીપ્તીનું આગમન કેવા ફેરફાર લાવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏