તૃતીય પાદ
શૌનક બોલ્યા, “હે સાધુ સૂત, આપ સર્વ શાસ્ત્રોના પંડિત છો. હે વિદ્વન, આપે અમને શ્રીકૃષ્ણ કથારૂપી અમૃતનું પાન કરાવ્યું છે. ભગવાન પ્રેમી ભક્ત દેવર્ષિ નારદે સનંદનના મુખેથી મોક્ષધર્મોનું વર્ણન સાંભળીને તે પછી શું પૂછ્યું?”
સૂત બોલ્યા, “હે ભૃગુશ્રેષ્ઠ, સનંદને પ્રતિપાદિત કરેલા સનાતન મોક્ષધર્મોનું વર્ણન સાંભળીને નારદે ફરીથી તે મુનિઓને પૂછ્યું.
નારદ બોલ્યા, “હે મુનીશ્વરો, કયા મંત્રોથી ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. શ્રી વિષ્ણુનાં ચરણોનું શરણ લેનારા ભક્તજનોએ કયા દેવતાઓની પૂજા કરવી જોઈએ. હે વિપ્રવરો, ભાગવતતંત્રનું તથા ગુરુ અને શિષ્યના સંબંધને સ્થાપિત કરી તેમને પોતપોતાના કર્તવ્યના પાલનની પ્રેરણા આપનારી દીક્ષાનું વર્ણન કરો, તેમ જ સાધકોએ પાળવાના નીતિનિયમો અને અનુષ્ઠાનો વિષે જણાવો.”
સૂત બોલ્યા, “મહાત્મા નારદનું આ વચન સાંભળી સનત્કુમાર બોલ્યા.
સનત્કુમાર બોલ્યા, “નારદ, સાંભળો હું તમારી આગળ ભાગવતતંત્રનું વર્ણન કરીશ. એ જાણ્યા પછી સાધક નિર્મળ ભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરી લે છે. શૈવ મહાતંત્રમાં ત્રણ પદાર્થ અને ચાર પાદોનું વર્ણન છે, એવું વિદ્વાન પુરુષો કહે છે. ભોગ, મોક્ષ, ક્રિયા અને ચર્યા-શૈવ મહાતંત્રમાં આ ચાર પાદ (સાધન) કહેવામાં આવ્યા છે. પદાર્થ ત્રણ જ છે-પશુપતિ, પશુ તથા પાશ: આમાં એક માત્ર શિવસ્વરૂપ પરમાત્મા જ ‘પશુપતિ’ છે, જયારે જીવોને ‘પશુ’ કહેવામાં આવ્યા છે. હે નારદ, જ્યાં સુધી સ્વરૂપના અજ્ઞાનને સૂચિત કરનારા મોહ આદિ સાથે સંબંધ બનેલો રહે છે, ત્યાં સુધી આ સર્વ જીવોની ‘પશુ’ સંજ્ઞા ઉચિત માનવામાં આવી છે, તેમનું પશુત્વ દ્વૈતભાવથી યુક્ત છે. આ પશુઓના પાશ અર્થાત બંધન પાંચ પ્રકારનાં હોય છે.
પશુના ત્રણ ભેદ છે- ‘વિજ્ઞાનાકલ’, ‘પ્રલયાકલ’ અને ‘સકલ’. આમાંનું ‘વિજ્ઞાનાકલ પશુ’ ‘મલ’ રૂપી પાશથી બંધાયેલું હોય છે. બીજું ‘પ્રલયાકલ પશુ’ ‘મલ’ અને ‘કર્મ’ આ બે પાશોથી બદ્ધ હોય છે. ત્રીજું ‘સકલ પશુ’ ‘મલ’, ‘માયા’ તથા ‘કર્મ’-આ ત્રણ પાશોથી બંધાયેલ હોવાનું કહેવામાં આવ્યું છે. વિજ્ઞાનાકલ પશુના બે ભેદ છે-‘સમાપ્ત-કલુષ’ અને ‘અસમાપ્ત-કલુષ’. બીજા પ્રલયાકલ પશુના પણ બે ભેદ હોય છે-‘પક્વમલ’ અને ‘અપક્વમલ’. વિજ્ઞાનાકલ અને પ્રલયાકલ આ બંને પશુ (જીવ) શુદ્ધ માર્ગ પર સ્થિત હોય છે અને સકલ જીવ કળા આદિ તત્વોને આધીન હોઈને વિભિન્ન લોકોમાં કર્મ અનુસાર પ્રાપ્ત થયેલાં તિર્યક-મનુષ્ય આદિ શરીરોમાં ભ્રમણ કરે છે.
પાશ પાંચ પ્રકારના હોય છે. ‘મલજ’, ‘કર્મજ’, ‘માયેય’, ‘તિરોધાનશક્તિજ’ અને ‘બિંદુજ’. જેમ ફોતરું ચોખાના દાણાને ઢાંકી રાખે છે, તેવી જ રીતે ‘મલ’ પુરુષની અનેક શક્તિ-દૃક્શક્તિ (જ્ઞાન) અને ક્રિયાશક્તિનું આચ્છાદન કરી લે છે ને આ જ જીવાત્માઓના માટે અન્ય દેહની પ્રાપ્તિમાં કારણ હોય છે. ધર્મ અને અધર્મનું નામ છે કર્મ. આ વિચિત્ર ફલભોગને આપનારું છે . પ્રવાહરૂપથી આ ‘કર્મ’ નિત્ય છે. બીજાન્કુરન્યાયથી આની સ્થિતિ અનાદિ માનવામાં આવી છે. હવે ‘માયેય’ આદિ પાશોનું વર્ણન સાંભળો.
‘બિંદુજ પાશ’ અપરામુક્તિ સ્વરૂપ છે અને શિવસ્વરૂપની પ્રાપ્તિ કરાવનારું છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. સત, ચિત અને આનંદ જેનું સ્વરૂપભૂત વૈભવ છે, તે એક માત્ર સર્વવ્યાપી સનાતન પરમાત્મા જ સર્વના કારણ તથા સંપૂર્ણ જીવોના પતિરૂપથી વિરાજી રહ્યા છે. જે મનમાં તો આવે છે, પરંતુ પ્રકટ થતો નથી અને સંસારમાંથી વૈરાગ્ય આપે છે; તથા દૃક્શક્તિ અને ક્રિયાશક્તિ રૂપમાં જે પોતે જ વિદ્યમાન છે, તે ઉત્કૃષ્ટ શૈવ તે જ છે. આ સિવાય, જે શક્તિથી સમર્થ થઈને જીવ પરમાત્માના સમીપ દિવ્ય ભોગથી યુક્ત થાય છે અને પશુસમુદાયની કોટિથી સદા માટે મુક્ત થઇ જાય છે; પરમાત્માની એકાંત સ્વરૂપ આદ્યશક્તિને ચિદ્રૂપ કહે છે. તે ચિદ્રૂપ શક્તિથી ઉત્કર્ષને પ્રાપ્ત થયેલ ‘બિંદુ’ દૃક (જ્ઞાન) અને ક્રિયાસ્વરૂપ થઈને શિવ નામથી પ્રતિપાદિત થાય છે, તેને જ સર્વ તત્વોનું કારણ જણાવવામાં આવે છે.
તે સર્વત્ર વ્યાપક છે તથા અવિનાશી છે. તેમાં જ રહેલી ઈચ્છા આદિ સર્વ શક્તિઓ તેના અનુગ્રહથી પોતપોતાનું કાર્ય કરે છે. જડ અને ચેતન પર અનુગ્રહ કરવા માટે વિશ્વનું સર્જન કરતી વખતે એનો સર્વ પ્રથમ ઉન્મેષ (વિસ્તાર) નાદના રૂપમાં થયો છે, જે શાંતિ આદિથી યુક્ત અને ભુવનસ્વરૂપ છે. આ શક્તિતત્વ સાવયવ છે. આનાથી જ્ઞાનશક્તિનો અને ક્રિયાશક્તિનો તથા ઉત્કર્ષ અને અપકર્ષનો પ્રસાર તેમ જ અભાવ થાય છે. તેથી આ તત્વ સદા શિવરૂપ છે. જ્યાં દૃક્શક્તિ ઢંકાય છે અને ક્રિયાશક્તિની વૃદ્ધિ થાય છે, તેને ઈશ્વર નામક તત્વ કહેલ છે.
નાદ, બિંદુ અને સકલ-આ સત નામક તત્વને આશ્રિત છે. આઠ વિદ્યેશ્વર (અનંત, સૂક્ષ્મ, શિવોત્તમ, એકનેત્ર, એકરુદ્ર, ત્રિમૂર્તિ, શ્રીકંઠ અને શિખંડી) ગણ ઈશતત્વને અને સાત કરોડ ‘મંત્ર’ ગણ વિદ્યાતત્વને આશ્રિત છે. આ સર્વ તત્વને શુદ્ધ માર્ગ કહેવામાં આવેલ છે. અહીં ઈશ્વર સાક્ષાત નિમિત્તકારણ છે, તે જ બિંદુરૂપથી સુશોભિત થઇ અહીં ઉપાદાનકારણ બને છે. પાંચ પ્રકારના જે પાશ છે તેમનો કોઈ સમય ન હોવાથી તેમનો કોઈ નિશ્ચિત ક્રમ નથી. વાસ્તવમાં વિચિત્ર શક્તિઓથી યુક્ત એક જ શિવ નામક તત્ત્વ વિરાજમાન છે. તે શક્તિયુક્ત હોવાથી શાક્ત કહેવાય છે. પ્રભુ શિવ જડ-ચેતન પર અનુગ્રહ કરવા માટે વિવિધ રૂપ ધારણ કરીને અનાદિ મલથી બંધાયેલા જીવો પર કૃપા કરે છે. સર્વ પર દયા કરનારા શિવ સર્વ જીવોને ભોગ અને મોક્ષ તથા જડ વર્ગને પોતાના વ્યાપારમાં જોડાવાની શક્તિ અને સામર્થ્ય આપે છે. ભગવાન શિવના સમાનરૂપ થઇ જાય તે જ મોક્ષ છે. આ જ ચેતન જીવો પર ઈશ્વરનો અનુગ્રહ છે. કર્મો અનાદિ હોવાથી સદા વર્તમાન રહે છે, તેથી તે ભોગવ્યા વિના પણ ભગવાનની કૃપાથી મોક્ષ થઇ જાય છે. એટલા માટે જ ભગવાન શંકરને અનુગ્રાહક કહેવામાં આવે છે. અવિનાશી પ્રભુ જીવોના ભોગ માટે સૂક્ષ્મકરણો દ્વારા અનાયાસે જ જગતની ઉત્પત્તિ કરે છે. કોઈ પણ કર્તા કોઈ પણ કાર્યમાં ઉપાદાન અને કરણો વિના જોવામાં આવતો નથી.
અહીં શક્તિઓ જ કરણ છે. માયાને ઉપાદાન માનવામાં આવેલ છે. તે નિત્ય, એક અને કલ્યાણમયી છે. તેનો નથી કે નથી અંત. તે માય પોતાની શક્તિ દ્વારા મનુષ્યો અને લોકોની ઉત્પત્તિનું સામાન્ય કારણ છે. માયા પોતાનાં કર્મો દ્વારા સ્વભાવથી જ મોહજનક હોય છે. તેનાથી ભિન્ન ‘પરા માયા’ છે, જે સૂક્ષ્મ અને વ્યાપક છે. આ વિકારયુક્ત કાર્યોથી તેને સર્વથા પરે માનવામાં આવી છે. વિદ્યાના સ્વામી ભગવાન શિવ જીવનાં કર્મોને જોઇને પોતાની શક્તિઓથી માયાને ક્ષોભમાં નાખે છે અને જીવોના ભોગ માટે માયા દ્વારા જ શરીર તેમ જ ઇન્દ્રિયોની સૃષ્ટિ કરે છે. અનેક શક્તિઓથી યુક્ત માયા પહેલાં કાળતત્વને સર્જે છે; ભૂત, ભવિષ્ય ને વર્તમાન જગતનું સંકલન તથા લય કરે છે ને ત્યાર પછી નિયમન-શક્તિ સ્વરૂપ નિયતિનું સર્જન કરે છે. આ સર્વને નિયમમાં રાખે છે તેથી જ નિયતિ કહેવાય છે. તે પછી સકલ વિશ્વને મોહમાં નાખનારી આદિ અંતરહિત નિત્ય માયા ‘કલા’ તત્વને જન્મ આપે છે, કારણ કે એક બાજુથી મનુષ્યોના મલની કલના કરીને તે તેમનામાં કર્તૃત્વશક્તિ પ્રકટ કરે છે; આથી જ તેનું નામ કલા છે.
આ કલા જ ‘કાલ’ અને ‘નિયતિ’ ના સહયોગથી પૃથ્વી પર્યંત પોતાનો સમગ્ર વ્યાપાર કરે છે. તે જ પુરુષને વિષયોનાં દર્શનનો અનુભવ કરાવવા માટે પ્રકાશસ્વરૂપ ‘વિદ્યા’ નામક તત્ત્વ ઉત્પન્ન કરે છે. વિદ્યા પોતાના કર્મથી જ્ઞાનશક્તિના આવરણનું ભેદન કરીને જીવાત્માઓને વિષયોનું દર્શન કરાવે છે; આથી તેને કારણ માનવામાં આવી છે, કારણ કે તે વિદ્યા ભોગ્યને ઉત્પન્ન કરે છે, જેથી પુરુષ જાગ્રત શક્તિવાળો થઈને પરમ કરણ દ્વારા મહત-તત્વ આદિને પ્રેરિત કરીને ભોગ્ય, ભોગ અને ભોક્તાનું ચિંતન કરે છે. ભોક્તા પુરુષને ભોગ્ય વસ્તુની પ્રતીતિ કરાવવાથી વિદ્યાને ‘કરણ’ કહેવામાં આવે છે. બુદ્ધિ દ્વારા ચેતન જીવને થતાં વિષયના અનુભવને જ ‘ભોગ’ કહેવામાં આવે છે.
સંક્ષેપમાં વિષયાકાર બુદ્ધિ જ સુખ-દુઃખ આદિના રૂપમાં પરિણત થાય છે. ભોક્તાને ભોગ્ય વસ્તુનો અનુભવ આપમેળે જ થાય છે. વિદ્યા કેવળ સહાયક જ હોય છે. જો કે બુદ્ધિ સૂર્યની જેમ કેવળ પ્રકાશ પાથરનારી છે તો પણ કર્મરૂપ હોવાથી તેમાં સ્વયં કર્તૃત્વ નથી. તે અન્ય કરણોની અપેક્ષા રાખીને જ પુરુષને વિષયોનો અનુભવ કરાવવામાં સમર્થ થાય છે. પુરુષ પોતે જ કરણ આદિ સાથે સંબંધ સ્થાપિત કરે છે અને ભોગોની ઉત્કંઠાથી પોતે જ બુદ્ધિ આદિને પ્રેરિત કરે છે. સાથે જ તે બુદ્ધિ આદિની શુભાશુભ ચેષ્ટાઓથી પ્રાપ્ત થનારું ફળ તેને જ ભોગવવું પડે છે. તેથી પુરુષનું કર્તૃત્વ સિદ્ધ થાય છે. જો તેમાં કર્તૃત્વ ન સ્વીકારવામાં આવે તો તેના ભોક્તૃત્વનું કથન પણ વ્યર્થ થાય છે. એના વિના પ્રધાન પુરુષ દ્વારા આચરવામાં આવેલું બધું કર્મ નિષ્ફળ થઇ જાત. જો પુરુષ કરણ આદિનો પ્રરક ન હોય અને તેમાં કર્તૃત્વનો અભાવ હોય તો તેના દ્વારા ભોગ પણ અસંભવ જ હોય છે. એટલા માટે પુરુષ જ અહીં પ્રવર્તક છે. કરણ આદિનું તેનું પ્રેરક હોવું વિદ્યા દ્વારા જ સંભવ હોવાનું માનવામાં આવે છે.”
ક્રમશ: