Prem thay ke karay? Part - 8 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 8

Featured Books
Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 8

કવિતા 

"સોમાકાકા એ શું કહ્યું નાં સાંભળ્યું! એ બેન બહુ જિદ્દી છે. એ દસ ટીફીન સિવાય ઉપર અગિયારમું ટિફિન નહિ બનાવે. તો ગમે તેટલા રૂપિયા એક્સટ્રા આપીશ તો પણ નહિ. તું તો હાલ આવ્યો અમે તો છેલ્લા ત્રણ વર્ષથી તેમના હાથનું ટિફિન જમીએ છીએ." કૌશલ દાળભાત મિક્સ કરીને તેમાં લીંબુ નીચોવી રહ્યો છે.

કેવિન કૌશલની વાત સાંભળીને થોડીવાર માટે શાંત થઈ જમવા લાગે છે. વિશાલનાં હાથે દાળ ભાતમાં રેડવા જતા સહેજ નીચે પાથરેલા પેપર પર ઢળાઈ જાય છે. દાળ જ્યાં ઢળાય છે. તે પેપર આજનું છે. જેમાં નીતાબેનની લખેલી ભાગ્યવાળી કવિતા તેમના ફોટા સાથે છપાયેલી છે. દાળ તેમના ફોટા અને ફોટાને અડકીને નીચે લખેલા નામ પર ઢોળતા તેમનો ફોટો અને નામ નથી દેખાતા પણ કવિતા દેખાઈ રહી છે. કેવિન વિશાલ પાસે જમવા બેઠો છે. જેથી તેની નજર તેં કવિતા પરનાં શબ્દો પર જતા તેનાં મોઢામાંથી શબ્દો આપમેળે બહાર નીકળવા લાગે છે.

"વાહ શું કવિતા લખી છે."

વિશાલ, કૌશલ, નિશાંત અને બીજા મિત્રો તેની સામે જોવે છે.

"આમ મારી સામે શું જોવો છો. આ કવિતાનાં શબ્દો જોવો. આ કવિતા લખનાર એના જીવનમાં કેટલી એકલતા અનુભવતું હશે?" કેવિન મનોમન કવિતા વાંચી કવિતા લખનારનાં વખાણ કરે છે.

"ભાઈ તું I. T વાળો છે કે કોઈ સાહિત્યવાળો? તને કવિતાના શબ્દો પરથી ખબર પડી ગયી કે આ કવિતા લખનાર એના જીવનમાં એકલતા અનુભવતું હશે." કૌશલ કેવિનને સવાલ સાથે કટાક્ષ કરે છે.

"ભાઈ છું હું તો I. T વાળો પણ મને સાહિત્યમાં રસ વધારે. એટલે કવિતા, નવલકથાઓ એવું બધું વાંચતો રહુને જો સમય મળે તો મારી ડાયરી પણ લખતો રહું."

"ક્યાં બાત હૈ એન્જીનીયર કે સાથ સાહબ લિખતે ભી હૈ. વાહ તો 6 મહિના ઔર મજા આયેગા." પ્રદીપ હિન્દીમાં કેવિનાનાં વખાણ કરતા બોલે છે.

" હા પણ અમને તો કવિતા સંભળાવો કે લખનારે શું લખ્યું છે?? " કૌશલ કવિતા સાંભળવા ફરમાન કરે છે.

"હા કેમ નહિ તો સાંભળો.
આ ભાગ્ય છે કેવું.
જન્મે છે આપણી સાથે, મરે છે આપણી સાથે
મને વિધવા બનાવી શું પાપ નહિ ચડે તેની માથે
આ ભાગ્ય છે કેવું
આખુ જીવન ધાર્યું કરે છે તેની જાતે
મને સફેદ રંગ પહેરાવી શું પુણ્ય મળશે એને હાથે
આ ભાગ્ય છે કેવું.
ગમે છે તે મળતું નથી મળે છે તે રહેતું નથી
મારાં સિવાય શું તને બીજું ઘર મળતું નથી.
આ ભાગ્ય છે કેવું."

"વાહ વાહ વાહ વાહ" કૌશલ કવિતાના વખાણ કરવા લાગે છે.

"એ શું વાહ વાહ વાહ કરે છે. તને એ કવિતા શું કહેવા માંગે છે એની પણ ખબર પડે છે. એમનેમ વાહ વાહ વાહ કરે છે." નિશાંત કૌશલની બોલતી બંધ કરી દે છે.

"અરે ઓ ભાઈ આ ભાગ્યની કવિતા જેને લખી હોય એને. તું તારા ભાગ્યનું વિચાર. કાલથી તમારા ટિફિનનું ભાગ્ય ક્યાં અને કોના હાથે લખાયું છે. તેં વિચાર કર." નિશાંત કેવિનને કવિતાનાં સાગરમાંથી પાછો લાવીને વાસ્તવિક દુનિયાનું દર્પણ બતાવે છે. જે જોઈને કેવિન થોડીવાર માટે ચિંતામાં મુકાઈ જાય છે.

*                *                *                *               *

નીતાબેન તેમની લખેલી ભાગ્યની કવિતાની જેમ જ એકલાહાથે આખા દિવસનું કામ કરી રાત્રે ઘડીકભેર આરામખુરશીમાં આડા પડીને પોતાની એકલતા સાથે રોજની જેમ ખોવાઈ જાય છે. ત્યાંજ હાથમાં મોબાઈલ લઈને માનવી તેની મમ્મી પાસે આવે છે.

"મમ્મી આ જો. ન્યૂઝપેપરમાં છપાયેલી તારી કવિતાનો ફોટો મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો તો તને ખબર છે સવારથી સાંજ સુધી તને 1500 લાઈક્સ મળી છે." માનવી મોબાઈલની સ્ક્રીન તેની મમ્મી સામે કરે છે.

નીતાબેન ખાલી આંખોની પાંપણ હલાવી માથું ધુણાવે છે. નીતાબેનનાં ચહેરા પર કોઈ ખુશી કે આનંદ દેખાતો નથી.

"મમ્મી તારા ફોટા સાથે છપાયેલી કવિતામાં કેટલા લોકો તને ઓળખતા થયાં તેની ખબર છે તને? મારાં ફ્રેન્ડ સર્કલમાં બધા તારા કેટલા વખાણ કરતા હતાં કે શું વાત છે માનવી તારી મમ્મી આટલી ટેલેન્ટેડ છે?" માનવીનાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર નીતાબેન ખુરશીમાંથી ઉભા થઈ બારીમાંથી દેખાતા આકાશમાં ઉગેલા ચાંદને જોઈ રહે છે.

"કેમ મમ્મી તું કંઈ બોલતી નથી? આ તો ખુશીની વાત છે ને તું..."

"બેટા શું બોલું. માણસના ફોટાને નહિ એના મનને ઓળખનાર માણસને જયારે સાચો માણસ મળેને ત્યારે તેને સાચી ઓળખાણ કહેવાય. બાકી તો ભગવાનને પણ રોજ ફોટામાં જોઈએ છીએ તો શું ભગવાન બધાને ક્યાં પ્રસન્ન થાય છે? એ તો એને જ પ્રસન્ન થાય છે. જે તેની સાથે મનની ભક્તિથી જોડાય છે. નહિ કે ફોટાથી!" નીતાબેનનાં શબ્દો 19 વર્ષની માનવીના મગજમાં ઘૂસતા નથી.

"મને તો કંઈ ખબર ના પડી." માનવી ફરીથી તેનાં મોબાઈલમાં લાગી જાય છે. નીતાબેન ચાંદને નિહાળી રહે છે.

                                                                 ક્રમશ :