Prem thay ke karay? Part - 7 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 7

Featured Books
Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 7

ટેસ્ટ

" કોણ છે આ ભાઈ?" પીજીમાં રહેતા દસ મિત્રોના સર્કલમાંથી કૌશલ કેવિનને જોઈને તેનાં મિત્ર નિશાંતને પૂછે છે.

" આ મારો મિત્ર કેવિન છે. જે સુરતમાં રહે છે. અહીંની I. T કંપનીમાં 6 મહિના માટે તેનું સિલેકશન થતા તે ટ્રેનિંગ માટે અમદાવાદ આવ્યો છે. જો તમને કોઈને વાંધો ના હોય તો 6 મહિના તે આપણી સાથે રહેશે." નિશાંત પીજીમાં રહેતા તમામ મિત્રો સાથે કેવિનની ઓળખાણ કરાવે છે.

" અમને શું વાંધો. એક સે ભલે દો, દો ભલે તીન." પોતાના કપડાં ઈસ્ત્રી કરી રહેલો વિશાલ હિરોના અંદાજમાં બોલે છે.

આજે રવિવાર હોવાથી પીજીમાં રહેતા દસે દસ મિત્રો આરામનાં મૂડમાં છે.

"હેલ્લો, મમ્મી હા હું અમદાવાદ પહોંચી ગયો છું. કંઈ ચિંતા ના કરતી અને હા જમવાની, રહેવાની વ્યવસ્થા પણ થઈ ગયી છે." કેવિન તેને મમ્મીને ફોન પર જણાવી રહ્યો છે.

"હા ચાલ ફોન મુકું છું. પછી  કરીશ." કેવિન ફોન કટ કરીને નિશાંતે ખોલેલી બારીમાંથી દેખાઈ રહેલા અમદાવાદને નિહાળવા લાગે છે.

" વાહ શું અમદાવાદ છે!"

"ભાઈ  આ અમદાવાદ છે. અહીંની હવા જેને એકવાર લાગી ગયીને તે પછી અમદાવાદ છોડવાનું વિચાર પણ નથી કરતો." નિશાંત ફોનમાં ચેટ કરી રહેલા કૌશલને તાળી આપીને હસવા લાગે છે.

"અરે એ બધું ઠીક પણ સાંજે જમવામાં કંઈ વ્યવસ્થા કરવી પડેશે ને?" કેવિન નિશાંતને પૂછે છે.

"એની ચિંતા તું ના કરે. બધી વ્યવસ્થા થઈ જશે." નિશાંત કેવિનની ચિંતા હળવી કરે છે.

"હેલ્લો, જય શ્રી ક્રિષ્ના સોમાકાકા." નિશાંત ટીફીનની આપ લે કરતા સોમાકાકાને ફોન કરે છે.

"હા બોલો બોલો શેઠ, શું આજે ફરીથી બધા બહાર જવાના છો?"

"ના કાકા ના. રોજ રોજ થોડું બહાર જમવા જવાય. આ તો આજે બની શકે તો એક ટીફીન વધુ લાવજો ને." નિશાંત સોમાકાકાને આજીજી કરે છે.

"કેમ?"

"એક મિત્ર આવ્યો છે એટલે માટે દસ ભેગું અગિયારમું ટિફિન."

"હું નીતાબેન જોડે વાત કરી જોઇશ. એ બનાવી આપતા હશે તો લેતો આવીશ."

" એ તો બનાવી આપશે જ. સારુ ચાલો. જય શ્રી ક્રિષ્ના." નિશાંત ફોન કટ કરે છે.

"શું કહ્યું સોમાકાકા એ?" કાનમાં ઈયરફોન ભરાવી સોન્ગ સાંભળી રહેલો કૌશલ પૂછે છે.

"એ જ કે નીતાબેન જોડે વાત કરી જોઈશ."

નીતાબેન જયારે વિધવા થયેલા ત્યારે સોમાકાકાએ નીતાબેનને ટીફીન બાંધવાની સલાહ આપી હતી. જેથી તે મા દીકરીનું ગુજરાન ચાલી શકે. નીતાબેન પણ સોમાકાકાની વાત માની ટીફીન બાંધી દીધેલા. જેમાંથી થોડું સોમાકાકાને પણ મળી રહેતું અને નીતાબેનનું પણ નીકળી જતું. આ પીજીમાં રહેતા 10 છોકરાઓ નીતાબેન સિવાય કોઈનું પણ ટીફીન ના જમે. કેમ નીતાબેન જે ટિફિન બનાવતા તેમાં પોતાની મહેનત, ઈમાનદારી અને સંઘર્ષનો મસાલો ઉમેરાતા. જેનો સ્વાદ આ લોકોને દાઢે વળગી ગયેલો.

*               *                 *                  *              *

"મનુ આ ટીફીન ભરી દે જે સોમાકાકા આવતા જ હશે."

"હા બાપા. આમ પણ વેકેશનમાં મારે ટીફીન ભરવા સિવાય બીજું કામ જ શું  હોય છે?" નીતાબેન રોજની જેમ મનુની વાતનો કોઈ જવાબ આપ્યા વગર પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.

ટ્રીન.... ટ્રીન... ટ્રીન...

નીતાબેન દસ ટીફીનની થેલી સોમાકાકાના હાથમાં આપે છે.

"નીતાબેન એક છોકરો નવો આવ્યો છે. 6 મહિના માટે તેનું ટીફીન બાંધવાનું છે..."

"ના હો કાકા મારાંથી એક શું અડધું ટીફીન પણ નહિ થઈ શકે. થાકી જવાય છે હવે. આ દસ છે ને બસ એ જ બસ છે. હું તો આ દસ ટિફિન પણ બંધ કરવાનું વિચારી રહી છું. તમે ના પાડી દેજો." નીતાબેનનો થાક તેનાં શબ્દોમાં દેખાઈ રહ્યો છે.

"ઠીક છે."

*                *                *                 *              *

"લો આ તમારા દસ ટિફિન" સોમાકાકા નિશાંતના હાથમાં ટિફિનની થેલી આપતાં બોલે છે.

"કેમ દસ, એક વધારાનુ લાવવાનું કહ્યું હતુને?"

"નીતાબેન સ્પષ્ટ ના પાડી છે તેમનાથી એક પણ ટીફીન વધુ બની શકે તેમ નથી એટલે તમે અગિયાર આ દશનાં ટીફીનમાં જમી લો. કાલથી તમારા મિત્રને કહેજો કે તેની વ્યવસ્થા જાતે કરી લે"

"ઓકે"

બધા ટીફીન લઈને જમવા બેસે છે. ટિફિન ભીંડીની સબ્જી, દાળ ભાત, રોટલીથી ભરપૂર છે. બધા કેવિનને પોતાના ટિફિનમાંથી થોડું થોડું કરીને જમવાનું આપે છે. ભોયતળિયું બગડે નહિ એટલે બધા નીચે પેપર પાથરી જમવા બેસે છે.

"વાહ શું ટેસ્ટ છે." કેવિન ભીંડીની સબ્જીનો કોળિયો મોં માં મુકતા તરત જ તેનાં મોઢામાંથી વખાણની ધારો વહેવા લાગે છે.

"આવો ટેસ્ટ તો મારી મમ્મીના હાથમાં પણ આવતો નથી. વાહ મજા આવી ગઈ યાર." કેવિન ભોજનનો આનંદ લઈ રહ્યો છે.

"હા પણ આજનો દિવસ છે કેમ કે કાલથી તમારા ટીફીનની વ્યવસ્થા બીજે કંઈકથી કરવાની છે." કૌશલ કેવિનને સોમાકાકાના શબ્દો યાદ કરાવે છે.

"અરે નિશાંત તું કંઈક વાત કરને તે બેન સાથે કે મારું ટીફીન પણ બનાવી આપે. એવું હશે તો હું એક્સટ્રા પૈસા આપીશ. પ્લીઝ." કેવિન નિશાંતને આજીજી કરી રહ્યો છે.

                                                                ક્રમશ :