Bhitarman - 44 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 44

Featured Books
Categories
Share

ભીતરમન - 44

મેં એની ચિંતા દૂર કરતા કહ્યું, "તારો પ્રેમ મને ક્યારેય કંઈ જ તકલીફ નહીં થવા દે! હું અવશ્ય મુંબઈનો આ કેસ પતાવી અહીં તારી પાસે પરત ફરીશ. તું હિંમત ન હાર! મારો વિશ્વાસ એ તારા પ્રેમમાં જ છે. તું ફક્ત મને સાથ આપ! બાકી બધું જ માતાજી સાચવી લેશે. તું એ વિચાર.. જે ગુજરાતી પરિવાર છે એને હું ન્યાય અપાવી રહ્યો છું, હા, મારી રીત કદાચ આકરી છે પણ મારા દ્વારા એક પરીવાર ને ન્યાય મળશે. એમ વિચારી મને સાથ આપ."

"હા હું એ વિચારીને જ હંમેશા તમારી સાથે રહું છું પણ, છેલ્લી વખતે એમણે જે તમારા ઉપર ફાયરિંગ કર્યું એના લીધે હું ખૂબ જ ડરી ગઈ છું. આપણે એવી ગામની સેવા નથી કરવી જેનાથી આપણા પરિવારમાં કોઈ મુશ્કેલી ઊભી થાય. તમે આપણો પરિવાર અને આપણા આવનાર બાળક માટે વિચાર કરો."

"મેં તને કહ્યું એમ તું ફક્ત મને તારો સાથ આપ બાકી બધું જ માતાજી પર છોડી દે એ બધું સાચવી લેશે. અને હા પરમ દિવસે મારે મુંબઈ માટે નીકળવાનું છે મારો સામાન રેડી રાખજે." મેં મારો આખરી નિર્ણય તુલસીને આપી દીધો અને એને મારા આલિંગનમાં લીધી હતી.

તુલસી મને ભેટીને રડી પડી હતી. મેં એના માથા પર હાથ ફેરવીને એને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો. થોડીવાર બાદ એ શાંત થતાં એને સહેજ મારાથી અળગી કરી, હું એની આંખમાં આંખ પરોવીને એને નીરખી રહ્યો હતો. એની આંખમાં મારા માટે પારાવાર ચિંતા દેખાઈ રહી હતી. મેં એના કપાળ પર એક ચુંબન કરતાં કહ્યું, "હું જે ધંધામાં છું એમાં ક્યારેય પીછે હટ થતી નથી, હાથમાં લીધેલું કામ પૂર્ણ કરવું જ પડે છે. આ કામની અંદર ઉતર્યા બાદ પૂરું કરવું એ ફરજિયાત જ હોય છે. મને જ્યારે કોઈ જ આશરો ન હતો ત્યારે મુક્તારે જ મને એના કામમાં ભાગીદાર બનાવ્યો હતો. અને ભાગીદારીમાં મેં રૂપિયા તો ક્યાંય વાપર્યા જ નહોતા! મારી મહેનત અને એના રૂપિયા એમ અમારી ભાગીદારી મારી ઈચ્છા અનુસાર એમણે સ્વીકારી હતી. મારે એમની નામના અને ઈજ્જતને ધ્યાનમાં રાખીને પણ આ કાર્યને પૂર્ણ કરવું અનિવાર્ય છે. આજે કુદરતે મને એ મોકો આપ્યો છે કે હું એમનું ઋણ ચૂકવી શકું. તો મારે આમાં પીછે હટ ન જ કરવી જોઈએ. તું આમ રડીને દુઃખી થાય તો તારું દિલ દુભાવી મને સફળતા ન મળે! તું મને ખુશી ખુશી સાથ આપ ને!" મેં વિનંતીના સૂરમાં એને કહ્યું હતું.

તુલસી કદાચ મારી વાત સમજી ગઈ હતી બોલી કશું જ નહીં પણ મને હસતા ચહેરે એણે આલિંગન કર્યું હતું.

હું અમારા નક્કી કરેલ પ્લાન મુજબ મુંબઈ જવા નીકળ્યો હતો. હું જ્યાં સુધી દેખાઈ રહ્યો હતો ત્યાં સુધી તુલસી ગેટ પાસે ઉભી મને જોઈ રહી હતી. અમારી સાથે અમદાવાદથી પોલીસ ઇન્સ્પેક્ટર આવવાના હતા. અને મુક્તારને પણ કહ્યું હતું કે, જામનગરના કોઈપણ કોન્સ્ટેબલની સાથે જરૂરિયાત જણાશે તો વોકીટોકીથી સંપર્ક કરશું. જેથી અચાનક પરિસ્થિતિ વણસી જાય તો એની માહિતી મુકતાર સુધી પહોંચાડી શકાય. અમે અમારા અમુક કોડ નક્કી કરેલા હતા અને એ મુજબ જ ટૂંકમાં વાત કરવાના હતા. વધુમાં વધુ અઠવાડિયા સુધીમાં કામ પતાવી પરત ફરવાનું નક્કી કર્યું હતું. અમારો જે પ્રમાણે નો પ્લાન હતો એ પ્રમાણે અમે મુંબઈ પહોંચી ગયા હતા. હું મુંબઈ સૌપ્રથમ મુખ્તારનો ધરાક ફારૂક પાસે ગયો હતો. ફારુકને બધી જ માહિતીની જાણ તો મૂકતારે કરી જ દીધી હતી, પણ રૂબરૂ મુલાકાત અમારી આજે થઈ હતી. મેં અમારા પ્લાનની વિસ્તૃત માહિતી ફારુકને કહી હતી. એ મરાઠી પરિવારના ઘરે જવાનો સમય અને મુંબઈની ક્રાઈમ બ્રાન્ચના જે સભ્યો અમારી સાથે આવવાના હતા એ લોકોની મીટીંગ ગોઠવવાનું ફારુકની અનુકૂળતા મુજબ નક્કી કરવાનુ હતું.

ફારુકે આવતી કાલે સવારે બધા ની મીટીંગ એ મરાઠી પરિવારના ઘરે ગોઠવવાનું નક્કી કર્યું હતું. આ માહિતીની જાણ ખુદ ફારુક એ મરાઠી પરિવારના ઘરે જઈને આજ સાંજે આપી આવવાનો હતો.

મારે બસ એજ રાહ જોવાની હતી કે, ફારુક એમના ઘરે જાય ત્યારે આ વાતનો એ લોકો કેવો પ્રતિભાવ આપે છે. અમારા ધંધામાં હોદ્દેદાર વ્યક્તિઓના વચનની ખૂબ જ કિંમત રહેતી હતી. એમનું વચન બધા અચૂક પાડતા જ હતા. વળી ફારુકનુ નામ પણ ખૂબ જ હતું. આજે શાંતિથી બેઠક થશે એવી આશા મને હતી. જો એકવાર એ મરાઠી પરિવાર સાથે બધા જ સભ્યોની હાજરીમાં બેઠક થઈ જાય તો એ લોકોને કેવી રીતે મારી વાત મનાવવી એ મારા ડાબા હાથની રમત હતી. બસ એક વખત શાંતિથી બધા જ હોદ્દેદારોની વચ્ચે અમારી બેઠક થવી જરૂરી હતી.

તુલસીને અંદાજ હતો કે, હવે હું મુંબઈ પહોંચી ગયો હોઈશ એ મારા માટે ખૂબ જ ચિંતાતુર હોય કેટલી બધી એ માનતાઓ રાખીને બેઠી હતી. અહીં ફારૂક સાથે એ મરાઠી પરિવારની બેઠકની ચર્ચા થઈ રહી હતી અને એ જ સમયે હું માતાજી સામે બેસીને અમારા માટે પ્રાર્થના કરી રહ્યો હતો. મારી આસ્થા ફળી હોય એ રીતે ફારુક અમારા બધાની બેઠક કરાવવા માટે મરાઠી પરિવારને રાજી કરી ચૂક્યો હતો. એણે આવીને જેવા સમાચાર મને આપ્યા કે, બેઠક માટે મરાઠી પરિવાર તૈયાર છે, એજ ક્ષણે હું પોણી જીત હાસીલ કરી ચૂક્યો છું એની મને ખાતરી થઈ ગઈ હતી. ખૂબ જ અટપટું અને બેચરાયેલ કામને પૂરું થવામાં હવે એક જ દિવસની રાહ હતી. માતાજીએ મને એ અણસાર આપી દીધો હતો કે, આ કાર્યમાં એ મારી સાથે જ છે એટલે હવે મારી આ કામની જીત નિશ્ચિત જ હતી. એક જ તકેદારી રાખવાની હતી કે દરેકની માનસિકતાને ધ્યાનમાં રાખીને મારે વાતને બધાની સમક્ષ એવી રીતે ઉચ્ચારવાની હતી કે જેથી બધા જ મારી વાત સમજીને સહમત થઈ શકે!

પહેલા પોલીસ અધિકારીની પણ મેં પૂરી વ્યવસ્થા રાખી હતી. એમને જરૂરી બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. અમારા તરફથી મળતું સન્માન જોઈને એ ખૂબ ખુશ હતા.

અંતે એ સમય આવી જ ગયો કે જે ક્ષણે અમારે મરાઠી પરિવારને ત્યાં પહોંચવાનું હતું. પૂરી સુવિધા અને સુરક્ષા તેમજ બધા જ લોકોને એકસાથે રાખી હું કર્મને અંજામ આપવા માતાજી નું નામ લઇ એમના ઘરે પહોંચ્યો હતો.

અમે એમના ઘરે પહોંચ્યા ત્યારે એ લોકો આઠ જણા મોજુદ હતા. હું, સલીમ, ફારૂક, પેલો પોલીસ કોન્સ્ટેબલ, મુંબઈના બે ક્રાઈમ બ્રાન્ચના સભ્ય અને અમારો ડ્રાઇવર એમ અમે સાત જણા હતા.કુલ પંદર જણા એક રૂમમાં ચર્ચા કરવા ગોઠવાયા હતા. અંદર પ્રવેશ્યા ત્યારે એ લોકોના ચહેરા જોઈને સમજાતું હતું કે એ લોકો ખૂબ જ ગુસ્સામાં છે, પણ પહેલેથી અમુક સુવિધા અને સુરક્ષા સાથે અમે ફારુકને સાથે લઈને ગયા હોવાથી એ લોકો અમારા કંટ્રોલમાં હતા.

ફારુકે વાત ઉચ્ચારતા કહ્યું, "તમે પછી શું નક્કી કર્યું એ તમે ખુલ્લીને જણાવો જેથી બંને પરિવારો વચ્ચે એક નીવેડો આવે. અને બંનેને સંતોષ થાય."

"અમે બસ એટલું જ ઇચ્છીએ છીએ કે આ જમીન અમને ફળી છે અને અમારે અહીં જ રહેવું છે. એ લોકો  ઈચ્છે એટલું અમે ભાડું આપવા માટે તૈયાર છીએ છતાં અમને અહીંથી હટવાનું કેમ કહે છે?"

શું એ મરાઠી પરિવાર આ લોકોની વાત સાથે સહમત થશે?વિવેક પોતાની વાત એમના મનમાં બેસાડી શકશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏