ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
મેવાડના રાજવધુ અજબ કુંવરબાઈને આપેલ વચન નિભાવવા શ્રીનાથજીએ ઔરંગઝેબને પ્રેરિત કર્યો. મથુરાના અનેક મંદિરો તોડીને એણે શ્રી ગિરિરાજજી ગોવર્ધનમાં લીલા કરતા શ્રીનાથજીનું મંદિર ખંડિત કરવાનું વિચાર્યું. પણ આગોતરી જાણ થતા જ, મુખ્યાજીએ શ્રીનાથજીને એક રથમાં સવાર કરીને મોગલોની પહોંચથી દૂર રાજપુતોના રાજ્ય તરફ પ્રયાણ કર્યું. અને લગભગ પોણા ત્રણ વર્ષ વિવિધ જગ્યાએ કંઈક દિવસ અથવા માસ વિશ્રામ કર્યા પછી શ્રીનાથજીએ મેવાડના સિંહાડ ગામમાં સંકેત આપ્યો કે મારે અહીજ બિરાજવાની ઈચ્છા છે. અને એમ શ્રીનાથજીની ઈચ્છાથી જ એ જ સ્થળે શ્રીનાથજીના મંદિરનું નિર્માણ થયું.
એવા શ્રીનાથજીના શૃંગારના દર્શન કરીને સુરેન્દ્ર સિંહ બહાર નીકળ્યા. એમની ઈચ્છા બપોરના રાજભોગના દર્શન કરી અને પછી ફ્લોદી નીકળવાની હતી પણ અનોપચંદે એમને કહ્યું હતું કે, તમે 2-3 દિવસ શ્રીનાથજીમાં જ રોકાજો. પછી એમણે ખડકસિંહ સાથે વાત કરી ખડકસિંહે જણાવ્યું કે પૃથ્વી ઇન્ડિયા આવવા નીકળ્યો છે પણ કંઈક કામ આવતા દુબઇ રોકાઈ ગયો છે અને સાંજે દિલ્હી ઉતરશે. હવે સુરેન્દ્રસિંહ પાસે બીજું કઈ વિશેષ કામ હતું નહિ. જીતુભાને જણાવવાની અનોપચંદે ના કહી હતી. એટલે એમને બજારમાં એક ચક્કર મારવાનું વિચાર્યું.
xxx
"જીતુભા, સર શું લાગે છે?” સુરેન્દ્રસિંહની કારના ભંગારનું બારીકાઈથી નિરીક્ષણ કરતા જીતુભાને ગિરધારી એ પૂછ્યું.
"પોલીસ રિપોર્ટ કહે છે કે વિક્ટિમનો કઈ પત્તો નથી. પણ આ કારની હાલત કહે છે કે મામાને કંઈક બીજી જગ્યાએ પહેલા કાર માંથી નીચે ઉતારી, બેહોશ કરીને ક્યાંક શિફ્ટ કર્યા પછી આ અકસ્માતનો દેખાવ ઉત્પન્ન કરવામાં આવ્યો છે."
"તમે આટલું ચોકસાઈથી કેવી રીતે કહી શકો છો?"
"જો પહેલા એક્સીડંટ કર્યો હોય તો મામાને કંઈક નાની મોટી ઇજા થઇ હોય તો એમના લોહીના સ્ટ્રેસ કાર માંથી મળ્યા વગર ન રહે. આ ઉપરાંત મામાનો સમાન પણ ગાયબ છે."
"તો હવે ક્યાં શોધશું?"
"મારી પાસે અમુક સોર્સ છે. એ શોધી આપશે, પણ હવે આપણે પહેલાં ફેકટરીના મેઈન ગેટ પર રજીસ્ટરને ચેક કરવું છે.
xxx
ધર્મેન્દ્રએ જયારે પોતાની કેબિનમાં આવવાનું કહ્યું હતું એના બરાબર અર્ધો કલાક પછી સેક્રેટરીએ એની કેબિનમાં પ્રવેશ કર્યો અને કહ્યું "બોલો શું બ્રિફિંગ આપવાનું છે?"
"પણ મેં અર્ધો કલાક પહેલા તને બોલાવેલી મારે બેંગ્લોરની ફ્લાઇટ પકડવી છે. છેવટે મેં રાજીવની સેક્રેટરી પાસે એ લેટર ટાઇપ કરાવી લીધા. આમ થોડું ચાલે મારે વિક્રમને કહેવું પડશે."
"ઓકે. તો કહી દો. હું બોસને મેસેજ આપી દઉં છું કે તમે જનરલ મેનેજર તરીકે ખુશ છો, અને વીસી એન્ટરપ્રાઇઝ માં અડધા મલિક બનવા નથી માગતા" કંઈક વ્યંગ પૂર્ણ હસીને સેક્રેટરીએ કહ્યું અને ધર્મેન્દ્રની સામેની ખુરશી પર બેસી ગઈ.
"કામિની મેડમ તમે વાત સમજો. આ ઓફિસ છે અહીં કેટલાક નિયમ પ્રમાણે કામ કરવું પડે."
"મિસ્ટર ધર્મેન્દ્ર તમારા નિયમની બત્તી બનાવી રાખો તમારા પાસે. અંધકારના દિવસોમાં કામ લાગશે. હવે મને એ કહો કે એણે લંડન થી ડાયરેક્ટ મુંબઈ ની ફ્લાઇટ બુક કરાવી હતી તો એ તમારા માણસોને કેમ ન મળ્યો?"
"મને એ જ નથી સમજાતું." લંડનથી મુંબઈની એના નામની ટિકિટ નીકળી છે રૂપિયા પણ ચૂકવાય છે. મેં એરપોર્ટ ઓથોરિટી માં વાત કરી છે સાંજ સુધીમાં કંઈક જાણવા મળશે."
"ઠીક છે સાંવરિયા શેઠ વાળા પ્રોજેક્ટ માં કઈ અપડેટ?
"ખૂટતું મટીરીયલ આજે અત્યારે મળી જશે? મને તમે કહેશો એટલે આઠ કલાકમાં મારી ટીમ કામમાં લાગી જશે."
"સફળતાનાં ચાન્સ કેટલા છે?" સેક્રેટરી તરીકે નોકરી કરતી કામિની બોસ બનીને પોતાના બોસ ને પૂછી રહી હતી.
"99%"
"તમારા 99% એટલે કે ખરેખર તો 50% ચાન્સ કહેવાય. નોટ બેડ. ઓપરેશન લીડ કોણ કરે છે."
"બધા જ ઇન્ડિયન છે પણ એન આર આય. છે. અત્યારે બધા.."
"બસ મારે વધુ નથી જાણવું જેટલી ઓછી જાણકારી મને હશે એટલી હું ઓછી ફસાઇસ. પણ યાદ રાખજો આપણી ડીલ."
"યાદ છે કામિની, કંપનીના 3 % શેર તારા નામે કરી આપીશ."
"તમે રુલ ભંગ કર્યો છે. આપણે જયારે એકલા હોઈએ ત્યારે તમે મને માત્ર કામિની મેડમ કહીને બોલાવશો. એવું નક્કી થયું હતું. મને મારો હિસ્સો જોઈએ છે. તમારું એવું સેટિંગ મેં કરાવી આપ્યું છે."
"તારો આભાર કામિની. એક વાર હું આ કંપનીમાં અડધો ભાગીદાર બની જાઉં પછી હું ને રાજીવ આ કંપની પર રાજ કરશું."
"પણ તમે તમારા મૂર્ખતા ભર્યા પ્રયાસો બંધ કરો અને બોસ ના પ્લાન પ્રમાણે ચાલો તો એ દિવસ જલ્દી આવશે. કાલે એને ઘેનનો ડોઝ કઈ રીતે અને કોને પૂછી ને આપ્યો તમે પુરા પ્લાન ની પથારી ફેરવી નાખશો આવી મૂર્ખતા થી." કંઈક ગુસ્સાથી કામિનીએ કહ્યું.
"રાજીવના સોગંધ, એ મારો પ્લાન ન હતો,"
એનો મતલબ એ કે કોઈ બીજો પણ દુશમન છે વિક્રમનો. આપણે હવે સાંભળીને રમવું પડશે." ચાલો હું જાઉં છું મારે એક મિટિંગમાં જવાનું છે અને તમારે ફ્લાઇટ પકડવાની છે." કહી કામિની પોતાના બોસ ધર્મેન્દ્ર ચૌહાણની કેબિનમાંથી બહાર નીકળી.
xxx
"જીતુભા સર, સુરેન્દ્ર સાહેબે લગભગ 5 વાગ્યે પોતાની કાર ચેક કરવાનું મને જણાવ્યું હતું અને મેં આપણા મિકેનિક પાસે કર્ણ વ્હીલની હવા, પેટ્રોલ ક્લચ બ્રેક વગેરે બધું છે કરાવ્યું હતું. બધા પાર્ટ વ્યવસ્થિત હતા. પછી 6.40 વાગ્યે એમનું કામ પૂરું કરીને એ બહાર નીકળ્યા." કંપનીના એચ આર હેડ જીતુભાને કહી રહ્યો હતો.
"અહીંથી શ્રીનાથજી પહોંચવામાં કેટલી વાર લાગે."
"જો સ્થાનિક ડ્રાઈવર હોય તો લગભગ 50 મિનિટ અને આ રૂટથી અજાણ્યા હોય જેમ કે સુરેન્દ્ર સર, તો લગભગ સવા કલાક પકડો ને.
"એટલે કે આઠ વાગ્યા સુધીમાં મામા શ્રીનાથ દ્વારા પહોંચી જવા જોઈતા હતા. બરાબર?
"હા એકદમ બરાબર."
"અને એટલું જલ્દી જો કોઈને જબરજસ્તી થી કારમાંથી ઉતારી ક્યાંય લઇ જાય તો લોકોને ધ્યાનમાં તો આવે જ બરાબર?"
"હા એ રૂટ પર વાહનોની અવરજવર ઘણી હોય છે. એટલે એ મુશ્કેલ છે. "
"તો પછી શું થયું હોઈ શકે?" જીતુભા એ પૂછ્યું.
"સર, આમ તો સાવ સામાન્ય તુક્કા જેવી વાત છે પણ કદાચ કોઈ જાણીતું મળી ગયું હોય અને એ રસ્તામાં રોકાઈ ગયા હોય એવું બની શકે" આમ કહીને એચઆર ના હેડે જીતુભાને અજંતા જ એક લીડ આપી દીધી હતી.
xxx
"ચાલ મોહિની આપણે આજે આપણે લક્ષ્મી રેસ્ટોરન્ટમાં જમવા જઈએ."
"પાગલ થઇ ગઈ છે. જીતુ ને ખબર પડશે તો શું કરશે ખબર છે?"
"તો શું એ અમીરઝાદા થી ડરીને આખો દિવસ ઘરમાં બેસી રહેવાનું? અને કેટલા દિવસ?"
"એ મને કઈ ખબર નથી. પણ આપણે બહાર ક્યાંય જવાનું નથી સમજી? જીતુ મને એ જ કહીને ગયો છે કે તારામાં છોકરમત છે એટલે તારી સંભાળ રાખવી."
"હું કઈ નાની કીકલી નથી અને ડરપોક ડબ્બુ તું બની ને રહે. હું એનાથી જરા પણ નથી ડરતી. ચાલ ફટાફટ ચેન્જ કર." કહીને સોનલ ડ્રેસ ચેન્જ કરવા બાથરૂમમાં ઘુસી.
"પણ, બા ને એટલે કે ફૈબા ને શું કેશુ?"
"એ બધું હું ફોડી લઈશ, તું ફટાફટ રેડી થા."
10 મિનિટ પછી મોહિની અને સોનલ બન્ને સોનલના બિલ્ડીંગ માંથી બહાર આવ્યા. રોડ ક્રોસ કરીને ટેક્સી પકડી ટેક્સી સેન્ચ્યુરી બજાર તરફ ચાલી ત્યારે સોનલે પાછળ નજર ફેરવીને જોયું તો પવાર બાઈક પર એની ટેક્સીની પાછળ આવી રહ્યો હતો. એક રાહત અને શકુનનો ભાવ સોનલના ચહેરા પર આવ્યો અને એ નિષ્ફિકર થઈને મોહિની સાથે વાતોમાં વળગી ગઈ.
xxx
“પૃથ્વી જી, શું કહ્યું ડોકટરે? અને આંટી કેમ છે હવે તમને? પૂજા લગભગ 3 કલાક હોટેલ પર આરામ કરી અને ફ્રેશ થઈને આવી હતી તેના ચહેરા પર તાજગી ઝળકતી હતી. હોસ્પિટલમાં કોઈ રિલેટિવની સંભાળ રાખવાનું જોઈએ તો થોડો ભારે પણ પોતાની રોજિંદી જિંદગીમાં સામાન્ય ગણાય એવું ખુલ્લા ગળાનું ટોપ અને જીન્સ એણે પહેર્યા હતા. અને એના પર સ્પ્રે કરેલ પરફ્યૂમની સુવાસ હોસ્પિટલની દવાઓની ગંધ વચ્ચે એક અજીબ રાહત આપી રહી હતી.
સુમતિ ચૌહાણે એની વાત સાંભળીને આખો ખોલી અને સહેજ બેઠા થવાનો પ્રયાસ કર્યો તો પૂજાએ એમના ખભા પકડીને પાછા સુવડાવી દીધાં. અને હકથી સહેજ ખીજાતી હોય એમ કહ્યું. "હા, હા, આંટી તમને ઉભા થવાની પરમિશન હજી મેં નથી આપી તમે આરામથી સુતા રહો."
"પણ પૂજા હું સુઈ સુઈ ને થાકી ગઈ છું. અને આ કોને તે મારો ગાર્ડ બનીને બેસાડ્યો છે. હું સહેજ પણ હલુ તો પૂછે છે કે શું થાય છે? ડોક્ટરને બોલવું? મને દવા પીવડાવી, મને સ્પન્જ કરવા આવેલ નર્સ ને ધમકાવીને સાવચેતીથી મને સહેજે તકલીફ ના પડે એમ સ્પન્જ કરવાનું કહ્યું. અને એના એક કોલથી આ હોસ્પિટલના ડીન જાતે આવીને મારુ ચેક એ કરી ગયા." સહેજ હાંફતા અવાજે સુમતિ ચૌહાણે કહ્યું.
"જોયું ને શ્વાસ ચડી ગયોને? એટલે જ આ બોડીગાર્ડને બેસાડી ગઈ હતી. હમણાં કલાકમાં વિક્રમ આવશે. અને તમારી આ હાલત જોઈને મારી આઠે ઝગડો કરશે."
"એને હું સમજાવી દઈશ કે એ મારો જ વાંક હતો. તે મને ના પડી પણ છતાં મેં છેલ્લા 5-6 દિવસ ઊંઘની ગોળીઓ ખાધી હતી. તારા અંકલની બહુ યાદ આવતી હતી એટલે." કહેતા એ ઈમોશનલ થઇ ગયા. આ જોઈને પૂજાની આંખમાં પણ પાણી આવી ગયા. પૃથ્વી સહેજ અસહજ થયો અને રૂમની બહાર નીકળ્યો. એટલે સુમતિ એ પૂજા ને કહ્યું "કોણ છે આ? તને એ ક્યાં મળી ગયો કેટલી કાળજી રાખી છે એને મારી ખબર છે તને?"
"એ એરપોર્ટ પર મળી ગયો હતો. આપણી ફ્લાઇટને હજુ 3 કલાકની વાર હતી અને તમે અચાનક અનકોન્શિયસ થઇ ગયા, હું ગભરાઈ ગઈ, તમારી પાસે રહું કે કોઈને મદદમાં બોલવું એ સમજાતું ન હતું. આ આપણા થી થોડે દૂર આરામ કરતા હતા. એને સમજાયું કે કૈક મુશીબત છે એટલે તરત જ મને પૂછ્યું. અને તમારી હાલત જાણીને એને એના કોઈ મિત્ર અહીં રહે છે એને ફોન કર્યો એ અહીંના રાજઘરાનાના છે એને તરત તમને આ હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા."
"પણ પછી એ કેમ રોકાયો? એને ફ્લાઇટ નહોતી પકડવી?
"એ ભલા માણસ છે મને એકલી જોઈને એને પોતાની ફ્લાઇટ મિસ કરી અને અહીં હોસ્પિટલમાં સાથે આવ્યા અને ડોક્ટર પાસે થી તમે ખતરા ની બહાર છો એ જાણ્યા પછીજ આરામ કરવા હોટેલ પર ગયા અને વહેલી સવારે પોતે અહીં આવીને ધરાર મને આરામ કરવા હોટેલ પર મોકલી."
"ભગવાન એનું ભલું કરે. અને જીવનમાં એ ખુબ સુખી થાય આજકાલ આવા માણસો ક્યાં મળે છે." સુમતિ ચૌહાણેને આટલી વાત કરવામાં પણ શ્રમ પડ્યો હતો થાકથી એમની આંખો બીડાઈ ગઈ. એ જોઈ ને પૂજા મનોમન બોલી "એ ભલા માણસ છે. પણ જેવો વિક્રમ આવશે કે તરત જ એને ઓળખી જશે અને એને મારી નાખવાનો ફરીથી પેતરો કરશે, પણ સોનલના આ ભાવિ વરને મરવા દેવો પોષાય એમ નથી એ જીવવો જ જોઈએ."
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.