Serial killers on the run from the law in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | કાયદાની પકડથી દુર રહેલા સિરિયલ કિલર્સ

Featured Books
Categories
Share

કાયદાની પકડથી દુર રહેલા સિરિયલ કિલર્સ

સિરિયલ કિલર્સના કૃત્યો હંમેશા ધ્રુજાવી નાંખનારા હોય છે અને તેઓ વહેલા મોડા કાયદાની પકડમાં  આવે છે અને તેમને તેમની કરણીની સજા મળતી જ હોય છે પણ કેટલીય એવી ઘટનાઓ બની છે જેમાં આ કિલર્સ કાયદાની પકડથી દુર રહ્યાં છે અને તેમના કૃત્યોની તેમને સજા થઇ શકી નથી.જો કે કેટલીક ઘટનાઓમાં શંકાની સોય કેટલાક લોકો પણ તકાઇ છે પણ તેમની વિરૂદ્ધ યોગ્ય પુરાવા નહી હોવાને કારણે તેમને સજા થઇ શકી નથી.કેટલાક તેમના કૃત્ય કર્યા બાદ મોતને ભેટ્યા હોવાને કારણે તેમને સજા થઇ શકી નથી તો કેટલાક અન્ય ગુનાઓમાં પકડાયા હોય પણ સિરિયલ કિલિંગ સાથે તેમનો સંબંધ સ્થાપિત ન થયાનું પણ બન્યાનું માનવામાં આવે છે.જેક ધ રિપર અને જોડિયાક કિલર્સ જેવી કુખ્યાતિ અન્યોને સાંપડી નહી હોવાનું પણ બન્યું હોવાને કારણે પણ તેઓ બહુ પ્રકાશમાં આવ્યા નથી.

જેક ધ રિપર નામના હત્યારાએ લંડનને આતંકિત કરી મુક્યાના વીસ વર્ષ બાદ એટલાન્ટા શહેરમાં ૧૯૧૧-૧૨નાં સમયગાળામાં  પંદર થી વીસ જેટલી આફ્રિકન મુળની અમેરિકન મહિલાઓની હત્યાએ ભારે દહેશત ફેલાવી હતી.બાવીસમી જાન્યુઆરીએ આ હત્યારાએ તેનો પહેલો શિકાર રોઝા ટ્રાઇસને બનાવી હતી.તેનું માથું છુંદી નાંખવામાં આવ્યું હતું અને તેના જડબા અને ગળા પર ઘા મારવામાં આવ્યા હતા.ત્યારબાદનાં મહિનાઓમાં ઘણી આફ્રિકન મુળની અમેરિકન મહિલાઓને આજ રીતે ક્રુરતાપુર્વક મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ બની હતી.અખબારોમાં હત્યારાને ધ એટલાન્ટા રિપર નામ આપવામાં આવ્યું હતું.આ મામલે પોલીસે અનેક શંકાસ્પદોની પુછપરછ કરી હતી પણ ક્યારેય એટલાન્ટા રિપર તેમના હાથમાં આવ્યો ન હતો.

ભારતમાં આ પ્રકારની ખ્યાતિ સ્ટોનમેને મેળવી હતી. જેણે ૧૯૮૯માં કોલકાતામાં ૧૩ જેટલી હત્યાઓ આચરી હતી.જેનો આરંભ આ વર્ષનાં જુન મહિનામાં થયો હતો જ્યારે હત્યારાએ એક વ્યક્તિનું માથું છુંદી નાંખીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.જો કે તેણે પોતાની હત્યાઓ માટે એ જગ્યાઓ જ પસંદ કરી હતી  જ્યાં અંધારૂ વધારે રહેતું હતું અને ઘરવિહોણા લોકો જ્યાં રાત્રે ઉંઘવા માટે જતા હતા.હત્યારાએ આ વર્ષે જ છ મહિનામાં લગભગ બાર વધારે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.તો ૧૯૮૫નાં પ્રારંભિક ગાળામાં મુંબઇમાં પણ બારેક જેટલા લોકોને આ જ રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.કોલકાતા અને મુંબઇમાં એક જ વ્યક્તિએ હત્યાઓ કરી હોવાનું પોલીસનું માનવું હતું. આ મામલે પોલીસે અનેક શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને પુછપરછ કરી હતી પણ તેમની પાસે આ મામલે કોઇ પાક્કા પુરાવા ન હતા.પરિણામે તમામ શંકાસ્પદોને છોડવા પડ્યા હતા. જો કે આ ધરપકડો બાદ હત્યાઓનો સિલસિલો અટકી ગયો હતો આથી પોલીસ માનતી હતી કે આ શંકાસ્પદોમાંથી કોઇ એક સ્ટોનમેન હતો પણ તે ક્યારેય પોલીસનાં હાથમાં આવ્યો ન હતો.

હવાઇ ટાપુ પર ૧૯૮૦નાં વચગાળામાં એક હત્યારાએ આતંક મચાવી દીધો હતો જે હોનુલુલુ સ્ટ્રેન્ગલરનાં નામે કુખ્યાત બન્યો હતો. ૧૯૮૫ની ત્રીસમી મેના રોજ વિકી ગેઇલ પુરડી નામની સત્તાવીસ  વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેના પર બળાત્કાર કરાયા બાદ તેનું ગળું રૂંધીનાંખવામાં આવ્યું હતું. ત્યારબાદ હત્યારો ફરી એકવાર ૧૪ જાન્યુઆરી ૧૯૮૬માં ત્રાટક્યો હતો. આ વખતે તેનો શિકાર બની સત્તર વર્ષની રેઝિના સાકામોટો જે પોતાની સ્કુલ બસ ચુકી ગઇ હતી અને તેનો મૃતદેહ બીજા દિવસે મળ્યો હતો જેના હાથ પણ પાછળ બંધાયેલા હતા અને તેના પર પણ બળાત્કાર કરાયો હતો અને ગળું રૂંધી નંખાયું હતું.ત્યારબાદનાં ત્રણ મહિનાના ગાળામાં ત્રણ વધારે મહિલાઓ એ જ રીતે મોતને ઘાટ ઉતારાઇ હતી.જેના નામ હતા ડેનિશ હ્યુઝીસ, લ્યુઇસ મેડિરીયોઝ અને લિન્ડા પેસ્સે.લિન્ડાનો મૃતદેહ મળ્યો તેના પહેલા ખબરીએ પોલીસને આ અંગે જણાવ્યું હતું પણ તેની માહિતી ખોટી પડી હતી પણ ત્યારબાદ આ જ લોકેશન પર પેસ્સે મળી આવી હતી આથી પેલા ખબરી પર શંકાનો ગાળિયો કસાયો હતો તેની ગર્લફ્રેન્ડે જણાવ્યું હતું કે તેની સાથે તેને ઝઘડો થયો હતો અને તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને આખી વાત પેલી હત્યા સાથે સંકળાતી હતી. તેની પુછપરછ કરાઇ અને પોલીગ્રાફ ટેસ્ટ પણ તે પસાર કરી શક્યો ન હતો પણ તેની વિરૂદ્ધ પાક્કા પુરાવાના અભાવે તેને છોડવો પડ્યો હતો.એક મહિના બાદ મહિલાએ દાવો કર્યો હતો કે તેને તેણે પેસ્સે સાથે હત્યાની રાત્રે જોયો હતો. જો કે તે શંકાસ્પદ ૨૦૦૫માં મોતને ભેટ્યો હતો પણ તે જ હોનુલુલુ સ્ટ્રેન્ગલર હતો તે ક્યારેય પુરવાર થઇ શક્યું ન હતું પણ જ્યારથી તે પોલીસનાં હાથમાં આવ્યો ત્યારથી હત્યાઓનો સિલસિલો બંધ થઇ ગયો હતો.

૧૯૮૬ થી ૧૯૮૯ની વચ્ચેના સમયગાળામાં વર્જિનિયામાં કોલોનિયલ પાર્કવેમાં કેટલીક હત્યાઓની ઘટના ઘટી હતી જેનો ઉકેલ આજ દિન સુધી મેળવી શકાયો નથી.બાર ઓક્ટોબર ૧૯૮૬નાં દિવસે કેથલિન થોમસ અને રેબેક્કા એન નામના સજાતિય કપલ્સનાં મૃતદેહ તેમની ગાડીમાં મળી આવ્યા હતા જેમનું ગળું રૂંધી નાંખવામાં આવ્યું હતુ અને કાપી પણ નંખાયું હતું.એક વર્ષ બાદ અન્ય એક યુવાદંપત્તિ ડેવિડ નોબલિંગ અને રોબિન એડવર્ડ પણ મૃત્તાવસ્થામાં મળી આવ્યું હતું. નવ એપ્રિલ ૧૯૮૮માં કેસેન્દ્રા લી હેઇલી અને રિચાર્ડ કીથ કોલ ગુમ થયા હતા અને બીજા દિવસે તેમનું વાહન પાર્કવે પાસે મળી આવ્યુ હતું પણ તેમના શરીર ક્યારેય મળ્યા ન હતા.૧૯૮૯માં એન્નામેરિયા ફેલપ્સ અને ડેનિયલ લ્યોર પણ એ જ રીતે ગુમ થયા અને તેમનાં મૃતદેહ એક મહિના બાદ લોગિંગ રોડ પર મળી આવ્યા હતા.૨૦૧૧માં ભૂતપુર્વ ડેપ્યુટી શેરિફ ફ્રેડ એટવેલ પર શંકા વ્યક્ત કરાઇ હતી પણ તેના પુરાવા નહી મળતા તપાસ પડતી મુકાઇ હતી અને સાથોસાથ પાર્કવે હત્યારો પણ પોલીસની પકડથી બહાર રહ્યો હતો.

૧૯૭૦નાં આરંભિક ગાળામાં વોશિંગ્ટન ડીસીમાં છ જેટલી આફ્રિકન મુળની અમેરિકન છોકરીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી અને મીડિયામાં હત્યારો ધ ફ્રીવે ફેન્ટમનાં નામે કુખ્યાત બન્યો હતો.સૌપ્રથમ જેણે તેર વર્ષની કેરોલ સ્પિન્કને શિકાર બનાવી હતી.જે ૨૫ એપ્રિલ ૧૯૭૧નાં રોજ ગુમ થઇ હતી અન છ દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેના પર બળાત્કાર કરીને તેનું ગળું ટુંપી દેવાયું હતું.આઠમી જુલાઇએ સોળ વર્ષની ડેરલિનિયા જહોનસનનું અપહરણ કરાયું હતુ જેને પણ એ જ રીતે મોતને ઘાટ ઉતારાઇ હતી.તેનો મૃતદેહ પણ કેરોલ જે વિસ્તારમાં મળી હતી ત્યાં જ મળ્યો હતો. ત્રણ અઠવાડિયા બાદ દસ વર્ષની બ્રેન્ડા ક્રોકેટ પોતાના ઘેર પાછી ફરી ન હતી અને તેના ઘર પર બે શંકાસ્પદ ફોન આવ્યા હતા જેમાં કોઇ ગોરાએ તેને ઘરમાં પુરી રાખી હોવાનો દાવો કરાયો હતો.ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ ટુંકા ગાળામાં વધુ બે છોકરીઓ પર બળાત્કાર કરીને તેમના ગળા ટુંપી દેવાયા હતા. જેમાં એક પીડિત પાસેથી ફ્રીવે ફેન્ટમની સહી કરેલો એક પત્ર મળ્યો હતો.૧૯૭૭માં માર્ચ મહિનામાં ૫૮ વર્ષનાં રોબર્ટ એડવુડ આસ્કીન પર આ બળાત્કાર અને હત્યાઓનો ગુનો લગાવવામાં આવ્યો હતો.જેનો ભૂતકાળ મહિલાઓ વિરૂદ્ધ હિંસાથી ખરડાયેલો હતો અને તે જ ફ્રીવે ફેન્ટમ હોવાની શંકા હતી પણ તે આ હત્યાઓમાં સંડોવાયેલો હોવાના કોઇ પુરાવા મળ્યા ન હતા તે ૨૦૧૧માં મર્યો ત્યા સુધી તે નિર્દોષ હોવાનું કહેતો હતો.

૧૯૯૨માં બાલ્ટીમોરથી ઉટાહના સો માઇલનાં વિસ્તારમાં એક સિરિયલ કિલરે આતંક મચાવ્યો હતો જે આ વિસ્તારમાં જતો હતો અને કોઇપણ કારણ વિના ત્યાં કામ કરતા કર્મચારીઓને મોતને ઘાટ ઉતારતો હતો.જેનો પ્રથમ શિકાર ઇન્ડિયાનાપોલીસ શુ સ્ટોરનો ક્લાર્ક રોબિન ફુલ્ડોર બન્યો હતો જેને આઠમી એપ્રિલે મોતને ઘાટઉતારાયો હતો તેના ત્રણ દિવસ બાદ કેન્સાસમાં બે કર્મચારીઓને મોતને ઘાટ ઉતારાયા હતા.આઇ-૭૦ કિલરે ત્યારબાદ વધુ બે શિકાર કર્યા હતા. જો કે આ વખતે તેને ઘણાં લોકોએ જોયો હતો અને પોલીસને તેની જાણકારી આપી હતી. જો કે ત્યારબાદ આ સિલસિલો અટક્યો હતો જેમાં પોલીસે અનેકની પુછપરછ કરી હતી.જો કે કિલર કયારેય પોલીસનાં હાથમાં આવ્યો ન હતો.

૨૫ ઓકટોબર ૧૯૭૮નાં રોજ ન્યુ હેમ્પશાયરનાં ન્યુ લંડનમાં કેથી મિલિકેન નામની સત્તાવીસ વર્ષની મહિલા મૃત હાલતમાં મળી આવી હતી જેને ક્રુરતાપુર્વક મોતને ઘાટ ઉતારાઇ હતી તેના શરીર પર ૨૯ વખત ખચાખચ ઘા કરાયા હતા. ત્યારબાદ દસ વર્ષનાં ગાળામાં કનેક્ટિકટ નદીના ખીણ વિસ્તારથી માંડીને કેલરમોન્ટ વિસ્તારમાં લગભગ છ જેટલી હત્યાઓ થઇ હતી અને આ તમામની ખાસિયત એ હતી કે તેમને ખુબ જ ઝનુનપુર્વક મોતને ઘાટ ઉતારવામાં આવી હતી   હત્યારાએ તેમના શરીર પર અનેક વખત ઘા કર્યા હતા જો કે એક હુમલામાં એક પીડિત બચી ગયા બાદ આ સિલસિલો અટક્યો હતો.

છઠ્ઠી ઓગસ્ટ ૧૯૮૮માં એક ગર્ભવતી મહિલા જેન બોરોસ્કી વેસ્ટ સ્વેન્ઝીનાં પાર્કિંગલોટમાં હતી ત્યારે તેના પર હુમલો થયો હતો જેના શરીર પર હુમલાખોરે અનેક ઘા માર્યા હતા. જો કે બોરોસ્કી બચી ગઇ હતી જેણે એક વર્ષ બાદ જણાવ્યું હતું  કે તેના પર હુમલો કરનાર વિયેટનામી વેટરન માઇકલ નિકોલોઉ હતો જે ૧૯૮૮માં તેની પત્ની ગુમ થયા બાદ પોતે પણ ગુમ થઇ ગયો હતો.૨૦૦૫માં તેણે પોતાની નવી પત્ની અને સાવકી પુત્રીને મોતને ઘાટ ઉતારી હતી અને પોતે પણ પોતાનો જીવ લીધો હતો. જો કે પોલીસને એ પુરાવો કયારેય મળ્યો નહી કે તે જ કનેક્ટીકટ રિવર વેલી કિલર હતો.

મેનહટન ખાતે ૯મી માર્ચ ૧૯૭૨નાં દિવસે આઠ વર્ષનાં આફ્રિકનમુળનાં અમેરિકન બાળક ડગ્લાસ ઓવેનનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાએ તેના શરીર પર ૩૮ ઘા માર્યા હતા અને તેનું ગુપ્તાંગ કાપી નાંખવામાં આવ્યું હતુ. એક મહિના બાદ અન્ય એક દસ વર્ષનાં અશ્વેત બાળકને પણ એજ રીતે મારવામાં આવ્યો હતો જેનું શિષ્ન પણ કાપી નાંખવામાં આવ્યું હતું. ત્યારબાદ એક વર્ષનાં ગાળામાં વધારે બે બાળકોને આજ રીતે મોતને ઘાટ ઉતારાયા હતા.આ હત્યારાને ચાર્લી ચોપ ઓફ નામ અપાયું હતું.આઠ ઓગસ્ટ ૧૯૭૩માં સ્ટીવન ક્રોપર નામના અશ્વેત બાળકનાં શરીર પર બ્લેડના ઘા મારીને મોતને ઘાટ ઉતારાયો હતો  પણ તેનું શિશ્ન કાપવામા આવ્યું ન હતું.૧૯૭૪માં પોલીસે એરોન સોટો નામની વ્યક્તિની ધરપકડ કરી હતી જો કે તે હત્યારો હોવાનું પુરવાર થયું ન હતું.જો કે તેની માનસિક સ્થિતિ અસ્થિર હોવાને કારણે તેને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને તેના પકડાયા બાદ આ પ્રકારની હત્યાઓ પર પણ રોક લાગી હતી પણ તે હત્યારો પુરવાર થયો ન હતો.

૧૯૮૫ થી ૧૯૯૦ના ગાળામાં ફિલાડેલ્ફિયાની નજીકના વિસ્તારમાં  હત્યાઓની હારમાળાએ દહેશત ફેલાવી હતી.આઠમી ઓગસ્ટ ૧૯૮૫નાં રોજ ૫૨ વર્ષીય હેલેન પેટન્ટ મૃત હાલતમાં મળી આવી હતી જેના પર હત્યારાએ ઓગણીસ ઘા માર્યા હતા અને તેના પર જાતિય હુમલો પણ કરાયો હતો.કમરથી નીચેનો ભાગ નગ્ન હતો અને તેનું બ્લાઉઝ પણ ઉંચે ચઢાવેલું હતું.પાંચ મહિના બાદ ૬૮ વર્ષીય એન્ના કેરોલ તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી હતી તેની પણ સ્થિતિ એ જ હતી જે હેલનની હતી.આ હત્યારો ધ ફ્રેન્કફોર્ડ સ્લેશરનાં નામે કુખ્યાત બન્યો હતો.ત્યારબાદ ચાર વર્ષનાં ગાળામાં લગભગ સાત જેટલી મહિલાઓને તેણે મોતને ઘાટ ઉતારી હતી જેમાંની કેટલીક મહિલાઓએ મોત પહેલા તેમના પર હુમલો કરનાર કોઇ મધ્યમ વયનો ગોરો પુરુષ હોવાનું જણાવ્યું હતું.૧૯૯૦માં છેંતાલિસ વર્ષની કેરોલ ડોવ્ડ ફિશ માર્કેટમાં મૃત હાલતમાં મળી ત્યારે પોલીસે લિયોનાર્દો ક્રિસ્ટોફરને શંકાસ્પદ ગણાવ્યો હતો જેને આ હત્યા માટે આજીવન કારાવાસની સજા થઇ હતી અને તેને જ ફ્રેન્કફોર્ડ સ્લેશરનું નામ અપાયું હતું પણ ક્રિસ્ટોફર અશ્વેત હતો અને જે હત્યારાનું વર્ણન તેમને મળ્યું હતું તેનાથી તે મેચ ખાતુ ન હતું.તેમાંય જ્યારે તે જેલમાં હતો ત્યારે પેલા હત્યારાએ મિચેલ ડેહનર નામની મહિલાને મોતને ઘાટ ઉતારી હતી જે કદાચ તેનો અંતિમ શિકાર હતી.આથી ક્રિસ્ટોફર સ્લેશર હોવાની વાતનો છેદ ઉડી જતો હતો.

૧૯૮૦માં લોસ એન્જલ્સને રિચાર્ડ રેમિરેઝ નામના હત્યારાએ ધ્રુજાવી નાંખ્યુ હતું જેને લોકો ધ નાઇટ સ્ટોકર તરીકે પણ ઓળખતા હતા અને તે હાલમાં જ જેલમાં મોતને ઘાટ ઉતર્યો હતો. જો કે આ પહેલા ઓરિજિનિલ નાઇટ સ્ટોકર નામના હત્યારાએ ત્રાસ વર્તાવી દીધો હતો.જેણે પોતાની પ્રથમ હત્યા ૩૦ ડિસેમ્બર ૧૯૭૯માં કરી હતી અને ત્યારબાદ સાત વર્ષનાં ગાળામાં સાત જેટલી હત્યાઓ કરી હતી.૧૯૭૦માં એક અજ્ઞાત હુમલાખોર જેને ઇસ્ટ એરિયા રેપિસ્ટ તરીકે ઓળખાયો હતો તેણે લગભગ પચાસ જેટલી મહિલાઓ પર બળાત્કાર કર્યા હતા.તે પહેલા તો એકલી મહિલાઓને નિશાન બનાવતો હતો અને ત્યારબાદ તેણે દંપત્તિઓને નિશાન બનાવ્યા હતા જેમાં તે પુરુષને બાંધી દઇને મહિલા પર બળાત્કાર ગુજારતો અને ત્યારબાદ તેમને મોતને ઘાટ ઉતારતો હતો. જો કે આ સિલસિલો દાયકો પુરો થવાના સમયે બંધ થયો હતો જો કે ૨૦૦૧માં કરાયેલા ડીએનએ ટેસ્ટમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી કે ઓરિજિનિલ નાઇટ સ્ટોકર અને ઇસ્ટ એરિયા રેપિસ્ટ એક જ હતો જો કે અમેરિકાના ઇતિહાસમાં આટલા ખતરનાક ગુનાઓ કરીને પણ આઝાદ રહેનારો તે ખતરનાક ગુનેગાર છે જેની ઓળખ ક્યારેય થઇ શકી નથી.