Stri o na shokh lagn pachi pura kem thai jay che? in Gujarati Short Stories by Tejas Vishavkrma books and stories PDF | સ્ત્રીઓનાં શોખ લગ્ન પછી પુરા કેમ થઈ જાય છે??

Featured Books
Categories
Share

સ્ત્રીઓનાં શોખ લગ્ન પછી પુરા કેમ થઈ જાય છે??

મમ્મી અમે બધા મિત્રો એ કાલે ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કર્યું છે.તો ત્યાં નાસ્તા માં ખાવા મારા માટે તારા હાથ નાં સ્વાદિષ્ટ થેપલા બનાવી આપીશ? પ્લીઝ?“  રાત્રે ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસતી તેની મમ્મી ને આર્યન વિનંતી કરી રહ્યો છે. 
“બનાવી તો આપીશ, પણ મને એમ કહે કે આમ અચાનક કેમ ફરવા જવાનુ પ્લાનિંગ કર્યું???” દેવીલાબેન આર્યન ની થાળી માં ભોજન પીરસતા સવાલ પૂછે છે. 
“અરે મમ્મી, અત્યાર ની જિંદગી નો કોઈ ભરોસો રહ્યો નથી. કાલે શું થવાનું એની પણ કોઈ ને ખબર નથી. અને હાલ માં મારા પર કોઈ જવાબદારી પણ નથી. તો કેમ નહીં, આ જવાની માં જેટલું ફરાય એટલું ફરી ને પોતાનો ફરવાનો શોખ પૂરો કરી લઉં. “ આર્યન તેની છોકરમત માં ઘણી કિંમતી વાત કહી જાય છે. જે સાંભળી ને દેવીલાબેન પોતાના કોઈ ભૂતકાળ નાં વિચારો માં ખોવાઈ જાય છે. 
આર્યન નાં પપ્પા નેપકીન થી હાથ લૂછતાં લૂછતાં ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે. આર્યન ની મમ્મી તેમને પણ થાળી પીરસે છે. 
“તમે લોકો ગોવા જવાના છો. શું વાત છે??? ફરી લો, ફરી લો. પછી ક્યાંય ફરવા નહિ મળે. “આર્યન નાં પપ્પા આર્યન ને કહે છે. 
“હા પપ્પા” 
દેવીલાબેન આર્યન નાં પપ્પાને થાળી પીરસી રહ્યા છે. 
“અરે સાંભળ્યું, અમારી ઓફિસ નાં જેન્ટ્સ સ્ટાફ નાં મિત્રોએ પણ શનિ -રવિ નો વિકેન્ડ હોવાથી બે દિવસ ની સૌરાષ્ટ્ર ની ટ્રીપ ગોઠવી છે. તો તું જો રજા આપતી હોય તો હું પણ જાવું.” 
દેવીલાબેન થોડીવાર કંઈક વિચાર માં ખોવાઈ જાય છે. 
“એમાં મને શું પૂછવાનું?? “દેવીલાબેન હળવેક થી બોલે છે. 
“કેમ તને શું પૂછવાનું?? આર્યન તેના મિત્રો સાથે ગોવા જવાનો છે. ને પછી હું પણ બે દિવસ ટ્રીપ પર જઈશ. તો પછી બે દિવસ તું ઘરે એકલી શું કરીશ.?? “ 
દેવીલાબેન મૌન થઈ જાય છે. 
“મને ખબર છે.તમને બન્ને બાપ -દીકરા ને ફરવાનો બહુ શોખ છે. અને તમને બન્ને ને આવો અવસર મળ્યો છે તો પછી ફરી લો ને. કેમ કે શોખ અને સપના બધા નાં પુરા નથી થતા હોતા. ભાગ્યવાન માણસના જ સપના અને શોખ પુરા થતા હોય છે.” દેવીલાબેન નાં અવાજ માં ક્યાંક પોતાનો કોઈ શોખ પૂરો ના થવાનો પડઘો સંભળાઈ રહ્યો છે. 
“મમ્મી એવું હોય તો બે દિવસ માટે મામા નાં ઘરે જતી રહેજે.“ 
“આ તારા દાદી ની તબિયત કેટલાય દિવસ થી ખરાબ છે એની તો તને ખબર છે ને. જો હું પણ બહાર જતી રહીશ તો તારા દાદી નું ધ્યાન કોણ રાખશે?“ દેવીલાબેન નાં શબ્દો માં જાણે જવાબદારી જોર મારી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. 
આર્યન ગોવા જવા અને તેના પપ્પા તેમના મિત્રો સાથે સૌરાષ્ટ્ર જવા ઉપડે છે. ઘર માં દેવીલાબેન અને તેમની બીમાર સાસુ સિવાય કોઈ નથી. અને વાત રહી દેવીલાબેન ની સાસુ મા ની તો એમને તો ના કોઈ સાથે બોલવું કે ચાલવું. 
દેવીલાબેન ને ઘર માં એકલા ને કંટારો આવતો હોવાથી તે પોતાના કબાટ ની સાફ સફાઈ કરવાનું વિચારે છે. જે સાફ સફાઈ કરતા કરતા તેમાંથી દેવીલાબેન ને એક ડાયરી ને બીજા કાગળ અને એક પેન મળે છે. તે ડાયરી અને તે કાગળ પર લખેલા શબ્દો વાંચતા જ દેવીલાબેન, દેવીલાબેન માંથી ‘ દેવી ‘ નાં જીવન માં સરી જાય છે. 
થોડીવાર પન્ના ફેરવ્યા પછી તે પેન હાથ માં લઈને દેવીલાબેન કંઈક લખવાં લાગે છે. જેમ જેમ કાગળ પર શબ્દો આકાર પામતા જાય છે. તેમ તેમ દેવીલાબેન નાં ચહેરા પર ‘દેવી ’ પાછી આવતી જાય છે. 
દેવીલાબેન ને તેમની જવાની માં કવિતાઓ, ગઝલો લખવાનો બહુ શોખ હતો. કોલેજ માં બધા તેમને ‘દેવી ‘ તરીકે ઓળખતા. તેમનું સપનું હતું કે એક દિવસ તેમનો લખવાનો શોખ તેમને સાહિત્યક્ષેત્રે ‘ દેવી ‘ નાં હુલામણા નામ થી પ્રચલિત કરી દેશે. પણ........ 
દેવીલાબેન કંઈ લખી રહ્યા છે. ત્યાં જ ઘર નો ડોરબેલ વાગે છે.ઘર નો દરવાજો ખોલતા જ સામે પોતાની બાળપણ ની ફ્રેઈન્ડ મીનાક્ષી આવી હોય છે. બન્ને ઘણી વાતો વાગોળે છે.ત્યાં મીનાક્ષી ની નજર દેવિલાની બાજુ માં પડેલી ડાયરી પર જાય છે. જે વાંચી ને તે પણ દેવી નાં શબ્દો માં ખોવાઈ જાય છે. 
“શું વાત છે દેવી, લખવાનું હજુએ ચાલુ જ છે?? “મીનાક્ષી પૂછે છે. 
“ના ના એવું કંઈ નથી. લગ્ન પછી ની જવાબદારીઓ નાં કારણે લખવાનું તો કેટલાયે વર્ષો થી શોખ હોવા છતાં મૂકી દીધું હતું. આ તો આજે ઘર સાફ કરતા એ  સમય ની ડાયરી હાથ માં લાગી અને થોડો સમય પણ મળ્યો તો થયું કે લાવ કંઈક લખી લઉં.બાકી શોખ તો ક્યારનો એ મરી ગયો છે.“ દેવીલાબેન નાં ચહેરા પર થોડી ખુશી તથા થોડું દુઃખ પણ દેખાઈ રહ્યું છે. 
“શોખ ને મારવાનો ના હોય, શોખ ને પાળવાનો હોય. શોખ એ જીવનની મસ્તી જેવો છે. જે આપણને તરોતાજા રાખે છે. અમારી ક્લબ માં છે ને આ રીતે કવિતાઓ, ગઝલો લખતા કવિઓ માટે કવિ સંમેલનનું આયોજન થતું રહેતું હોય છે. તો તું એમાં ભાગ લઈને પોતાનું ટેલેન્ટ દુનિયાને બતાવ. તારા શોખ ને ફરીથી ઉજાગર કર.પ્રેમ કર.“ મીનાક્ષી દેવીલા ના શોખ ને પ્રોત્સાહિત કરે છે. 
“શું પ્રેમ કરું મીનાક્ષી. શોખ તો ઘણા હતા. પણ તને ખબર છે ને આપણી જેવી સ્ત્રીઓને તો લગ્ન પછી ઘરની જવાબદારીઓ, સામાજિક રીત -રિવાજો, માતૃત્વ ની જવાબદારી, રસોઈઘર ની જવાબદારી, સમાજ ના વ્યવહારો શીખી અને તેને સાચવવાની જવાબદારીઓ આવી તો કેટલીએ નાની – મોટી જવાબદારીઓ થી ઘેરાયેલી લગભગ દરેક સ્ત્રી હોય છે. જેમાં તે સ્ત્રી નાં શોખ જવાબદારીઓ થી ઢંકાયેલા સ્ત્રી નાં ઘુંઘટા સામે નજર કરી જવાબ આપ્યા વિના જ પાછા વળી જાય છે.લગ્ન માં પહેરાતું પાનેતર સ્ત્રીઓ નું શરીર ઢાંકે છે  અને લગ્ન પછી ની ઘર ની જવાબદારીઓ દરેક સ્ત્રીના શોખ ને ઢાંકે છે.” દેવીલાબેન ની વાતો માં તેમનો શોખ અધૂરો રહ્યો તેનો રંજ સંભળાહી રહ્યો છે. 
      *                        *                      * 
આ વાત ફક્ત દેવીલાબેન ની તો નથી.આજ નાં સમાજ ની લગભગ મોટાભાગ ની સ્ત્રીઓને આ વાત લાગુ પડે છે. કે જે સ્ત્રી લગ્ન પહેલા જયારે પોતાના માં -બાપ નાં ઘરે દીકરી સ્વરૂપે હોય છે ત્યારે તેને પોતાની આવનારી જિંદગી માટે ઘણા શોખ અને સપના સેવ્યા હોય છે. તેના મન માં ઘણા શોખ દરિયા નાં મોજાની જેમ ઉછાળતા મારતા રહેતા હોય છે. અને તે શોખ નાં મોજામાં ભીંજાવાની ઘણી વખત મજા પણ તે પોતાની જિંદગી માં લઈ લેતી હોય છે.તેને પોતાના માં -બાપ નાં ઘરે પોતાના શોખ પુરા કરવામાં કોઈ ની રોકટોક હોતી નથી. પણ લગ્ન પછી તે એક દીકરી માંથી કોઈ નાં ઘર ની વહુ બની ને જાય છે.ત્યારે શું તેના જવાની નાં અધૂરા રહેલા શોખ પુરા થાય છે???? 
કે પછી તેના શોખ ખાલી શોખ રહી જાય છે.આ વાત ને તમારે સાબિત કરવી હોય તો કોઈ પ્રયોગશાળા કે સર્વે કરવાની કોઈ જરૂર નથી. તમારા જ ઘરમાં ફક્ત એક સવાલ તમારી મમ્મીને પૂછવાનો કે “ મમ્મી જયારે તારા લગ્ન નહતા થયાં, ત્યારે તારા  ક્યા ક્યા શોખ હતા. જે લગ્ન પછી પણ પુરા નથી થયા??? “ 
આ સવાલ પૂછ્યા પછી તમે તમારા મમ્મી નાં ચહેરા પર નાં હાવભાવ જોશો તો પણ તમને તેનો જવાબ મળી રહેશે.અને તમારા પ્રશ્ન નો તેની પાસે એક જવાબ હશે કે “બેટા શોખ તો ઘણા હતા પણ હવે એ સમય જતો રહ્યો”, “ જોને આ ઘર ની જવાબદારીઓ માં ક્યાં કોઈ શોખ પુરા થાય છે??” કે પછી “લગ્ન પછી ની એક ઉંમર વટાવી ગયા પછી શોખ પણ પાણી નાં બાષ્પીભવન ની જેમ ઉડી જાય છે.” 
પોતાનો શોખ પૂરો કરવાની કોઈ તક પણ જો મળી હોય તો પણ તે સ્ત્રી પોતાના શોખ નો ત્યાગ કરી હસતા ચહેરે પહેલા પોતાના પતિ અને બાળકો નો શોખ પૂરો થાય તે માટે તત્પર રહેતી હોય છે. 
ઘર માં જયારે રસોઈ બનતી હોય ત્યારે તેના મોઢે કોઈ દિવસ એવું સાંભળવા નહિ મળે કે આજે મેં મારું ભાવતું ભોજન બનાવ્યું છે, બધાએ જમવું જ પડશે.એ જયારે બજાર માં શાકભાજી લેવા પણ જાય ત્યારે પોતાના પતિ અને બાળકો વિશે વિચારશે કે આ શાક તો મારાં પતિ કે બાળકો ને નથી ભાવતું. કે પછી આ શાક તો મારા બાળકો ને બહુ ભાવે છે. તે કોઈ દિવસ પોતાનો વિચાર નથી કરતી કે તેને ભાવશે કે નહિ ભાવે. પણ હંમેશા તે તેના પતિ અને બાળકો ને જે ખાવા નો શોખ હોય તે પૂરો કરશે. તે જે પણ વાનગી બનાવશે તે પોતાના પતિ અને બાળકો ને ભાવતી જ વાનગી બનાવશે.પછી ભલે તે વાનગી કે વ્યંજન તેને ભાવે કે ના ભાવે. એટલે સ્ત્રી રસોઈઘર માં પણ પોતાનો જો ખાવાનો શોખ હોય તો તે પણ પરિવાર માટે ત્યાગ કરી દેતી હોય છે. એ પણ હસતા ચહેરે. 
એક સ્ત્રી જયારે એક દીકરી રૂપે હોય છે. ત્યારે તે દરેક વાર – તહેવાર ખુલ્લા મને, નિઃસંકોચપણે અને પુરા ઉમંગ થી દરેક તહેવાર ને એક મહાઉત્સવ ની જેમ મનાવતી હોય છે.પણ જયારે તે જ દીકરી પરણી ને સાસરે જાય ત્યારે તેના ખુલ્લા મન ને સામાજિક જવાબદારીઓ નું પાંજરું પોતાના માં કેદ કરી લેતું હોય છે.નવરાત્રી માં મા -બાપ નાં ઘરે મનગમતી ચણિયાચોરી પહેરી ને ચાચરચોક ધ્રુજાવતી તે દીકરી લગ્ન પછી રીતરિવાજો નાં ઘુંઘટા માં એવી તો બંધાઈ જાય છે કે પોતાના મનગમતા ઢોલ નાં તાલ નો અવાજ પણ તેને બેસુરો લાગવા લાગે છે. ચોક માં બેઠેલા ઘર નાં તથા ગામના પુરુષ પ્રધાન વડીલો,કુટુંબીજનો અને સમાજે બનાવેલા રીતરિવાજ આગળ તે સ્ત્રી નું મન અને પગ પણ થાકી જાય છે.ચાચરચોક ધ્રુજાવતી દીકરી જયારે માથે ઘુંઘટો ઓઢી વહુ તરીકે ગરબા રમવા ચોક માં ઉતરે છે ત્યારે તેનાં શોખ આડે સમાજ નાં બનાવેલા રીતરિવાજો કાંટા સ્વરૂપે આડા ઉતરે છે.શોખ હોવા છતાં તે સ્ત્રી ને નાછૂટકે પુરુષપ્રધાન સમાજ નાં બંધારણ આગળ ઝુકવુ પડતું હોય છે. જેમાં ઇતિહાસ માં પણ ઘણી સ્ત્રીઓને ઝુકી છે. જેના પર ગુજરાતી ફિલ્મ “હેલ્લારો” પણ બની ચુકી  છે.જે તમે જોઈ પણ હશે! 
દરેક દીકરી ને લગ્ન પહેલા ઘણા શોખ હોય છે. જેમ કે ગાયકી, લેખન, પેઇન્ટિંગ, ભરતગુંથણ , મહેંદી, દુનિયા ફરવાનો શોખ જેવા ઘણા શોખ હોય છે. પણ શું તે તેના લગ્ન પછી તે મનગમતા શોખ પુરા કરી શકે છે. કે પછી તે શોખ ફકત જીવનમાં “શોખ હતો” તેવું વિધાન બની ને રહી જાય છે????? 
શબ્દો ની મર્યાદા નાં કારણે  છેલ્લે ફક્ત એટલું જ કહીશ કે “સ્ત્રી નાં શોખની હત્યા જાણે - અજાણે આ સમાજ નાં રીતરિવાજો જ કરી નાંખે છે.”

સમાપ્ત :-

લેખક :- તેજસ વિશ્વકર્મા