Nitu - 34 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 34

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 34

નિતુ : ૩૪ (લગ્ન)

નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્યુટર પર કામ કરી રહી હતી. કેબિનમાં અંદર આવતા વિદ્યાએ  માથું ઊંચું કર્યા વિના જ પૂછ્યું, "ગુડ મોર્નિંગ મિસ નીતિકા. શું થયું?"

"ગુડ મોર્નીગ મેડમ. થેન્ક યુ કહેવું હતું."

"ફોર વોટ?"

"તમે મારા માટે ગાડી મોકલાવી એટલા માટે."

"હમ... પહોંચી ગયો તારો ભાઈ?"

"જી મેડમ. હું એને ડ્રોપ કરીને જ અહીં આવી છું."

"અચ્છા..." કમ્પ્યુટરની સ્ક્રીનથી આમ કે તેમ ના જોતી વિદ્યાને જોઈને નિતુ તેની સામે તાકીને ઉભી રહેલી. કી-બોર્ડનો અવાજ બંધ થયો અને સ્ક્રીન પરથી વિદ્યાની આંખો નિતુ તરફ વળી, "કંઈ કહેવું છે નિતુ?"

"મેડમ મેં તમને કહ્યું નહોતું છતાં તમે મારા માટે ગાડી મોકલાવી! એ પણ હું ઋષભને લેવા જઈ શકું એટલા માટે."

સ્વસ્થ થઈ તે પોતાની ખુરસી છોડી તેની નજીક ગઈ અને કહ્યું, "કમોન નિતુ, તું મારી રિસ્પોન્સિબિલિટી છે. તારે ગમે તેવું કામ હોય તું મને જણાવી શકે છે. આફ્ટર ઓલ, મારી ઓફર એક્સેપ્ટ કર્યા પછી હવે તો તારી અને મારી વચ્ચે પહેલા જેટલું અંતર નથી રહ્યું."

તેણે ધીમેથી કહ્યું, "મેમ એક રિકવેસ્ટ છે."

તેને ધીમા અવાજમાં બોલતા સાંભળી વિદ્યા બોલી, "બિન્દાસ બોલ. હવે તો તારે મૂંઝાવા જેવું રહ્યું જ નથી."

"જો તમે કૃતિના લગ્ન પછી તમારી ઓફર... આઈ મીન... પ્લીઝ મેમ."

સ્મિત આપતા તેણે કહ્યું, "તારા મમ્મી હોસ્પિટલથી ઘરે આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં મેં તને કશું કહ્યું છે?"

"ના" નકારાત્મક માથું હલાવી તે બોલી.

"હું પણ જાણું છું. બધું સમજુ છું. મને ખબર છે કે જો અત્યારે હું તને કંઈ કહીશ તો તું લગ્નમાં ધ્યાન નહિ આપી શકે. યુ વોન્ટ વરી."

"થેન્ક્સ અગેઇન મેમ. મેમ આ ઇન્વિટેશન કાર્ડ છે. ઓફિસમાં સૌથી પહેલા તમને આપું છું." તેણે પોતાની સાઈડ બેગમાં રહેલું કાર્ડ કાઢી તેને આપ્યું.

"થેન્ક્સ ડિયર. આઈ વીલ કમ ઓન ટાઈમ." કાર્ડ જોતા તે બોલી.

નિતુ બહાર આવી તો બધાની નજર તેના તરફ હતી. ભાર્ગવ, અશોક, સ્વાતિ, અનુરાધા બધા એકસાથે ભેગા થઈને વાતો કરતા હતા. તેઓનું ધ્યાન તેના તરફ ગયું અને વાતો બંધ થઈ ગઈ. નિતુને આ પરિસ્થિતિ ના સમજાય અને કશું બોલવા કરતા તે સમગ્ર સ્ટાફના આ વ્યવહારને જોતી પોતાના ડેસ્ક પર બેસી ગઈ અને કામ ચાલુ કરી દીધું. તેઓ કશું બોલ્યા નહિ અને નિતુને આ રીતે ચુપચાપ આવીને બેસતા જોઈ તેઓ પણ કશું બોલ્યા કારવ્યા વિના પોત- પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. અનુરાધા રહી ના શકી. અડધી કલાકથી વિચાર કરતી અનુરાધા આખરે હિંમત કરી પૂછી રહી, "નીતિકા! મેં સાંભળ્યું કે તું આજે મેડમની ગાડીમાં ઓફિસ પર આવી છે."

તે થોડી અકળાઈ અને બોલી, "આવું તને કોણે કહ્યું?"

"મેં બસ સાંભળ્યું, એટલે..."

"લુક, ગઈ કાલે મારે મેડમ સાથે વાત થઈ કે હું મારા ભાઈને લેવા માટે જવાની છું એટલે તેણે ગાડી મોકલેલી. જેથી હું ઓફિસે લેટ ના થાઉં." તેણે જેમ તેમ જવાબ આપી દીધો પણ અનુરાધાને તેના જવાબથી સંતોષ નહોતો થતો.

લંચમાં તે નિતુની પહેલા કેન્ટીનમાં પહોંચી ગયેલી અને તેનો સ્વભાવ એટલે અહીંની ત્યાં થતા જરાય વાર ના લાગે. બધા સાથે તેણે તેની આ વાત શેર કરી દીધી. તેની જેમ જ બધાને આશ્વર્ય થયું. ભાર્ગવ બોલ્યો કે, " માત્ર આ એક કારણ ના હોય શકે કે મેડમ તેની હેલ્પ કરે."

"હા ભાર્ગવભાઈ! મેં તો મારી આંખે એને સવારે ગાડીમાંથી ઉતરતા જોઈ, એને જોઈને એવું તો નહોતું જ લાગતું."

"અશોકભાઈ હવે તો એને જ પૂછી લઈએ." સ્વાતિએ સામેથી આવતી નિતુ તરફ જોઈને કહ્યું.

તે આવીને બધા સાથે બેઠી કે સ્વાતિ બોલી, "નીતિકા, આ સવારે જે થયું..."

એકની એક વાતથી કંટાળેલી નિતુએ ખિજાઈને એની વાત પૂરી થાય એ પહેલા જવાબ આપી દિધો, "અરે ભૈ ભૂલ થઈ ગઈ મારી કે મેડમે ગાડી મોકલી અને મેં તેને હા કહી, એની ગાડીમાં અહીં આવવું જ નહોતું જોઈતું મારે."

દરેક સમજી ગયા કે નિતુ સાથે આ અંગે વધારે વાત કરવી યોગ્ય નથી. અશોકે વાત ફેરવતા કહ્યું, "અરે અમારો કહેવાનો અર્થ એમ હતો કે જો લગ્નમાં જે કંઈ કામ હોય એ અમારા બધા સાથે શેર કરી દે. તું એકલી કેટલું લઈને ફરીશ. આમેય મેડમ તને હેલ્પ કરી રહ્યા છે તો અમે બધા પણ મદદ કરીશું."

ભાર્ગવ કહેવા લાગ્યો, "હા હા, અમારા કહેવાનો અર્થ એમ જ હતો. બધું ટેંશન તું એકલી લઈને ફરે તે સારું ના લાગે ને! પ્રોજેક્ટ કેટલો ઈમ્પોર્ટન્ટ છે એ અમને સમજાય છે. એટલે જ મેડમે ગાડી મોકલી હશે. પણ પ્રોજેક્ટ અને લગ્ન બંને એક સાથે વધી જશે. તું એકલી આટલું કામ કરીશ તો ક્યાંક બીમાર ના પડી જા. હું એક કામ કરું છું. મેસેન્જરમાં એક ગ્રુપ બનાવું છું અને આપણે બધા થોડું થોડું કામ વહેંચી લઈએ."

સ્વાતિ તુરંત બોલી, "નાઈસ આઈડિયા ભાર્ગવભાઈ. ગ્રુપમાં આપણે બધાને એક બીજાની અપડેટ પણ મળતી રહેશે અને એકબીજાને હેલ્પ પણ કરી શકીશું. કેમ નીતિકા?"

"હા... વાત તો તમારી બધાની બરાબર છે."

"હું અત્યારે જ ગ્રુપ બનાવી દઉં છું." ભાર્ગવે પોતાનો ફોન કાઢ્યો અને ગ્રુપ બનાવવાનું શરુ કર્યું. નીતિકાએ પોતાની બેગમાં રહેલા કાર્ડ કાઢ્યા અને આખી ઓફિસને તેઓના નામ વાંચી વાંચીને આપવા લાગી.

કાર્ડ જોતા અનુરાધા બોલી, "કૃતિકા વેડ્સ સાગર. વાઉવ, મસ્ત કાર્ડ બનાવરાવ્યું છે."

"થૅન્ક યુ અનુરાધા."

ફોન એકબાજુ રાખતા ભાર્ગવ બોલ્યો, "જો ભાઈ, મેં ગ્રુપ બનાવી દીધું છે. નિતુ તારે જેટલું કામ હોય તે બધું મેસેજ કરી દેજે. એટલે જેને જે કામ ફાવે એ બધા ડિસ્કસ કરીને વહેંચી લેશે."

"આમાં કૃતિનું નામ બી એડ કર્યું છે?" ચેક કરીને સ્વાતિ બોલી.

તો ભાર્ગવ કહે, "હા. એ આવે એટલે એને આપણા આ પ્લાન અંગે ઈન્ફોર્મ કરી દઈશું."

"થેન્ક યુ ઓલ. તમે બધા મને એટલી હેલ્પ કરી રહ્યા છો."

અશોક બોલ્યો, "અરે છોડને એ બધું. આ તો અમારે કરવાનું જ હતું. ફટાફટ લંચ પતાવો ક્યારની ભૂખ લાગી છે."

"હા હા..." કહેતા બધાએ લંચ શરુ કર્યું. એ તમામની સાથે બેઠેલી નિતુના મનને અચાનક શાંતિ થઈ ગઈ કે એના ઘરે આવી રહેલા પ્રસંગને પહોંચીવળવા તે એકલી નથી.