Prem thay ke karay? Part - 1 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 1

Featured Books
Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 1

વેકેશન

"મનુ એ મનુ..." રસોડામાં કુકરની સીટીનાં અવાજ સાથે નીતાબેન નો અવાજ પોતાના રૂમમાં સુઈ રહેલી મનુ ઉર્ફે માનવીના કાન સુધી પહોંચે છે.

રાત્રે મોડા સુધી મિત્રો સાથે ચેટ કરીને થાકી ગયેલી માનવી તકિયાથી પોતાના કાન દબાવી કુકરની સીટી સાથે તેની મમ્મીના અવાજને રોકવાની કોશિશ કરી રહી છે.ઉનાળાનું વેકેશન તેને માટે ફક્ત મોડા સુધી ઉંઘવા અને રાત્રે મોડા સુધી વેબસીરીજો જોવા કે પછી મિત્રો સાથે ચેટ કરવા માટે આવે છે.

"મનુ એ મનુ... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં?" નીતાબેન સ્ટીલનાં ડબ્બામાંથી લોટ કાઢી બુમ મારે છે.

"એક તો આને કેટલી વાર કીધું કે મારું નામ મનુ નહિ માનવી છે માનવી... ખબર જ નથી પડતી." માનવી મનોમન બબડતી પલંગમાંથી ઉભી થઈ આળસ મરડી બાજુમાં પડેલો ફોન હાથમાં લઈને આવેલા મેસેજો જોવામાં અને તે મેસેજોના જવાબ આપવામાં લાગી જાય છે.

"આ આજકાલની છોકરીઓને વહેલા ઉઠીને ઘરકામ કરતા આવડતું જ નથી. ખબર નહિ કાલે ઉઠીને સાસરે જઈને શું કરશે?" નીતાબેન સ્ટીલના વાસણમાં લોટમાં થોડું મોયણ રેડી લોટ બાંધતા બબડી રહ્યા છે.

મારી મમ્મી રોજ 10 લોકોનું ટિફિન બનાવી તેમાંથી થતી આવકમાંથી તે અમારું ગુજરાન ચલાવી રહી છે. મારા પપ્પાનું તો કોરાના માં જ અવસાન થઈ ચૂક્યું હતું. ઘરમાં બસ હું અને મમ્મી. બીજું કોઈ નહિ. પપ્પાના ગયા પછી ઘરની જવાબદારી મમ્મી પર આવી ગયેલી. હું તો 16 વર્ષની! હું તો શું કરવાની? હા, મારી મમ્મી બહુ ભણેલી નહિ પણ રસોઈમાં તો તેને કોઈ ના પહોંચે. જે તેનાં હાથની એકવાર રસોઈ જમી લે તે જિંદગીભર એનો સ્વાદ ના ભૂલે.

"મનુ... કેટલી વાર? 11 વાગવા આવ્યા હમણાં સોમાકાકા ટિફિન લેવા આવી જશે." ઉનાળાની ગરમી અને ગેસની સગડીના તાપથી પરસેવે રેબેજબ થઈ ગયેલા ચહેરા આગળ તેમના વાળની કોરી લટો મસ્તી કરી રહી છે. જેને નીતાબેન લોટવાળા હાથે પાછળ ધકેલી રહ્યા છે.

"તને કેટલીવાર કહ્યું કે મારું નામ મનુ નહિ માનવી છે. મને માનવી કહીને બોલાય.આ મનુ બનુ મને નથી ગમતું." માનવી રસોડામાં આવીને તેની મમ્મી સામે પોતાનો અણગમો વ્યક્ત કરે છે.

"લે આ શાક, દાળ અને ભાત ટિફિનમાં ભરવા માંડ."

"મારે વેકેશનમાં પણ આ જ કામ કરવાનું? " માનવી મોઢું મચકોડતા બોલે છે.તેની મમ્મી રોજની જેમ કંઈ પણ જવાબ આપ્યા વગર રોટલી કરવા લાગે છે.

મારી મમ્મી છે જ એવી. હું ગમે તેમ બોલું પણ તો પણ તે કંઈ જવાબ આપ્યા વગર રસોડાની ગરમી સાથે મારી કડવી વાતો પણ સહન કરી લે. તેને જોવું છું તો તેનાં ચહેરા પર એક થાક દેખાઈ આવે છે. એક ઉંમરનો થાક, એકલતાનો થાક. બસ સવારે ઉઠે ત્યારથી એ રસોડામાં અને રસોડું એનામાં.

"નીતાબેન... ટ્રીન.. ટ્રીન.. ટ્રીન.." સોમાકાકા તેમના સમયે પ્રમાણે રોજની જેમ આજે પણ ટિફિન લેવા આવી ગયા છે. સાયકલની ઘંટડી સાથે તેમનો પણ અવાજ રસોડામાં પહોંચી જાય છે.

"લે દરેક ટિફિનમાં આ દસ દસ રોટલી મુકી દે." માનવી તેનાં મમ્મીનાં છૂટેલા આદેશનું ના છૂટકે પાલન કરી રહી છે.

નીતાબેન એક ડબ્બામાંથી દસ ટિફિનનાં બિલ પર એક નજર ફેરવી ઝડપથી ટિફિનની થેલી લઈને સોમાકાકાને આપવા પહોંચી જાય છે.

"લો કાકા આ દસ ટિફિન અને આ મહિનાનું બિલ." મમ્મી સોમાકાકાનાં હાથમાં ટિફિન આપતા સવારનાં કામનાં થાકનો હાસકારો લઈ રહી છે.

કદી ના જોયેલો થાક આજે તેનાં શરીર દ્વારા પ્રદર્શિત થઈ રહ્યો છે. પરસેવાથી ભીંજાયેલી સાડી તેની મહેનત અને સંઘર્ષની સાક્ષી પુરી રહી છે. પપ્પાના ગ્યા પછી તે છેલ્લે ખુલ્લા મને ક્યારે હસી હતી? હું વિચારતી હતી જ...

" હવે મારાથી ઘરની સાથે ટિફિનનું કામ નથી થતું. થાકી જવાય છે. રસોઈમાં થોડી તારી મદદ માંગુ છે તેમાં પણ તને..." મમ્મી બીપીની ગોળી પાણી સાથે ગળીને ખુરશીમાં પોતાનું શરીર ઢાળીને ઉંડો શ્વાસ લઈ આંખોની પાંપણ નીચી કરીને કોઈ વિચારોમાં ખોવાઈ જાય છે.

હું એકલી મોબાઈલ હાથમાં લઈને મિત્રો સાથે ચેટ કરવા લાગી જાઉં છું.

"મમ્મી તું ટિફિન બંધ કેમ નથી કરી દેતી?" અચાનક મારાં મોઢામાંથી મમ્મીને પુછાઈ ગયું.

"ટિફિન ના કારણે જ બેટા આ ઘર ચાલે છે."

"પપ્પાનું પેંશન તો આવે છે ને!"

"હ.. કેટલું પેંશન? તને ખબર છે. આ મોંઘવારીમાં તારા પપ્પાના પેંશન થી કંઈ ના થાય. એટલે જ્યાં સુધી થાય ત્યાં સુધી કરીશ." મમ્મી ખુરશી પરથી ઉભી થઈને પાછી રસોડામાં સવારના વાસણો આટોપવા લાગી જાય છે.

"મમ્મી ટિફિન બંધ ના કરે તો કંઈ નહી. એક વેકેશન લઈ લે. આ શું આખી જિંદગી રસોડામાં જ કાઢવાની?" માનવી ફોન ચાર્જિંગમાં મૂકીને તેની મમ્મી પાછળ રસોડામાં જઈ તેની મમ્મીની મદદ કરવા લાગે છે.

મારી મમ્મી મૌન થઈને કામમાં લાગી જાય છે. મારી મમ્મીને જોઈને એક જ વિચાર આવે છે કે તેને આખો દિવસ આ રસોડામાં કંટાળો નહિ આવતો હોય? તેને કોઈ ફ્રેઈન્ડ નથી? તે તેનાં પિયર અને નજીકના સગાવહાલા સિવાય બીજે ફોન પર વાત પણ કરતી નથી? શું તેને ઘરની બહાર જવાની ઈચ્છા નહિ થતી હોય?

"મમ્મી શું હું પણ પરણે તો મારે પણ તારી જેમ સવાર થી સાંજ રસોડામાં જ રહેવાનું થશે?" મમ્મી મને કંઈ જવાબ આપે ત્યાં ઘરના વરંડાના લોખંડનો કાટ ખાઈ ગયેલો દરવાજાના ખુલવાનો કિચુડ... અવાજ આવે છે.

                                                                  ક્રમશ :

લેખક :- તેજસ વિશ્વકર્મા