Mare man jain hovu etle... in Gujarati Spiritual Stories by Tejas Vishavkrma books and stories PDF | મારે મન જૈન હોવું એટલે...

Featured Books
Categories
Share

મારે મન જૈન હોવું એટલે...

     મારે મન જૈન હોવું એટલે ...

હું પોતે જૈન નથી, પણ મારે જૈન થવું છે. મારે કેમ જૈન થવું છે? કેમ કે મારે મન ‘જૈન’ એટલે....
મારા 15000 ની વસ્તીવાળા ડાભલા(વસઈ) ગામમાં ઘણાં જૈનોનાં ઘર છે. એમાંથી હાલમાં ત્રણ-ચાર પરિવાર રહે છે. બાકીનાં નોકરી-ધંધાર્થે બહાર વસવાટ કરે છે. હું નસીબવાળો છું કે મારું ઘર જૈનોનાં ઘર અને દેરાસરની એકદમ પાસે છે. હું જૈન તો નથી, પણ જૈન ધર્મ, તેનાં સિદ્ધાંતો, તેની વાતો, તેનાં વિચારો ફક્ત મારા માટે નહીં, પણ સમગ્ર સંસાર માટે સુખની એક ચાવી છે તેવું હું કહીશ. મારા મતે ‘જૈન હોવું એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી.’
મારા પાડોશમાં બે જૈનોનાં પરિવાર હોવાને કારણે સવારે એક દ્રશ્ય મને કાયમ જોવા મળે. સફેદ ધોતિયું ગળે વિંટાળીને દેરાસર જતો જૈન શ્રાવક મને ખૂબ ગમે. આજે પણ એવો શ્વેતવસ્ત્રધારી શ્રાવક જોવા મળે ત્યારે હું એને આદરપૂર્વક નીરખતો રહું છું. મેં તે જૈન પરિવાર પાસેથી અત્યાર સુધી જેટલાં સિદ્ધાંતો સાંભળ્યા અને સમજ્યા છે. તેનાં ઉપરથી મને તો હંમેશા એક જ વિચાર આવે છે કે દરેક વ્યક્તિ માટે ‘જૈન’ બનવાનું શક્ય છે ખરું??
“અહિંસા એ જૈનોનાં જીવનનો મૂળભૂત સિદ્ધાંત છે. માત્ર મનુષ્યો પ્રત્યે નહીં, પણ દરેક જીવ પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો. નાનામાં નાના જંતુ, અમુક કિસ્સામાં વનસ્પતિ, જળમાં રહેનારા દરેક જીવ માટે કરુણા, શિકાર કરવો કે કોઈ પણ જીવને જરાં પણ હાની કરવી તે જૈનો માટે હિંસા સમાન છે.”
પણ મને તો એ વાતની નવાઈ લાગી કે તેમના મતે “અન્ય કોઈ પ્રત્યે મનમાં દુર્ભાવના રાખવી કે શાબ્દિક હિંસા કરવાનો પણ નિષેધ છે.”
એક દિવસ મારી મમ્મીએ મને અનાજ દળાવવા ગામની ઘંટીએ મોકલ્યો. ત્યાં અમારી બાજુમાં રહેતાં વર્ષામાસી કે જે જૈન છે. તે પણ પોતાનું દળણું(અનાજ ) દળાવવા આવેલાં. ત્યાં તેમને બીજા એક ગ્રાહકનાં દળણામાં જીવડાં(ધનેરા) જોયા. જે જોતાં જ તેમના મોઢામાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. જે સાંભળીને હું તો સહેજ ચમક્યોને પૂછ્યું કે “માસી શું થયું?”
તેઓ બોલ્યાં કે “આ ભાઈનાં દળણામાં જીવડા(ધનેરા) છે. આ ભાઈ આ ઘઉં સાથે આ જીવડાંને પણ ઘંટીમાં નાખીને દળી નાખશે!”
ઘંટીવાળો ભાઈ વર્ષામાસીની વાત સાંભળીને બોલ્યો “બેન એવાં બે-ચાર જીવડાં મરી જવાથી કંઈ ના થાય. એવું બધું તો ચાલ્યા કરે.”
ઘંટીવાળાનો જવાબ સાંભળીને વર્ષામાસીએ તે ભાઈનાં હાથમાંથી દળણું લઈને ત્યાંને ત્યાં અનાજ(ઘઉં) સાફ કરવાં બેસી ગયાં. તેઓ કહેવા લાગ્યા કે “હિંસા એટલે એવું નહીં કે ફક્ત મનુષ્યને લોહી નીકળે તો જ હિંસા. આ પણ નાનો જીવ છે. તેને પણ દર્દ, પીડા આપવી તે પણ હિંસા જ છે. ગમે તે જીવને આપણાથી નાનો સમજવો તે પણ હિંસા છે.” (સત્ય ઘટના)
એ જૈન વર્ષામાસીની જીવડાં(ધનેરા) માટેની તીવ્ર સંવેદના અહિંસાનું ઉપસ્થાન બની શકે. અન્ય માનવેતર પ્રાણીઓની વેદના જ્યારે માનવમાત્રની સંવેદનાને ઢંઢોળે ત્યારે યુદ્ધની સંભાવના ક્ષીણ થાય એ શક્ય છે.પૃથ્વી પર એવી શક્યતાનું સામ્રાજ્ય સ્થપાય એ ઇચ્છનીય છે
આ દ્રશ્ય જોઈને મારા મગજમાં એક જ વિચાર આવ્યો કે આજનો દરેક માણસ જો જૈન વર્ષામાસી જેવું વિચારતો થઈ જાય તો આ દેશ- દુનિયામાં ક્યાંય પણ આતંકવાદ, ત્રાસવાદ અને અશાંતિનું વાતાવરણ જ નાશ પામી જાય, પણ શું દરેક મનુષ્ય જૈન બની શકે છે ખરો? શું જૈનનાં સિદ્ધાંતો જીવનમાં ઉતારી શકે છે ખરો?
સાચો જૈન હંમેશા શાકાહારી ભોજન જ લે છે. તે જમીનની નીચે ઉગતા એટલે કે કંદમૂળ કહેવાય તેવાં ડુંગળી, લસણ, ગાજર, બટાકાને વર્જિત ગણે છે.
તેઓ માને છે કે કંદમૂળને જયારે જમીનમાંથી ખેંચવામાં આવે છે. ત્યારે તેની સાથે અનેક સૂક્ષ્મ જીવોને હાની થાય છે. તેથી તેનો નિષેધ કરાય છે. લસણનાં સ્થાને મસાલા તરીકે અને સ્વાદ તરીકે હિંગનો ઉપયોગ જૈન ભોજનમાં થાય છે.
જૈનગ્રંથો વાંચીને કે જૈનાચાર્યોને મળીને ઘણાં પશ્ચિમનાં વિદ્ધાનો ચુસ્ત શાકાહારી થયા છે. જ્યોર્જ બર્નાર્ડ શોએ ૨૫ વર્ષ માંસાહાર કર્યા પછી તેને જૈન ધર્મનો પરિચય થતાં તે ૯૫ વર્ષ જીવ્યા ત્યાં સુધી શાકાહાર જ લીધો. ગાંધીજીનાં પુત્ર દેવદાસ ગાંધી બર્નાર્ડ શોને મળવા ગયા. તેમણે પૂછેલું કે આવતા જન્મે તમે ક્યાં જન્મવા માગો છો? તો બર્નાર્ડ શોએ કહ્યું ‘આવતા જન્મે હું જૈન કુટુંબમાં જન્મવા માગું છું!’
એક દિવસ મારે મારા ઘરનાં સભ્યો સાથે ઝઘડો થયેલો, જેમાં થોડીઘણી બોલાચાલી થયેલી. જેમાં હું થોડોક વધુ ગુસ્સો થઈને ઘણું બોલેલો. જે સાંભળી અમારી પાસે રહેતાં નિવૃત શિક્ષક બાબુકાકા શાહ કે જે જૈન છે. તે મને તેમનાં ઘરે લઈ ગયાં અને મને સવાલ કર્યો કે ‘તે આજે હિંસા કેમ કરી?’
મેં કહ્યું “મેં કોઈ હિંસા નથી કરી. મેં કોઈને નથી માર્યા. હું તો ફક્ત ગુસ્સામાં આવીને બોલ્યો છું.”
તો તેમને મને કહ્યું કે “કોઈનાં શરીરમાંથી લોહી નીકળવું તે ફક્ત હિંસા નથી. પોતાનાં શબ્દોથી બીજા કોઈ જીવને હાની પહોંચાડવી, તેના જીવને દુભાવવો તે પણ એક હિંસા છે.” (સત્ય ઘટના)
બાબુકાકાનાં મોઢેથી આ વાત સાંભળી હજુય મને વિચાર આવે છે કે ખરેખર દરેક વ્યક્તિ દરેક જગ્યાએ પોતાની વાણી, વર્તન અને વિચારથી અહિંસા કરતો થઈ જાય તો આ પૃથ્વી, પૃથ્વી નહીં સ્વર્ગ બની જાય.
શાકભાજીનો વેપારી તોલમાપમાં ગરબડ કરે છે. તો તે તે પણ એક લોહી ના નીકળતી હિંસા જ છે. તેમાં વાણી કે લોહીની નહીં, પણ વિચારની હિંસા છે. કેમ કે તે વેપારીનાં મગજમાં ગ્રાહક સાથે છેતરપિંડી કરવાની હિંસા છે. અને જ્યાં સુધી આવી હિંસા દરેક વ્યક્તિમાં એક યા બીજી રીતે ઉપસ્થિત હશે. ત્યાં સુધી એક સાચો ‘જૈન’ બનવું તમામ માટે બહુ મુશ્કેલ હશે!
મારા મતે જો જૈન ધર્મ ના હોત તો આ દેશને મહાત્મા ગાંધીજી ના મળ્યાં હોત. શ્રીમદ્દ રાજચંદ્રએ કદાચ પત્ર દ્વારા માર્ગદર્શન ના આપ્યું હોત તો ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો હોત.
મારા મને જૈન ધર્મ એટલે સત્ય જેનો આધાર છે, વિનય જેનું મૂળ છે,ક્ષમા જેનું બળ છે.
મારા મતે જૈન ધર્મ કોઈ વાડાઓમાં, સંપ્રદાયમાં, વેશમાં કે શરીરની ક્રિયાઓમાં નથી, પરંતુ આત્મસ્વરૂપની ઓળખમાં જ જૈન ધર્મ છે – જૈનત્વ છે.
મિત્રો ફરી એકવાર હું કહું છું કે હું જૈન નથી. પરંતુ મારે જૈન થવું છે. મારે મન ‘જૈન’ હોવું એટલે કે...
જે મનુષ્ય પ્રામાણિક છે. તે ‘જૈન’ છે.
જેની લેવડદેવડ શુદ્ધ છે. તે ‘જૈન’ છે.
જેની કમાણી સ્વચ્છ છે. તે ‘જૈન’ છે.
જેનો નફો ગંદો નથી. તે ‘જૈન’ છે.
જેનો લોભ, ક્રોધ મર્યાદામાં છે. તે ‘જૈન’ છે.
જેને રાગ અને દ્વેષ પર વિજય પ્રાપ્ત કર્યો છે. તે ‘જૈન’ છે.
જેનાં વાણી, વિચાર અને વર્તનમાં અહિંસા છે. તે ‘જૈન’ છે.
જેનાંમાં સમવિચાર અને સમભાવના છે. તે ‘જૈન’ છે.
મારે આવાં જૈન થવું છે.મારે કોઈ નિર્વાણ નથી જોઈતું. મારે દેરાસર નથી બંધાવવું. મારે અઠ્ઠાઈ નથી કરવી. મારે ધર્માંતર કરીને જૈન નથી થવું, પણ મારે મારા વિચારો, વાણી અને વર્તનનું રૂપાંતરણ કરીને જૈન થવું છે.
જય જિનેન્દ્ર.

લેખક :-  તેજસ વિશ્વકર્મા