સિંઘમ અગેન- ટ્રેલર રીવ્યુ
- રાકેશ ઠક્કર
નિર્દેશક રોહિત શેટ્ટીની 2024 માં સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘સિંઘમ અગેન’ નું ટ્રેલર આવ્યું એની સાથે કેટલાક ખુલાસા થઈ ગયા છે. અત્યાર સુધી દિવાળી પર રજૂઆતની જાહેરાત થતી હતી. હવે 1 નવેમ્બર, 2024 ની તારીખ આપી દેવામાં આવી છે ‘સિંઘમ’ ની આ ફ્રેન્ચાઇઝી હોવા ઉપરાંત કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. આ ભવ્ય ફિલ્મમાં એટલા બધા સ્ટાર્સ છે કે એના પર રૂ.350 કરોડનો ખર્ચ સ્વાભાવિક લાગે છે.
અજયની ‘સિંઘમ અગેન’ રજૂ થશે ત્યારે બોક્સ ઓફિસ પર કયા રેકોર્ડ તોડશે એની ખબર નથી પણ એના ટ્રેલરે રોહિતની જ અગાઉની ફિલ્મ ‘સૂર્યવંશી’ ના 4.16 મિનિટના ટ્રેલરની લંબાઇનો રેકોર્ડ 4.58 મિનિટ સાથે તોડી નાખ્યો છે. એટલું જ નહીં હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ લંબાઈના ટ્રેલરવાળી ફિલ્મ બની છે. ફિલ્મમાં પાત્રો જ એટલા બધા છે કે એમના પરિચય માટે આટલી લંબાઈ જરૂરી લાગે છે. સ્ટાર્સ એટલા છે કે એમને જોવામાં પાંચ મિનિટ ક્યાં પૂરી થઈ ગઈ એનો ખ્યાલ જ ના આવ્યો. ઘણાને ટ્રેલર નાનું લાગ્યું છે!
‘રામાયણ’ પર આધારિત ફિલ્મ હોવાથી લાંબી તો રહેવાની જ છે. ‘રામાયણ’ ની આ થીમ દર્શકોને ફિલ્મ સાથે વધારે જોડી શકે છે. લાંબો ઇંતજાર કરાવ્યા પછી રોહિતે લાંબા ટ્રેલરથી દર્શકોને ખુશ કરી દીધા છે. માસ-મસાલા ફિલ્મોના શોખીનોને તો ટ્રેલરથી જલસો થઈ ગયો છે.
અજય દેવગન, રણવીર સિંહ, અક્ષયકુમાર, ટાઈગર, કરીના, દીપિકા વગેરેની મોટી સ્ટારકાસ્ટ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા સક્ષમ છે. એમાં હવે અર્જુન કપૂરનું વિલનનું પાત્ર પણ ગણી શકાય એમ છે. અત્યાર સુધી અભિનય માટે એને ટ્રોલ વધારે કરવામાં આવ્યો છે. આ ટ્રેલર પછી એના પાત્રનું ચિત્રણ જબરદસ્ત લાગતું હોવાથી પ્રશંસક વધી જશે. ટ્રેલર કરતાં વધુ બિભત્સ હિંસા સાથે એ ફિલ્મમાં જોવા મળી શકે છે. આમ પણ હવે હીરો બનતા કેટલાક અભિનેતાઓએ જ વિલન તરીકે હિન્દી ફિલ્મોમાં મોરચો સંભાળવાનું ચાલુ રાખ્યું છે. અર્જુનની તરફેણમાં જાય એવી વાત એ છે કે બોલિવૂડમાં વિલન તરીકે પહેલી વખત આવનાર હીરોની એ ફિલ્મ સફળ રહે છે. અર્જુને બીજા કોઇની ફિલ્મમાં ‘રાવણ’ તરીકે કામ કર્યું હોત તો કદાચ તેની આટલી નોંધ લેવામાં આવી ન હોત.
નિર્દેશક રોહિત શેટ્ટીએ પોતાની સ્ટાઈલ મુજબની જ મનોરંજક ફિલ્મ બનાવી છે. દર્શકો એમના જે પ્રકારના એક્શન દ્રશ્યોના દીવાના છે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ ફિલ્મના ચાહકોની સંખ્યા મોટી રહી હોવાથી એના બજેટથી ત્રણ -ચાર ગણી કમાણી કરી શકે છે. કેમકે એમાં એટલા મોટા સ્ટાર છે કે દરેક પોતાના દમ પર રૂ.100-200 કરોડ આરામથી લાવી શકે છે. ફિલ્મમાં અજય દેવગન બધાનો ‘ગુરૂ’ છે. એનું પાત્ર ‘રામ’ જેવું છે. એની સ્ટાઈલ જોઈને અને ‘તેરે સામને જો ખડા હૈ વો મહાત્મા ગાંધી કા આદર જરૂર કરતા હૈ, લેકિન પૂજતા તો છત્રપતિ શિવાજી મહારાજ કો હૈ’ જેવા સંવાદ સાંભળીને લાગે છે કે તે જબરદસ્ત કમબેક કરવાનો છે. એની ‘બાજીરાવ સિંઘમ’ ની ભૂમિકામાં એટલો દમ હતો કે ફ્રેન્ચાઇઝી બનાવવી પડી છે. અજયને જોઈને એમ થશે કે એણે ‘ઔરોં મેં કહા દમ થા’ જેવી દમ વગરની ભૂમિકાઓ કરવાની ભૂલ કરવા જેવી નથી.
ટ્રેલરને ઘણા મજાકમાં ટૂંકી ફિલ્મ તરીકે ઓળખાવી રહ્યા છે. એમાં મોટાભાગની વાર્તા જાહેર કરી દેવામાં આવી છે. વાર્તાને બતાવાની રોહિતની રીત અનોખી છે. સામાન્ય રીતે ફિલ્મના ટ્રેલરમાં ઘણું બધું છુપાવવામાં આવે છે. રોહિતે અગાઉ આવું જ રણવીર સિંહ સાથેની ‘સૂર્યવંશી’ વખતે કર્યું હતું. છતાં દર્શકો ફિલ્મ જોવા ઉમટી પડ્યા હતા. ‘સિંઘમ અગેન’ માં ટાઈગરના એક્શન દ્રશ્યો અને દીપિકાની કોમેડી ટાઈમિંગ કામ કરી જાય એવી છે. ‘પઠાણ’ માં દીપિકાની ભૂમિકા ગંભીર હતી. ‘સિંઘમ અગેન’ માં દીપિકાએ ‘લેડી સિંઘમ’ નું રૂપ ધર્યું છે.
ફિલ્મમાં અજય અને દીપિકાને વધારે સંવાદ મળ્યા હોવાથી સૌથી વધુ બંને છવાઈ જશે. રણવીરને ‘સિમ્બા’ તરીકે એક્શનની તક મળી છે. અક્ષયકુમારની ‘જટાયુ’ તરીકે એન્ટ્રી જબરદસ્ત છે, એક જ દ્રશ્યમાં એ છવાઈ ગયો છે. દક્ષિણની ફિલ્મો જોનારા દર્શકોને ‘સિંઘમ અગેન’ માં કશું નવું લાગશે નહીં. સ્ટાર્સ પોતાની જ ફિલ્મોની જાહેરાત કરતાં હોય એમ લાગે છે. દરેકનું એકબીજા સાથે કોઈ જોડાણ દેખાતું ન હતું. અજય કહે છે કે,‘ગૂગલ પે બાજીરાવ સિંઘમ ટાઈપ કર લે, પતા ચલ જાયેગા તેરા બાપ ચીઝ ક્યા હૈ.’ ફિલ્મના સંવાદ ખુદ રોહિતે બીજા પાંચ લેખકો સાથે મળીને લખ્યા છે. રોહિતની ફિલ્મની ખાસિયત જ એ છે કે એના ટ્રેલરની નોંધ કોઈ ફિલ્મ જેટલી જ લેવામાં આવે છે.
‘રામાયણ’ અને ‘એવેન્જર્સ’ની કોમ્બો લાગતી મોટા બજેટની ફિલ્મ ‘સિંઘમ અગેન’ ના ટ્રેલરમાં બોલિવૂડના સ્ટાર્સની ભીડ જોઈને કહેવું પડશે કે ફિલ્મની ટિકિટનું બુકિંગ થવું ના જોઈએ. એની ટિકિટની તો બોલી લગાવવી જોઈએ! શું કહો છો?