Sangharsh - 8 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 8

Featured Books
Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 8

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ – ૮ રાજકરણનો ભૂતકાળ


‘એમ એકલો તો તને નહીં જ જવા દઉં.’ ધૂળીચંદે રાજકરણના ખભે હાથ મૂકીને એનો ખભો દબાવ્યો.

રાજકરણે તેની સામે સ્મિત સાથે જોયું ત્યાં તો ગામના બીજા બે ત્રણ યુવાનો પણ તેની તરફ ચાલતા આવતા તેણે જોયા. 

આ પાંચેક જણાનું મંડળ રાજકરણના ઘર તરફ ચાલી જતું જગત અને બાકીના ગામવાળા જોઈ રહ્યા. 

‘પોતે તો મરશે પણ આ ધૂળીચંદ અને પેલા બાકીના ત્રણના ઘરનેય રાંડ કરશે. ઘરડાઓની સલાહની કોઈ કિંમત જ નથી ને? તમે જો જો આ એક દિવસ જીવતો પાછો નહીં ફરે. હુંહ, ઘરવાળીને સાચવી ન શક્યો ઈ દેશ સાચવવા નીકળ્યો છે.’ જગતે પોતાનાથી દૂર જઈ રહેલા રાજકરણ અને તેના સાથીદારો તરફ જોઇને તુચ્છકાર સાથે કહ્યું.

રાજકરણની ઘરવાળીની વાત સાંભળીને બે-ત્રણ ગ્રામવાસીઓ જગત સામે આંખો ફાડીને જોઈ રહ્યા. વર્ષોથી રાજકરણ અને એની ઘરવાળી ચિત્રા અલગ અલગ રહેતા હતા એ બધાને ખબર હતી.

‘હા, તમને અંદરની વાત ખબર નથી એટલે આમ મારી સામે જોઈ રહ્યા છો. અત્યાર સુધી ઘરની આબરૂ ઘરમાં જ રે’ એટલે કાંઈ બોલતો ન’તો. ભાભી તો ગયે વર્ષે સિધાવ્યા, હવે મારો ભાઈ પણ ગ્યો, એનું પિંડદાન પણ થઇ ગ્યું, ને આ ભત્રીજો પહેલેથી જ મારા કુટુંબના ધજાગરા કરવા માટે ઉતાવળો થ્યો છે તો હવે હું શું કામ ચૂપ રહું? હવે શું એ ઘરની આબરુ ને શું... હાલો માંડીને વાત કરું.’

જે દસ-બાર ગ્રામવાસીઓ બચ્યા હતા એ બધા ટોળે વળીને જગતની આસપાસ બેસી ગયા અને જગત શું વાત કરશે એની ઉત્કંઠાથી રાહ જોવા લાગ્યા. જગતે હુક્કો ગગડાવવાનું શરુ કર્યું...

‘હાવ પંદર વરસની ઉંમરે ભાઈને ફ્ત્તેસિંહના ગઢની ચિત્રા સાથે પ્રેમ થઇ ગ્યો. આજે આ ઉંમરેય જેનામાં સાચા-ખોટાની તમા નથી એને પંદર વરસે શું ભાન હોય ભાઈ હેં? એક દી’ અચાનક બાપને જઈને કે’વા લાગ્યો કે હું પરણીશ તો આ ચિત્રા સાથે જ નકર નહીં.

‘ઓલી છોકરી પણ જાણે અપ્સરાનો અવતાર હતી હોં, તમને બધાને તો ખબર જ છે. ભલભલાને... અરે ભલભલાને શું કામદેવને પણ થાપ ખવડાવી દે એવી હેં ને? આ હોશિયારને ખબર નહીં કે એ એવડી ઉંમરે જમાનાની ખાધેલ હશે ને એની પહેલા પારકે નાણે મોજ કરવા માટે એના જેવા તો કેટલાયને ખાઈ ગઈ હશે. એ વખતે મારા ભાઈની જમીન ને ખેતીવાડી તો તમે બધા જાણો જ છો, પલ્લડી ગામમાં સૌથી વધુ એને જ આવક થતી. બસ આ વાત ઈ છોકરીના મનમાં ઘર કરી ગઈ.

‘ફસાઈ ગ્યો આ કરણીયો. એનો બાપ ને મારો ભાઈ તો આના જનમથી જ ધૃતરાસનેય શરમાવે એવો પુત્રપ્રેમી હતો. આણે માંગણી કરી ને ભાઈને હાવ સોળ વરસે પરણાવી દીધો ઓલી સત્તરપગી સાથે. શરૂઆતમાં તો બેય પ્રેમી પંખીડાની જોડી, તમે બધા તો જાણો જ છો, આખા ગામમાં પોતાના પ્રેમના સમ લેવડાવતી. આ ભાઈને તો ખેતીમાં રસ પે’લેથી જ નહીં, ખાલી મારા ભાઈને ખપ પૂરતી મદદ કરે. એમાં આને લખણે ચડ્યો એટલે ખેતી તો સાવ મૂકી દીધી.

‘ત્રણ વરસ પહેલા મારા ભાઈને પહેલીવાર નુકસાન ગ્યું. એક તો દુકાળ અને બીજું ખેતીવાડી માટે નાયક પાસેથી લીધેલા પૈસા ચૂકવવાની તકલીફ. ચાલો પહેલા વર્ષે તો જમા પૂંજીમાંથી દેવું ચૂકતે કરી દીધું, પણ પછીના બે વરસ દુકાળને લીધે બહુ ખરાબ ગ્યા. પણ મારા આ ભત્રીજાને એની જરાય તમા ન હતી. એ ભલો ને એની ચિત્રા ભલી.

‘પણ ઈ બાઈ હતી હોશિયાર, એને ગંધ આવી ગઈ કે મોજ કરવા માટે હવે આ ઘર પેલ્લાં જેવું રહ્યું નથી. એટલે એણે પોતાની તૈયારી ચાલુ કરી દીધી. પહેલાં બે વ્યક્તિ વચ્ચે રિસામણા-મનામણાથી વાત ચાલુ થઇ તે સાસુ-સસરા સાથેના ઝઘડા ને પછી ધણી સાથેના ઝઘડા સુધી એણે જાણી જોઇને પહોંચાડી. જ્યારે આ કરણથી સહન ન થ્યું ત્યારે એક રાત્રે અડબોથમાં એક ઝીંકી દીધી.

‘બસ, એ અડબોથ ઓલીએ મનમાં રાખી લીધી. પણ હું કહું છું કે આપણું કોઈ અપમાન કરે તો આપણે સામું અપમાન કરી લેવાય હેં, પણ આમ ઘરની આબરૂના ધજાગરા કરાય? ન જાણે કેમ પણ એણે તો અમારા કુટુંબ સાથે બદલો લેવા નાયક સાથે ફાગ ખેલવાના શરુ કરી દીધા. રામ, રામ રામ... નાયક પાછો એમ તો ભોળો, એનેય આ બનાવી ગઈ. 

‘પણ એનો ખરો ઈરાદો તો નાયકને ખભે ચડીને મોટો શિકાર કરવાનો હતો. આશાવનના સેનાપતિ ગંડુરાવ દર મહીને આપણે ગામ આવે ને નાયકને મળે ને હાલચાલ પૂછી, રાત રોકાઈ ને બીજે દિવસ સવારે જતા રે, વર્ષોથી આ એમનો કાયમનો ક્રમ. બસ આ વાત પેલીએ ધ્યાનમાં રાખી. એકવાર ગંડુરાવ આવ્યા ત્યારે નાયકને મહાનાયક બનાવી દઈશ એવી લાલચ આપીને સેનાપતિ સાથે એ રાતે... રામ, રામ, રામ મારાથી તો આગળ પણ નથી બોલાતું.

‘પછી આવી અપ્સરાને સેનાપતિ છોડે? લઇ ગ્યો ઈ જ રાતે પોતાની સેના સાથે આશાવન. અહીંયા આ રાજકરણને રડતો કરી દીધો. મારો ભાઈના મરણ માટે ભલે નાયકની તલવાર નિમિત બની હોય, પણ સાચું કહું જે રાતે ઓલી સત્તરપગી સેનાપતિ સાથે ભાગી ત્યારથી જ મારા ભાઈની તબિયત અમારા કુટુંબની આબરુની ચિંતામાં રોજ ઓછી થતી જાતી હતી, તમને સાચું કહું છું.

‘એમ તો પછી નાયકને પણ ગુસ્સો તો આવે જ ને? લાલચ આપીને તો અમારા ઘરની વહુ-દીકરી જ એને ઉલ્લુ બનાવી ગઈ હતી? એટલે મારા ભાઈની કર ન આપવાની પહેલવહેલી વિનંતી પણ એને ગુસ્સો દેવડાવી ગઈ અને...

‘જુવાનીની અણસમજમાં ઓલીને પ્રેમ કરવાની આ રાજકરણથી એવડી તે મોટી ભૂલ થઇ ગઈ કે મારા ભાઈના જીવ જવાથી પણ એ સંતોષાઈ નથી. અને હવે એ આપણા બધાનો જીવ લઈને એને સંતોષવા માંગે છે. અરે, કાળુકાકા પોતાની બૈરીને જે સમજાવી ન શક્યો, સાચવી ન શક્યો ઈ આ સુનંદા ને બીજા ગામના આગેવાનોને સમજાવશે? આપણને સાચવશે?’ 

જગતે હુક્કાનો છેલ્લો કશ ગગડાવીને વાત પૂરી કરી. કાળુકાકા અને ગામના બીજા વડીલો આ વાત સાંભળીને ચકિત થઇ ગયા હતા. એમને ખબર જ ન હતી કે આ રીતે રાજકરણની પત્ની રાજ્યના સેનાપતિ ગંડુરાવ સાથે ભાગી ગઈ હતી. એમને તો એમ જ કહેવામાં આવ્યું હતું કે ધણી-ધણીયાણી વચ્ચે અણબનાવ થયો છે એટલે પિયર ગઈ છે, વાતચીત ચાલે છે અને બહુ જલ્દીથી નિરાકરણ આવી જશે.

હા, એક વર્ષ સુધી ચિત્રા પાછી ન આવી એટલે ફરીથી સવાલ થયા પણ એનો સરખો જવાબ રાજકરણ કે એના પરિવારના સભ્યો આપી શક્યા ન હતા. એટલે આજે જ્યારે એ ઘરના જ એક સભ્ય એવા જગતે આવો ખુલાસો કર્યો ત્યારે બધાને ધક્કો લાગ્યો. 

‘એ ધૂળીચંદ તો આમેય મા-બાપ વગરનો છે, આપણે આપણા છોકરાઓને રોકો હવે.’ કાળુકાકાએ ફરમાન જારી કરી દીધું જેને બાકીના વડીલોએ હકારમાં ડોકાં ધુણાવીને સ્વીકારી લીધું. 

બીજે દિવસે પ્રભાતે જ્યારે રાજકરણ અને ધૂળીચંદ પોતપોતાના ઘોડા ઉપર ગામના પાદરે આવ્યા ત્યારે ત્યાં તેમના સિવાય બીજું કોઈ ન હતું.    

‘કેમ આવ્યા નહીં? રાતે તો છૂટા પડ્યા ત્યારે નક્કી હતું કે પ્રભાતે અહીં ભેગા થઈશું?’ ધૂળીચંદ ગામ તરફ લાંબી દ્રષ્ટિ કરતાં બોલ્યો. 

‘કોઈ નહીં આવે ધૂળ્યા. રાષ્ટ્રવાદ નિસ્વાર્થ હોય છે, આમાં સ્વાર્થી લોકોનું કામ નહીં.’ રાજકરણ કટાક્ષભર્યા સ્મિત સાથે બોલ્યો. 

‘પણ રાત્રે તો આમ કરી નાખશું, તેમ કરી નાખશું એવો જુસ્સો હતો. સવાર પડે શું થયું?’ 

‘ધૂળ્યા, રાત અને દિવસ વચ્ચે અંતર હોય છે, આ ભલે એકાદ-બે પ્રહરનું અંતર લાગે, પણ ખરેખર તો એ અંતર બાર-પંદર ગાઉં જેટલું હોય છે. જેમ રાતનો દિવસ થઇ જાય છે એમ એ સમય દરમ્યાન માણસનું મન કાં તો બદલાઈ જાય છે કે પછી એને બદલી નાખવામાં આવે છે.’ 

‘એટલે તને લાગે છે કે એમના વડીલોએ...’

‘બીજું તો શું હોય ભાઈ? આપણે ગયા ત્યારે કાકા અને એમના ચેલાઓ તો મોડી રાત સુધી અહીં જ હતા ને? એમાં એ ત્રણના બાપા-દાદા પણ હતા.’

‘સ્વતંત્ર તો થઈશું ત્યારે પણ સહુથી પહેલા આ તારા કાકાનું કાંઈક કરવું પડશે. ઘર ફૂટે ઘર જાય ભાઈ. આપણે દેશ બનાવવા નીકળીશું અને આ જગતો તારા ઘરમાં જ કાણું પાડશે તો આપણી બધી મહેનત વગર આપણા વાંકે હિરણમતીમાં સમાઈ જશે.’

‘દરેક કામ એના સમયે થશે જ. મને એ વાતનો આનંદ છે કે આશાવનને સ્વતંત્ર કરવાના મારા આશયના શ્રીગણેશ હું કરું છું ત્યારે હું સાવ એકલો તો નથી જ.’ 

‘અરે! આ તું શું બોલ્યો મિત્ર? ચાલ, એ છોડ, એક બીજી વાત મારે તને કરવાની છે. લાગે છે આ જ ખરો સમો છે તને કહેવાનો.’

‘શું?’

‘પલ્લડીમાં મારા દાદા પહેલીવાર આવીને વસ્યા હતા અને ગોળનો ધંધો શરુ કર્યો હતો. એટલે ગામ લોકો એવું માને છે કે છેલ્લી ત્રણ પેઢીથી અમારો ગોળનો જ ધંધો છે અને રોજ આપણા ગામ અને આસપાસના ગામડાઓમાં ગોળ વેંચીને જે મળે એમાં મારું ઘર ચાલે છે. પણ, મારા દાદા પલ્લડી કેમ આવીને વસ્યા હતા એના વિષે કોઈને ખબર નથી.’

રાજકરણ પોતાના બાળપણના મિત્ર ધૂળીચંદની આ રહસ્યમયી વાત ધ્યાનથી સાંભળી રહ્યો.